Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ઝોળી ઉત્સવની વિશિષ્ટ સભા

તા. ૧૬-૧-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલી ઝોળી પર્વની વિશિષ્ટ સભાનો મુંબઈ ક્ષેત્ર-૨ અને મલાડથી માંડીને વિરાર સુધીના વિસ્તારના ૯૫૦૦થી વધુ હરિભક્તો-ભાવિકોએ લાભ લીધો હતો.
યોગી સભાગૃહમાં યોજાયેલી સભામાં સ્વામીશ્રી પધાર્યા. વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું. પ્રવચન બાદ સમર્પણ નામનો સંવાદ રજૂ થયો. સંવાદ બાદ સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતાં જણાવ્યું : 'ભગવાન હજારો હાથે આપે છે. માણસ નોકરી-ધંધો-વ્યવસાય કરે છે તેમાં કંઈક મળશે જ એવી એને શ્રદ્ધા છે. એમાં કંઈ ખોટ જાય છતાંય એને વિશ્વાસ છે કે કંઈક મળશે. ખેતીમાં કેટલીય વાર વરસાદ ન આવે, તીડ આવે, હિમ પડે, તો પણ ખેડૂત દર વરસે એટલી જ શ્રદ્ધાથી કામ કરે છે કે આ વખતે તો સારામાં સારું મળશે. વેપારીઓને ખોટ જાય તોપણ 'હવે મળશે' એવી એક શ્રદ્ધા છે. દરેક માણસને દરેક કાર્યમાં આવી શ્રદ્ધા ને વિશ્વાસ હોય છે એટલે કામ કરે છેõ.
એમ આ ભગવાનના કામમાં એટલી શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો કામ થાય જ. સારી ભૂમિમાં વાવ્યું હોય તો સારું મળે જ છે. ખારભૂમિમાં કોઈ પાક થાય જ નહીં. ગમે એટલો વરસાદ વરસે, ગમે એટલા ખાતર-પાણી કરીએ, તોપણ ભૂમિ જ ખારી છે, તળમાં જ કંઈ કસ નથી. એટલે ગમે એટલી મહેનત કરો, તોપણ ગાડું ભરીને આવતું નથી. પણ ખેડૂત બીજે વરસે એટલી જ શ્રદ્ધાથી કરે છે. વહેવારમાં મળે ન મળે, ખોટ જાય, પણ એમાં આ વખતે થશે, બીજી વખતે થશે એમ થાય છે. તો ભગવાન તો હજારો હાથવાળા છે. 'કોઈનો પાડ ન રાખે મુરારિ, આપે વ્યાજ સહિત ગિરધારી.'
જેણે આપ્યું છે એને આપવા માટે ભગવાન બેઠા છે. ભગવાને આપ્યું છે, એમાંથી દશમો-વીશમો ભાગ ભગવાનને આપવાની શ્રીજીમહારાજે આજ્ઞા કરી છે. આપણો ઘર-સંસાર બરાબર ચાલે ને આપણે બહુ સુખી રહીએ એ માટે આ રીતે શાસ્ત્રોનો આદેશ છે. ભગવાન લેવા માટે નથી આવ્યા, પણ દેવા માટે આવ્યા છે. આપણે તો માત્ર આપણો જ વિચાર કરીએ છીએ જ્યારે ભગવાન તો બધાનો વિચાર કરે છે. એ બધાનો ખ્યાલ રાખે છે. બૅંકમાં પૈસા મૂક્યા હોય તો વ્યાજ સહિત મળે છે. એક બૅન્કનો, શરાફી માણસનો વિશ્વાસ છે તો આ બધું તો ભગવાને જ આપ્યું છે. ભગવાને આપણને શરીર આપ્યું છે, હાથપગ બધા અવયવો આપ્યા છે. જો એ ન આપ્યા હોત તો શું થાત ? જેણે આપણને આવું સરસ શરીર આપ્યું છે, આવા સુંદર અવયવો આપ્યા છે એ ભગવાનનો આપણે ઉપકાર માનવાનો છે. કોઈએ આપણને કોઈ કાર્યમાં સાથ-સહકાર આપ્યો હોય તો આપણે પણ એને માટે કંઈક કરીએ છીએ, એમ, આ બધું ભગવાનનું જ આપેલું છે, ભગવાને જ કર્યું છે, એમ માનીએ તો પછી વાંધો ન આવે. ભગવાનના કામમાં આપીએ એ સારા કામમાં જ વપરાય છે.
જેને ખરેખર મહિમા સમજાયો છે એને તો કોઈ જાતની અડચણ થતી નથી. એ ભગવાન-સંતને રાજી કરવા માટે, ભગવાનનાં કાર્યોને માટે પોતાનું તન, મન, ધન અર્પણ કરે છે. ભગવાન આપણું ધ્યાન ક્ષણે ક્ષણે રાખે છે. ભગવાન કોઈને દુઃખ દેવા આવ્યા નથી, સુખ આપવા માટે જ આવ્યા છે, કોઈનું લેવા માટે આવ્યા નથી, દેવા માટે જ આવ્યા છે. ભગવાન લે છે તે પણ દેવા માટે. આ શ્રદ્ધાનો વિષય છે, ફરજિયાત નથી. ભગવાન માટે ખર્ચ કરે એને કોઈ વાંધો આવે નહીં. 'ખરચ્યું ન ખૂટે વાકો ચોર ન લૂંટે' આપણને ધંધામાં, ખેતીમાં, નોકરીમાં આપનાર તો એ જ છે. વ્યાજ સાથે અનંત ગણું આપે, પણ આપણને સમજાતું નથી.
આજે સમૈયામાં બધાને બહુ ઉત્સાહ છે, ભગવાન ને સંતને માટે શું ન થાય ? એ ભાવ છે. જેમ લગ્નપ્રસંગમાં વહેવારે કરીને ચાંદલો કરવો પડે છે, એમ આ આત્માનો વહેવાર છે. આપણે આત્મા છીએ તો પરમાત્માને માટે કંઈક કરવું પડે. એમાં કોઈને ખોટ જવાની નથી ને કોઈને ગઈ પણ નથી. આપ બધાએ આજે ઉત્તરાયણ પ્રસંગે જે સેવા મહિમાએ સહિત કરી છે તો ભગવાન બધાને અનંતગણું પાછું આપે, કુટુંબ-પરિવાર, ધંધા-પાણી, રોજગારમાં ખૂબ ખૂબ શાંતિ મળે ને બધા સુખિયા થાય ને ભગવાન સર્વને બળ આપે એ જ પ્રાર્થના.'
આશીર્વાદની સમાપ્તિ બાદ વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં હાર અર્પણ કરી ભક્તિ અદા કરી. શ્રીહરિનાં ચરણોમાં આજે ઝોળીદાન અર્પણ કરીને સૌ કૃતાર્થ થયા.

 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |