Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વડોદરામાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૧૧-૧-૨૦૧૦ થી તા. ૨-૨-૨૦૧૦ સુધી વડોદરાના અટલાદરા ખાતે બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સૌને ભક્તિભીના કર્યા હતા. સતત ૨૨ દિવસ સુધી સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં વડોદરામાં સત્સંગની વસંત મ્હોરી ઊઠી હતી. બી.એ.પી.એસ. મંદિરની સામેનું પરિસર અનેક ઉત્સવોનું સાક્ષી બન્યું હતું. સ્વામીશ્રીની નિત્ય પ્રાતઃપૂજાનાં દર્શન, ઝોળી પર્વ, સૂર્યગ્રહણ પર્વ, વસંતપંચમી, કિશોર દિન અને વાલી દિન જેવા અનેક પ્રસંગોએ આ પરિસરમાં યોજાતી વિશાળ સત્સંગ સભામાં સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરી હજારો હરિભક્તો-ભાવિકોએ આધ્યાત્મિક દિવ્યતાનો અનુભવ કર્યો હતો. નિત્ય મંદિરથી પ્રાતઃપૂજાના સ્થળ સુધીના માર્ગમાં વડોદરા જિલ્લાના આદિવાસીઓથી લઈ વિવિધ ક્ષેત્રના હરિભક્તો-ભાવિકો સ્વામીશ્રીનાં સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવતા હતા. સ્વામીશ્રીના સુસ્વાસ્થ્ય માટે વડોદરા શહેર અને ગ્રામ્ય ક્ષેત્રના એક હજારથી વધુ બાળકોએ ચાણસદ સુધીની પદયાત્રામાં જોડાઈને વિશિષ્ટ રીતે ગુરુભક્તિ અદા કરી હતી. વળી, સ્વામીશ્રીના અહીંના રોકાણ દરમ્યાન હરિભક્તો-ભાવિકોએ વિશિષ્ટ વ્રત-તપની સરવાણી વહાવી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. તા. ૨૦-૧-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ ડભોઈની બી.એ.પી.એસ. સંસ્થા સંચાલિત હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સવાન તથા આદિવાસી વિસ્તારમાં આયુર્વેદિક દવાઓના વિતરણ માટે મોબાઈલ વાન અર્પણ કરી ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.  
અહીં વડોદરામાં સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની એક ઝાંખી પ્રસ્તુત છે.
આગમન :
તા. ૧૧-૧-૨૦૧૦ના રોજ સવારે ૧૧.૦૦ વાગે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વડોદરાના અટલાદરા સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. સ્વામીશ્રીના આગમનને વધાવવાનો સૌનો ઉત્સાહ અનન્ય હતો. મંદિરના પ્રવેશ દ્વાર આગળ સમર્પણ ભાવને રજૂ કરતું નૃત્ય પ્રસ્તુત કરી યુવાનોએ સ્વામીશ્રીના આગમનને વધાવ્યું. વળી, મંદિરના પરિસરમાં જુદાં જુદાં સ્પોટ પર ઊભેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયના છાત્રો વિશિષ્ટ શૈલીમાં સ્વામીશ્રીનું સ્વાગત કરી રહ્યા હતા. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. ધનુર્માસ નિમિત્તે મંદિરના પ્રત્યેક ખંડમાં ઠાકોરજી સમક્ષ પુસ્તકો અને રમકડાંના શણગાર શોભી રહ્યા હતા. મધ્ય ખંડમાં સ્વામીશ્રીને ભાગવતી દીક્ષા અપાઈ રહી હોય એવું દૃશ્ય રચવામાં આવ્યું હતું. મંદિરની સામેના ટાવરવાળા ચોકમાં સ્વામીશ્રીનાં દર્શનની એક ઝાંખી મેળવવા માટે વિશાળ સંખ્યામાં હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. મંદિર પરથી જ સ્વામીશ્રી સૌને દર્શનદાન આપી રહ્યા હતા. અહીં અટલાદરા મંદિરના કોઠારી ભાગ્યસેતુ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સમગ્ર વડોદરા સત્સંગમંડળ વતી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. ત્યારબાદ સ્વામીશ્રી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પ્રાસાદિક ઓરડે પધારી દર્શન કરી, નિજનિવાસે પધાર્યા.
ઉત્તરાયણ પર્વ :
તા. ૧૪-૧-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પાવન નિશ્રામાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણ પર્વના યજમાન થવાનું સૌભાગ્ય પામીને વડોદરા સત્સંગ મંડળે ધન્યતાની લાગણી અનુભવી હતી. આ ઉત્સવનો દિવ્ય માહોલ વહેલી સવારથી જ સર્જાયો હતો. મંદિરમાં ઠાકોરજી સમક્ષ ઉત્તરાયણના પુણ્યપર્વને અનુરૂપ સુશોભન કરવામાં આવ્યું હતું. ઠાકોરજી પતંગ અને ઝોળી સાથે સૌને દર્શનદાન આપી રહ્યા હતા.
મંદિરના સામેના પરિસરમાં સંધ્યા સમયે ઉત્સવસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાસ્થળે ઉત્સવને અનુરૂપ ભવ્ય મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. મંચની પાર્શ્વભૂમાં વિરાટ પતંગમાં ઝોળી લઈને બિરાજેલા શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ સૌને દર્શન આપી રહ્યા હતા. મંચના બંને છેડે મૂકવામાં આવેલા ïïવિશાળ બલૂન મંચની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા. સ્વામીશ્રીના આસનની જમણી બાજુના પડદા પર લખાયેલી 'નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો'ની આહ્‌લેક ઉત્સવના મર્મને દૃઢાવતી હતી. પતંગ અને ઝોળીથી શોભતા રથમાં બિરાજી સૌને દર્શનદાન દેતાં દેતાં સ્વામીશ્રી સભામાં પધાર્યા. કૃષ્ણપ્રિય સ્વામીએ 'ઝોળી પ્રમુખસ્વામીની આપણે છલકાવી દઈએ...' કીર્તનગાન દ્વારા સ્વામીશ્રીના આગમનને વધાવ્યું. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક પુષ્પહાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. આજના આ પાવન પર્વે અમદાવાદમાં સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની ઝાંખી કરાવતી વીડિયો ડી.વી.ડી.નું ઉદ્‌ઘાટન નિર્ગુણ સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. ત્યારબાદ કિશોરમંડળે સમર્પણભાવને દૃઢાવતું ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે : 'આજના ઉત્સવની પણ જય. આજનો ઉત્તરાયણનો પવિત્ર દિવસ ભારતમાં અનેક ઠેકાણે ઊજવાય છે. એ અવસરમાં દરેકને આનંદ-ઉત્સાહ ને પ્રેમ હોય છે. એમાં કંઈક કરી છૂટવાની ભાવના પણ હોય છે, કારણ કે જેને સત્સંગ થયો છે, સત્સંગનો મહિમા સમજાયો છે એને જીવમાં દૃઢતા છે કે ભગવાન અને સંતને અર્થે શું ન થાય ?
આ એક શ્રદ્ધાનો વિષય છે. જ્યારે ભગવાનમાં દૃઢ શ્રદ્ધા ને વિશ્વાસ હોય ત્યારે આવું કાર્ય થઈ શકે છે. જેણે જેણે ભગવાનને અર્થે મહિમાએ સહિત કાર્ય કર્યું છે તેને ભગવાને આપ્યું છે. ભગવાન કોઈને ભૂલતા નથી. એમને માટે ઓછુંવત્તું કરે છે એ અગત્યનું નથી, પણ હૃદયના પ્રેમથી, ભાવથી, મહિમાથી જે કાંઈ કરે છે એને ભગવાન ભૂલતા નથી અને અનંત ગણું આપે છે. ભારતીય સંસ્કૃતિમાં_ ભગવાન માટે, સંત માટે અને સારાં કાર્યો માટે જેણે જેણે કાર્ય કર્યું છે એની ગાથાઓ લખાઈ છે.
આપણે ભગવાનના સેવકો છીએ ને ભગવાન આપણા ધણી છે તો ભગવાનની જે પ્રમાણે ઇચ્છા હોય એ પ્રમાણેનું જીવન થાય તો સુખ, શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ને સુખિયા થવાય છે. સત્સંગમાં શ્રદ્ધા, વિશ્વાસ રાખીને દરેક કાર્ય કરવાનું છે. સારી ભૂમિમાં વાવીએ તો ઘણું પ્રાપ્ત થાય. સુપાત્ર એેટલે ભગવાન અને સંત. એમનું જે કાર્ય છે એ સુપાત્ર છે. જ્યાં સુધી દેહમાં જીવ છે ત્યાં સુધી એવો વિચાર કરવો કે ફૂલ નહીં, તો ફૂલની પાંખડી, પણ અર્પણ કરવી. ભગવાન ભાવના ભૂખ્યા છે. અંતરની ભક્તિથી રાજી થાય છે. સમૃદ્ધિ આપો તો સમૃદ્ધિ થાય ને ન હોય ને હાથ જોડો તો ય એટલું પુણ્ય મળે છે. ભગવાન અને સંત એ ઉત્તમમાં ઉત્તમ છે. એ પાત્ર અર્થે જેટલું કરીએ એટલું અનંત ગણું થઈને પાછું આવે છે.
ભગવાનનું છે ને ભગવાનને આપીએ છીએ એ સમજણ, એ દૃઢતા સૌને છે તો આજે સેવાઓ થાય છે. બહારની સમૃદ્ધિ ઉપાર્જન કરીએ છીએ ને તેને વાપરવાની પણ છે, પરંતુ એનાથી સુખી નથી થવાતું. એ સંપત્તિ છે ને પાછું મૂકીને જવાનું છે. પણ ભગવાનરૂપી, ધર્મરૂપી, સત્સંગરૂપી સંપત્તિ એ જ કામમાં આવે છે. મહિમાએ સહિત ભક્તિ હોય તો સુખ-શાંતિ થાય છે. મહિમાએ સહિત સૌએ સેવા કરી છે, તો ભગવાન રાજી થશે. ભગવાન સૌને અનંત ગણું આપે, બધામાં સત્સંગ દૃઢ થાય, કુટુંબ-પરિવારમાં સુખિયા થવાય ને સમાજમાં પણ શાંતિ થાય તે આશીર્વાદ છે.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |