Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સુરત બી.એ.પી.એસ. મંદિરમાં 'ઇતિ વચનામૃતમ્' શિબિર અને ભવ્ય રવિસભા

નવેમ્બરમાં સુરતના બી.એ.પી.એસ. કિશોર મંડળના બે હજાર જેટલાં કિશોર-કિશોરીઓની સારંગપુરમાં સંપન્ન થયેલી પંચદિવસીય 'ઇતિ વચનામૃતમ્‌' શિબિરનો પડઘો ખૂબ પડ્યો હતો. આ શિબિરથી વંચિત રહેલાં સુરતનાં બીજાં એક હજારથી વધુ કિશોર-કિશોરીઓ માટે ત્રિદિવસીય 'ઇતિ વચનામૃતમ્‌' શિબિર સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાઈ હતી. તા. ૪ જાન્યુઆરી, રવિવારના રોજ સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કરવા માટે પધાર્યા ત્યારે તેમના ગમનપથ ઉપર લાલ ટીશર્ટમાં સફેદ પટ્ટાવાળા એ હજારો કિશોરો હરોળબદ્ધ રીતે દર્શન માટે મંદિરના પરિસર તેમજ માર્ગ ઉપર બેઠાં હતાં. સ્વામીશ્રીનાં દર્શન કરવા માટે જાણે યુવાનીનો દરિયો હિલોળે ચડ્યો હતો! એક જ સરખા પરિવેશમાં બેઠેલા રસ્તાની બંને બાજુ શોભી રહેલા કિશોર-કિશોરીઓને લીધે જાણે કે સમગ્ર પૃથ્વીને સ્વામીશ્રીએ યુવાનીથી સજાવી હોય એવું અનુભવાઈ રહ્યું હતું! આદૃશ્ય ભલભલાની આંખ ભીંજવી દે એવું હતું. આવા ભૌતિકવાદી વાતાવરણમાં સંયમી અને ભક્તિશીલ યુવાનો મળે ક્યાંથી ? સૌ ઉપર ખૂબ પ્રસન્નતાસભર દૃષ્ટિ સાથે પરિસરમાં બેઠેલા સૌ ઉપર રાજીપો વ્યક્ત કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા. નીલકંઠવણીનો અભિષેક કર્યાં પછી સ્વામીશ્રી મંદિર ઉપર પધાર્યા. ઠાકોરજીનાં દર્શન કર્યા પછી પોડિયમમાં પાછા ફર્યા ત્યારે આ સૌ કિશોરોની વચ્ચે રહીને 'ઇતિ વચનામૃતમ્‌' સંદેશથી અંકિત ફુગ્ગા હવામાં વહેતા કર્યા. વચનામૃતનો સંદેશ ગગનગામી કર્યો.
છેલ્લા ત્રણ દિવસથી 'ઇતિ વચનામૃતમ્‌' શિબિર ચાલી રહી હતી એની આજે રવિસભામાં પૂર્ણાહુતિ હતી. એ જ રીતે કિશોર-કિશોરી દિન નિમિત્તેનો કાર્યક્રમ પણ દિવસભર યોજાયો હતો. સાંજે રવિસભામાં હરિભક્તોનો સાગર હિલોળાઈ રહ્યો હતો. લગભગ પાંત્રીસ હજારથી વધારે હરિભક્તો સભામાં અને મંદિરના પરિસરમાં ઊમટ્યા હતા. આજની સભામાં કિશોરોને સ્થાન-અગ્રિમતા આપવામાં આવી હતી. એટલે સભામાં પુરુષ અને મહિલા વિભાગમાં આગળ એ કિશોર-કિશોરીઓ બેઠાં હતાં. વિવેકસાગર સ્વામીએ વચનામૃત મહિમાગાન કર્યા પછી સ્વામીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારપછી 'ઇતિ વચનામૃતમ્‌' એ મધ્યવર્તી વિચાર સાથેનો સંક્ષિપ્ત કાર્યક્રમ રજૂ થયો. 'ઇતિ વચનામૃતમ્‌' શિબિરના અંતે કિશોરોને જે જે અનુભવો થયા હતા એ અનુભવની વાત સંવાદની રીતે સૌએ રજૂ કરી. 'કેવું છે આ વચનામૃત' એ ગીતના આધારે કિશોરોએ નૃત્ય રજૂ કર્યું.
સ્વામીશ્રીના આશીર્વાદ સૌ ઉપર વરસ્યા. 'આજની સભાની જય. યુવકોની જય ને બધાની જય. સરસ રીતે રજૂઆત થઈ ને વચનામૃતનો મહિમા કહ્યો. વીજળી ઘડીક થાય ને ઘડીક રહી જાય એમ આપણું જીવન પણ એવું છે. આપણને થાય કે 'સત્સંગ થાય છે, શી ઉતાવળ છે? વૃદ્ધ થઈશું પછી ભગવાન ભજીશું.' પણ જીવનની કાંઈખબર છે કે ક્યારે આ દેહ પડી જશે ? ક્ષણભંગુર દેહ છે, ગમે તે સમયે પડી જવાનો છે. એટલા માટે ભગવાન ભજી આત્માનું કલ્યાણ કરવું છે તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું. બીજા બધાં કાર્યો કરીએ છીએ ને કરવાનાં છે, પણ ભગવાનનું ભજન, આવા ગ્રંથોનું વાંચન પણ બરોબર સાવધાની પૂર્વક કરી લેવાનું છે.
વચનામૃત એટલે વચનરૂપી અમૃત. ભગવાન અને સંતના મુખમાંથી જે વાણી નીકળે તે અમૃત કહેવાય.
આપણા જીવનો મોક્ષ કેમ થાય ? સંસાર-વહેવારમાં આપણી સ્થિરતા કેમ રહે? આવા પ્રસંગે જ્ઞાન જરૂરી છે. બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન. શ્રીજીમહારાજે વચનામૃતમાં ચાર વેદ, ખટ્‌શાસ્ત્ર, પુરાણ, ભાગવત આ બધાં શાસ્ત્રોનો સાર આપ્યો છે. ભગવાનમાં શ્રદ્ધા ને ભગવાનના વચનમાં વિશ્વાસ રાખે તો કામ થઈ જાય છે. ‘श्रद्धा सर्वेषां माता।’ લૌકિક કાર્યો કે આત્મકલ્યાણના માર્ગે બધામાં શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ.
શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન છે એ વિશ્વાસ હોવો જોઈએ. ભગવાન બોલ્યા છે એ સાચું છે. અભ્યાસ ઓછો હોય તોપણ જો વાચન રાખે તો એને પણ વચનામૃતની વાત સિદ્ધ થઈ જાય. વચનામૃતનો મહિમા કહ્યો છે એ વાંચવાથી ધીરે ધીરે સમજાશે. આપણી અંદરના દરેક પ્રશ્નનો તેમાં ઉકેલ છે. નિરાંતે વાંચો. આ તો એક દા'ડો વાંચ્યું તે પછી કંટાળી જાય કે એમાં શું જાણવાનું છે! છાપાં વાંચવાં, ટી.વી.માંથી સમાચાર લેવા - એ બધું કરીએ છીએએમાં આપણને શું મળે છે ? કશું મળતું નથી. પણ આ વચનામૃત વાંચીએ તો એમાંથી આપણને અંતર્દૃષ્ટિ થાય, એના વિચારોથી શાંતિ થાય ને સુખિયા પણ થવાય છે.
ભલે તમે એક વચનામૃત વાંચો, પણ એનું મનન કરો. ઘરસભામાં અડધો કલાક વાંચો તો એમાંથી બે શબ્દો પડે ને ધીરે ધીરે પાકું થઈ જાય. વચનામૃત ગ્રંથ સર્વોપરિ છે. ભગવાન શ્રીજીમહારાજ સાક્ષાત્‌ પધાર્યા, સાથે અક્ષરધામ ને ભક્તો-મુક્તો લાવ્યા. એમની ઇચ્છા અહીં દુનિયામાં મનાવા-પૂજાવાની નથી. ભગવાન ને સંતનો એ વિચાર જ નથી. સર્વનો મોક્ષ કેમ થાય એ ભાવના છે. એ ભાવનાથી સમાગમ કરીશું તો આપણું કાર્ય થઈ જાય છે. તો દરેકને ખાસ આજ્ઞા કે એક વચનામૃત વાંચો, અડધું વાંચો. ન સમજાય, તોય વાંચો. ભણનારને ડિગ્રી લેવામાં સમય લાગે છે એમ આ તો આત્મા-પરમાત્માનું જ્ઞાન છે, એ કંઈ એક દા'ડે થાય નહીં. જેમ જેમ વાંચો, જેમ જેમ સમાગમ કરો, જેમ જેમ એ રસ્તે ચાલો ને નિયમો પાળો તો કામ થઈજશે. જેટલું સારું કાર્ય પ્રવર્તશે એટલો દેશને, સમાજને લાભ થશે. આત્માનું કલ્યાણ પણ થશે. સર્વ સુખિયા થાય એ પ્રાર્થના.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |