Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વસંતપંચમી

તા. ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અટલાદરા (વડોદરા) ખાતે વસંતપંચમી ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. વસંતપંચમી એટલે સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી, શિક્ષાપત્રી તથા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન. વહેલી સવારથી જ મંદિરમાં ઉત્સવનો માહોલ રચાયો હતો.  આ ઉત્સવનો લાભ લેવા ઊમટેલા હજારો હરિભક્તોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું. મંદિરમાં ઠાકોરજી વિવિધ શણગારોથી શોભી રહ્યા હતા. ગુરુપરંપરાના ચારેય ખંડોમાં ગુલાબની ચાદર બિછાવી હતી. ગુરુવર્યોનાં દર્શન કરી સ્વામીશ્રી નીચે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ઓરડે પધાર્યા. વસંતપંચમીના પરમ પવિત્ર દિને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કરી સ્વામીશ્રીએ અભિષેક મંડપમ્‌માં પધારી નીલકંઠ વણી પર અભિષેક કર્યો. આજે સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં સંતોએ ઉત્સવને અનુરૂપ કીર્તનભક્તિ રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી.
સંધ્યા સમયે મંદિરની સામેના પરિસરમાં ઉત્સવની મુખ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસરમાં પ્રવેશતાં જ પુષ્પ-આકારની સુંદર કમાનો ઉપર પુષ્પોની નજાકતભરી વેલ ઝૂલી રહી હતી. વિવિધ રંગી લાઇટની સિરીઝોને લીધે અનેરી શોભા ગમનપથ ઉપર જોઈ શકાતી હતી. પથની બંને બાજુએ પુષ્પોની રંગોળી કરવામાં આવી હતી. પરિસરમાં ઠેર ઠેર કેળના સ્તંભો શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા.  
મંચની પાર્શ્વભૂમાં પુષ્પ અને  પતંગિયાંઓનો દબદબો હતો.  સ્વામીશ્રીના આસનની બરાબર પાછળ પુષ્પનો તિલકચાંદલો શોભી રહ્યો હતો. હરિકૃષ્ણ મહારાજનું સિંહાસન પણ પુષ્પથી મઢવામાં આવ્યું હતું. આજના વસંતના મંગલમય વાતાવરણના પ્રતીકસમા ખીલેલાં પુષ્પોના શણગારથી સમગ્ર મંચ શોભી રહ્યું હતું.    
'આજે યજ્ઞપુરુષને દ્વાર નોબત વાગે રે લોલ...' કીર્તનના મધ્યવર્તી વિચાર સાથે સભામાં વિવિધ કાર્યક્રમો પ્રસ્તુત થઈ રહ્યા હતા. સભાના આરંભમાં વડોદરા બાળમંડળના બાળકોએ 'કહે છે લોકો આ જગમાં...' ગીતના આધારે ભક્તિનૃત્ય રજૂ કર્યું. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ વડોદરા સત્સંગ મંડળે ખમીરવંતા ભક્તોની ગાથા વર્ણવી ત્યારે ઉપસ્થિત સૌની નજર સમક્ષ ઇતિહાસની એ ધન્ય ક્ષણો તાદૃશ્ય થઈ ઊઠી. સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે ત્યાગવલ્લભ સ્વામી પ્રવચન કરી રહ્યા હતા. મંચની મધ્યમાં પુષ્પોના કમલાસન ઉપર વિરાજિત સ્વામીશ્રીનાં દર્શનની સ્મૃતિઓ સૌ કોઈ માટે અણમોલ સંભારણું બની રહી હતી. ત્યાગવલ્લભ સ્વામીના પ્રવચન પછી કિશોર મંડળે 'ગામે ગામે ઘૂમે સંતો' ગીતના આધારે અભિવ્યક્તિ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. ડૉક્ટર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ વીડિયો શો દ્વારા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિનું દર્શન કરી સૌ ગદ્‌ગદિત થઈ ઊઠ્યા. મહંત સ્વામીના પ્રેરક પ્રવચન બાદ વિવેકસાગર સ્વામી લિખિત 'મહાબળવંત માયા તમારી' પુસ્તકનું ઉદ્‌ઘાટન નારાયણભૂષણ સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. કિશોરોએ 'આજે યજ્ઞપુરુષને દ્વાર' કીર્તનના તાલે ભક્તિ-નૃત્ય રજૂ કર્યું. નૃત્ય દરમ્યાન વડીલ સંતોએ પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને સન્માન્યા.
સભાના અંતમાં આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજના પવિત્ર દિવસે આપ સૌ આ ઉત્સવમાં પધાર્યા છો તો ધન્યવાદ છે. આ ઉત્સવ અલૌકિક ને દિવ્યપુરુષ શાસ્ત્રીજી મહારાજ કે જેમણેõ અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન સર્વને આપ્યું એમના પ્રાગટ્યનો છે. નાનપણમાં રમતમાં પણ રેતીનાં દેરાં કરે, ધજા લગાડે, મૂર્તિ પધરાવે. પહેલેથી જ ભક્તિમય જીવન. તેઓ અક્ષરધામમાંથી જ આ કાર્ય કરવા માટે પધારેલા હતા.
શાસ્ત્રીજી મહારાજે આપેલું જ્ઞાન સાચું હતું તો આજે દુનિયામાં સર્વમાન્ય થયું. એમણે છેતરીને આ કાર્ય કર્યું નથી, પણ શાસ્ત્રોક્ત રીતે સમજીને વાત કરી છે. વડતાલથી બહાર નીકળવાનું કારણ માન, મોટપ, કીર્તિ કે પ્રતિષ્ઠા ન હતી, પણ જે વેદ-ઉપનિષદ્‌નું શાસ્ત્રોક્ત જ્ઞાન અને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આપેલું આ જ્ઞાન છે તેના માટે શાસ્ત્રીજી મહારાજે કાર્ય કર્યું.'
બરાબર સાંજે ૮:૨૦ વાગે સ્વામીશ્રીના આશીર્વાદની સાથે સભા સમાપ્ત થઈ. સભા બાદ ઉપસ્થિત તમામ હરિભક્તો મહાપ્રસાદ લઈ, ઉત્સવની દિવ્ય સ્મૃતિઓનું ભાથું બાંધી વિદાય થયા. 

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |