Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

કિશોર દિન

તા. ૨૭-૨-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં વડોદરા શહેરના કિશોરોએ 'કિશોરદિન'ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે વડોદરા શહેર ઉપરાંત આજુબાજુનાં ગામોમાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો-ભાવિકો પણ સભાનો લાભ લેવા ઊમટ્યા હતા. સૌના હૈયે અનેરો ઉત્સાહ-ઉમંગ હતો.
સંધ્યા સમયે ધૂન-પ્રાર્થનાથી આરંભાયેલી સભામાં કેટલાક કાર્યક્રમો અને આદર્શજીવન સ્વામીના પ્રવચન બાદ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કિશોરોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રિયદર્શનસ્વામી લિખિત 'વિશ્વ તણા ગૌરવને વધાવો' એ ભક્તિગીતના આધારે વડોદરા શહેર અને વિદ્યામંદિરના કિશોરોએ નૃત્ય રજૂ કર્યું. વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. ત્યારપછી 'ઉપકાર' સંવાદની કિશોરોએ પ્રભાવક પ્રસ્તુતિ કરી.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજે સભામાં યુવકોએ સંવાદ રજૂ કર્યો, એમની પણ જય. માબાપને રાજી જ કરવાં, એ આ સંવાદનો સાર છે. જગતના ખરાબ વાતાવરણના વિચારો આપણામાં ન આવે એ માટે આ સત્સંગસભા છે.
આજના જમાનામાં કેટલાંય કુટુંબોમાં બાપ-દીકરાને, પતિ-પત્નીને ઝઘડા ચાલે છે, એનું કારણ દરેકને મનસ્વીપણે ચાલવાની ઇચ્છા છે. પરંતુ નાના હતા ત્યારથી માબાપે આપણો ઉછેર કર્યો, આપણને ભણાવ્યા-ગણાવ્યા, સાજા-માંદામાં ખબર રાખી તે મા-બાપની આપણે સેવા કરવી જોઈએ. એમનો આભાર માનવો જોઈએ. પહેલાંના જમાનામાં મા-બાપ છોકરાઓને રામાયણ, મહાભારતની કથાઓ સંભળાવતા અને એમાંથી બધા સંસ્કારો ઉદિત થતા. આજે બહારના અશ્લીલ વાતાવરણમાંથી કુસંસ્કાર ઊભા થાય છે, પણ રામાયણ, મહાભારતમાંથી કૌટુંબિક વાતો, મા-બાપના સંબંધોની વાતોને જાણવી જોઈએ. વચનામૃત, સ્વામીની વાતોમાં આપણને શીખવ્યું છે.
આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારને જાણવાની બહુ જ જરૂર છે. એ જાણીએ તો ઘરમાં ક્લેશ ન થાય, સેવા થાય, એકબીજાને મદદરૂપ થવાય, એ રીતનું જીવન હોવું જોઈએ. સંવાદ કર્યો, પણ એ પ્રમાણે વર્તીએ નહીં, તો એનો કોઈ અર્થ નહીં. 'વેશે લેશ લેવાય નહિ, શાહુકાર નરેશનું સુખ....' માટે બીજાને ઊતરે એ પહેલાં આપણે જીવનમાં આ સંસ્કાર ઉતારવાના છે. એવા તૈયાર થઈએ કે આપણા થકી કુટુંબમાં ને સમાજમાં શાંતિ થાય.
આજે બહારના વાતાવરણમાં સિગારેટ-દારૂ-માંસાહાર એ બધું ચાલતું જ હોય, એમાંથી શું સંસ્કાર મળે ? વ્યસન-દારૂ-માંસાહારની જરૂર જ નથી. આપણો વેજિટેરિયન ખોરાક ખાવ. એનાથી શરીર બહુ સારી રીતે ટકશે, પણ હૉટલોમાં જઈ જલસા કરવામાં પૈસાની, શરીરની ને સમાજની ખુવારી છે. માટે આ વસ્તુનો ખ્યાલ રાખી એવું જીવન બનાવવું કે એમાંથી બીજાને પ્રેરણા મળે, કુટુંબ અને સમાજમાં એકતા રહે. આ બધું સાંભળીએ-વાંચીએ, પણ વર્તીએ નહીં તો નકામું. 'વાંચે, પણ કરે નહીં વિચાર, તે સમજે નહીં સઘળો સાર.'
આપણાં સંપ્રદાયનાં શાસ્ત્રો તથા બીજા ગ્રંથો વાંચીને એનો અમલ કરવાનો છે. પહેલો પોતાના જીવનમાં અમલ થશે તો બધે અમલ થશે. ભાગવત-ગીતા જેવા ગ્રંથો વાંચો તો એમાંથી કેટલી પ્રેરણા મળે! પણ સિનેમા-નાટક-ચેટકમાં વૃત્તિ થઈ જાય છે એટલે ગ્રંથો વાંચવા કોઈ નવરા નથી. સમાજમાં શાંતિ રહે એ માટે આપણે આપણું જીવનઘડતર કરવાનું છે.
આપ બધા સારા માર્ગે ચાલ્યા છો તો દરેકની બુદ્ધિ સારી રહે, વિચાર સારા રહે, એ પ્રાર્થના. નબળા વિચાર આવી જતા હોય તો એને તરત જ દૂર કરવા. ઘરમાં જો સારા વિચાર હશે તો બહાર સારા થશે, બહાર સારા હશે તો સમાજ અને દેશ પણ સારો થશે. આ બધું ધાર્મિકતાથી જ આગળ આવવાનું છે. ધર્મની ભાવના જતી રહે, તો બધા સંસ્કાર પણ નાશ પામે. એટલે આપણું જીવન એવું ધર્મમય હોવું જોઈએ કે દરેકનું સારું થાય.
યોગીજી મહારાજ બોલતા કે 'ભગવાન સૌનું ભલું કરો.' મોટાપુરુષની આપણા પર દયા છે જ. એમને કોઈ દિવસ કોઈનું અહિત થાય એવું કરવું નથી. શાસ્ત્રોમાં મહાન પુરુષોએ જે જે વાતો લખી છે એ આપણા હિતને માટે, કલ્યાણને માટે લખી છે. મોટાપુરુષ ને ભગવાનની આજ્ઞા, એમની રુચિ, એમનો અભિપ્રાય સચવાય અને આપણો ધર્મ સચવાય તો આપણું ભલું થાય.  
આ સંવાદ રજૂ કર્યો, એમાંથી કેટલાય માણસને સંસ્કાર પડશે તો એ કેટલી મોટી સેવા થઈ !! એટલાનું જીવન સુધર્યું કે ન સુધર્યું ?! આવો દુર્લભ મનુષ્યદેહ ને દુર્લભ સત્સંગ મળ્યો છે. સત્સંગ થકી દરેકનું જીવન સારું બને, આત્માનું કલ્યાણ થાય, ઘરમાં, દેશમાં પણ શાંતિ થાય, એ લક્ષ્ય છે. અહીં સભામાં આવ્યા એ બધા નવરા બેઠા એ આવ્યા છે એવું નથી, પણ ભગવાન ભજવા આવ્યા છે. તમે દૃઢતાથી કર્યું છે તો તમારા જેવા હજારો તૈયાર થાય, એ માટે ગામોગામ ફરીને સમાજમાં સત્સંગની વાત કરવાની છે. બે જણને ન સમજાયું તો નિરાશ નહીં થવાનું, પણ કહ્યામાં કસર રાખવી નહીં. વાત કરેલી ક્યારેય નિષ્ફળ નથી જવાની. એક શબ્દ નાખ્યો એ શબ્દ ઊગવાનો છે. સારા શબ્દ વાવશો એ તમારી મોટી સેવા થશે ને એનું પણ શુભ થશે. તો આ વાત થઈ એ દરેકના જીવનમાં ઊતરે એ પ્રાર્થના.''

 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |