Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બાળદિન

તા. ૧૫-૫-૨૦૧૧ના રોજ સુરત બાળમંડળના બાળકોએ બાળદિનની ઉજવણી દ્વારા વિશિષ્ટ રીતે ભક્તિ અદા કરી હતી. સવારથી જ મંદિરમાં જાણે બાળકોનું સામ્રાજ્ય  છવાયું હતું. મંદિર પરિસરમાં વિવિધ સ્મૃતિવિરામો પર બાળકો અને બાળકાર્યકરોએ ઘરસભાના મહિમા વિષયક પ્રવચન અને મુખપાઠ રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. પ્રાતઃપૂજા દરમ્યાન બાળકોએ સવાદ્ય કીર્તનભક્તિ રજૂ કરી પોતાની કલા પાવન કરી હતી.
સંધ્યા સમયે ધૂન-પ્રાર્થનાથી બાળ-દિનની વિશિષ્ટ સભાનો આરંભ થયો. સુરત તેમજ આસપાસના વિસ્તારોમાંથી ઊમટેલી ભક્તમેદનીથી સમગ્ર સભાસ્થળ ઊભરાતું હતું. વિવેકસાગર સ્વામીના પ્રવચન બાદ વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.
ત્યારબાદ શ્રી જયેન્દ્રભાઈ વીંછી લિખિત સંવાદ 'પરાજય' રજૂ થયો. સ્વયં કળિયુગ, ભગવાન સ્વામિનારાયણે ભક્તોમાં પ્રવર્તેલા સત્યુગની સામે કેવી રીતે પરાજિત થાય છે એની પ્રતીતિ બાળકો અને બાળ-કાર્યકરોએ સૌને સંવાદ દ્વારા કરાવી. ત્યારબાદ બ્રહ્મપ્રકાશ સ્વામી લિખિત 'પ્રમુખસ્વામી પ્રમુખસ્વામી તમે છો અમારા' ગીતની રજૂઆત બાળમંડળે કરી. 
 અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, 'આજે બાળમંડળે આપણી સમક્ષ રજૂઆત કરી કે કેવી રીતે કળિયુગથી બચી શકાય. જો ધ્યાન ન રાખીએ તો એ આપણને નુકસાન કરે છે, મુશ્કેલી કરે છે. જુગાર રમાયો તો પાંડવોને પણ મુશ્કેલી થઈ. એટલે ભગવાન અને સત્પુરુષનાં વચન લોપાય તો એનાથી લાભ નથી.
જીવમાં જગતની આસક્તિ છે, જગતને માટે મમતા છે એટલે એમ થાય છે કે સાચું-ખોટું કરીને ઘણું કમાઈ લઈએ. એમાં એકાદ વખત લાભ થાય પણ પછી બીજી કેટલીય મુશ્કેલીઓ થાય, મિલકત પણ જાય. વ્યક્તિને જુગાર-દારૂ ને વ્યસનોમાં, કુસંગમાં આસક્તિ હોય એટલે જીવનમાં અશાંતિ રહે છે. પાંડવો ભગવાનના ભક્ત હતા, પણ જુગારમાં હાર્યા. દુર્યોધને છળકપટથી પાંડવોની બધી મિલકત લઈ લીધી, પણ એ મિલકત એને પચી નહીં, એમાં એ સુખ પામ્યો નહીં. કોઈ પણ માણસ આવું કરે તો એનાથી નુકસાન જ છે, અશાંતિ જ છે. માટે ગમે એટલું દુઃખ આવે, પણ આપણે ખોટું કરવું નહીં, અનીતિ કરવી નહીં, જુગાર રમીને, લોકોને હેરાન-પરેશાન કરીને, લૂંટીને પૈસાદાર થવાનો વિચાર કરવો નહીં. ધંધો-રોજગાર-એ બધું કરવું, પણ શાસ્ત્રોની આજ્ઞા, મોટાપુðરુષની આજ્ઞા પ્રમાણે નીતિ અને પ્રામાણિકતાથી કામ થશે, તો કુટુંબમાં શાંતિ રહેશે, સમાજમાં શાંતિ રહેશે અને સર્વત્ર શાંતિ રહેશે.
આજે બાળકોએ સંવાદ ભજવ્યો છે, એ શાસ્ત્રોક્ત છે. 'જ્યારે મોટાપુરુષને મળે રે, ત્યારે સૌ સૌના ધર્મ પળે રે...' ભગવાન ને સંત આપણને સાચો રસ્તો બતાવે છે. શાસ્ત્રોની વાત સાચી છે. જેના જીવનમાં ભક્તિ, સત્સંગ, નિયમધર્મ છે એવા પુરુષ મળે તો શાંતિ થાય. જેટલો ભગવાનનો આશરો કરીશું, ભગવાનને રાજી કરીશું અને નિયમોનું પાલન કરીશું એટલા જ આપણે સર્વ પ્રકારે સુખી થઈશું. જેને જેને જીવમાં સત્સંગ દૃઢ થયો છે એ સુખી છે. ભગવાન સ્વામિનારાયણે દારૂ-અફીણ-ગાંજો વગેરે વ્યસન મુકાવ્યાં તો બધા સુખી થયા. શાસ્ત્ર પ્રમાણે નિયમ-ધર્મનું પાલન કર્યું તો સુખી થયા. વહેવારમાં મોટાપુરુષની આજ્ઞા પાળીશું, શાસ્ત્રોની આજ્ઞાનું બરાબર પાલન કરીશું, તો આપણું કાર્ય થશે.
નિત્ય ઘરસભા કરવી. ઘરમાં સાંજે વાળું-પાણી કરી બધાં ભેગાં બેઠાં હોય ત્યારે વચનામૃત, ગીતા, ભાગવત, રામાયણ, સ્વામીની વાતો વાંચીએ તો એમાંથી કંઈક શબ્દ લાગી જાય. એક તણખો લાગી જાય તો અગ્નિ પ્રગટ થઈ જાય. સાચા દિલથી ભજન કરીશું તો ભગવાન દયા કરશે. ભગવાન આપણને તપાસે છે કે આ બરોબર છે કે ખોટો છે ? અને સાચો હોય તો એનું કામ બધું થઈ જાય છે. આપણે સત્સંગી થયા છીએ તો દરરોજ ઘરસભા કરવી, મંદિરે જવું એવો જોગી મહારાજનો આદેશ છે. આ આદેશનું પરિણામ આપણે અત્યારે જોયું તેમ બાળકો જન્મે ત્યારથી તેનામાં સંસ્કાર દૃઢ થાય અને એ મોટો થાય તોપણ એ સંસ્કાર ટકી રહે, ભક્તિ કરે, ખોટું ન કરે, ચોરી ન કરે, અનીતિ-દુરાચાર ન જ કરે. મંદિરમાં જવાથી ભગવાનનાં દર્શન થાય, ભગવાનમાંથી પ્રેરણા મળે, કથા સંભળાય તો સારા સંસ્કાર મળે છે પણ શ્રદ્ધા ને વિશ્વાસ જોઈએ. ભગવાન સર્વના કર્તા છે. ભગવાન ને સંત દરેક જીવનું કલ્યાણ કરવા આવે છે, પણ આપણાં કુકર્મો, અનીતિને કારણે આપણને દુઃખ આવે છે, મુશ્કેલીઓ આવે છે. માટે આવો સત્સંગ આપણને મળ્યો છે એને આપણે સાચવવાનો છે. બ્રહ્માદિકને દુર્લભ એવો આ સત્સંગ છે. આ સત્સંગ એટલે ભગવાન ને સંત આપણને મળ્યા છે, તો પછી આપણે એના થકી સુખી થવાના છીએ એ નક્કી છે. આ વાતની દૃઢતા સર્વ પ્રકારે રાખવી. આ સંવાદ જરૂર દરેકે પોતાના જીવમાં ધારવા-વિચારવાનો છે. સંવાદ રજૂ કર્યો એ બાળમંડળ અને બાળ-મંડળના કાર્યકરોને ધન્યવાદ છે.'


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |