Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

દીક્ષા મહોત્સવ

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં તા. ૧૩-૩-૨૦૦૯ તથા તા. ૯-૪-૨૦૦૯ના રોજ સારંગપુર ખાતે કુલ ૬૦ સુશિક્ષિત નવયુવાનોના બે દીક્ષા મહોત્સવો ભવ્યતાપૂર્વક ઊજવાઈ ગયા.
પુષ્પદોલોત્સવ પ્રસંગે વિદેશથી આવેલા પરિવારજનોને પોતાના વ્હાલસોયા દીકરાની દીક્ષાવિધિમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય એ હેતુથી તા. ૧૩-૩-'૦૯ના રોજ પ્રથમ દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે વિદેશમાં ઊછરેલા અને ઉચ્ચ ડિગ્રી ધરાવનાર ૧૩ નવયુવાનો સ્વામીશ્રીની ભગવી સેનામાં જોડાવા થનગની રહ્યા હતા, જેમાં છ સાધકોõ પાર્ષદી દીક્ષા તથા સાત પાર્ષદો ભાગવતી દીક્ષા ગ્રહણ કરવાના હતા. સવારના ૬.૧૫ વાગ્યાથી જ યજ્ઞપુરુષ સભાગૃહમાં દીક્ષાના પૂર્વવિધિનો આરંભ થઈ ચૂક્યો હતો. સ્મૃતિમંદિરે દર્શન કરી સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા ત્યારે દીક્ષા ઉત્સવનો પૂર્વવિધિ સંપન્ન થયો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં સંતોએ ઉત્સવને અનુરૂપ ભક્તિપદોનું ગાન કર્યું હતું. પ્રાતઃપૂજાના અંતે 'હાલો જુવાનડા હરિવર વરવા હેલો થયો...' કીર્તનના તાલે તાલ મિલાવી સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને અદ્‌ભુત સ્મૃતિ આપી હતી. બરાબર ૮.૩૫ વાગે દીક્ષાવિધિનો આરંભ થયો. દીક્ષાવિધિ દરમ્યાન મંચ પર આવતા પ્રત્યેક દીક્ષાર્થી મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વરચરણ સ્વામી વગેરે વડીલ સંતો પાસેથી પાઘ, ઉપવસ્ત્ર, જનોઈ ધારણ કરી સ્વામીશ્રી પાસે પધારતા ત્યારે સ્વામીશ્રી તેમને ગુરુમંત્ર આપતા હતા. દીક્ષાવિધિને અંતે ઉપસ્થિત સૌને સ્વામીશ્રીએ આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા.
દ્વિતીય દીક્ષા-મહોત્સવ તા. ૯-૪-૨૦૦૯ને ચૈત્રી પૂર્ણિમાના દિવસે યોજાઈ ગયો. આ દિવસે સારંગપુર ખાતે હજારો હરિભક્તો ઊમટ્યા હતા. આજે સ્મૃતિ મંદિરના પાટોત્સવ તથા ૪૭ નવયુવાનોના દીક્ષા મહોત્સવનો બેવડો લાભ સૌને પ્રાપ્ત થયો હતો. આ દીક્ષા મહોત્સવમાં ૧૬ સાધકો પાર્ષદી દીક્ષા તથા ૩૧ પાર્ષદો ભાગવતી દીક્ષા ગ્રહણ કરી ધન્ય બન્યા હતા.
દીક્ષા મહોત્સવની પૂર્વસંધ્યાએ એટલે કે તા. ૮-૪-'૦૯ના રોજ રાત્રે ૮:૩૦ થી ૧૦:૩૦ સુધી બી.એ.પી.એસ. વિદ્યામંદિરના વિશાળ પ્રાંગણમાં દીક્ષાર્થી નવયુવાનો અને તેમના પરિવારજનોની એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષ્ણપ્રિય સ્વામી, નારાયણમુનિ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ડોક્ટર સ્વામી તથા મહંત સ્વામીએ ત્યાગાશ્રમનો મહિમા વર્ણવી વિશિષ્ટ પ્રસંગોનું પાન સૌને કરાવ્યું હતું. ત્યારબાદ દીક્ષા માટે થનગની રહેલા યુવાનોએ ત્યાગાશ્રમમાં જોડાવા માટેની પ્રેરણા કઈ રીતે પ્રાપ્ત થઈ તેની રજૂઆત કરી હતી.  અમુક દીક્ષાર્થીની માતાઓએ પ્રેરણા પત્રો લખેલ જેનું વાચંન બે યુવકોએ કર્યું હતું. 
તા. ૯-૪-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજા પૂર્વે આ નવયુવાનોના દીક્ષાવિધિનો વેદોક્ત-વિધિપૂર્વક આરંભ થઈ ચૂક્યો હતો. સ્મૃતિ મંદિરે પાટોત્સવ નિમિત્તેની આરતી ઉતારી સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા ત્યારે દીક્ષાનો પૂર્વવિધિ સંપન્ન થયો. પ્રાતઃપૂજા દરમ્યાન સંગીતજ્ઞ સંતોએ ત્યાગ અને ભક્તિની ખુમારીનાં પદોનું ગાન કરી, વાતાવરણને વિશેષ ભક્તિમય બનાવી દીધું. પ્રાતઃપૂજા બાદ મંચ પર ઉમંગભેર આવતા દીક્ષાર્થીઓ દીક્ષા ગ્રહણ કરવા આવી રહ્યા હતા. પ્રત્યેક દીક્ષાર્થીને કોઠારી ભક્તિપ્રિય સ્વામી કંઠી, ડોક્ટર સ્વામી ઉપવસ્ત્ર, મહંત સ્વામી પાઘ, ત્યાગવલ્લભ સ્વામી કપાળમાં ચંદનની અર્ચા, ઈશ્વરચરણ સ્વામી પ્રસાદ તથા વિવેકસાગર સ્વામી આશીર્વાદપત્ર અર્પણ કરી શુભેચ્છા પાઠવતા હતા. ગુરુહરિ સ્વામીશ્રીએ પ્રત્યેક દીક્ષાર્થીને ગુરુમંત્ર આપી ત્યાગાશ્રમને માર્ગે ચાલવા માટેનું વિશેષ બળ અને પ્રેરણા આપી.
સભાના અંતમાં ઉપસ્થિત સૌને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજે મહાન ઉત્સવ ઊજવી રહ્યા છીએ. શાસ્ત્રીજી મહારાજે મંદિર કર્યું અને પોતે અહીં જ ધામમાં પધાર્યા અને તે સ્થળે જે દેરી કરી તેની પ્રતિષ્ઠા પણ આજના દિવસે થઈ હતી, એટલે એનો પાટોત્સવ પણ છે. વળી, સાથે સાથે દીક્ષા ઉત્સવમાં બધા દેશ-પરદેશથી પધાર્યા છે, એ આપણા માટે બહુ આનંદની વાત છે.  ભગવાનના ભક્તને એવો વિચાર આવે કે આપણું ધન - ધામ - કુટુંબ - પરિવાર ભગવાનને અર્થે છે. લૌકિક જીવોને લૌકિક મહત્તા હોય એટલે બધાને રાજી કરવાના હોય, પણ ખરેખર ભગવાન રાજી થાય એ કરવાનું છે. ભગવાન રાજી થયા તો અનંત બ્રહ્માંડ રાજી થઈ ગયાં, કોઈ બાકી રહ્યું નહિ. આજે આ સંસ્થાનો વિકાસ થાય છે, એમાં સાધુ પણ વધે છે, તેમાં ભણેલા-ગણેલા, એકના એક પણ છે. એ પ્રસંગમાં આપ આવ્યા છો એ આનંદની વાત છે.
શ્રીજીમહારાજે વાત કરેલી છે કે ધન-ધામ-કુટુંબ-પરિવાર અર્થે કરી રાખવું. ભગવાન ને સંતને અર્થે કરી રાખવું એટલે શું કે જ્યારે પ્રસંગ હોય ત્યારે આપણી સેવા થઈ જાય, ટાણું સચવાઈ જાય. 'રે સગપણ હરિવરનું સાચું...' આ બધા જે સાધુ થયા છે એને હરિવરનું સગપણ થઈ ગયું, એમને હરિ સાથે હથેવાળો થઈ ગયો. જેને માટે આ દેહ છે એવા હરિવર સાથે સંબંધ થઈ ગયો. આપણો દેહ, આપણા દીકરાઓ, સંપત્તિ બધું ભગવાન માટે છે.
ભણેલો-ગણેલો તૈયાર દીકરો સાધુ થવા આપવો એ કઠણ છે, કારણ કે માબાપને વિચાર આવે કે ઘડપણમાં મારું કોણ? પણ, દીકરાઓ સાચે માર્ગે ગયા છે તો ભગવાન બધું સાચવશે. પોતાના આત્માનું કલ્યાણ કરશે ને તમે આપ્યો છે તો તમારું પણ કલ્યાણ થશે. આ લગન ભગવાન સાથે થયું છે અને તેઓ કથાવાર્તા, સેવા-ભક્તિ કરવાના છે. આ થયું એમાં તમારે કોઈ દાખડો નહિ. મંડપ બાંધવો નહિ. ઘરે દીકરો પરણાવવો હોય તો મંડપ બાંધવો પડે, ઉતારા-જમવાનું બધું કરવું પડે, પણ અહીં દીકરો અર્પણ કર્યો તો ભગવાને બધું સાચવી લીધું.
બીજું, જેમણે દીકરાઓ આપ્યા છે એમને ખૂબ ધન્યવાદ છે. એકનો એક દીકરો અર્પણ કરવો એ તો બહુ કઠણ છે, પણ એ બધું કર્યું તો ભગવાન ને સંત રાજી થયા. અહીં એ પોતાનું તો કલ્યાણ કરશે પણ તેમની એકોત્તેર પેઢી તરી જશે. જેને ત્યાં ભગવાનના ભક્ત થાય એની એકોત્તેર પેઢી તરી જાય એમ મહારાજે કહ્યું છે. જેટલી ભક્તિ થાય, જેટલું જ્ઞાન થાય, જેટલો સત્સંગ થાય, એટલું જીવનમાં સુખ-શાંતિ છે. આ સુખ આપણી સાથે જ છે. જેટલું કરીશું એટલું આપણી સાથે આવશે. ભગવાન માટે જેટલું થયું એટલું આપણને સુખ ને શાંતિ મળશે. તો એવો અવસર આજે આવ્યો છે તો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ.
આપણા કુટુંબમાં આવો એક ભક્ત થયો તો સાધુ થઈને અનેકને કથાવાર્તા કરશે ને ભગવાને માર્ગે ચડાવશે, તો મહારાજે કહ્યું છે કે 'એક જીવને ભગવાને માર્ગે ચડાવે તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય છે.' પણ જો એક જીવને ભગવાનના માર્ગેથી પાડો તો બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ થાય છે. આ બેય વસ્તુ છે. આપણે આ આધ્યાત્મિક માર્ગે ચાલ્યા છીએ. દુનિયા ભલે ગમે તે માર્ગે ચાલે, આપણે તે જોવું નથી. આપણે આપણું કરી લેવું. બીજા બધાનું જોવા જઈશું તો આપણું થશે નહિ. બધાનું જોવા જઈએ તો આપણું ટળી જાય. આપણને ભગવાન મળ્યા, સંત મળ્યા - એ સાચા છે. એની સામે જોઈ રહેવું. તો બધાને વિષે દિવ્યતા રહે.
સમાજ-કુટુંબ બધાં સુખી થાય એ માટે સંતો ગામડે ફરીને વ્યસન મુકાવે છે, સત્સંગ કરાવે છે. મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, વિવેકસાગર સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વરચરણ સ્વામી બધા સંતો વિચરણ કરે છે. આપણે સત્સંગી થયા છીએ તો આપણે શું કરવું જોઈએ? સંતાનો ભણે છે તો એનું ધ્યાન કેમ રાખવું જોઈએ? એ વાતો સંતો કરે છે. શિબિરોમાં વાતો થાય છે તો એનાથી આપણું કુટુંબ, સંતાનો, સમાજ, રાષ્ટ્ર આ બધું સુધરે છે અને આપણો મોક્ષ થાય છે. આ સાધુ થયા એ જેવા તેવા સાધુ નથી. મહારાજે એવા સંત બનાવ્યા છે કે એની રીતિ, એની અલૌકિકતા છે. જીવના કલ્યાણ માટે સાધુ થયા છે. તેઓ હજારોને કલ્યાણનો માર્ગ બતાવશે.
તો આજના પ્રસંગે જેણે જેણે પોતાના દીકરા આપ્યા છે એ માબાપને ફરીથી ધન્ય છે. એમને ભગવાન ખૂબ બળ આપે, શાંતિ આપે, એમનો વહેવાર સુખી થાય એ માટે મહારાજને પ્રાર્થના છે અને આશીર્વાદ છે.''

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |