|   | 
      પૂના અને નાસિકમાં રચાનાર શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસવિધિ... 
         ભગવાન સ્વામિનારાયણ  અને ગુણાતીત ગુરુપરંપરાની પદરજથી પાવન થયેલા મહારાષ્ટ્રમાં મહાનગર પૂના અને તીર્થધામ  નાસિકમાં નૂતન ભવ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ થઈ રહ્યું  છે. તાજેતરમાં તા. ૨૪-૧-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ બંને મંદિરોના  વેદોક્તવિધિપૂર્વક શિલાપૂજન વિધિ કરીને મંદિર-નિર્માણના કાર્યનાં શ્રીગણેશ કર્યાં છે. 
યોગી સભાગૃહમાં સવારના  સમયે શુભમુહૂર્તમાં શિલાન્યાસવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાની  પાટની ડાબી બાજુએ બંને મંદિરોમાં પધરાવવામાં આવનાર મુખ્ય શિલાઓ તથા મંચની ધાર પર અન્ય  શિલાઓ ગોઠવવામાં આવી. સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા એ પહેલાં ખાતવિધિનો પૂર્વ મહાપૂજાવિધિ  સંપન્ન થઈ ચૂક્યો હતો. સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા પહેલા બંને મંદિરની મુખ્ય શિલાઓનું વેદોક્તવિધિપૂર્વક  પૂજન કરી, આરતી ઉતારીને પુષ્પો અને અક્ષત પધરાવ્યાં. ત્યારબાદ મંચની ધાર ઉપર ગોઠવવામાં  આવેલી અન્ય શિલાઓ ઉપર પુષ્પો અને અક્ષત પધરાવી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી.  
આ માંગલિક પ્રસંગના  સાક્ષી બનવા માટે પૂના અને નાસિકથી વિશાળ સંખ્યામાં  હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ સૌ હરિભક્તોને આશીર્વાદ  પાઠવી સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા કરી. આજે પ્રાતઃપૂજા દરમ્યાન વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક  પ્રવચન કરી બંને નગરોના સત્સંગના ઇતિહાસને તાદૃશ્ય કર્યો. પૂજા બાદ બંને નગરોનાં વિવિધ  મંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. 
પ્રાતઃપૂજા બાદ સૌને  આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજે જે ઉત્સવ થાય છે એનો આખો ઇતિહાસ વિવેકસાગર  સ્વામીએ બહુ જ સરસ રીતે જણાવ્યો. આ ભૂમિ પર મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનાં  ચરણારવિંદ પડ્યાં છે અને ત્યાં આજે તન-મન-ધનથી સમર્પિત ભક્તો તૈયાર થયા છે.  
કર્તા તો એકમાત્ર ભગવાન  જ છે. ઘણી વાર એમ થાય કે કેમ મોડું થયું ? પણ સમય આવ્યે કામ થાય છે. મહારાજ પૂનામાં  ગોખલેને ત્યાં રહ્યા ને ચરણારવિંદ પડ્યાં ત્યારથી જ મુહૂર્ત થઈ ગયું અને તેથી અહીંયાં  મંદિર ને સત્સંગ વધશે, શહેરનો પણ વિકાસ થયો છે. હરિભક્તો પણ વધ્યા છે. શાસ્ત્રીજી મહારાજ,  યોગીજી મહારાજનાં પણ અહીં ચરણારવિંદ પડ્યાં છે તો આપણને થોડામાં ઘણી મોટી વસ્તુ પ્રાપ્ત  થઈ છે. અલૌકિક લાભ પ્રાપ્ત થયો છે. 
આપ સૌ વેપાર-ધંધા-રોજગાર  કરો છો, પણ આ સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે. ભગવાન ને ભગવાનના ભક્તની સેવા એ બહુ  મોટું પુણ્ય હોય તો મળે છે. શ્રીજીમહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી એટલે કે અક્ષર અને  પુરુષોત્તમની સેવા આપણને મળી છે. આ સેવામાં હરિભક્તોને ઉમંગ પણ એટલો છે અને પોતાનું  તન-મન-ધન સમર્પણ કરીને ઉત્સાહથી કાર્ય કર્યું છે. લૌકિક કાર્યોમાં તો ઉત્સાહ હોય, પણ  આવા કાર્યમાં તો જીવમાં ખરેખરી નિષ્ઠા હોય તો જ થાય. કમાતા હોય તો શરીર માટે થાય, પણ  ભગવાન માટે થાય એ મોટાં પુણ્યની વાત છે. જ્યારે અતિ પુણ્ય હોય ત્યારે ભગવાનનું કાર્ય  થઈ શકે છે.  
મહારાજે કહ્યું, 'ભગવાન  ને સંતને અર્થે શું ન થાય ?' પોતાનું ધન-ધામ, કુટુંબ-પરિવાર બધું જ અર્પણ થઈ જાય. આપ  બધા મંદિરના કાર્યમાં ઉત્સાહ-ઉમંગથી જોડાયા છો તો મહારાજ અતિ રાજી થશે ને શાસ્ત્રીજી  મહારાજ, યોગીજી મહારાજ પણ ખૂબ રાજી થશે, કારણ કે અક્ષર-પુરુષોત્તમનાં મંદિર થાય એ શાસ્ત્રીજી  મહારાજનો સંકલ્પ હતો અને જોગી મહારાજનો સંકલ્પ હતો કે સત્સંગ વધે, મંદિર વધે. બધાનું  કલ્યાણ થાય, બધા પર મહારાજની દૃષ્ટિ થાય ને મોક્ષ થાય, એવી ઉદાર દૃષ્ટિ એમની હતી. ભગવાન  ને મોટાપુરુષની એવી દૃષ્ટિ છે કે આપણને સારે માર્ગે ચલાવે છે. આપણી શક્તિ સારા માર્ગે  જાય એવી એમની દૃષ્ટિ છે અને તેથી દરેકને આ કાર્ય કરવાની પ્રેરણા થઈ છે. આપ બધા એવું  પાત્ર બન્યા છો. બધા તન-મન-ધનથી સમર્પિત થયા છો તો ભગવાન તમને અનંત ગણું આપશે અને એમાંથી  અનંત ગણો લાભ પણ થશે, હજારો માણસોને સત્સંગ થશે. 
પૂના આજે ખૂબ વિકાસને  પંથે ચાલ્યું છે. ત્યાં હજારો માણસો આવશે, દર્શન કરશે. ભગવાનની દયાથી જગ્યા પણ સારી  મળી છે, રોડ ઉપર જ છે, એટલે દર્શન સહેજે થઈ જાય એવું સરસ મંદિર અહીં થવાનું છે. આપે  બધાએ તન-મન-ધનથી જે કાંઈ સહકાર આપ્યો છે, કાંઈ ન થાય તો - 
'કે'શે આ સંત તો બહુ  સારા રે, ખરા કલ્યાણના કરનારા રે;  
એટલો જ ગુણ કોઈ ગ્રેશે  રે, તે તો બ્રહ્મમહોલે વાસ લેશે રે.' 
આ મંદિર થાય છે એમાં  તમે તન-મન-ધનથી સેવા કરો છો એટલે તમારા પુણ્યનો પાર નથી. એકોતેર પેઢી તરી જાય એવું  મોટું કામ તમે કરો છો. બીજ એવું વાવો છો કે હજારો વર્ષ સુધી એનો લાભ થવાનો છે. જે કોઈ  જતાં-આવતાં જાણ્યે-અજાણ્યે દર્શન કરશે તો એેનું પણ પુણ્ય વધશે, એને પણ સુખ થશે. 
નાસિક પણ ઉત્તમ તીરથ  છે. શાસ્ત્રોમાં એનો મહિમા પણ છે. પૂર્ણ કુંભમેળો અહીં થાય છે. મહારાજની દૃષ્ટિ પડી  એટલે ત્યાં પણ સારામાં સારું મંદિર થશે ને બધાને લાભ થશે. યાત્રિકો જેટલા આવશે એને  પણ લાભ થશે. ગોદાવરી નદીના કિનારે જ છે. શાસ્ત્રીજી મહારાજે ત્યાં પારાયણ પણ કરી હતી.  એ સમયે ત્યાં બીજ રોપાયું ને એની પુષ્ટિ થઈ. યોગીજી મહારાજ પણ ત્યાં પધાર્યા છે.  
નાસિક ને પૂના બેય  મોટાં તીર્થ છે અને એમાં આપણને જે સેવા મળી છે એ આપણાં મોટાં ભાગ્ય છે. 'ખરચ્યું ન  ખૂટે, એને ચોર ન લૂંટે' ભગવાનનું ભજન કર્યા કરો તો એની વૃદ્ધિ જ થાય. આવું મંદિર થશે,  એમાં લાખો મનુષ્યો દર્શન કરશે, એનું પુણ્ય તમને મળશે. આ ખરચવાથી ખૂટશે નહીં. આપશો તો  અનંત ગણું થઈને આવશે. તમે જે વાવ્યું છે એ અનંત ગણું થશે, એની વૃદ્ધિ થશે. વરસો સુધી  દર્શન કરશે, એ બધાનું કલ્યાણ થશે. આજે તન-મન-ધનથી સેવામાં જોડાયા છો તો ભગવાન અનંત  ગણું તમને આપે. કુટુંબમાં શાંતિ રહે, સમાજમાં શાંતિ રહે અને ભગવાન સર્વને સુખિયા રાખે  ને બળ આપે એ માટે પ્રાર્થના છે.' 
                   | 
        |