Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

લીંબડીમાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૨૫-૫-૨૦૧૦ થી તા. ૭-૬-૨૦૧૦ સુધી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લીંબડી ખાતે બિરાજીને ઝાલાવાડ પંથકના હરિભક્તોમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કર્યો હતો. સતત ૧૩ દિવસ સુધી સ્વામીશ્રીનું સાંનિધ્ય પામીને સૌ કોઈ બ્રહ્મરસમાં તરબોળ બન્યા હતા. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શને લીંબડી તથા આજુબાજુનાં ગામોમાંથી ઊમટતા હજારો હરિભક્તો-ભાવિકોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું. પ્રાતઃપૂજા દરમ્યાન સંતોના સુમધુર કંઠે ગવાતાં ભક્તિપદોથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ જતી હતી. સ્વામીશ્રીનાં નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે સુરેન્દ્રનગરના બી.એ.પી.એસ. મંદિરેથી લીંબડી સુધી ૬ સંતોએ પદયાત્રા તેમજ અનેક હરિભક્તોએ વિશિષ્ટ વ્રત-તપ કરી ગુરુભક્તિ અદા કરી હતી.  
લીંબડીમાં રચાયેલ નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે યજ્ઞ, નગરયાત્રા યોજાયાં. સ્વામીશ્રીએ મૂર્તિઓમાં પ્રાણન્યાસ કરી ઝાલાવાડ પંથકના હરિભક્તોને વિશિષ્ટ ભેટ અર્પણ કરી હતી. તા. ૩૦-૫-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ આણંદ જિલ્લાના અડાસ તેમજ ઓસ્ટ્રેલિયાના એડીલેડ ખાતેનાં નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોનું ભૂમિપૂજન કરી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. તા. ૧-૬-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ અમેરિકાના સેન્ટલૂઈસ અને સુરેન્દ્રનગર જિલ્લાના ચચાણાનાં નૂતન મંદિરોમાં પધરાવવામાં આવનાર મૂર્તિઓનું વેદોક્તવિધિ પૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. ૧૩ દિવસ સુધી દિવ્ય સત્સંગલાભ આપી સ્વામીશ્રીએ તા. ૭-૬-૨૦૧૦ના રોજ દિલ્હી જવા વિદાય લીધી. અહીં લીંબડી ખાતે સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની એક ઝાંખી પ્રસ્તુત છે...
આગમન :
તા. ૨૫-૫-૨૦૧૦ના રોજ ગુણાતીતનગર(ભાદરા)ના હરિભક્તોની ભાવભીની વિદાય લઈ સ્વામીશ્રી લીંબડી પધાર્યા. સ્વામીશ્રીના આગમનને વધાવવા સૌનાં હૈયાં અદમ્ય ઉત્સાહથી થનગની રહ્યાં હતાં. બરાબર સાંજે ૬-૫૫ વાગ્યે સ્વામીશ્રીનું આગમન થયું ત્યારે સમગ્ર વાતાવરણ અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા ગુરુપરંપરાના જયનાદોથી ગુંજી ઊઠ્યું. મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે આવેલા સ્વયંસેવકો, હરિભક્તો અને સંતોથી મંદિરનું પરિસર છલકાતું હતું. બાળકોના શાંતિપાઠના ગાન સાથે ત્યાગવલ્લભ સ્વામીએ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્‌ઘાટન કર્યું. સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજ સાથે સૌ પ્રથમ મંદિરમાં પ્રવેશ કર્યો. દેવતાઈ વેશભૂષામાં સજ્જ લીંબડી બાળમંડળના બાળકોએ તારામંડળની આરતી સાથે સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. મંદિરના પરિસરમાં શિશુઓ, કિશોરો અને યુવકોએ ભાંગડા નૃત્ય કરી સ્વામીશ્રીને વધાવ્યા. સમગ્ર સત્સંગ મંડળ વતી લીંબડી મંદિરના કોઠારી સંતસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને વધાવ્યા.
રવિ સત્સંગસભા :
તા. ૩૦-૫-૨૦૧૦ના રોજ  પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં રવિ સત્સંગસભાનો લાભ પ્રાપ્ત થયો હતો. સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદનો બેવડો લાભ પ્રાપ્ત કરવા માટે લીંબડી તેમજ આસપાસના વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં હરિભક્તો-ભાવિકો અહીં ઊમટ્યા હતા.
સંધ્યા સમયે ધૂન-પ્રાર્થનાથી આ સત્સંગ સભાનો આરંભ થયો. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સમયમાં ઝાલાવાડનાં હરિભક્તોએ કરેલી અદ્‌ભુત સેવાના પ્રસંગોને તાદૃશ્ય કરતા સંવાદની લીંબડી સત્સંગમંડળના યુવકોએ પ્રેરક પ્રસ્તુતિ કરી. ત્યારબાદ સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : ''ઝાલાવાડી હરિભક્તોની પણ જય. અત્યારે ઝાલાવાડના હરિભક્તોના પ્રસંગો રજૂ થયા. વર્ષો પહેલાની વાત આપણને આજે તાજી કરી દીધી. શાસ્ત્રીજી મહારાજે ઝાલાવાડમાં વિચરીને હરિભક્તોની સેવા અંગીકાર કરી, નિષ્ઠા  કરાવી છે. યોગીજી મહારાજ પણ અહીં એટલું વિચર્યા છે. સંવાદમાં આપણને તે વખતના ભક્તોની કેવી સમજણ-નિષ્ઠા હતી તેનાં દર્શન થયાં. તે વખતે પરિસ્થિતિ સાવ સાધારણ, બહુ સગવડો નહીં, પણ હરિભક્તોનો પ્રેમ અને ભક્તિભાવ ખૂબ હતો. ભગવાન  ભક્તિને વશ છે, પ્રેમને વશ છે. ભગવાન આપણે રૂપાળા છીએ, ડાહ્યા છીએ એ જોતા નથી, પણ આપણને એમનામાં કેવો પ્રેમ છે, કેવી ભક્તિ છે, એને જુએ છે. ગરીબ હોય કે તવંગર, પણ ભગવાન ભક્તનો ભક્તિ-ભાવ જુએ છે. માહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ થાય તો ભગવાન રાજી થઈ જાય. કાલાવાલા પ્રભુને વહાલા.
ઝાલાવાડ એ બહુ જ ભાગ્યશાળી પ્રદેશ છે કે જેમાં મહારાજ અને મોટા સંતો પધાર્યા - શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ વિચર્યા અને સત્સંગ વધ્યો. શાસ્ત્રીજી મહારાજે અહીં સાચું તત્ત્વજ્ઞાન પ્રવર્તાવ્યું. એ વખતે રહેવાની કે વાહનોની સગવડ નહીં, પણ તેમણે આ જ્ઞાનની વાત કહી. ભગવાનને રાજી કરવા હોય તો તેમની આજ્ઞા પાળવી એ સૌથી શ્રેષ્ઠ છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ તો તેમનો રાજીપો પ્રાપ્ત થાય છે. એમને રાજી કરવા માટે એમના નિયમ અને એમની આજ્ઞા જેટલા પાળીશું તેટલો મહિમા સમજાશે અને આપણો બેડો પાર થશે.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |