Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગુરુપરંપરા પ્રતિષ્ઠા મહોત્સવ

તા. ૩-૧૧-૨૦૧૦નો દિન ગોંડલ-વાસીઓ અને તમામ હરિભક્તો માટે અપૂર્વ આનંદનો દિવસ હતો. આજના પરમ પવિત્ર દિને સ્વામીશ્રીએ અક્ષર-મંદિરના પાછળના ભાગમાં રચાયેલી દેરીઓમાં ગુરુપરંપરાની મૂર્તિઓ તથા હનુમાનજી-ગણપતિજીની પ્રતિષ્ઠાવિધિ કરી સૌને અપાર સુખ આપ્યું હતું.
વહેલી સવારના મંગળા આરતી બાદ મૂર્તિઓના સ્થાપનવિધિથી આજના ઉત્સવનો આરંભ થયો. ચારેય ખંડોમાં અને હનુમાનજી અને ગણપતિજીના ખંડમાં વડીલ સંતો પ્રતિષ્ઠા માટે પધાર્યા. ભગતજી મહારાજના ખંડમાં ત્યાગવલ્લભ સ્વામી, શાસ્ત્રીજી મહારાજના ખંડમાં મહંત સ્વામી, યોગીજી મહારાજના ખંડમાં ઈશ્વરચરણ સ્વામી તથા પ્રમુખસ્વામી મહારાજના ખંડમાં વિવેકસાગર સ્વામી, હનુમાનજીની દેરીમાં સિદ્ધેશ્વર સ્વામી તથા ગણપતિજીની દેરીમાં ઘનશ્યામચરણ સ્વામી પ્રતિષ્ઠાવિધિનું પૂજન કરી રહ્યા હતા. શ્રુતિપ્રકાશ સ્વામી, ઘનશ્યામભાઈ શાસ્ત્રી અને મૂકેશભાઈ શાસ્ત્રી આ વિધિ કરાવી રહ્યા હતા.
પ્રાતઃપૂજા બાદ બરાબર ૭-૪૫ વાગે સ્વામીશ્રી સ્મૃતિ મંદિરે દર્શને પધાર્યા ત્યારે પરિસરમાં શરણાઈના મંજુલ સૂરો ગુંજી રહ્યા  હતા. સર્વત્ર મંગલમય વાતાવરણ છવાયું હતું. આ ઉત્સવનો લાભ લેવા ઊમટેલા હજારો હરિભક્તો-ભાવિકોને પ્રતિષ્ઠાવિધિનો લાભ પ્રાપ્ત થાય તે માટે મંદિરના પ્રાંગણમાં વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. 
સૌને દર્શનદાન આપી સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રી સૌપ્રથમ ભગતજી મહારાજની દેરીથી પ્રતિષ્ઠા-વિધિનો આરંભ કર્યો. ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, હનુમાનજી તથા ગણપતિજીની મૂર્તિઓનું પૂજન કરી, પુષ્પ પધરાવી ઉપસ્થિત સૌને અદ્‌ભુત લાભ આપ્યો હતો. ત્યારબાદ સ્વામીશ્રીએ પ્રતિષ્ઠાવિધિની આરતી ઉતારી. અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુપરંપરાના જયનાદોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું.
આમ, સ્વામીશ્રી અને વડીલ સંતોની ઉપસ્થિતિમાં ગુરુપરંપરા પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ પ્રાપ્ત કરી હજારો હરિભક્તોએ ધન્યતાની લાગણી અનુભવી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |