Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બાળ-કિશોરદિન

તા. ૧૦-૧૦-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં જૂનાગઢ બાળમંડળના બાળકો તેમજ કિશોરમંડળના કિશોરોએ 'બાળ-કિશોરદિન'ની ઉજવણી કરી વિશિષ્ટ રીતે ભક્તિ અદા કરી હતી. સ્વામીશ્રી જ્યારે મંદિરે દર્શન માટે પધાર્યા ત્યારે પરિસરમાં  બાળકોનું સામ્રાજ્ય છવાયું હતું. મંદિરના પ્રાંગણમાં બાળકોએ ગલભાઈનો પ્રસંગ રજૂ કર્યો. પોરબંદર મંદિરના દશાબ્દી ઉત્સવ નિમિત્તે સમગ્ર વર્ષ દરમ્યાન રજૂ થનાર વિવિધ કાર્યક્રમોનાં બેનરો લઈને ઊભેલા બાળકો પર સ્વામીશ્રીએ અમી દૃષ્ટિ કરી. આ બાળકોએ આજે ૮,૨૬૫ દંડવત્‌-પ્રણામ કરી ગુરુભક્તિ અદા કરી હતી. પ્રાતઃપૂજામાં બાળકોએ સવાદ્ય કીર્તન-ભક્તિ રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. ત્યારબાદ બાળમંડળના બાળકો દ્વારા 'હે માતૃભૂમિ ભારત' નૃત્ય રજૂ થયું. શ્યામ ભરડવા નામના પ્રજ્ઞાચક્ષુ બાળકે જોશીલી શૈલીમાં કેફથી 'અંતરની આંખે ઓળખો' વિષયક પ્રેરક પ્રવચન કર્યું તો યશ પુરોહિતે ગીતાના ૧૫મા અધ્યાયનો મુખપાઠ રજૂ કર્યો. 
સંધ્યા સમયે યોજાયેલી રવિ સત્સંગસભામાં બાળ-કિશોરદિન નિમિત્તે બાળકો અને કિશોરોએ વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. નિયત સમયે સિંહનો પરિવેશ ધારેલા બાળકો સાથે સ્વામીશ્રી સભામાં પધાર્યા. આજ્ઞા અને ઉપાસનામાં અગડમ્‌બગડમ્‌ ચલાવતો પરિવાર કેવી રીતે સત્સંગની દૃઢતા તરફ પાછો વળે છે તેની પ્રેરક પ્રસ્તુતિ કિશોર મંડળના કિશોરોએ હરિનારાયણ સ્વામી લિખિત સંવાદ દ્વારા કરી.
બાળકોએ 'પાંચ મૂરખા' અને 'બકરીનો આશરો'ની પ્રભાવક પ્રસ્તુતિ કરી. ત્યારબાદ વિવિધ સત્સંગમંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.  સભામાં સ્વામીશ્રીનાં દર્શનાર્થે પધારેલા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનું વિવેકસાગર સ્વામીએ પુષ્પહાર પહેરાવી સ્વાગત કર્યું.
સભાના અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'જૂનાગઢ તો સિદ્ધોની ભૂમિ કહેવાય. ભગવાન સ્વામિનારાયણ પણ વનવિચરણ કરતાં કરતાં અહીં આવ્યા હતા ને બધા સિદ્ધોને દર્શન દીધાં હતાં. વનવિચરણ પૂરું કરી આત્મજ્ઞાનની વાતો કરી, સંતો બનાવ્યા. મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢની મહંતાઈ સોંપી. ગુણાતીતાનંદ સ્વામીની સાથે અહીં ઘણા મોટા સંતો પણ રહ્યા હતા. એ સંતોએ જૂનાગઢની ચારેય બાજુ ફરીને અક્ષર ને પુરુષોત્તમ, આત્મા ને પરમાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન બધાને આપી, ભગવાનનો આશરો કરાવ્યો. ભગવાનનો આશરો હોય તો મુશ્કેલી આવે તો રક્ષા પણ એ કરશે.
સુખ ને દુઃખ તો આ દુનિયામાં આવવાનું જ છે, પણ જેને આત્માનું જ્ઞાન છે એને સુખ આવે કે દુઃખ, માન થાય કે અપમાન, કોઈ ગમે તેમ બોલી જાય, પણ વાંધો આવતો નથી. સુખ-દુઃખ કે પ્રશ્નોમાં પણ જીવમાં એમ હોય કે ભગવાન જે કરતા હશે એ સારું જ હશે તો અંતરે શાંતિ રહે. જનકને આ સ્થિતિ હતી, તો કોઈ વાતે દુઃખ થયું નહીં. જે ભગવાનને કર્તા માને છે એને કોઈ દુઃખ આવતું નથી અને આવે તોપણ એને સહન કરી લે છે.
જીવનમાં જ્ઞાન બરાબર ન થાય ત્યાં સુધી દુઃખ છે જ. વહેવારમાં ધ્યાન આપવું પડે, પણ એમાં આ જ્ઞાન હોય તો શાંતિ ને સુખ રહે. ભક્ત કે અભક્ત હોય એને દુઃખ તો આવે જ છે, પણ એમાં સમજણવાળા હોય એ પોતાના જીવનમાં સુખ ને શાંતિથી જીવે છે. આશરો રાખીને જેટલું સત્કર્મ થાય એટલા ભગવાન આપણા પર રાજી થાય છે. સર્વ પ્રકારે સુખ-શાંતિ થાય એ માટેનું બળ સર્વને પ્રાપ્ત થાય એ માટે પ્રાર્થના.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |