Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પાર્ષદી દીક્ષા સમારોહ

તા. ૨૫-૩-૨૦૧૧ના રોજ સારંગપુર ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં નવયુવાનોનો પાર્ષદી દીક્ષા સમારોહ ધામધૂમપૂર્વક સંપન્ન થયો હતો. આ પરમ પવિત્ર દિને ૨૩ સુશિક્ષિત નવયુવાનો દીક્ષા ગ્રહણ કરી સ્વામીશ્રીની ભગવી સેનામાં જોડાયા હતા. દીક્ષા ગ્રહણ કરનાર યુવાનો અનોખા ઉત્સાહથી થનગની રહ્યા હતા. પ્રત્યેક માતા-પિતા પોતાના વહાલસોયા પુત્રને સ્વામીશ્રીને ખોળે ધરી દેવા ઉત્સુક હતા. દેશ-વિદેશથી દીક્ષા મહોત્સવનો લાભ લેવા પધારેલા હજારો હરિભક્તો-ભાવિકોથી મંદિરનું પરિસર છલકાતું હતું.
વહેલી સવારથી જ દીક્ષા મહોત્સવનું વાતાવરણ રચાયું હતું. સ્વામીશ્રી જ્યારે પ્રાતઃપૂજા પૂર્વે મંદિરમાં દર્શને પધાર્યા ત્યારે રૂપચોકીમાં બેઠેલા સંતો-પાર્ષદો-સાધકો પ્રસંગને અનુરૂપ 'સ્વામી અમારે અંગ તમ રંગ ઢોળી દો' કીર્તનનું સમૂહગાન કરી રહ્યા હતા. મધ્યખંડની મૂર્તિઓ પણ દીક્ષા મહોત્સવની સ્મૃતિ કરાવતા શણગારોથી શોભી રહી હતી. સ્મૃતિ મંદિરે પણ સંતોએ પ્રસંગને અનુરૂપ સંવાદ રજૂ કર્યો. અત્ર-તત્ર-સર્વત્ર ઉલ્લાસમય વાતાવરણ જોવા મળતું હતું.
સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા તે પહેલાં દીક્ષાનો પૂર્વવિધિ સંપન્ન થઈ ચૂક્યો હતો. પૂજા દરમ્યાન શ્વેતવૈકુંઠ સ્વામીએ પૂજાનો ઉત્તરાર્ધવિધિ કરાવ્યો. સ્વામીશ્રીના મંચની ડાબી તરફ સાધકો અને તેઓના વાલીઓ બેઠા હતા.
પ્રાતઃપૂજા બાદ દીક્ષાવિધિનો પ્રારંભ થયો. એક પછી એક દીક્ષાર્થી મંચ પર દીક્ષા ગ્રહણ કરવા આવી રહ્યા હતા. આ સૌ દીક્ષાર્થીઓને કોઠારી ભક્તિપ્રિય સ્વામી, ડૉક્ટર સ્વામી અને મહંત સ્વામી અનુક્રમે કંઠી, ગાતરિયું અને પાઘ પહેરાવતા હતા. સ્વામીશ્રી સૌને દીક્ષામંત્ર આપી રહ્યા હતા. ત્યારબાદ ઈશ્વરચરણ સ્વામી સૌના કપાળમાં કુમકુમનો ચાંદલો કરતા હતા, વિવેકસાગર સ્વામી સર્ટિફિકેટ આપતા હતા, સિદ્ધેશ્વર સ્વામી પ્રસાદ અને ઘનશ્યામચરણ સ્વામી ગુલાબનું પ્રસાદીનું પુષ્પ આપતા હતા.
દીક્ષાવિધિ પૂર્ણ થયા બાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે જુદા જુદા દીક્ષાપ્રસંગે જે આશીર્વાદ આપ્યા હતા એ પ્રાસાદિક વાણીનું પ્રસારણ કરવામાં આવ્યું. તેનું શ્રવણ કરીને સ્વામીશ્રી વિશેષ પ્રસન્ન થયા. ત્યારબાદ સ્વામીશ્રીએ  ગુરુહરિ યોગીજી મહારાજની સ્મૃતિ સાથે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું : 'પૂજ્ય યોગીજી મહારાજને સાધુ બનાવવાનો ઉત્સાહ ને ઉમંગ હતો. એમનો સંકલ્પ હતો કે દેશ-પરદેશ, લંડન-અમેરિકા ને બધાય દેશોમાંથી સંતો થશે. એટલે સાધુ વધ્યા, સત્સંગી વધ્યા ને મંદિરો વધ્યાં છે. એમના સંકલ્પથી આ કાર્ય થાય છે. અત્યારે તો ઘર મૂકવું કઠણ છે અને માતા-પિતા માટે દીકરા આપવા પણ કઠણ છે. અને એમાં પણ એકના એક દીકરાને સાધુ થવા રજા આપવી એ બહુ મોટી વાત છે. સારી ડિગ્રી મેળવી હોય, સારું કમાતા હોય એવાં સંતાનોને સાધુ થવા માટે અર્પણ કર્યા છે. એ માતા-પિતાને પણ ધન્ય છે. માતા-પિતાને પણ મનમાં હોય કે દીકરાને ભણાવ્યો-ગણાવ્યો એટલે અમારો વહેવાર સુધારશે, પરંતુ આ તો એમને જ એટલો ઉમંગ છે કે મારો દીકરો સાધુ થાય. સામેથી સમર્પણ કરવા આવે છે. 
આજે અહીં સાધુ થવા જે યુવાનો આવ્યા છે, એમને પણ ધન્યવાદ છે. સાધુ બનવું બહુ કઠણ છે. જીવમાં સત્સંગ હોય, મહારાજ-સ્વામીની નિષ્ઠા હોય અને મહિમા સમજાયો હોય તો સાધુ થવાય. સાધુ થવું સહજ નથી. જેને જીવનો સત્સંગ થયો હોય એને પોતાના મનમાં ઉમંગ, ઉત્સાહ, બળ રહે છે. માતા-પિતાએ ઘરમાં એવા સંસ્કાર આપી સંતાનોને તૈયાર કર્યા છે તો આજે સત્સંગમાં આવે છે ને સેવા કરે છે. જીવનો સત્સંગ થયો હોય તો કાંઈ આડું આવે નહીં, દેહનો સત્સંગ હોય તો પાછા પડી જવાય.
સત્સંગની નિષ્ઠા થવી એ આપણા માટે બહુ ભાગ્યની વાત છે. નિષ્ઠા બરાબર હોય તો સમર્પણભાવ થાય. સંસાર મૂકીને સંત થાય છે એ બહુ મોટી વાત છે. ઘરનો ઊંબરો મૂકવો એ હિમાલય પર્વત ઓળંગવા જેવી કઠણ વાત છે. અહીં આવીને સાધુ થયા છીએ ભણીગણીને, ગામડે ફરીને કથા-વાર્તા કરીને હજારોને સત્સંગ કરાવશે.
ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં કહ્યું કે આજે વીસ-વીસ વર્ષના ઘરબાર મૂકીને ચાલ્યા આવે છે. એમનાં માબાપ પણ વળાવવા આવે છે. એક જીવને ભગવાનને માર્ગે ચડાવો તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય છે. આ બહુ મોટી વાત છે. મોટાપુરુષનાં વચન છે, પણ કેટલાકને એમ થાય કે મારા દીકરાને ગમશે કે નહીં ગમે ? પણ બજારમાં ફરે છે તો ગમે છે, તો અહીં નહીં ગમે ?! દુનિયાના હોદ્દા, અધિકાર કરતાં અહીંયા હજારગણું, લાખોગણું, અનંતગણું સુખ છે. અહીં પરદેશથી સાધુ થવા આવ્યા છે. આજે સૌને અમેરિકા-લંડનનો બહુ મોહ છે, છતાં એ સાહ્યબી મૂકીને સાધુ થવા આવવું એ મોટું કાર્ય છે. જોગી મહારાજની આ કૉલેજ ચાલુ જ છે, એમાં બધા પાસ જ થાય છે, નાપાસ થતા જ નથી. અહીં જે યુવકો આવ્યા છે એ એકાંતિક ધર્મ સિદ્ધ કરશે, પોતે ભગવાન ભજશે ને બીજા અનેકને ભગવાન ભજાવશે, એ મોટું પુણ્યનું કાર્ય થશે. દુન્યવી સુખ તો ઘણા જન્મથી ભોગવતા જ આવ્યા છીએ, પણ આ વખતે ભગવાને આપણા પર દયા કરી છે તો આવો સત્સંગ મળ્યો છે. બ્રહ્માને પણ દુર્લભ એવો સત્સંગ આપણને મળ્યો છે, તો અક્ષરરૂપ થઈ, પુરુષોત્તમની ભક્તિ કરવી. ગુણાતીતાનં_દ સ્વામી રૂપ થઈને ભગવાન શ્રીજીમહારાજની ભક્તિ કરીશું તો કોઈ જાતનો દોષ નહીં રહે. જ્યાં સુધી અક્ષરરૂપ ન મનાય ત્યાં સુધી દેહભાવ રહે છે. દેહભાવ હોય એટલે કોઈ કહી જાય, બોલી જાય તો દુઃખ થાય. દુનિયાનાં સુખ લેવાં માટે કેટલાં દુઃખ વેઠીએ છીએ, કેટલાં અપમાન સહન કરીએ છીએ ? તો આત્માના સુખ માટે કદાચ કોઈ આપણને બોલી જાય તો વિચાર જ ન થવો જોઈએ કે કેમ બોલ્યા ? આત્માને નાત-જાત-કુટુંબ-પરિવાર નથી. આત્માના જ્ઞાનની દૃઢતા થઈ હોય એ ક્યાંય પાછો પડે નહીં. સર્વ પ્રકારે સુખિયો રહે.
આજે દેશ-પરદેશમાં જે મંદિરો થાય છે એ ભગવાનના પ્રતાપે છે, યજ્ઞ થાય છે એમાં જરાક ઘી હોમી દઈએ એટલે કામ થઈ ગયું. એટલે આ કાર્યોમાં જે કોઈ તન, મન, ધનથી, વાણીથી સેવા કરશે તેનો બ્રહ્મમહોલે વાસ થવાનો છે. દીક્ષા લેનાર બધાએ સેવા કરી છે. સૌનાં શરીર સારાં રહે, સૌ મનથી સારા રહે, કથાવાર્તા, કીર્તન, ભજન થાય એ પ્રાર્થના છે. એમનાં માતા-પિતાને પણ ભગવાન સર્વ પ્રકારે સુખી રાખે એ પ્રાર્થના.'
આશીર્વાદની સમાપ્તિ બાદ વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કર-કમળોમાં હાર અર્પણ કરી વધાવ્યા. દીક્ષિત પાર્ષદોએ સ્વામીશ્રીને ધાણીનો હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. અંતમાં કૃષ્ણપ્રિય સ્વામીના બુલંદ અવાજે ગવાયેલા 'હાલો જુવાનડા હરિવર વરવા' એ કીર્તનના તાલે વાતાવરણમાં ભક્તિસંગીતની અનેરી દિવ્યતા પ્રસરી ગઈ.


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |