Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગુરુપૂર્ણિમાનો ભવ્ય ઉત્સવ

સ્વામિનારાયણ સંપ્રદાયના આદિતીર્થ બોચાસણમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં તા. ૭-૭-૦૯ના રોજ દેશ-વિદેશના ૬૦,૦૦૦થી વધુ હરિભક્તો-ભાવિકોની ઉપસ્થિતિમાં ગુરુ-પૂર્ણિમાના ઉત્સવની દબદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ તીર્થરાજ બોચાસણના માર્ગો આ પવિત્ર અવસરે ગુરુહરિનાં દર્શન-આશીર્વાદ માટે ઊમટી પડેલા માનવ-મહેરામણથી છલકાતા હતા.
શ્રી અક્ષરપુરુષોત્તમ વિદ્યાલયના વિશાળ પ્રાંગણમાં સવારે ૮-૦૦ વાગ્યાથી જ ગુરુપૂર્ણિમાના ઉત્સવ સમારોહનો આરંભ થઈ ચૂક્યો હતો. ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, ઈશ્વરચરણ સ્વામી વગેરે વડીલ સંતોએ પ્રાસંગિક વકતવ્ય દ્વારા ગુરુપૂર્ણિમાનો મર્મ સૌને સમજાવ્યો હતો.
આજની આ વિશિષ્ટ સભામાં આઈ.આઈ.એમ., ઇન્દોરના ડાયરેક્ટર શ્રી રવિચંદ્રન, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી બી. જી. પટેલ, ચારુતર વિદ્યામંડળના ચૅરમેન શ્રી સી. એલ. પટેલ, એલિકોન કંપનીના માલિક શ્રી પ્રયાસવિન પટેલ, રાજ્યના વિપક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલ, ધારસભ્ય શ્રી અંબાલાલ રોહિત અને શ્રી રાજેન્દ્રસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડીલ સંતોએ આ સૌ મહાનુભાવોને પુષ્પહારથી સત્કાર્યા. આ પ્રસંગે આઈ. આઈ.એમ.ના ડાયરેક્ટર શ્રી રવિચંદ્રને ભાવોર્મિઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું : 'આજે ગુરુપૂનમના દિવસે ખાસ પ્રમુખસ્વામીજીનાં દર્શન કરી કૃતાર્થ થવા હું આવ્યો છું એનો મને સંતોષ અને શાંતિ છે. આપણી સંસ્કૃતિ અને પરંપરા કહે છે કે ગુરુ જીવનને અંતરની ખોજ પૂરી પાડે છે. આ અનુભવ પ્રમુખસ્વામીને મળીને મને થયો છે. મેં આ સંસ્થાનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું છે. હું માનું છું કે બી.એ.પી.એસ. જેવી સંસ્થાઓ જ્યાં સુધી કાર્યરત છે ત્યાં સુધી જનકલ્યાણ કે જનહિત પાછું નહીં પડે. પ્રમુખસ્વામી મહારાજે ૮૦૦ મંદિરો કર્યાં છે એ પણ મેનેજમેન્ટનું એક અભૂતપૂર્વ પાસું છે. દિલ્હીનું અક્ષરધામ તો મેનેજમેન્ટનું ખૂબ જ અદ્‌ભુત ઉદાહરણ છે.'
આજના પાવન પર્વે સ્વામીશ્રીએ કેટલાંક વિશિષ્ટ પ્રકાશનોનું ઉદ્‌ઘાટન કર્યું હતું. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જીવનચરિત્રના ઓડિયો પ્રકાશનની એમ.પી.-૩, ડી.વી.ડી.નું ઉદ્‌ઘાટન અક્ષરવત્સલ સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. આ ઓડિયો પ્રકાશનમાં સેવા આપનાર શ્રી જયેશ માંડણકાને પણ સ્વામીશ્રીએ આશીર્વાદ પાઠવ્યા હતા. રામસ્વરૂપ સ્વામીએ ધૂનની વિશિષ્ટ કેસેટ 'નામ સ્મરણ'નું ઉદ્‌ઘાટન સ્વામીશ્રી પાસે કરાવ્યું. આ કેસેટના સ્વર નિયોજન, સંયોજન અને રેકોર્ડિંગમાં સેવા આપનાર શ્રી જયદીપ સ્વાદિયાને પણ સ્વામીશ્રીએ અંતરના આશિષ પાઠવ્યા હતા. યોગીવલ્લભ સ્વામીએ નીલકંઠ વણીની એક ફૂટ ઊંચી મૂર્તિનું ઉદ્‌ઘાટન સ્વામીશ્રી પાસે કરાવ્યું. સ્વામીશ્રીએ આ મૂર્તિ શ્રી રવિચંદ્રનને આપી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. સદાચારના પાઠો શીખવતી 'સુરચિતમ' પુસ્તિકાઓનું ઉદ્‌ઘાટન પ્રિયદર્શન સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું.
આજના પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી હતી. દૂર-સુદૂરથી ગુરુહરિનાં દર્શન-આશીર્વાદ માટે આવેલા પદયાત્રીઓને પણ સ્વામીશ્રીએ આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ મોગરી બાળમંડળે 'સ્વામિનારાયણ ચરણકમળમાં...' ગીતના આધારે ભક્તિ નૃત્ય રજૂ કરી ગુરુવંદના કરી હતી. અંતમાં ઉપસ્થિત સૌએ હરિકૃષ્ણ મહારાજ અને ગુરુહરિ સ્વામીશ્રીનાં ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારે વાતાવરણ વિશેષ દિવ્ય બની ગયું.
આ પાવન પર્વે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજનો દિવસ જગતને માટે શ્રેષ્ઠ દિવસ છે. ગુરુ થકી અદ્‌ભુત જ્ઞાન પ્રાપ્ત થાય ને એ જ્ઞાન થકી આપણી મુક્તિ પણ થાય છે. ભગવાન વેદ વ્યાસે આવી વાત વેદ, ઉપનિષદ્‌, ગીતા, ભાગવતમાં જણાવી છે. શ્રીજીમહારાજે વચનામૃતમાં, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કરી છે કે ગુરુના શરણે જવાથી આપણાં તમામ બંધનો છૂટે છે. એમને શરણે જઈએ, સમર્પિત થઈએ અને એ જે વચન કહે એમાં આપણી સંપૂર્ણ શ્રદ્ધા હોય તો આપણાં બંધન બધાં છૂટી જાય છે અને જીવ સુખિયો થઈ જાય છે. આપણે આ દેહ મારો છે અને આ જગતનું સુખ એ સારામાં સારું છે - એમ અજ્ઞાને કરીને માન્યું છે. એ અજ્ઞાને કરીને સુખ-દુઃખના ભોક્તા થઈએ છીએ. મારું-તારું, અહં-મમત્વથી જીવનમાં કાયમને માટે અશાંતિ રહે છે ને તે જન્મમરણનું કારણ બને છે. આત્મા-પરમાત્માનું, અક્ષર-પુરુષોત્તમનું, બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન થાય તો અહં-મમત્વનું બંધન છૂટી જાય છે. એટલે આપણા શાસ્ત્રોએ ગુરુને શરણે જવાનું કહ્યું છે. એ જ્ઞાન આપણા જીવમાં દૃઢ થઈ જાય તો બીજું કાંઈ કરવાનું રહેતું નથી. પૂર્વે શંકરાચાર્ય, વલ્લભાચાર્ય ને બીજા આચાર્યોએ તત્ત્વજ્ઞાનની વાતો કરી છે. શ્રીજીમહારાજે એ જ્ઞાન પૃથ્વી પર આવી આપણને સમજાવ્યું છે. ભગવાનનો આશરો, ભગવાનના સ્વરૂપનું સાચું જ્ઞાન જ્યારે ગુરુ મળે ત્યારે થાય.
'ऋते ज्ञानान्न मुक्तिः।' - જ્ઞાન વગર મુક્તિ જ નથી. આ વાતો ગ્રંથમાં છે. આ દેહ ખાવા-પીવા, મોજશોખ માટે ભગવાને નથી આપ્યો, પણ આત્મકલ્યાણ માટે આપ્યો છે. આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય ત્યારે મુક્તિ થાય છે. એ જ્ઞાન મેળવવા માટે આજે આપણે ભેગા થયા છીએ. અક્ષરપુરુષોત્તમના જ્ઞાનની વિશેષ દૃઢતા થાય એટલા માટે જ ભગવાને મંદિરો કર્યાં છે. શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમાન અક્ષર-પુરુષોત્તમ પધરાવ્યા. બોચાસણ મંદિર ૧૦૦ વરસ પહેલાં થયું છે. એમાં અક્ષર-પુરુષોત્તમની મૂર્તિ પધરાવી છે. જેમ રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ એમાં ભક્તે સહિત ભગવાન છે - એટલે આપણે અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમની ભક્તિ કરવી. એ સાચું જ્ઞાન થશે તો જીવ સુખિયો થશે.
એ માટે જ શ્રીજીમહારાજ પૃથ્વી પર પધાર્યા, ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા. શાસ્ત્રીજી મહારાજે આવાં મંદિરો કર્યાં છે. જોગી મહારાજે આપણને આશીર્વાદ આપ્યા કે આ જ્ઞાન, આ સત્સંગ, આ મંદિરો દુનિયામાં બધે પ્રસરે, બધે ઠેકાણે લાભ થાય.
સર્વકર્તા પરમાત્મા છે. 'સુખદુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ; જાળવીશ મારા જનને, અતિશે જતન કરી.' દુનિયા સુખદુઃખનો દરિયો છે એટલે સુખદુઃખનાં મોજાં આવ્યાં જ કરશે, પણ એની અંદર આપણી સ્થિર મતિ જોઈએ. નાવ ચલાવનાર માણસની મતિ સ્થિર છે તો ગમે એટલા હેલાની અંદર પણ જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે એમ એવા ગુરુ નાવિક સારા મળી જાય, સારથિ સારા મળી જાય તો ધ્યેય સુધી પહોંચાડે છે. આપણા જીવનમાં પણ આવા સારથિ જે પરમાત્મા કે આપણા ગુરુ એ ભગવાન સુધી આપણને પહોંચાડે છે. એવા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ગુરુ મળ્યા છે, અને આપણને આપણા ગુરુ થકી આ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને વિશેષ ને વિશેષ જ્ઞાન થાય ને વિશેષ ને વિશેષ સુખિયા થવાય, અહં-મમત્વરૂપી માયા નીકળી જાય ને ભગવાન સર્વને સુખિયા કરે એ જ પ્રાર્થના.'

સભાની સમાપ્તિ બાદ સૌ હરિભક્તોએ મહાપ્રસાદ લઈ વિદાય લીધી. આજના સમૈયાની સેવા કરનાર ૬૦ જેટલા હરિભક્તોને સ્વામીશ્રીના અંતરના આશીર્વાદ પ્રાપ્ત થયા.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |