Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ઝાડેશ્વર(ભરૂચ)માં સ્વામીશ્રી

સતત ૨૩ દિવસ સુધી સુરતના હરિભક્તો-ભાવિકોને સત્સંગનો દિવ્ય લાભ આપી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તા. ૧૬-૧-૦૯ના રોજ ઝાડેશ્વર(ભરૂચ) જવા વિદાય લીધી હતી. સુરતના વેડરોડ અને અમરોલી વિસ્તારોમાં તથા અંકલેશ્વરમાં આકાર લઈ રહેલાં નૂતન સંસ્કારધામોની ભૂમિને પાવન કરી સ્વામીશ્રી ઝાડેશ્વર(ભરૂચ) ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા ત્યારે આતશબાજીથી સમગ્ર આકાશ રંગબેરંગી બની ગયું હતું. ભરૂચ ક્ષેત્રના આબાલવૃદ્ધ સૌએ વિવિધ પ્રકારનાં વ્રત-તપ-ઉપવાસની શૃંખલા રચી ગુરુહરિને ભક્તિભાવપૂર્વક સત્કાર્યા. સ્વામીશ્રીના એક સપ્તાહના અહીંના નિવાસ દરમ્યાન નિત્ય પ્રાતઃપૂજા દર્શન માટે મંદિરનું પરિસર હરિભક્તોથી છલકાતું હતું. રોજ ભરૂચ અને આજુબાજુ ના વિસ્તારોમાંથી પદયાત્રીઓ ભક્તિભાવપૂર્વક ઊમટતા હતા. નિવાસસ્થાનથી પ્રાતઃપૂજાના સ્થળે જતા સ્વામીશ્રીના માર્ગમાં દરરોજ કાર્યકરો વચનામૃત અને સ્વામીની વાતોના આધારે વિવિધ આધ્યાત્મિક વિષયો પર સ્કિટ રજૂ કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરતા હતા. ઝાડેશ્વર(ભરૂચ) ખાતે સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની એક ઝલક અત્રે પ્રસ્તુત છે...
રવિ સત્સંગસભા
તા. ૧૮-૧-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં તેર હજારથી પણ વધુ હરિભક્તો-ભાવિકોને રવિવારની અઠવાડિક સત્સંગસભાનો દિવ્ય લાભ પ્રાપ્ત થયો હતો.
આજે રવિવાર હોવાથી સવારથી જ સ્વામીશ્રીનાં દર્શને માનવમહેરામણ ઊમટ્યો હતો. સવારે સ્વામીશ્રી પ્રાતઃપૂજા પૂર્વે મંદિરે દર્શનાર્થે પધાર્યા ત્યારે કાર્યકરો રૂપચોકીમાં રવિવારી બજારનું દૃશ્ય ખડું કરીને એક સ્કિટ દ્વારા શાંતિનો સંદેશ આપી રહ્યા હતા. 'શાંતિ તો એક ભગવાન અને સંતનાં ચરણમાં જ છે' એ વાત તેમાં ગૂંથાયેલી હતી. સ્વામીશ્રીએ તેને સમર્થન આપીને સૌ પર પ્રસન્નતા દર્શાવી. આજે અટલાદરાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયના સંતો તથા છાત્રો સ્વામીશ્રીને રજતજયંતીમાં પધારવા માટેનું આમંત્રણ આપવા આવ્યા હતા. આ રજતજયંતી ઉત્સવ નિમિત્તે સ્વામીશ્રીના હસ્તે મશાલ-જ્યોત પ્રગટાવવામાં આવી અને આ જ્યોતયાત્રા લઈને છાત્રાલયના વિદ્યાર્થીઓએ અટલાદરા સુધીની દોડયાત્રા આરંભી.
સંધ્યા સમયે હજારો હરિભક્તોથી છલકાતા સભાગૃહમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં રવિ-સત્સંગસભા યોજાઈ હતી. સભાના એક કાર્યક્રમના ભાગરૂપે બ્રહ્મદર્શન સ્વામીએ 'ઇતિ વચનામૃતમ્‌' શિબિર અંતર્ગત વચનામૃત ગ્રંથના મહિમાનું સૌને પાન કરાવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક સત્સંગ-મહિલા-યુવતી મંડળોએ તૈયાર કરેલા વિવિધ કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી સ્વામીશ્રીને વધાવ્યા હતા. સંસદસભ્ય મનસુખભાઈ વસાવા તથા અન્ય મહાનુભાવોએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ યોગીચરણ સ્વામીએ 'દરદ મિટાયા મેરા દિલ કા' કીર્તનનું ગાન કર્યું.
સભાના અંતે સૌ પર આશીર્વાદ વર્ષાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'શ્રીજી મહારાજે વચનામૃતમાં આપણા મોક્ષ માટે અને આ લોકનાં સુખ-શાંતિ માટે વાતો કરી છે. શરીરને સૂવાની, ખાવાની, કપડાંની, પૈસાની જરૂર છે. એનો પ્રયત્ન કરીએ છીએ, પણ જગતનું આ બધું સુખ શરીરની અંદર આત્મા છે ત્યાં સુધી છે, પણ આત્મા ચાલ્યો ગયો એટલે થઈ રહ્યું. શરીર પડી જાય પછી આ જગતનું સુખ કાંઈ સાથે આવતું નથી. પણ જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે એના થકી જ આપણું કલ્યાણ થાય છે.
દેહમાં કંઈ મુશ્કેલી આવે, ઘરમાં કે ધંધાપાણીમાં એવા પ્રશ્નો આવે તો મન વિકળ થઈ જાય છે કે હવે શું થશે? કેમ થશે? પણ જો આવું જ્ઞાન થયું હોય તો કોઈ ગમે તેમ બોલી જાય, શરીરને નુકસાન થાય કે વહેવાર-સંસારમાં મુશ્કેલી આવે તોપણ જો જ્ઞાનની દૃઢતા હોય તો શાંતિ રહે છે. નહીંતર એમ થઈ જાય કે બહુ ભજન કર્યું, પણ આપણું દુઃખ કેમ મટતું જ નથી?
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું શરીર રોગનું ઘર છે. ભક્તની વાસનાઓ, આસક્તિઓ કાઢવા માટે ભગવાન ભક્તની કસોટી કરે. સ્કૂલ-કૉલેજ-યુનિવર્સિટીમાં જતો હોય એની પરીક્ષા થાય, પણ બજારમાં રખડતો હોય એની પરીક્ષા ન થાય. આપણે ભગવાનના ભક્ત થયા તો આપણી પરીક્ષા થાય. બહાર ફરતા હોય એની કસોટી શું? એને તો ખબર જ નથી કે શું થાય છે ને શું નહીં! પણ ભક્તોના જીવનમાં દુઃખ આવે જ છે. ભગવાન કસોટી લે છે કે આ મારી પરીક્ષામાં પાસ થાય એવો છે કે નથી? પાંડવોની ભગવાને કસોટી કરી, દુઃખ આવ્યું છતાં પણ પાંડવોને જરા પણ દુઃખ થયું નહીં કે ભગવાને કેમ આપણી રક્ષા ન કરી! ભગવાન જે કરતા હશે એ સારું હશે. મુશ્કેલી આવી તોપણ ભગવાન મૂક્યા નહીં. તો ભગવાને એમની રક્ષા કરી. એમણે ભગવાનને મૂક્યા નહીં તો ભગવાને એમને મૂક્યા નહીં.
દુનિયાનો ક્રમ છે એટલે સુખદુઃખ તો આવશે જ. નાના-મોટા, રાજા-મહારાજા, પંડિત બધાને આવે, પણ એમાં જેણે ભગવાનને ભજ્યા, જેણે ભગવાનનો આશરો રાખ્યો એમનાં નામ શાસ્ત્રોમાં લખાયાં ને આજે વાંચીએ તો આજે આપણને પણ એમાંથી પ્રેરણા મળે છે. 'સ્થિરમતિ' એટલે બુદ્ધિ ફરવા ન દેવી.
જેનું જે ઘર હોય એ મૂકીને જતો રહે ખરો? એમ શરીર રોગનું ઘર કહેવાય. એટલે એવા રોગને ભોગવ્યા વગર છૂટકો પણ નથી. રોગની જેમ સુખદુઃખ તો આવે. 'સુખદુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિરમતિ; જાળવીશ મારા જનને અતિશે જતન કરી.'
તા. ૨૦-૧-૨૦૦૯ રોજ સ્વામીશ્રીએ દશમા અને બારમા ધોરણના બોર્ડના વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા. આજે સ્વામીશ્રીનાં દર્શને સ્વિડનના રાજદૂત શ્રી બાલકૃષ્ણ શેટ્ટી આવ્યા હતા. સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી તેઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી.
તા. ૨૧-૧-૦૯ના રોજ યોગીજી મહારાજની અંતર્ધાનતિથિ હતી. આજના દિવસે મંદિરના અભિષેક મંડપમ્‌માં નીલકંઠ વણીની પુનઃ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળા આરતી પછી પ્રતિષ્ઠાનો પૂર્વવિધિ સંપન્ન થઈ ચૂક્યો હતો. સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કરીને નીલકંઠ વણીની મૂર્તિ સમક્ષ પધાર્યા. આ નીલકંઠ વણી સુવર્ણરસિત કરવામાં આવ્યા હતા ત્યારપછી પુનઃ પ્રતિષ્ઠાવિધિ થઈ રહી હતી. સ્વામીશ્રીએ આરતી ઉતારી નીલકંઠ વણીનો અભિષેકવિધિ કર્યો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં આજે યોગીજી મહારાજના દિવ્ય પ્રસંગોની સ્મૃતિ કીર્તનો દ્વારા કરવામાં આવી. આજે પૂર્વસાંસદ અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ શ્રી રામસિંહ રાઠવા તથા નવનિયુક્ત નગરપ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા સ્વામીશ્રીના આશીર્વાદ મેળવવા આવ્યા હતા.
તા. ૨૨-૧-૨૦૦૯ના રોજ પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ જોલવા અને કરાંઠા ગામના નવનિર્મિત હરિમંદિરોની મૂર્તિઓની વેદોક્તવિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી, આરતી ઉતારી હતી. આ પ્રસંગે રાજ્યસભાના સભ્ય શ્રી ભારતસિંહ પરમારે સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આમ, એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોમાં સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યને માણીને સમગ્ર ભરૂચ ક્ષેત્રના હરિભક્તોએ કૃતાર્થતા અનુભવી હતી. તા. ૨૩-૧-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીએ અહીંથી સૌની ભાવભીની વિદાય લઈ અટલાદરા તરફ પ્રસ્થાન કર્યું હતું.     

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |