|  | ઝાડેશ્વર(ભરૂચ)માં  આગમન  
         પરમ પૂજ્ય પ્રમુખસ્વામી  મહારાજ તા. ૧-૭-૨૦૧૧ના રોજ નવસારીથી સૌની ભાવભીની વિદાય લઈ નેશનલ હાઈવે ઉપર ઊભેલા હરિભક્તોને  દર્શનનું સુખ આપી, અંકલેશ્વર ખાતેના જી.આઈ.ડી.સી. કૉલોનીમાં બે મહિના પૂર્વે જ પ્રતિષ્ઠિત  થયેલા નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા. અંકલેશ્વર તથા ઝાડેશ્વર  ક્ષેત્રના હરિભક્તો માટે આ અવિસ્મરણીય પ્રસંગ હતો. સ્વામીશ્રીનાં દર્શને ઊમટેલા હજારો  હરિભક્તોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું. સૌનાં હૈયે અપાર ઉત્સાહ હતો.સ્વામીશ્રીની આજ્ઞાનુસાર  વિવેકસાગર સ્વામીએ મૂર્તિઓનું પૂજન કર્યું અને ત્યારબાદ સ્વામીશ્રીએ નવપ્રતિષ્ઠિત મૂર્તિઓની  આરતી ઉતારી મૂર્તિઓમાં દેવત્વ પ્રસ્થાપિત કર્યું હતું. કીર્તન-ભક્તિ દરમ્યાન સ્વામીશ્રીએ  મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ, મંદિરની પાછળ નવનિર્મિત સંતનિવાસ પર દૃષ્ટિ કરી તેમજ  મંદિર નિર્માણકાર્યમાં સહયોગ આપનાર હરિ-ભક્તોને આશીર્વાદ આપ્યા. મંદિર પરિસરમાં સભામાં  સૌ વતી ઝાડેશ્વર મંદિરના કોઠારી આત્મકીર્તિ સ્વામીએ હાર પહેરાવી સ્વામીશ્રીનું સ્વાગત  કર્યું.
 અંતમાં સૌ ઉપર આશીર્વાદ  વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : ''અંકલેશ્વર મંડળની પણ જય, જય, જય, જય. ભગવાનની દયાથી  અને આપ બધાના પુરુષાર્થથી અને સંતોના પ્રયત્નથી અહીં મંદિર માટેની ખૂબ જ સુંદર જગ્યા  મળી. મંદિર થયું એ પણ એટલું શોભે છે, મૂર્તિઓ પણ એટલી તેજસ્વી છે કે જેનાં દર્શન કરવાથી  શાંતિ થઈ જાય. આ મંદિરથી ઘણો સમાસ થશે. બીજા હજારો માણસો પણ દર્શનનો લાભ લેશે, અહીં  મોટા ઉત્સવો થશે અને ઘણું ઘણું કાર્ય થશે. અહીં બધા બહુ ભાવિક છે. મંદિર નિર્માણ કાર્યમાં  બધાએ ખૂબ સહકાર આપ્યો છે. તન મન ધનથી સેવા કરી છે. આ આપણું કાયમનું ભાથું છે. પૈસા  વ્યાજે મૂક્યા હોય તો વ્યાજ મળ્યા કરે, એમ તમે આ ભગવાનનું કામ કર્યું છે તો વંશપરંપરા  સુધી ભગવાન તમને સર્વ પ્રકારે સુખી રાખે, સર્વ પ્રકારે શાંતિ થાય અને જીવમાં આવો ને  આવો સત્સંગ દૃઢ થાય.
 ભગવાનની દયાથી આપણાં  બધાં કાર્યમાં સફળતા મળે છે, માટે બધા રાજી રહેજો. આપના બધાનો ભક્તિભાવ હતો તો અહીં  આવી ગયા છીએ, માટે બળ રાખજો. સર્વને જય સ્વામિનારાયણ.'' સૌને  બળભર્યા આશીર્વાદ આપી સ્વામીશ્રી અહીંથી ઝાડેશ્વર  (ભરૂચ) જવા નીકળ્યા.
 ઝાડેશ્વર (ભરૂચ) ખાતે  પધારેલા ગુરુહરિના આગમનને વધાવવા ઊમટેલા સર્વે હરિભક્તોને સમીપ દર્શનનું સુખ આપી સ્વામીશ્રી  મંદિરમાં ઠાકોરજીના દર્શને પધાર્યા. સમગ્ર ઝાડેશ્વર-ભરૂચ સત્સંગમંડળ વતી કોઠારી આત્મકીર્તિ  સ્વામીએ તથા પૂજારી દિવ્યસેવા સ્વામીએ હાર પહેરાવી સ્વામીશ્રીને સત્કાર્યા.
 
 |  |