Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રક્ષાબંધન પર્વ

તા. ૨૪-૮-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં ભાવનગર ખાતે રક્ષાબંધન પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ઊમટેલા હરિ-ભક્તોથી અક્ષરવાડીનું વિશાળ પરિસર છલકાતું હતું.
મંદિરના પરિસરમાં રચાયેલા નૂતન સભામંડપ 'પ્રમુખસ્વામી મહારાજ પ્રાર્થનાગૃહ'માં ઉત્સવની વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નૂતન સભાગૃહના ઉદ્‌ઘાટન પ્રસંગે વિશાળ મંચની ધાર પર રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોના ગાન વચ્ચે રક્ષાસૂત્ર છોડીને વેદોક્તવિધિપૂર્વક સ્વામીશ્રીએ સભામંડપનું ઉદ્‌ઘાટન કર્યું.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી જ આ ઉત્સવની વિશિષ્ટ સભાનો આરંભ થયો. સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં ïïવિશાળ રાખડીઓના શણગાર શોભતા હતા. સભામંડપમાં સૌને સ્વામીશ્રીનાં સમીપ દર્શનનું સુખ પ્રાપ્ત થાય એ માટે બે ïïવિશાળ સ્ક્રીન પણ રાખવામાં આવ્યા હતા. પ્રાતઃ પૂજા દરમ્યાન સંતો-યુવકોએ પ્રાસંગિક કીર્તનો ગાયાં. સભામાં ઉપસ્થિત સૌ હરિભક્તોએ રક્ષાસંકલ્પ કરી સ્વામીશ્રીએ પ્રસાદીભૂત કરેલી રાખડીઓ પરસ્પર પોતાના હાથે બાંધી. આજના આ પાવન પર્વે ભાવનગરના હજારો હરિભક્તોએ વિશિષ્ટ વ્રત, તપ, પદયાત્રા કરી સ્વામીશ્રીનાં ચરણે ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું.
અંતમાં યુવકોએ રક્ષાબંધનની પ્રાસંગિક ભૂમિકા બાંધીને સ્વામીશ્રીને સૌ હરિભક્તોની સર્વાંગી રક્ષા કરવા માટે વિનંતી કરી. સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં જણાવ્યું, 'આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. રક્ષાબંધન એટલે ભગવાનને ભક્તિના બંધનથી બાંધવાનું પર્વ. ભક્તિથી ભગવાન ભક્તના બંધનમાં આવે છે. દાદા ખાચરને એવી ભક્તિ હતી તો ધન, ધામ, કુટુંબ, પરિવાર બધું ભગવાનને અર્પણ કરી દીધું. ભગવાન કોઈનું લેવા આવ્યા નથી, દેવા આવ્યા છે. ભગવાને જે આપ્યું છે એવું તો કોઈએ આપ્યું નથી. આ દેહ, આંખ, કાન, નાક, હાથ-પગ આ બધું  ભગવાને આપણને આપ્યું છે. જો એ ન આપ્યું હોત તો આપણે શું કરી શકવાના હતા ? ભગવાનનો આપણા ઉપર આ બહુ મોટો ઉપકાર છે.
શ્રીજીમહારાજે કહ્યું, પોતાનું ધન-ધામ-કુટુંબ-પરિવાર ભગવાનને અર્થે કરી રાખવું. પણ ભગવાન ક્યારેક આપણી પરીક્ષા પણ લે. બલિ રાજાની ભગવાને પરીક્ષા કરી. વામનરૂપે આવીને ત્રણ પગલાં પૃથ્વી માગીને સર્વસ્વ લઈ લીધું. પણ એમના બંધનમાં આવી ગયા. ચાર મહિના ભગવાન બલિને ત્યાં રહ્યા. દાદા ખાચરનું આખું કુટુંબ ભગવાનને અર્પણ થઈ ગયું ને ભગવાનને રાજી કર્યા. દાદા ખાચરની પરીક્ષા કરવા મહારાજે દાદા ખાચરને કશું જ લીધા વિના દરબાર છોડી દેવાનું કહ્યું, તોપણ દાદા ખાચરને મહારાજ માટે જરાય શંકા થઈ નહીં, તો ભગવાન દાદાખાચરને ત્યાં રહ્યા. અંતરમાં સાચી ભક્તિ હોય એવા ભક્તોને ભગવાનને રાજી કરવામાં કંઈ આડું આવતું નથી.
ભગવાને દશાંશ-વિશાંશ ધર્માદો આપવાની આજ્ઞા કરી છે - એ કરીએ તો આપણે સર્વસ્વ અપાઈ ગયું. એ અર્પણ કરીએ તો આજે સુખી છીએ ને  ભવિષ્યમાં પણ સુખી થવાના છીએ. ભગવાન પણ એને સર્વસ્વ માની લે છે. દાદા ખાચર, બલિ રાજા, અંબરીષ રાજાએ ભક્તિ કરીને ભગવાનને બંધનમાં લઈ લીધા એમ આપણે પણ એમના જેવી ભક્તિ કરવાની છે. ભગવાન-સંતને રાજી કરવા આ ભક્તિ છે. ટીપે ટીપે સરોવર ભરાય એમ આપણી થોડી થોડી ભક્તિથી ભગવાન રાજી થઈ જાય. જેમ ધીરે ધીરે વેપાર-ધંધો કરતાં કરતાં માણસ આગળ વધે છે, છોકરો ભણવા બેસે છે તો એક દિવસમાં ડિગ્રીઓ મળતી નથી એમ ભક્તિમાં પણ ધીરે ધીરે ફળ મળે છે. પરંતુ આપણી ધીરજ રહેતી નથી. આપણે તો આજે છોડ વાવ્યો ને કાલે ફળ કેમ ન આવ્યું ? પણ એને માટે ખાતર-પાણી કરવું પડે પછી ફળ આવે. હૃદયના પ્રેમથી ભક્તિ કરીએ તો મહારાજ એને બહુ માની લે છે અને ફળ આપે છે, ધીરજ જોઈએ. આ દેહ અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવા માટે મળ્યો છે. સંસારમાં છીએ એટલે નોકરી-ધંધો બધું કરવું પડે, પણ નિષ્ઠા પાકી રાખવી તો સર્વ પ્રકારે સુખિયા થવાય છે.
આજના રક્ષાબંધનના દિવસે શ્રીજી-મહારાજની આજ્ઞા-ઉપાસના, નિયમ-ધર્મનાં બંધન છે એ બરાબર દૃઢ રાખવાં. જેટલી ભગવાનની આજ્ઞા પાળીશું એટલું સુખ છે. આજ્ઞા પાળીશું તો ભગવાન રાજી થશે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આજ્ઞા-ઉપાસનાની દૃઢતા રાખીશું અને નિયમ-ધર્મના બંધનમાં રહીશું તો ભગવાન રાજી, રાજી ને રાજી.
રક્ષાબંધનને દિવસે શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને પ્રાર્થના કરીએ કે બધાને જગતનાં બંધન છૂટી જાય ને ભગવાનનું બંધન હંમેશાં રહે ને ભક્તિ-સત્સંગ કરીને સર્વ પ્રકારે સુખિયા થવાય એવાં બળ-શક્તિ આપણને આપે એ જ પ્રાર્થના.'
આશીર્વાદ સમાપ્તિ બાદ પાલિતાણા અને તળાજાના મહિલામંડળે ભક્તિભાવ-પૂર્વક તૈયાર કરેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કર-કમળોમાં અર્પણ કર્યા. ત્યારબાદ 'માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ' એ મધ્યવર્તી વિચાર સાથે તૈયાર થયેલા પ્રદર્શનનું ઉદ્‌ઘાટન પુણ્યકીર્તન સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |