Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બાળદિન

તા. ૧૩-૯-૨૦૦૯ને રવિવારના રોજ અમદાવાદવાસીઓને શ્રીજી-મહારાજના સ્મૃતિપર્વ તથા બાળદિનનો બેવડો લાભ પ્રાપ્ત થયો હતો. સ્વામીશ્રી પ્રાતઃપૂજા દરમ્યાન સંતોએ કીર્તનભક્તિ દ્વારા ભગવાન સ્વામિનારાયણના દિવ્ય કાર્યને અંજલિ આપી હતી.
આજની રવિ સત્સંગસભા બાળદિન નિમિત્તેની વિશિષ્ટ સભા બની રહી. મંદિરની સામે આવેલા વિશાળ મેદાનમાં સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ તથા બાળદિન નિમિત્તેની વિશિષ્ટ સભાનો લાભ લેવા માટે હજારો હરિભક્તો ઊમટ્યા હતા. મંચ પર બાળકોનું સામ્રાજ્ય છવાયું હતું. સ્વામીશ્રી જ્યારે સભામાં પધાર્યા ત્યારે મંચ ઉપર એક બાજુએ કાશીના મોટા મોટા પંડિતો અને બીજી બાજુ બી.એ.પી.એસ. સંસ્થાના બાળમંડળનાં નાનાં નાનાં ભૂલકાંઓ શાસ્ત્રાર્થ માંડીને બેઠા હોય એવું દૃશ્ય રચાયું હતું. શાસ્ત્રાર્થનો વિષય હતો 'અક્ષરપુરુષોત્તમ જ્ઞાન વૈદિક અને સનાતન છે.' આ જ્ઞાન ઉપર શાસ્ત્રીય ચર્ચાઓ ચાલી. મોટા પંડિતોને પણ શરમાવે એ રીતે વેદ અને ઉપનિષદની ૠચાઓનું ગાન કરીને અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંતનું પ્રતિપાદન બાળકો કરી રહ્યા હતા. સ્વામીશ્રી અમી નજરે આ સૌને નિહાળીને પ્રસન્ન થયા. ૪૫ મિનિટના આ સંવાદમાં બાળકોએ વેદો-ઉપનિષદોને આધારે અક્ષરપુરુષોત્તમની સિદ્ધાંતની એવી પ્રતીતિ કરાવી કે ઉપસ્થિત સૌ કોઈ દંગ રહી ગયા.
બાળકોએ રજૂ કરેલા આ શાસ્ત્રાર્થ બાદ બાલિકા મંડળ, કિશોરી મંડળ તથા મહિલા મંડળે ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા વિવિધ કલાત્મક હાર સૌ વતી વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. ત્યારબાદ સ્વામિનારાયણ વિદ્યામંદિર, રાયસણમાં અભ્યાસ કરતા ઈશિત પટેલ તથા દર્શન પટેલને રાજ્યકક્ષાએ શ્લોકગાન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવવા બદલ સ્વામીશ્રીના સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત થયો હતો. ઈશ્વરચરણ સ્વામીએ તેઓને પારિતોષિક અર્પણ કરી બિરદાવ્યા હતા.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'વાહ ! આજે બાળકોએ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત માટેની ચર્ચાઓ કરી. દ્વૈત, અદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈતાદ્વૈત આ બધા સિદ્ધાંતોની ચર્ચા આગળ પંડિતોએ કરેલી છે. એ વખતે ચર્ચાઓ કેવી થતી હશે એની ઝાંખી બાળકોએ આપણને કરાવી. સિદ્ધાંતની રજૂઆત કરવા માટે કેટલા ઉત્સાહથી તેઓ વાતો કરતા હતા! તેમણે બધા જવાબ ગીતા, ઉપનિષદ અને બધાં શાસ્ત્રોના આધારે આપ્યા છે.
ભગવાન શ્રીજીમહારાજે પૃથ્વી ઉપર આવીને આપણને આ સાચો સિદ્ધાંત આપ્યો છે. એમના પિતા તરફથી તેમણે આ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરેલું. કાશીમાં રાજાના આમંત્રણથી શાસ્ત્રાર્થ કરવા તેઓ ધર્મદેવ સાથે ગયા અને ત્યાં વિદ્વાનોની સભામાં ચર્ચા કરી. બ્રહ્મ અને પરબ્રહ્મના સિદ્ધાંતને શ્રીજીમહારાજે પ્રતિપાદિત કર્યો. વિદ્વાનોએ ખૂબ ચર્ચાઓ કરી, પણ મહારાજે અડગ રહીને જવાબો આપ્યા અને જાહેર કરવામાં આવ્યું કે આ સિદ્ધાંત સાચો છે.
શ્રીજીમહારાજે આપેલો સિદ્ધાંત શાસ્ત્રોક્ત છે. એમણે શાસ્ત્રો બહારની કોઈ વાત કરી જ નથી. મહારાજે પાંચ ભેદ આપ્યા - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. આ સિદ્ધાંત એમણે આપ્યો છે. એ પ્રમાણે શ્રીજીમહારાજે બધાની વાત સાથે રાખીને પોતાનો સિદ્ધાંત આપ્યો છે. શાસ્ત્રોમાં લખેલી વાતો છે એનું જ તેમણે પ્રતિપાદન કર્યું છે. મહારાજે વૃથાવાદ નથી કર્યો. કોઈનું ખંડન-મંડન કર્યા સિવાય જે સાચી વાત છે એ કરી.
એ વખતે જે શાસ્ત્રોક્ત ચર્ચાઓ થતી એની થોડી ઝાંખી બાળકોએ આપણને કરાવી છે. બાળકોને તો આવું બોલતાં પણ ન ફાવે. સૈદ્ધાંતિક રીતે નીડરપણે જે માણસ વાત કરતો હોય એવી રીતની વાત બાળકોએ કરી, એ પણ ભગવાનનો પ્રતાપ છે. જોગી મહારાજની આજ્ઞાથી બાળ-મંડળ, કિશોરમંડળ, યુવકમંડળ, મહિલા-મંડળ અને બધાં મંડળો ચાલે છે. આ બધાં મંડળોમાં સિદ્ધાંતની વાતો, નિયમધર્મની વાતો થાય છે. માણસ જો નિયમધર્મ વગરનો હોય તો એ માણસ જ ન કહેવાય. આ બધું સત્સંગ કરવાથી થાય છે.
'બિનુ સત્સંગ હરિકથા, તા બિન મોહ ન જાય;
મોહ ગયે બિન હોવત ન, રામ પદ અનુરાગ.'
સત્સંગ એટલે માયાથી પરના પુરુષ હોય એનો સંગ એ સત્સંગ. એમનો સંગ એટલે એમને વિષે મન-વચન-કર્મથી જોડાઈ જવું, એમના આદેશો પ્રમાણે વર્તીએ તો આપણને આ સાચી વાત સમજાય છે.
ભગવાનનાં ચરિત્રો સાંભળવાથી જીવમાં શાંતિ થાય છે. ભગવાનની કથા ન સાંભળીએ તો આવું જ્ઞાન ન થાય, જીવનમાં ભક્તિ ન આવે. પણ જો એ કથા સાંભળીએ તો આપણામાં સાચી ભક્તિ ઉદય થાય છે અને સાચી વાત આપણને સમજાય છે.
માણસને મોહ છે એટલે ખોટું છે તે સાચું મનાય છે. શંકરાચાર્યે કહ્યું, 'બ્રહ્મ સત્ય, જગત મિથ્યા' જગત ખોટું છે, પણ સાચું સમજાય છે અને એટલે એ માર્ગે માણસ ચાલેõ છે, પણ આંખ મીંચાય પછી આપણી સાથે કાંઈ આવવાનું નથી. ભગવાન ને સંત સાચા છે. આત્મા-પરમાત્માનું જ્ઞાન સાચું છે. એ ગ્રહણ કરીએ તો આપણને સુખ-શાંતિ થાય અને આ દેહ મૂક્યા પછી ધામની પ્રાપ્તિ થાય છે, એવું અદ્‌ભુત આ જ્ઞાન છે.
આ જ્ઞાન આપણા વેદો-ઉપનિષદોમાં છે અને શ્રીજીમહારાજે આપણને આપ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષરનો અવતાર છે. એમણે વાત કરી છે કે આ દેહ શા માટે મળ્યો છે ? બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે. શ્રીજીમહારાજે જે સિદ્ધાંત આપ્યો છે એ આપણે સમજવાનો છે. આ સિદ્ધાંતની વાત આજે બાળકોએ કરી છે. એટલે બાળકોને ખૂબ ધન્યવાદ છે. આ રીતે સભામાં બોલવામાં થથરી જવાય, પણ બધા છાતી કાઢીને બોલતા હતા, એ સત્સંગનો પ્રતાપ ! તો આજે જે સિદ્ધાંતની વાત થઈ તે સૌને દૃઢ થાય અને સર્વ પ્રકારે સુખિયા થાય એ પ્રાર્થના.'
૮-૧૦ વાગે સભાની સમાપ્તિ થયા પછી સ્વામીશ્રી જ્યારે મંચ ઉપરથી વિદાય થયા ત્યારે બાળકોએ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતની જય બોલાવી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |