Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અક્ષરતીર્થ ગોંડલમાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૧૮-૧૦-૨૦૧૦ થી તા. ૧૧-૧૧-૨૦૧૦ સુધી સાક્ષાત્‌ સ્થાન ગોંડલમાં બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સૌને સત્સંગનું દિવ્ય સુખ આપ્યું હતું. આ વખતનું સ્વામીશ્રીનું ગોંડલનું રોકાણ હરિભક્તો માટે વિશેષ સ્મૃતિદાયક બની રહ્યું. નિજનિવાસેથી અક્ષરદેરી, મુખ્ય મંદિર અને સ્મૃતિ મંદિરે દર્શને પધારતા સ્વામીશ્રીનાં દર્શનની એક ઝાંખી મેળવવા માટે વહેલી સવારથી જ વિશાળ સંખ્યામાં ભક્ત મહેરામણ મંદિરમાં ઊમટતો હતો. ગોશાળાની સામે આવેલા વિશાળ સભામંડપમાં સ્વામીશ્રીની પ્રાતઃપૂજા પૂર્વે જ સમગ્ર સભામંડપ હરિભક્તો-ભાવિકોથી હકડેઠઠ ભરાઈ જતો હતો. પ્રાતઃપૂજામાં ગોંડલ ગુરુકુળના બાળકો દ્વારા રજૂ થતી કીર્તનભક્તિથી વાતાવરણ સવિશેષ દિવ્ય બની જતું હતું. સ્વામીશ્રીના સુસ્વાસ્થ્ય અને નિરામય દીર્ઘાયુ માટે આબાલવૃદ્ધ સૌ કોઈએ વિશિષ્ટ વ્રત-તપરૂપી ભક્તિની ભાગીરથી વહાવી હતી.
પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દેશ-વિદેશના હજારો હરિભક્તો ગોંડલમાં સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં શરદોત્સવ, દીપાવલિ, અન્નકૂટોત્સવ, નૂતનવર્ષારંભ, લાભપાંચમ જેવા વિવિધ ઉત્સવનો લાભ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત બાળ-કિશોરદિન, પૂર્વવિદ્યાર્થી સંમેલન જેવા પ્રસંગોએ પણ સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પામી સૌ કોઈ કૃતાર્થ થયા હતા. વળી, ગુરુપરંપરા પ્રતિષ્ઠા ઉત્સવનો લાભ પ્રાપ્ત કરી ગોંડલવાસીઓ ધન્ય બન્યા હતા. તા. ૧-૧૧-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા બાદ અહીં રચાયેલ ગુરુવર્યોના ખંડ પરના સુવર્ણરસિત કળશ અને ધજાદંડનું પૂજન કર્યું હતું. તા. ૨-૧૧-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ અમદાવાદના પરાવિસ્તાર અમરાઈવાડીમાં રચાયેલ નૂતન બી.એ.પી.એસ. સંસ્કારધામમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી આશીર્વાદ પાઠવ્યા હતા.
આવો, હવે પછીનાં પૃષ્ઠોમાં ગોંડલમાં સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગ લાભને માણીએ...
આગમન :
તા. ૧૮-૧૦-૨૦૧૦ના રોજ સંધ્યા સમયે સ્વામીશ્રીનું આગમન થયું.
સ્વામીશ્રીને સત્કારવા માટે યોગીદ્વાર પર હાથમાં દીપ અને ધ્વજ લઈને ગોંડલ ગુરુકુળના બાળકો ઊભા હતા. સૌનો ભાવસભર આદરસત્કાર ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી સૌ પ્રથમ સ્મૃતિ મંદિરે પધાર્યા. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનાં દર્શન કરી સ્વામીશ્રી અક્ષરદેરીમાં પધાર્યા.  અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનાં દર્શન કરી, પ્રદક્ષિણા ફરી સ્વામીશ્રીએ સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. અહીં પૂજારી ૠષિનંદન સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. ત્યારબાદ સ્વામીશ્રી મંદિરની પ્રદક્ષિણામાં નૂતન ગુરુશિખરોનું નિરીક્ષણ કરી ઠાકોરજીનાં દર્શને પધાર્યા. મંદિર પર પૂજારી મુક્તિજીવન સ્વામીએ પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને સન્માન્યા.
આજે સ્વામીશ્રીને સત્કારવા વિશાળ સંખ્યામાં હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. મંદિરના ચૉકમાં જ સ્વાગતસભા રચાઈ હતી. મંદિરે દર્શન કરી સ્વામીશ્રી સભામાં પધાર્યા. ઘનશ્યામચરણ સ્વામીના પ્રવચન બાદ ગોંડલ મંદિરના કોઠારી જ્ઞાનપ્રસાદ સ્વામીએ ઘનશ્યામ મહારાજનો પ્રાસાદિક પુષ્પહાર સ્વામીશ્રીના કરકમળોમાં અર્પણ કરી, સમગ્ર ગોંડલ સત્સંગમંડળ વતી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. વળી, હરિ-ભક્તોએ વિશેષ વ્રત-તપ કરી સ્વામીશ્રીના આગમનને વિશિષ્ટ રીતે વધાવ્યું હતું.

સભામંડપમાં ગોંડલ મંદિરના મહંત બાલમુકુંદ સ્વામીએ પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીનું અભિવાદન કર્યું. સૌનો ભક્તિભાવભર્યો આદર સત્કાર સ્વીકારી સ્વામીશ્રી નિજનિવાસે પધાર્યા.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |