Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વાલી દિન

તા. ૩૧-૧-૨૦૧૦ને રવિવારના રોજ સ્વામીશ્રીની પાવન નિશ્રામાં વડોદરા સત્સંગમંડળે વાલી દિનની ઉજવણી પ્રસંગે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
સંધ્યા સમયે 'તૂટ્યા છે મોભ ઘર-ઘરના.'ના મધ્યવર્તી વિચાર સાથે આ વિશિષ્ટ સભાનો આરંભ થયો. સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે વાલી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સ્વામીશ્રીના આગમન બાદ 'સ્વાગતમ્‌ મંગલ સ્વાગતમ્‌...' ગીતના તાલે ભક્તિનૃત્ય રજૂ કરી બાળકોએ સ્વામીશ્રીને ïવધાવ્યા. ત્યારબાદ વિવિધ સત્સંગમંડળોએ ભક્તિભાવપૂર્વક બનાવેલા કલાત્મક પુષ્પહાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. આજની આ વિશિષ્ટ સભામાં સ્વામિનારાયણ અક્ષરપીઠ તરફથી પ્રકાશિત 'સુટેવ કુટેવ' નામની પુðસ્તિકાનું ઉદ્‌ઘાટન અક્ષરપ્રકાશ સ્વામી તથા દિવ્યરત્ન સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. ત્યારપછી 'તૂટ્યા છે મોભ ઘર ઘરના...' સંવાદ પ્રસ્તુત થયો.
સભાના અંતમાં સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે 'ઘર-ઘરમાં પ્રશ્નો છે, પણ જો સત્સંગ થયો, સત્સંગની વાત સમજાણી તો પછી આનંદ, આનંદ થઈ જાય છે.
પ્રથમ વાત આવી સ્વભાવ ટાળવાની. દરેકના જુદા જુદા સ્વભાવ છે અને સ્વભાવને લઈને અહં-મમત્વ થાય, અભાવ-અવગુણ થાય, એકબીજાની ખોડ જ કાઢે એવું બને. ગૃહસ્થે પૈસા કમાવાના છે, વહેવાર પણ કરવાનો છે. એ કરવા છતાં કુટુંબભાવના ભુલાવી ન જ જોઈએ. પ્રશ્નો શું છે? સુખ-દુઃખ શું છે એ સમજવું જોઈએ. આ બધું સમજાય તો ભેટંભેટા ને ન સમજાય તો છેટંછેટા. ઘરમાં પ્રશ્નો થાય છે એનું કારણ એ છે કે આપણે ઘરના માણસને સમજી શકતા નથી. દરેકનો પ્રસંગ ને પરિસ્થિતિ સમજવી, પણ એ ન સમજે ને એકબીજા પર આરોપો કરે ને બોલ્યા કરે તો ઘરમાં ક્લેશ ને કંકાસ થાય. સમૃદ્ધિ પણ નાશ પામી જાય. જ્યાં કુસંપ હોય ત્યાંથી સમૃદ્ધિ જાય અને આબરૂ પણ જાય છે.
'બિનુ સત્સંગ હરિકથા, તા બિન મોહ ન જાય; મોહ ગયે બિન હોવત ન રામપદ અનુરાગ.'
સત્સંગ એટલે સાચા પુરુષનો સમાગમ. અને એ સમાગમ જેને જેને થયો છે એને ગમે એવા સ્વભાવ હોય પણ એનું પરિવર્તન થયું છે. જોગી મહારાજની આજ્ઞા છે કે દરેક કુટુંબે ઘરસભા કરવી. ટાઇમ હોય કે ના હોય પણ કાઢવો. લોકોને મળવાના, કામકાજના અનેક ટાઇમ આપણે આપીએ છીએ તો પછી કુટુંબને પણ ટાઇમ આપવો. આ વસ્તુમાં ઉપેક્ષા કરવા જેવી જ નથી. આ તો ખરેખર જીવમાં ઉતારવાની વાત છે તો કુટુંબમાં સુખ ને શાંતિ રહે.
વચનામૃત, સ્વામીની વાતો, રામાયણ, મહાભારતમાંથી ઘણું ઘણું જાણવાનું છે. આપણી સંસ્કૃતિ, આપણો સંપ્રદાય શું છે એ બધું ગ્રંથો વાંચવાથી જ સમજાય છે. પહેલા આપણા વડવાઓ સાંજે ઘરમાં છોકરાંઓને બેસાડીને રામાયણની વાત કરતા, ભગવાનની વાત કરતા અને એવા વહાલ-પ્રેમથી આ વાતો કરે કે છોકરાઓ પણ દાદાને વળગી પડે. અભ્યાસની તો વાત કરતા, સાથે આ પણ વાત કરતા. આ વાત જીવમાં ઉતારવાની છે. તો કુટુંબમાં શાંતિ થાય, સમાજમાં શાંતિ થાય, દેશમાં શાંતિ થાય. પહેલાં ચકમકથી અગ્નિ પ્રગટાવતા એમ આ શબ્દો એક દિવસમાં ન લાગે, પણ એને વારંવાર સાંભળો તો એક દિવસ ચોટ લાગી જાય. સત્સંગથી જે જ્ઞાન થશે તો સુખ આવશે.'
 અંતમાં સ્વામીશ્રીએ : ‘आज, बच्चो´ के भविष्य माँबाप के हाथो´ मे´ है।’ ‘लेकिन कल, माँबाप का भविष्य बच्चो´ के हाथो´ मे´ है।’
‘यदि आप चाहें तो...’ સૂત્ર બોલાવી ઉપસ્થિત સૌને અદ્‌ભુત સ્મૃતિ આપી હતી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |