Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સત્સંગ ઇતિહાસ

'છોટી કાશી' ગણાતા જામનગરની ભૂમિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી જેવા મહાન પરમહંસોની ચરણરજથી પવિત્ર થયેલી છે. ચાલીસેક વર્ષ પૂર્વે અહીં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદથી ભાસ્કરભાઈ દવે દ્વારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગની શરૂઆત થઈ હતી. તેમણે શરૂ કરેલ રવિસભામાં રામજીભાઈ માવદિયા, મોહનભાઈ માવદિયાએ મંડળ વધારવા સારો પુરુષાર્થ કર્યો. એમાં રતિલાલભાઈદવે, કાકુભાઈનથવાણી, ઘનુભા રાણા, પ્રવીણભાઈ દાસાણી, માલદેવભાઈ સિસોદિયા, રતિલાલભાઈ વિસરોલિયા, ઘનશ્યામસિંહ રાણા, રામજીભાઈ ચૂડાસમા, કેશવજીભાઈ કનખરા, પરમાનંદભાઈ કોટક વગેરે પાયાના સત્સંગીઓએ શ્રદ્ધાપૂર્વક પુરુષાર્થ કર્યો. રવિસભાનાં સ્થળ બદલાતાં રહેતાં. ૧૯૭૨માં સ્વામીશ્રીએ અહીં એક નિશ્ચિત સ્થાન લેવા માટે આજ્ઞા કરી અને હરજીવનદાસ બારદાનવાળાએ અંબર ટોકીઝની સામે આવેલી નળવાળી શેરીમાં રૂનું ગોડાઉન અપાવ્યું. અહીં વિધિવત્‌ મૂર્તિ પધરાવી નાનું હરિમંદિર કર્યું અને સત્સંગ નિયમિત શરૂ થયો. ગોંડલથી બાલમુકુંદ સ્વામી, જ્ઞાનપ્રસાદ સ્વામી, ભાદરાથી દેવચરણ સ્વામી અવારનવાર જામનગર પધારતા અને સત્સંગમંડળને પોષણ આપતા રહ્યા. '૯૧માં સ્વામીશ્રીએ અહીં ધર્મનિધિસ્વામી અને શ્રીજીસેવા સ્વામીની નિયુક્તિ કરી. ૧૯૯૨માં મગનભાઈ સામાણીએ આણદાબાવા આશ્રમમાં શ્રીમદ્‌ ભાગવત પારાયણનું આયોજન કર્યું. એવખતે સાત દિવસ સુધી સ્વામીશ્રી અહીં રોકાયા. પારાયણ પછી જાણે સત્સંગે હરણફાળ કરી. વડીલો, યુવાનો અને બાળકોનો સમૂહ વધવા લાગ્યો. અને શહેરની વચ્ચે એક નાની જમીન પ્રાપ્ત થઈ એમાં ૧૦૮'ƒ૩૫' ફૂટનો શેડ તૈયાર કર્યો. અહીં રવિસભા, સમૈયા ઉત્સવ થતા. ૧૯૯૬માં સ્વામીશ્રીએ આનાથી પણ મોટી જમીન લેવા માટેનો સંકલ્પ કર્યો. જામનગર શહેર એ વખતે રિલાયન્સ જેવી મોટી કંપનીઓનું નામ પણ કદાચ જાણતું ન હતું. એ વખતે સ્વામીશ્રીએ જામનગરનો નકશો જોઈને ખંભાળિયા બાયપાસ અને સમર્પણ હૉસ્પિટલ વચ્ચેની જગ્યા પસંદ કરી અને બંને હાથ ઊંચા કરીને બોલ્યા, 'અહીં ભવ્ય મંદિર બનશે અને સૌરાષ્ટ્રભરનાં લોકો દર્શન કરવા આવશે.'
સ્વામીશ્રીના આ સંકલ્પે ૩૨ એકરની ભૂમિ પ્રાપ્ત તો થઈ, પરંતુ અહીં નજીક જ ભારતીય લશ્કરની ત્રણેય પાંખના પશ્ચિમ ઝોનનું અતિશય સંવેદનશીલ મથક હતું. પરિણામે આ વિસ્તારમાં મંદિર કરવું અશક્ય હતું. છતાં ભગવત્કૃપાથી સ્વામીશ્રીએ અહીં જ મંદિર કરવાનો સંકલ્પ કર્યો હતો તેથી, આશ્ચર્યકારક રીતે આ જમીન પર મંદિર બાંધવાની પરવાનગી પ્રાપ્ત થઈ. સૌ પ્રથમ અહીં એક શેડ ઊભો કરીને નાનું સુંદર મંદિર અને સંતનિવાસ તૈયાર કરી દેવામાં આવ્યો હતો અને ત્યારથી રવિસભા પણ અહીં થવા લાગી. ૨૦૦૭માં બાંધકામ અંગેની પરમિશન મળતાં ૩૨ એકર જમીન ફરતે કમ્પાઉન્ડ વૉલ બાંધવાની શરૂ કરી. રોજ મોડી રાત સુધી ૧૦૦થી વધારે બાઈ-ભાઈ હરિભક્તો સેવા આપતાં. ફક્ત ૫૦ દિવસમાં ૧૪૦૦ ફૂટ દીવાલનું કાર્ય આ હરિભક્તોએ જ જાત મહેનતથી પૂરું કર્યું.
ટૂંક સમયમાં જ સ્વામીશ્રીએ શિલાન્યાસ વિધિનો આદેશ આપ્યો અને તા. ૮-૧૦-૨૦૦૮નું શુભ મુહૂર્ત આવી ગયું. અહીં સર્વોપરિ મંદિર બને એ માટે નાનામોટાં ૨૧૫૩ બાઈ-ભાઈ હરિભક્તોએ છેલ્લા એક વર્ષથી માળા, દંડવત્‌, નિર્જળ-પ્રવાહી ઉપવાસ, એકટાણાં વગેરે વિવિધ પ્રકારના નિયમો લીધા હતા. આજે જાણે તે તપ ફળિભૂત થઈ રહ્યું હતું.
શિલાન્યાસ માટે ૧૫૦' લંબાઈ, ૧૦૦' પહોળાઈ અને સાડા ચાર ફૂટ ઊંડાઈ ધરાવતો વિશાળ ગર્ત કરાયો હતો. તેની દીવાલોને સુંદર શણગારાઈ. ઉપર મંડપ બંધાયો. શ્રુતિપ્રકાશ સ્વામી તથા પંડિતો ઘનશ્યામભાઈશુક્લ, મૂકેશભાઈ શાસ્ત્રી વગેરેએ ૬:૩૦ વાગે મહાપૂજાનો આરંભ કરાવ્યો જેમાં ૮૦૦૦ યજમાનો શિલાપૂજનમાં જોડાયા. સ્વામીશ્રીના પધારતાં પહેલાં ત્યાગવલ્લભસ્વામીએ શિલાન્યાસનો પૂર્વવિધિ કર્યો હતો. ડાબે-જમણે ત્રણ-ત્રણ શિલાઓ પર સિદ્ધેશ્વર સ્વામી તથા અન્ય વડીલ સંતો વિધિમાં બિરાજ્યા હતા. એસિવાય જુદાં જુદાં અનેક મંદિરોમાંથી આવેલા સંતો પણ શિલાપૂજન માટે બેઠા હતા. મુખ્ય ૨૭ શિલાઓની પૂજાવિધિમાં ૫૪ જેટલા હરિભક્તો બેઠા હતા.
મુખ્ય યજમાનોમાં ચંદ્રકાન્તભાઈ પૂજારા, કુમારભાઈ પૂજારા, રાજુભાઈ સામાણી, સ્નેહલભાઈ, આશિષભાઈ, કીલુભાઈ વસંત, શામજીભાઈ વેકરિયા, ભૂપેન્દ્રભાઈવેકરિયા, રમેશભાઈ બારદાનવાળા, દીપકભાઈપટેલ, પારસભાઈ મહેતા, મનસુખભાઈ મુંગરા, સુધાંશુભાઈ પટેલ, મનસુખભાઈ ગોહેલ, અરવિંદભાઈ તથા ચંદુભાઈ દુધાગરા, રતિલાલ વિશરોલિયા, દિનેશભાઈ વિશરોલિયા, યોગેન્દ્રભાઈ વિશરોલિયા, રમેશભાઈજી. ભંડેરી, જયન્તીભાઈ જી. ભંડેરી, રતિલાલભાઈ રામપરિયા, રાજેશભાઈ માંડલિયા, મૂકેશભાઈ દાસાણી, વિશ્વનાથજી ચોબે, જયદીપસિંહ ઝ ëલા, પ્રવીણસિંહ ઝાલા, સામતભાઈભાટુ, મેરામણભાઈ ભાટુ, ભીમશીભાઈ, જયન્તીભાઈ પીપરિયા, રાજુભાઈ સુખવાલા, અશોકભાઈ રોજીવાડિયા, હરિકૃષ્ણભાઈ વસાણી, સુનીલભાઈ જે. પટેલ, પ્રવીણભાઈ ચોપડા, દિનેશભાઈ તન્ના, કમલેશભાઈ તન્ના, જિજ્ઞેશભાઈ રાજહંસ, હર્ષદભાઈ (સ્વીડનવાળા), હાજાભાઈમેર, દેવશીભાઈ, લીલાભાઈ, પ્રશાંતભાઈ ચૌહાણ (ટોરોન્ટો), પ્રેમજીભાઈ નાડિયાપરા, મયૂરભાઈ સાટોડિયા, ખેંગારજીભાઈ સાપરિયા, રમેશભાઈ તથા રાજુભાઈ સાપરિયા, જયંતભાઈતથા ભરતભાઈ પુંજાણી, મેરામણભાઈ પરમાર, પબુભા માણેક, ડૉ. શાણી સાહેબ, માધુભાઈ ચોવટિયા, નીલેશભાઈ શાહ વગેરે મુખ્ય શિલાઓના પૂજનમાં વિરાજમાન હતા. એ સિવાય આ સમગ્ર કાર્યમાં જેઓનો સિંહફાળો હતો એવા પૂર્વ ચીફ ઍરમાર્શલ મહેરા સાહેબ, જામનગર ઍરફોર્સના અત્યારના વડા શ્રી હરિકુમાર, કલેક્ટર વી. પી. પટેલ, કમિશનર કે. એન. ભટ્ટ , આઈ. જી. પી. રબારી, ડી. એસ. પી. જોટંગિયા તથા મેયર કનકસિંહ જાડેજા વગેરે પણ વિધિમાં પ્રવૃત્ત હતા.
સ્વામીશ્રીએ વિધિમાં પધારીને મંદિરનિર્માણ કરનારા અક્ષયમુનિ સ્વામી તથા સોમપુરાઓને નાડાછડી બાંધી અને ત્યાર પછી મંદિરનિર્માણનાં ઉપકરણો સુવર્ણના તબાસરા અને લેલાનું પણ પૂજન કર્યું. પ્રારંભિક વિધિ પૂરો થયા પછી સ્વામીશ્રીએ ત્રણ ચમચી જળ પધરાવીને મંદિરના મધ્ય ખંડની મધ્ય શિલાના મુખ્ય ગર્તમાં પુષ્પનું સ્થાપન કર્યું. નિધિકુંભનું પૂજન કરીને સ્વામીશ્રીએ ખાતદેવતાઓની પ્રતિષ્ઠા અને પૂજન કર્યાં. પૂર્ણશિલાનું પંચોપચાર પૂજન કર્યું અને ત્યાર પછી નિધિકુંભનું સ્થાપન કર્યું. ત્યાગવલ્લભસ્વામી તથા ઉપસ્થિત મહાનુભાવોએ શ્રીફળ વધેરીને નિધિકુંભનું પૂજન કર્યા પછી ગર્તમાં સીમેન્ટનો માલ પધરાવ્યો. જેમાં મુખ્ય દાતાઓ પણ સામેલ થયા. મુખ્ય શિલાનું જયનાદો સાથે સ્થાપન કરી આરતી ઉતારવામાં આવી. અહીં બેઠેલા ૨૭ મુખ્ય યજમાનો, ૩૦૭ ઉપયજમાનો અને ૭૦૨૦ જેટલા ઇષ્ટિકા પૂજનના યજમાનોએ પણ પોતાના સ્થાને બેસીને આ સમગ્ર પૂજાવિધિ કર્યો.
આમ, ૯:૩૫ વાગે જયનાદો સાથે શિલાન્યાસવિધિ સંપન્ન થયો. પછી શિલાન્યાસ સભાનો પ્રારંભથયો. ગર્તની ઉપર રચવામાં આવેલા વિશાળ મંચ ઉપર મહેમાનો સહિત સ્વામીશ્રી પધાર્યા. વિવેકસાગર સ્વામીના પ્રવચન બાદ વડીલ સંતો તેમજ અન્ય મંદિરોમાંથી આવેલા સંતોએ વિવિધ હાર અર્પણ કરીને સ્વામીશ્રીને સન્માન્યા. આજના પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને પણ હાર તથા શાલ ઓઢાડીને સન્માનવામાં આવ્યા. આ પ્રસંગે વિવેકસાગર સ્વામી તેમજ જિલ્લા કલેક્ટર શ્રી વી. પી. પટેલ, મ્યુનિ. કમિશનર શ્રી કે.એન. ભટ્ટ, મેયર શ્રી કનકસિંહ જાડેજા, નિવૃત્ત ઍરમાર્શલ શ્રી મહેરા વગેરેએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરીને સ્વામીશ્રીની દિવ્ય પ્રતિભા તથા તેઓના વૈશ્વિક કાર્યને મુક્ત કંઠે બિરદાવ્યું હતું.
અંતે સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં કહ્યું: 'જામનગરમાં બધાને ઇચ્છા હતી કે અહીં મંદિર થાય અને એ પ્રમાણે પ્રયત્ન કરવાથી, ભગવાનની દયાથી ઘણા સારા અનુકૂળ સંજોગો થયા. જેમાં અધિકારી વર્ગ ને બીજા સાહેબોના પ્રયત્નથી ખૂબ સારી જમીન પ્રાપ્ત થઈ ગઈ. ભગવાન અને આપ બધાના સાંનિધ્યમાં વિધિ પણ સારી રીતે થઈ ગયો, એમાં જામનગરની પ્રજાનો ખૂબ મોટો સહકાર છે.
મંદિરો દ્વારા આપણી સંસ્કૃતિ ટકી છે. દ્વારિકા, જગન્નાથપુરી, રામેશ્વર આ બધાં મંદિરો-તીર્થોમાં દર્શન કરી હજારો માણસો પ્રેરણા મેળવે છે. જેમાં શ્રદ્ધા હોય તેનું ભજન કરવાનું છે, પણ મૂળ તો સારું કાર્યથાય, બીજાનું ભલું થાય, બીજા સુખી થાય એ જ લક્ષ્ય રાખવાનું છે. અને એટલા જ માટે અમારા યોગીજી મહારાજ કહેતા, 'ભગવાન સર્વનું ભલું કરો.' - એમના મુખેથી આ જ ઉચ્ચાર નીકળે. માટે શરીર જેટલું બીજાનું ભલું કરવાના ઉપયોગમાં આવ્યું એટલું સાચું છે.
સંત આપણને એ બળ અને પ્રેરણા આપે છે. સંતની પાસે ભગવાન છે એટલે સંત ભગવાનરૂપી ધન આપણને આપે છે. એનાથી આપણા જીવમાં સદાચાર આવે, સારાં કાર્યો કરી શકીએ છીએ.
અહીં ભગવાનની દયાથી સારી જગ્યા મળી છે. આજે ખાતમુહૂર્ત થયું છે, એમાં સર્વનો સહકાર ને સારી ભાવનાને લઈને આ કાર્ય થયું છે. ભવિષ્યમાં પણ આપ બધાને આવી પ્રેરણા મળતી રહે ને ભગવાન સર્વ પ્રકારે સુખી કરે ને આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક સ્થિતિ રહે એપ્રાર્થના.'
૧૧.૧૦ સુધી સ્વામીશ્રીએ અલભ્ય લાભ આપ્યો. કોઠારી ધર્મનિધિ સ્વામીએ સૌનો આભારવિધિ કર્યો. હજારો ભક્તોએ મહાપ્રસાદ લીધો અને જામનગરમાં અભૂતપૂર્વ જયજયકાર થઈ ગયો. આમ, નવરાત્રિના નવે નવ દિવસ ગુજરાતની આ ઉદ્યોગનગરીને ફાળવી સ્વામીશ્રીએ સંતો-હરિભક્તોમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કર્યો હતો. જામનગર વાસીઓને કૃતાર્થ કરીને અહીંથી તા. ૯-૧૦-૨૦૦૮ના રોજ વિદાય લઈ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પ્રાક્ટયભૂમિ ગુણાતીતનગર-ભાદરા પધાર્યા હતા.    

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |