Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ભાગવતી દીક્ષા સમારોહ

તા. ૪-૪-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પાવન નિશ્રામાં યોજાયેલા ભાગવતી દીક્ષા મહોત્સવમાં ૨૨ યુવાનોએ ભાગવતી અને ૧ યુવાને પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી સ્વામીશ્રીની આધ્યાત્મિક સેનામાં પદાર્પણ કર્યું હતું.
મંગળા આરતી બાદ યજ્ઞપુરુષ-મંડપમ્‌માં બરાબર ૬-૨૦ વાગે દીક્ષાવિધિ માટેની મહાપૂજાનો પ્રારંભ થયો. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શ્વેતવૈકુંઠ સ્વામી આ વિધિ કરાવી રહ્યા હતા. સર્વે દીક્ષાર્થીઓને વડીલ સંતોએ કંકુનો ચાંદલો કરી કંકણ-બંધન કર્યું. મહાપૂજાવિધિ બાદ આત્મસ્વરૂપ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમિયાન બલવીર ભગતે 'તારી ઊતરેલી પાઘ મને આપ મારા સ્વામી, મને ભગવા તે રંગ તણા ઓરતા' કીર્તન ગાઈને સર્વે દીક્ષાર્થીઓની અંતરની ભાવનાને અભિવ્યક્ત કરી. સૌ દીક્ષાર્થીઓના દીક્ષા-સંકલ્પ બાદ મહંત સ્વામીએ યજ્ઞોપવીત-વિધિ કરાવ્યો. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીની કૃપાદૃષ્ટિ ઝીલતાં ઝીલતાં સૌએ સૂર્યોપસ્થાનમ્‌ વિધિ દ્વારા યજ્ઞોપવીત ધારણ કરી.
ત્યાર બાદ એક પછી એક દીક્ષાર્થી દીક્ષા લેવા માટે મંચ પર આવવા લાગ્યા. મંચ પર પ્રત્યેક દીક્ષાર્થીને ક્રમશઃ ઘનશ્યામચરણ સ્વામી કંઠી, ત્યાગવલ્લભ સ્વામી ઉત્તરીય વસ્ત્ર તથા મહંત સ્વામી પાઘ પહેરાવતા હતા. સ્વામીશ્રી પ્રત્યેક દીક્ષાર્થીને ગુરુમંત્ર આપી આશીર્વાદ પાઠવતા હતા. વિવેકસાગર સ્વામી  દીક્ષાર્થીને ચંદનની અર્ચા કરતા હતા અને સિદ્ધેશ્વર સ્વામી ઠાકોરજીનું પ્રાસાદિક પુષ્પ અર્પતા હતા. 
દીક્ષાવિધિ પૂર્ણ થયા બાદ સૌ પર આશીર્વચન વહાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજે દીક્ષા લેનાર યુવાનોનાં માતાપિતા રાજીખુશીથી અહીં પોતાના દીકરા અર્પણ કરવા આવ્યા છે. જેમણે દીક્ષા લીધી છે એમને પણ એટલો જ ઉમંગ, ઉત્સાહ અને સેવાભાવ છે. આ યુવાનોનાં માતાપિતા અને વડીલોને ધન્યવાદ છે. આપણો દીકરો સારું ભણી-ગણી, સારી ડિગ્રી મેળવી વિલાયત જાય, સારું કમાય તો આપણે બહુ રાજી થઈએ. પણ આ તો એનાથી ઊંચી બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. એ મોટામાં મોટી ડિગ્રી છે. ઘરે હોય તો કુટુંબ કે સમાજની જ સેવા કરે. પણ અહીં તો ભગવાનની સેવા કરશે, તો અનંત જીવનું કલ્યાણ થશે, હજારો જીવને ભગવાન ભજાવશે, સારી સેવાઓ કરશે. આ લોકની ડિગ્રીઓ મૂકી દીધી, કારણ કે આ દેહની ડિગ્રી છે એ લૌકિક ડિગ્રી છે. પણ આ તો બ્રહ્મની ડિગ્રી મળી ગઈ. જોગી મહારાજ કહેતા 'આપણે બધા બ્રહ્મ થઈ ગયા.' બ્રહ્મનો એટલો બધો લાભ છે કે પોતાનું તો કલ્યાણ કરે છે, પણ પોતાના કુટુંબ-પરિવાર ને અનેક જીવોનું પણ કલ્યાણ કરશે. ગામોગામ ફરશે, વિલાયત જશે અને સત્સંગ કરાવશે.
લંડન-અમેરિકાનો મોહ મૂકીને પણ યુવાનો અહીં સાધુ થવા આવ્યા છે. એમના જીવમાં અને એમનાં માતા-પિતાના જીવમાં સત્સંગ છે તો આ કાર્ય થાય છે. મહિમા સમજાય પછી કંઈ અધૂરું રહેતું નથી. આપનો દીકરો અહીં સાધુ થયો એ મોટી વાત છે. મહિમા સમજાયો છે તો ધન-ધામ-કુટુંબ-પરિવાર ભગવાનને અર્થે કરી રાખવું. તમે આજે જે કર્યું છે એટલે ધન-ધામ-કુટુંબ-પરિવાર ભગવાનને અર્થે અર્પણ થઈ ગયું. દેહ ને દેહના સંબંધી માટે નથી કરતા, પણ ભગવાન-સંત રાજી થાય એ માટે કરીએ છીએ. દીકરા ભગવાનના હતા ને ભગવાનને જ અર્પણ કરવાના છે. તમે લોકોએ રાજીપાથી દીકરા આપ્યા છે એટલે તમને બધાને ધન્યવાદ છે. ભગવાન તમને તને-મને-ધને સુખી રાખે અને આવો સત્સંગ થયો છે તો જીવમાં આનંદ રહે, સુખિયા થાવ એ પ્રાર્થના છે.
જેમણે દીક્ષા લીધી છે એમણે પણ ઉમંગ-ઉત્સાહમાં રહેવું. આ બહુ મોટો લાભ થયો છે, બહુ મોટી ડિગ્રી મળી છે. બ્રહ્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરવાની ડિગ્રી છે. એ ડિગ્રી બધાને આપીએ છીએ, તો હજારો જીવોનું કલ્યાણ થશે. યુવાનોને પણ ભણ્યા-ગણ્યા પછી આવી વાત સમજાઈ છે તો બધો લૌકિક મોહ મૂકી દીધો.

'કોઈ કહેશે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે;
એટલો જ ગુણ કોઈ લેશે રે, બ્રહ્મમહોલે વાસ લેશે રે.'
તમને એમ થશે કે મારો દીકરો સાધુ થયો ને ખરેખરો થયો તો તમારુંય કલ્યાણ. આટલો જ ગુણ આવી જાય તો એનો પણ અક્ષરધામમાં વાસ થશે, એવું સુંદર આ કાર્ય છે. જોગી બાપાએ મોટો યજ્ઞ આરંભ્યો છે. આ યજ્ઞમાં આપણે આહુતિ આપી દીધી. ભગવાન શ્રીજીમહારાજ ને શાસ્ત્રીજી મહારાજનો આ યજ્ઞ છે, એની અંદર આપણે હોમાઈ ગયા. હોમાઈ ગયા એટલે શું ? આપણું બધું જ ભગવાનમય છે, એવી નિષ્ઠા-સમજણ આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણા સમાજમાં કાયમને માટે રહે એટલે હોમાઈ ગયા કહેવાય. તમારા દીકરાઓ સારામાં સારા સાધુ થઈને હજારોને ભગવાન ભજાવશે. કેટલું મોટું પુણ્ય કહેવાય ? એક માણસને થોડીક મદદ કરી હોય, અનાજ-વસ્ત્ર આપ્યું હોય તો એનું પણ પુણ્ય મળે છે, તો આ તો બ્રહ્મને અર્પણ થઈ ગયા, મહારાજને અર્પણ થઈ ગયા એટલે કેટલું બધું પુણ્ય થયું ? એ પુણ્યથી જે સાધુ થયા એને પણ બળ મળશે અને તમને પણ આનંદ રહેશે.
તમને કહેનારા મળશે કે તમે મૂરખ છો કે આવો ભણેલો-ગણેલો દીકરો સાધુ થવા આપી દીધો ! તમે આ ક્યાં ભૂલ કરી? તો કહેવાનું કે અમે ભૂલ નથી કરી, પણ સર્વોપરિ કામ કર્યું છે. સારામાં સારી ડિગ્રી અપાવી છે. ભગવાન બધું આપે છે ને ભગવાન જ બધું પૂરું કરે છે, પણ લૌકિક ભાવનાઓથી મન પાછું પડી જાય છે. પણ આપ આ કાર્ય કરીને મહારાજ-સ્વામીના સંકલ્પમાં ભળ્યા છો. આ દુનિયાના સંકલ્પો પૂરા કરવા માટે કાર્ય કરીએ છીએ, સમાજની સેવા માટે પણ કાર્ય કરીએ છીએ, પણ એના કરતાં આ કાર્ય વિશેષ છે. આત્માનું કલ્યાણ કરી, હજારોને ભગવાનનું ભજન કરાવવું એ મોટી વાત છે. તમે દીકરાઓ અર્પણ કર્યા છે તો ભગવાન શ્રીજીમહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બહુ રાજી થશે. માટે હંમેશા ઉત્સાહ-ઉમંગમાં રહેવું ને કોઈ બોલે તો પણ મનમાં કોઈ ક્ષોભ ન લાવવો. મેં બધું સારામાં સારું કર્યું છે, એવો મનમાં ભાવ રાખીને સત્સંગ રાખજો અને બીજાને પણ વાત કરજો.
ભગવાનની વાત સમજાય એનો બેડો પાર થઈ જાય છે. આ તમારી મોટામાં મોટી કમાણી છે. આ લોકના પૈસાટકા, માન-મોટપ, કીર્તિ એ બધા જ કરતાં મોટામાં મોટી વસ્તુ તમે પ્રાપ્ત કરી છે, તો એનો ઉમંગ રાખજો. અને અહીં જે સાધુ થયા છે તેણે પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ રાખી કથાવાર્તા, કીર્તન કરવાં. 'માન-અપમાનમાં એકતા, સુખદુઃખમાં સમભાવ. અહીં કે સુખ અલ્પ હૈ, નહીં સ્વર્ગ લુચાવ' - બધું મૂક્યા પછી એની આશા-ઇચ્છા રાખવી નહીં. ભગવાન મળ્યા અને જોગી મહારાજ જેવા સાધુ રાજી થયા એ મોટામાં મોટી સંપત્તિ આપણને મળી છે એ જાણીને મનમાં ઉત્સાહ-ઉમંગ રાખીને સર્વ સુખિયા રહેજો. જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તો આ લોક ને પરલોકમાં સુખિયા થાવ ને માતાપિતા પણ સુખિયા થાય ને હજારોને સુખિયા કરે એ પ્રાર્થના.'
આશીર્વાર્દની સમાપ્તિ બાદ સૌ દીક્ષાર્થીઓએ સ્વામીશ્રીનાં કરકમળોમાં સુદીર્ઘ હાર અર્પણ કરી આજના દિનની ચિરંતન સ્મૃતિ હૈયે કંડારી લીધી. સારંગપુરમાં સાધકો, પાર્ષદો અને સંતોની સર્વાંગીણ દેખરેખ રાખતા ગુરુજી સંતોએ સ્વામીશ્રીને મોગરાનાં પુષ્પોથી ગૂંથેલી ચાદર અર્પણ કરી, સૌ વતી ભક્તિઅર્ઘ્ય અર્પ્યું. અંતમાં કૃષ્ણપ્રિય સ્વામીએ બુલંદ અવાજે 'હાલો જુવાનડા હરિવર વરવા હેલો પડ્યો...' કીર્તન દ્વારા સૌના અંતરની ભાવનાને વાચા આપી ત્યારે સૌ નવદીક્ષાર્થી સારંગો પોતાના મેઘરાજા સ્વામીશ્રી ફરતે પગના ઠમકે પોતાની કલા પાવન કરવા લાગ્યા. દીક્ષા ઉત્સવની અવિસ્મરણીય સ્મૃતિ આપીને સ્વામીશ્રીએ વિદાય લીધી.


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |