Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

યોગી જયંતી

તા. ૨૯-૫-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના ૧૧૯મા પ્રાગટ્યોત્સવની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સંતોએ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં કીર્તનભક્તિ રજૂ કરી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજને ભાવાંજલિ અર્પી.
સાંજે નિયત સમયે યોગી જયંતીની વિશિષ્ટ સભાનો આરંભ થયો. પ્રસંગને અનુરૂપ મંચની મધ્યમાં અને સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં યોગીજી મહારાજનાં કટ-આઉટ શોભી રહ્યાં હતાં. ઘનશ્યામ-ચરણ અને વિવેકસાગર સ્વામીનાં પ્રાસંગિક પ્રવચન બાદ યોગીજી મહારાજના દીક્ષિત સંતોએ વિવિધ કલાત્મક હાર સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી.
ત્યારબાદ શ્રી જયેન્દ્રભાઈ વીંછી લિખિત સંવાદ 'અક્ષરધામની અટારીએથી' પ્રસ્તુત થયો. સંવાદ દ્વારા બાળકાર્યકરોએ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનાં દિવ્ય જીવન, પ્રભાવ, પ્રતિભા અને સાધુતાની ઝાંખી સૌને કરાવી. કિશોરમંડળે 'જોગી જોયા છે નારાયણ-સ્વરૂપમાં રે' કીર્તનના આધારે નૃત્ય રજૂ કરી સ્વામીશ્રી અને યોગીજી મહારાજનાં સ્વરૂપોની એકતાનાં સૌને દર્શન કરાવ્યાં.
ત્યારબાદ યોગીજી મહારાજનાં વિવિધ કીર્તનોને સાંકળી લેતો વીડિયો-શૉ રજૂ થયો. સ્ક્રીન પર યોગીજી મહારાજનાં દર્શન કરી ઉપસ્થિત સૌ કોઈ બ્રહ્માનંદમાં ગરકાવ થઈ ગયા.
સભાના અંતમાં યોગીજી મહારાજનો મહિમા વર્ણવતાં સ્વામીશ્રીએ જણાવ્યું :
'આજે યોગીજી મહારાજ પ્રગટ થયા એનો ઉત્સવ આપણે ઊજવ્યો. યોગીજી મહારાજ એવા સંત હતા કે દરેકને માટે એમને પ્રેમ હતો અને એમનાં દર્શન કરતાંની સાથે હરિભક્તોને પણ એમના માટે પ્રેમ થાય એવી એમની સાધુતા હતી. નાનો હોય કે મોટો હોય પણ ધબ્બો મારે ને આશીર્વાદ આપે.
સરળ અને એકદમ દિવ્ય પુરુષ. એમનાં દર્શન કરીએ, એમની વાણી સાંભળીએ તોપણ આનંદ આનંદ થાય. કોઈ માન-મોટપ, કીર્તિ-પ્રતિષ્ઠાની ઇચ્છા નહીં. કલાકો સુધી વાતો કરો તોપણ યોગીજી મહારાજના ગુણોનો પાર આવે એવો નથી. જોગી બાપાનો એવો દિવ્ય પ્રતાપ હતો કે દરેકના મનમાં વસી જતા હતા. નાનો બાળક હોય કે ૮૦ વરસના હોય, તોપણ બધા પર એમનો પ્રેમ સરખો.
'જોગી જોયા જોવાનું કાંઈ ન રહ્યું રે લોલ' યોગીજી મહારાજ દિવ્ય મૂર્તિ હતા - સરળ, સાધુતા, નમ્રતા, વિવેક, ભગવાનને આગળ રાખીને, શાસ્ત્રીજી મહારાજ રાજી થાય એવું જ કાર્ય હંમેશાં તેમણે કર્યું છે. બીજાને તો માન આવી જાય, પણ એમને કોઈ જાતનું અભિમાન નહોતું. ભગવાન સ્વામિનારાયણે આપેલા પંચ વર્તમાન - નિર્લોભ, નિષ્કામ, નિઃસ્નેહ, નિર્માન, નિઃસ્વાદના પાલનમાં શૂરા હતા. કીર્તનો બોલે ત્યારે અલમસ્તાઈમાં બોલે.
હાંજી ભલા સાધુ, હરિકી સાધ, તનકી ઉપાધિ તજે સોહિ સાધુ' એમનું પ્રિય કીર્તન. આ કીર્તનમાં લખયેલા બધા ગુણ એમનામાં હતા. એમનું જીવન જ એવું હતું કે એમાંથી હજારોને સમાસ થયો છે, હજારોને લાભ થયો છે. એમને કોઈના પ્રત્યે રાગદ્વેષ નહીં, કોઈનો અવગુણ-અભાવ નહીં, કોઈની સાથે હરીફાઈ નહીં - આવા બધા ગુણો એમની અંદર હતા જ. આ ગુણો ભગવાનદત્ત હતા,  એમને કંઈ લેવા પડ્યા નથી. હંમેશાં, ચોવીશ કલાક તમે એમને આનંદમાં જ જુઓ. કથાવાર્તા-કીર્તન તો અહોનિશ કર્યા જ કરે. કથાવાર્તામાં કોઈ દિવસ થાકે નહીં. વચનામૃત, સ્વામીની વાતો, કીર્તનો બધું એમને કંઠસ્થ હતું. જોગી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજને ખૂબ પ્રેમ અને જોગી મહારાજને શાસ્ત્રીજી મહારાજ માટે એટલો જ દિવ્યભાવ.
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે જોવા જેવા તો ભગવાન ને સંત છે. આખી દુનિયામાં ફરીએ, જોવા જઈએે પણ એનાથી આપણું કલ્યાણ થતું નથી. કલ્યાણ તો જ્યારે ભગવાન અને સંત મળે, એમના વિષે આત્મબુદ્ધિ થાય, એમાં આપણો જીવ જડીએ અને એ કહે એમ કરીએ તો જ થાય. જે એકાંતિક સંત છે, જે બ્રહ્મરૂપ છે, જેને જગતની કોઈ માયા-મોહ-મમતા નથી, આસક્તિ નથી કેવળ ભગવાન પરાયણ છે એવા સાચા સંત મળે તો કાંઈ ખામી રહે નહીં. જેને એવા સંત મળ્યા છે એ બધાનું કલ્યાણ છે. આજે સંવાદ સાંભળ્યો એ જીવમાં ઉતારજો, સંભારજો. બધાને સુખ-શાંતિ થાય અને સર્વનું કલ્યાણ થાય એ જ પ્રાર્થના.'


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |