Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રવિ સત્સંગસભા

તા. ૨૬-૧૨-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં પ્રાતઃપૂજા દર્શન તથા રવિ સત્સંગસભાનો બેવડો લાભ પ્રાપ્ત થયો હતો.
સંધ્યા સમયે યોગીસભાગૃહમાં ધૂન-પ્રાર્થનાથી આ સત્સંગસભાનો આરંભ થયો. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ ૨૦૧૦ના વર્ષમાં સ્વામીશ્રીએ કરેલાં કાર્યોની સંકલિત વીડિયો રજૂ થઈ. જનજનનાં કલ્યાણ કાજે ૯૦ વર્ષની ઉંમરે પણ એક જ વર્ષમાં સેંકડો વિશાળ પ્રોજેક્ટ્‌સનું સંચાલન અને હજારો માઈલોનું વિચરણ કરનાર સ્વામીશ્રીને સૌ મનોમન વંદી રહ્યા.
સભાના અંતમાં આશીર્વાદ સ્વામીશ્રીએ આપતાં જણાવ્યું, 'મહિમાએ સહિત ભક્તિ કરવાની છે. સેવા કરતી વખતે કેટલીક વાર એવા વિચારો આવી જાય કે અહીં ક્યાં આવી પડ્યા ? પણ પાંચસો પરમહંસો, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે જીવનમાં કેટલાં કષ્ટ વેઠ્યાં છે, માન-અપમાન, તિરસ્કાર સહન કર્યાં છે. પણ એમને અક્ષરપુરુષોત્તમનો સિદ્ધાંત પ્રવર્તાવવો છે - એ જ એક મહિમા અને એનું જ તાન જીવમાં હતું.
આવી નિષ્ઠા-દૃઢતા થાય ને મહિમા સમજાય ત્યારે દેહ સામું જોવાનું રહેતું નથી. દેહ તો પડવાનો જ છે, એ નક્કી જ છે. ગમે તેટલો સાચવીશું, ગમે એટલી સરભરા કરીશું, ગમે તેટલી એની વ્યવસ્થા કરીશું તોપણ દેહ પડવાનો છે. ડૉક્ટરો પાસે જાવ ને એ સારવાર કરે, ઇન્જેક્શનો લગાવે, પણ મહારાજની ઇચ્છા હોય ને આવરદા હોય એટલું જિવાય. પણ જેણે બધું ભગવાન માટે અર્પણ કર્યું છે એને કાંઈ કઠણ પડે નહીં. આ માર્ગ ભગવાનને રાજી કરવાનો છે, શૂરાનો મારગ છે. શૂરો હોય તે લડવા જાય ત્યારે એને મરવાનો ભય ન હોય, એને બૈરાં-છોકરાં-કુટુંબનું શું થશે એ વિચાર ન હોય. એને તો એક જ ધ્યેય હોય કે લડાઈમાં વિજય મેળવવો છે. એમ આપણને પણ મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય થાય ત્યારે ભગવાન ને સંત રાજી કરવાનું તાન થાય.
આવો જોગ ક્યારેય મળ્યો ન'તો એટલે જન્મ-મરણ થાય છે, પણ આ વખતે એવો જોગ મળી ગયો છે. શ્રીજીમહારાજ સાક્ષાત્‌ એમના ધામ સહિત પધાર્યા. એમના થકી આપણને આ જ્ઞાન સિદ્ધ થયું છે. ભગવાનને રાજી કરવામાં સંકટો આવે, મુશ્કેલીઓ આવે, પણ મન પાછું પડવા દેવું નહીં. મોતીભાઈ ભગવાનદાસે કીર્તન લખ્યું છે : 'અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે...'
મહિમા સમજાય પછી શું ન થાય ? બધું જ થાય. પછી આપણા શરીરને જેમ એ વાળે એમ વળવાનું. દેહ ને દેહના સંબંધીમાં જેવું હેત છે, લાગણી ને મમતા છે, એવું જો ભગવાન અને સંતને વિષે થાય તો પછી આ દેહની પરવા રહે નહીં. જેને મહિમાએ સહિત નિશ્ચય થયો છે એને કોઈ વાતની પરવા રહેતી નથી. એેણે તો 'યાહોમ' કરીને પડવાનું છે. મરવાનું તો એક વખત છે જ, તો પછી ભગવાન-સંત માટે દેહ પડશે તો આપણો મોક્ષ થશે. 
શાસ્ત્રીજી મહારાજે આપણને આ સેવા સોંપી છે. અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન થાય ને હજારો માણસો અક્ષરપુરુષોત્તમનું ભજન કરતા થાય એ એમનો સંકલ્પ હતો. એ જ એમની આજ્ઞા હતી. સત્સંગી થયા કે સાધુ થયા, પણ અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન પ્રવર્તાવવાનું છે. આ જ્ઞાન સાચું છે. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરબ્રહ્મ અને શ્રીજીમહારાજ પરબ્રહ્મ પુðરુષોત્તમ નારાયણ છે - આ સિદ્ધાંત શાસ્ત્રોક્ત છે. શાસ્ત્રીજી મહારાજે ઉપજાવી નથી કાઢ્યું, પોતાની મોટાઈ વધારવા માટે નથી કર્યું. સાચી વાત મનાય તો એને માટે દેહ કુરબાન થઈ જાય. મહિમાએ સહિત નિશ્ચય થયો હોય એ પાછા પડતા નથી, અને આ પ્રમાણે થશે તો અંતરમાં શાંતિ પણ થશે.'
સતત વીસ મિનિટ સુધી સ્વામીશ્રીએ સૌ પર આશિષ વરસાવી કૃતાર્થ કર્યા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |