Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

દીપાવલી - ચોપડા પૂજન

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ  તા. ૧૭-૧૦-૨૦૦૯ના રોજ તીર્થરાજ ગોંડલમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં હજારો હરિભક્તોએ દીપોત્સવી પર્વનો અનેરો લહાવો માણ્યો હતો. અક્ષરમંદિર તથા સમગ્ર પરિસરમાં ઠેર ઠેર ઝળહળી રહેલા વીજદીપકોથી વાતાવરણ સુરમ્ય લાગી રહ્યું હતું. વિક્રમ સંવત ૨૦૬૬ની પૂર્વ સંધ્યાએ ૬:૨૫ વાગે સ્વામીશ્રી અક્ષરદેરીમાં દર્શન કરી સભામંચ ઉપર પધાર્યા. મંચની પાર્શ્વભૂમાં સાક્ષાત્‌ અક્ષરમંદિર શોભી રહ્યું હતું. મંદિરના બંને પગથિયે અને મંચ આગળ હરિભક્તોના હિસાબી ચોપડાઓ મૂકવામાં આવ્યા હતા. ચોપડા પૂજન નિમિત્તેની આ વિશિષ્ટ સભામાં શ્વેતવૈકુંઠ સ્વામીએ વેદોક્ત-વિધિપૂર્વક મહાપૂજાવિધિનો આરંભ કર્યો. સ્વામીશ્રી પણ આ મહાપૂજાવિધિમાં જોડાયા. ડાબે ખભે કળશ ધારણ કરી સ્વામીશ્રીએ સૌના કલ્યાણની કામના કરી. ત્યારબાદ હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી સ્નાન કરાવી થાળ ધરાવવામાં આવ્યો. લગભગ સવા કલાક સુધી મહાપૂજા-વિધિમાં બિરાજી સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને દર્શનનું દિવ્ય સુખ આપ્યું હતું. મહાપૂજાવિધિના અંતે સ્વામીશ્રીએ સ્વયં ચોપડાઓ ઉપર અક્ષત અને પુષ્પ પધરાવી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક ઉદ્‌બોધન બાદ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજે આ ઉત્સવમાં જે પધાર્યા છે એ બધાની જય, કારણ કે સૌ પોતાનો કામધંધો મૂકીને મહાતીર્થ અક્ષરદેરીમાં પધાર્યા છે. યોગી મહારાજના આશીર્વાદ છે કે અક્ષરદેરીનાં જે દર્શન કરશે, સેવા કરશે એના બધાના સંકલ્પો પૂરા થાશે એવો આ પવિત્ર સ્થાનનો મહિમા છે. નવું વર્ષ સારું જાય ને સુખ-શાંતિ રહે એને માટે આપણે આ ઉત્સવો કરીએ છીએ.
જેમ વેપારમાં નફો-નુકસાનનું સરવૈયું મૂકીએ છીએ, એમ સત્સંગમાં સરવૈયું મૂકીએ કે સત્સંગમાં કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા. સત્સંગમાં મહારાજ રાજી થાય એવું કાર્ય કરવાનું છે. ભગવાન રાજી થશે તો અનંત કોટિ બ્રહ્માંડ રાજી થશે. ગૃહસ્થ છીએ એટલે નોકરી-ધંધા-વ્યવસાય કરવાના છે, પણ એની સાથે સાથે સત્સંગનો રંગ પણ એટલો જ રાખવાનો છે. દુનિયા સુખ-દુઃખનો દરિયો છે એટલે મંદીઓ અને મુશ્કેલીઓ આવે, પણ ભગવાનમાં દૃઢ આશરો, શ્રદ્ધા, વિશ્વાસ હોય તો બધી મુશ્કેલીઓ દૂર થાય. સર્વકર્તા પરમાત્મા છે. નરસિંહ, મીરાં જેવાં ભક્તોને પણ દુઃખ આવ્યાં છે, મહારાજ દાદાખાચરને ઘરે હતા તો પણ અનેક પ્રકારનાં દુઃખ આવ્યાં છે, છતાં એમને અખંડ આનંદ હતો. મન છે એટલે સારા-ખોટા સંકલ્પો કરે, પણ આ જગતમાં બંધાઈ ન જવાય એટલે ભગવાન સારું કરવા માટે આવું કંઈક મૂકે કે જેથી મન જગતમાંથી પાછું પડે અને ભગવાનમાં વૃત્તિ રહે. 'ભગવાન થકી જ સુખ-દુઃખ આવે છે' — એ જાણપણું હશે તો જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓ આવવા છતાં અખંડ સુખ-શાંતિ રહેશે.
દર વર્ષે સત્સંગનુ સરવૈયું કાઢવું કે સત્સંગમાં નિયમ-ધર્મ, આજ્ઞા-ઉપાસના, કથાવાર્તા, કીર્તન-ભક્તિ આ બધામાં કેટલો વધારો ઘટાડો થયો એનો પણ હંમેશાં વિચાર કરવાનો છે.
આજે દિવાળીના પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે નવા વર્ષે આપ બધાનાં જીવનમાં, કુટુંબ-પરિવારમાં ભગવાનની ભક્તિ થાય. અક્ષરદેરીમાં કરેલા સંકલ્પો પૂરા થાય. સૌ તને-મને-ધને કરીને સુખિયા થાય એ પ્રાર્થના.'
સભાના અંતે વડીલ સંતોએ સૌ વતી સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |