Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

નૂતનવર્ષારંભ

તા. ૭-૧૧-૨૦૧૦ના રોજ વિક્રમ સંવત ૨૦૬૭ના નૂતન વર્ષનો આરંભ થતો હતો. આ નિમિત્તે અહીં ભવ્ય મહાપૂજા પણ યોજાઈ હતી. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં સંતોએ 'અભિવંદન અભિવંદન નૂતનવર્ષનાં અભિવંદન...' જેવાં કીર્તનો ગાઈને નૂતન વર્ષને વધાવ્યું હતું. વડીલ સંતોએ વિવિધ કલાત્મક હાર તથા ચાદર સ્વામીશ્રીને અર્પણ કરી નૂતન વર્ષનાં અભિવંદન પાઠવ્યાં હતાં.
સ્વામીશ્રીએ નૂતન વર્ષના મંગળ પ્રભાતે માંગલિક આશીર્વચન પાઠવતાં કહ્યું કે 'આજે બેસતા વરસના દિવસે આપણને બધાને સાક્ષાત્‌ સ્થાન અક્ષરદેરીમાં લાભ મળ્યો, દિવાળી ને અન્નકૂટનો પણ લાભ મળ્યો, દર્શન-સમાગમનો પણ લાભ મળ્યો છે. આ સ્થાન એવું દિવ્ય છે કે દરેકને અહીં આવતાં આનંદ થાય છે. દૂર દૂર ને દેશ-પરદેશથી બધા આવે છે એવું આકર્ષણ યોગી બાપાએ મૂક્યું છે. આવી ને આવી ભક્તિ સર્વમાં થાય, આવો ને આવો ઉત્સાહ સર્વમાં રહે, એ પણ પ્રાર્થના છે.
આ સ્થાનમાં આવ્યા છીએ ને અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન થયું છે અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા પુરુષ મળ્યા છે એટલે આપણે બ્રહ્મરૂપ થયા છીએ, એમ સમજવાનું છે. સ્વભાવ, દોષ, પ્રકૃતિ આવાં સ્થાનોમાં આવવાથી જાય છે. સ્વામી કહે છે - હવે આપણે ધન્યભાગી છીએ. આપણા ભાગ્યનો પાર નથી એવા ઉત્સાહ ને ઉમંગમાં રહેવું. વહેવાર છે એટલે સુખદુઃખ આવે પણ એ આપણું સારું કરનારા છે. ભગવાન ને સંતને સાથે રાખીને જેટલું કામ કરીશું એટલું આપણા જીવનમાં સુખ ને શાંતિ રહેશે, આનંદ રહેશે. વહેવાર કરતાં કરતાં ભક્તિ ભુલાઈ ન જાય એટલા માટે વારંવાર ઉત્સવ-સમૈયા થાય છે. એમાં લાભ લઈને જે સ્મૃતિ રહે અને ભગવાન ને સંતનો મહિમા સમજીને એના જેટલાં ગુણગાન ગાઈશું એટલા આપણે સુખિયા છીએ. સંસાર-વહેવારનું કાર્ય કરવાનું છે, પણ ભગવાનને ભૂલીને કાંઈ કરવું નહીં.
લોકોને અફીણ-દારૂ-ગાંજાનો કેફ ચઢે તો એ કેફમાં કેટલા અલમસ્ત ફરતા હોય છે ! પણ, ભગવાનનો કેફ જેને ચઢ્યો છે એને કોઈ દા'ડો ઊતરે જ નહીં અને એ આપણા જીવનને શાંતિ ને સુખ કરે છે.
વહેવારમાં સુખદુઃખ આવે તો આપણો કેફ ઊતરવો ન જોઈએ. સુખદુઃખ તો ભગવાનની ઇચ્છાથી આવે છે ને જાય છે. સુખમાં હરખાઈ ન જવું ને દુઃખમાં કરમાઈ ન જવું. ભગવાન દુઃખ આપે છે તે આપણા જીવમાંથી સ્વભાવ-દોષો કાઢવા માટે આપે છે. આ વાતો સાંભળી હોય તો આખું વરસ કેફ રહે ને ભગવાનની ભક્તિ થાય અને વહેવાર પણ સારો થાય. જેથી કરીને ભગવાનસંબંધી કાર્યો થતાં રહે, એ માટે શ્રીજીમહારાજને આપણે પ્રાર્થના કરીએ છીએ. મહારાજની દયાથી દેરીમાં ઉત્સવ થયો, ચોપડાપૂજન થયું, દેરીમાં પૂજન થયું છે એટલે આખું વરસ સારું જ થાય ને સારી સેવા થાય. ભગવાનની આગળ જેટલું થાય એટલું સત્કર્મ.
મહારાજ સર્વને બળ આપે, સર્વને સુખિયા કરે ને આવી રીતે ઉત્સવ થયા જ કરે. આજનો આ કેફ લઈને જજો એટલે આખું વરસ ઊતરે નહીં. મહારાજ તને મને ધને બધાને સુખિયા રાખે ને સર્વ કાર્યમાં શાંતિ થાય. આજનો દિવસ સફળ થઈ ગયો. આજે આવા ભગવાન ને સંતનાં દર્શન કરીને જઈએ એટલે આખું વરસ શાંતિ ને સુખ રહે.'
આમ, હજારો હરિભક્તોના હીલોળા વચ્ચે દીપોત્સવ, અન્નકૂટ અને નૂતન વર્ષ આરંભ ત્રણેય ઉત્સવો ગોંડળ અક્ષરમંદિરને આંગણે દિવ્યતા-ભવ્યતાસભર સંપન્ન થયાં.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |