Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૧૧-૭-૨૦૧૧ના રોજ ભરુચથી વિદાય લઈ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ટ્રેનમાં મુંબઈ પધાર્યા.
સ્વાસ્થ્યના પરીક્ષણ અને વિશ્રામલીલા માટે મુંબઈ પધારેલા સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદનો આવો અણચિંતવ્યો લાભ મળતાં મુંબઈવાસી હરિભક્તોમાં જાણે ઉત્સાહનું મોજું ફરી વળ્યું. સ્વામીશ્રીની પાવન નિશ્રામાં સર્વત્ર સત્સંગ-ભક્તિની લહેર પ્રસરી ગઈ. સૌના હૈયે અપાર આનંદ-ઉત્સાહ અનુભવાતો હતો.
મુંબઈ ખાતેના રોકાણ દરમ્યાન તા. ૧૫-૭-૨૦૧૧ના રોજ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે સ્વામીશ્રીએ આશીર્વાદની અમીવૃષ્ટિ કરી સૌને કૃતાર્થ કર્યા હતા. તા. ૧૬-૭-૨૦૧૧ થી શરૂ થયેલા હિંડોળા પર્વે શ્રીહરિને પારણે ઝુલાવી સ્વામીશ્રીએ સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. તા. ૨૧-૭-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ લંડનથી તથા તા. ૨૬-૭-૨૦૧૧ના રોજ અમેરિકાથી ભારતદર્શને આવેલા કિશોરોને આશીર્વાદ આપ્યા હતા. તા. ૨૭-૭-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ જામનગરની છ ચલમૂર્તિઓનું પૂજન કર્યું હતું. એ જ રીતે તા. ૩૧-૭-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ મુંબઈ વિસ્તારના ડોંબિવલીમાં પ્રતિષ્ઠિત થનાર ચલમૂર્તિનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી સૌને આશીર્વાદ આપ્યા હતા. તા. ૧૩-૮-૨૦૧૧ના રોજ રક્ષાબંધન પર્વે સ્વામીશ્રીએ રાખડીના હિંડોળામાં બિરાજતા શ્રીહરિને ઝુલાવીને સૌ વતી પ્રાર્થના કરી હતી અને ઊમટેલા હજારો હરિભક્તો માટે રાખડીને પ્રસાદીભૂત કરીને તેમના યોગ-ક્ષેમના મંગલ આશીર્વાદ આપ્યા  હતા. મુંબઈ ખાતેના નિવાસ દરમ્યાન સ્વામીશ્રીએ સ્મૃતિરૂપે કેટલાક સ્મરણીય પ્રસંગોõની સ્મૃતિ કરીએ...
તા. ૧૩-૭-૨૦૧૧, મુંબઈ
વાતચીત દરમ્યાન આદર્શજીવન સ્વામી સ્વામીશ્રીને કહે, 'હરિકૃષ્ણ મહારાજને આપ ક્યારેય ભૂલ્યા નથી. યોગીજી મહારાજ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને જૂનાગઢથી પોતાની સાથે આ સંસ્થામાં લઈને આવ્યા, પણ સમગ્ર વિશ્વમાં આપે શ્રીજીમહારાજને છતરાયા કર્યા, યુનો સુધી આપે પહોંચાડ્યા.'
સ્વામીશ્રી કહે, 'સંકલ્પ તો એમના જ ને, બાકી આપણાથી શું થવાનું ? ઝમરાળા એટલે જર્મની સમજતા, પણ એમના સંકલ્પથી જ બધું થયું.'
આદર્શજીવન સ્વામી કહે, 'એમનો સંકલ્પ ને આપનો પુરુષાર્થ.'
સ્વામીશ્રી કહે, 'સંકલ્પ કરવા એ જ મહત્ત્વની વસ્તુ છે.'
આદર્શજીવન સ્વામી કહે, 'સંકલ્પ તો બધા કરે, પરંતુ સાકાર કરનાર પણ અગત્યના છે.'
સ્વામીશ્રી કહે, 'એમના સંકલ્પે બધું થાય છે, આપણાથી કશું થતું નથી.'
તા. ૧૫-૭-૨૦૧૧, મુંબઈ
આજે વિખ્યાત હૃદયરોગ નિષ્ણાત ડૉક્ટર લોટલીકર સ્વામીશ્રીનો ઇકો-કાર્ડિયોગ્રામ લેવા માટે આવ્યા હતા. ૪૫ મિનિટ સુધી તેઓએ ટુડી ઇકો લીધો. આશ્ચર્યના ભાવ સાથે તેઓએ સ્વામીશ્રીને કહ્યું કે 'બાપા ! છ મહિના પહેલાં અહીં આપના હૃદયનો ઇકો કાર્ડિયોગ્રામ લીધો હતો. એવો ને એવો જ જાણે કે કોપી કર્યો હોય એવો જ ઇકો કાર્ડિયોગ્રામ આજે છે. હૃદયની પરિસ્થિતિ એવી જ છે, જેવી પહેલાં હતી. ભરુચમાં જે દુખાવો ઊપડ્યો હતો એ ૧૯૮૩માં હૃદયમાં જ્યાં હાર્ટ-ઍટેક આવ્યો હતો અને એ ભાગના જે કોષને કાયમી નુકસાન પહોંચ્યું હતું એની આજુબાજુ થોડો દુખાવો ઊપડ્યો કહી શકાય. એટલે કે મરેલી જગ્યાને મારવા જેવી આ વાત થઈ. આ અમારી હિસ્ટ્રીમાં પણ એક ચમત્કાર જ કહી શકાય. હૃદયનું ૮૦„ જે નળી કામ કરે છે એ એવી ને એવી જ સ્વસ્થ છે.'
આ સમાચાર સાંભળતાં જ ઊભેલા તમામ સંતો અત્યંત આનંદમાં આવી ગયા. સંતો સૌ ખુશ હતા. ડૉ. લોટલીકર, ડૉ. કિરણભાઈ દોશી, યોગીચરણ સ્વામી વગેરે તો અંગ્રેજીમાં વાર્તાલાપ કરી રહ્યા હતા અને તેઓ ચર્ચા કરવા માટે બીજી રૂમમાં ગયા. આ બાજુ સંતો ખૂબ આનંદમાં હતા. વિવેકસાગર સ્વામી પણ નજીક આવી ગયા. તેઓ સ્વામીશ્રીને કહે, 'આવતા વર્ષે ન્યૂજર્સીમાં પ્રાણપ્રતિષ્ઠા તો કરવાની જ છે, પણ ન્યૂજર્સી અક્ષરધામની પ્રતિષ્ઠા પણ આપના હાથે જ કરવાની છે, જેને હવે સાત વર્ષની જ વાર છે. અને ત્યારપછી ત્રણ વર્ષ પછી આપની શતાબ્દી પણ ધામધૂમથી ઊજવવાની છે.' સ્વામીશ્રી ખુલ્લા શરીરે પલંગ ઉપર વિરાજમાન હતા. સંતો વિવિધ રીતે આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. એ વાતને સ્વામીશ્રી સાંભળી રહ્યા હતા. કોઈ જ વિશેષ પ્રતિભાવ આપતા ન હતા.
વિવેકસાગર સ્વામી કહે, 'આપ ખૂબ જ સ્વસ્થ છો. આનંદના સમાચાર છે. હવે આપ શાંતિથી સૂઈ જાવ. ડૉક્ટરે કહ્યું છે કે જરાય ચિંતા કરવા જેવું છે નહીં.'
સ્વામીશ્રી એટલી જ સ્વસ્થતાથી કહે, 'મને શું થશે ? કેમ થશે ? એવી કોઈ જ ચિંતા મને થઈ જ નથી. ગભરાટ પણ થયો જ નથી. જે કંઈ થાય એ ભગવાનની ઇચ્છા પર છે.' સ્વામીશ્રીની બ્રાહ્મી સ્થિતિનો આ પરિચય તેઓની આ સહજ સ્થિતિમાં અનુભવાયો ત્યારે સૌને બ્રહ્માનંદમ્‌ પરમસુખદમ્‌ની વિભાવના જાણે સાક્ષાત્‌ વિરાજમાન હોય એવો અનુભવ થયો.
તા. ૧૬-૭-૨૦૧૧, મુંબઈ
એક સંદર્ભમાં નારાયણચરણ સ્વામીએ રામસ્વરૂપ સ્વામીને સંબોધતાં કહ્યું, 'કારભારી ! અહીં આવો.'
આ સાંભળી ગયેલા સ્વામીશ્રી કહે, 'આપણે સેવક પહેલાં, એટલે 'સેવક આવો.' એમ કહેવું.'
આજની યુવા પેઢી ખોટાં વ્યસનો અને વાતોમાં પોતાના સમયને બરબાદ કરે છે એ સંદર્ભમાં સ્વામીશ્રી કહે, 'નાટક-ચેટક અને વ્યસન, એ બધું એવું છે કે એની જીવનમાં અસર થઈ જાય. માબાપને એમ કે છોકરાં ભણે છે ને ! એટલે એની સામે બરાબર ધ્યાન ન આપે. પછી પરિસ્થિતિ બગડે. એટલે જ જોગી બાપાએ બાળમંડળ, યુવામંડળ એ બધું ચલાવ્યા જ કર્યું. એમની જે દૃષ્ટિ હતી એ વાત સાચી થઈ ગઈ. આજે બધા કહે છે કે આ કરવા જેવું છે. છોટી વયે પડેલી છાપ છેલ્લી વય સુધી જાય નહીં.'
આદર્શજીવન સ્વામી કહે, 'વિવેક-સાગર સ્વામી ઘણી વખત પ્રવચનમાં કહે છે કે પ્રમુખસ્વામી મહારાજ તો સાધુ છે. એમને સંસાર નથી, તો પણ તમારાં છોકરાંની ચિંતા એ કરે છે, એ અમારા પગ દબાવવા માટે નહીં, પણ તમારું ગળું દબાવી ન દે એના માટે છે. એટલે સ્વામી-બાપા ! આપ સૌના સાચાં માતાપિતા કહેવાવ.'
સ્વામીશ્રી કહે, 'કેટલાંક માબાપને એમ કે છોકરાં મંદિરે જશે ને બગડી જશે, પણ બીજે બધે જાય એમાં એમને વાંધો ન આવે ! અત્યારે કેટલી જાતના બગાડ પેસે છે ?! નાટકચેટકમાં જાય એની ચિંતા કરતા નથી અને સત્સંગસભામાં જાય એમાં કહે કે ભણવાનું બગડે છે. આવું છે.'
તા. ૧૯-૭-૨૦૧૧, મુંબઈ
દેશ-પરદેશથી આવેલા હરિભક્તોનો પરિચય કરાવીને સંતો સ્વામીશ્રીના દૃષ્ટિદાન કરાવતા હતા. આ પ્રક્રિયા દરમ્યાન પીન્ટુ અજમેરાનો પુત્ર દેવ જય બોલાવી રહ્યો હતો. સંતોએ તેને અટકાવ્યો, પરંતુ સ્વામીશ્રીએ એ યાદ રાખ્યું અને હરિભક્તોનો પરિચય પૂરો થયો કે તરત જ દેવની સામે જોઈને સ્વામીશ્રી કહે, 'જય બોલાવ.' સ્વામીશ્રી સૌને સાંભળે છે, સૌને સાચવે છે, આટલી ભીડની વચ્ચે નાના બાળકના અવાજને સાંભળવાની પણ દરકાર રાખે છે ! એ જ તો તેમની મહાનતા છે.
અભયસ્વરૂપ સ્વામી સાથેની એક મિટિંગ દરમ્યાન ગાંઠે બાંધવા જેવી વાત કરતાં સ્વામીશ્રી કહે, 'ભગવાન કર્તાહર્તા છે જ, પણ એ જ ભગવાન આપણામાં રહીને પ્રેરણા આપે છે અને કામ કરાવે છે. એટલે ભગવાન બધું કરશે અને ભગવાનની ઇચ્છાથી થશે એમ માનીને બેસી ન રહેવાય. પ્રયત્ન પૂરો કરવો જ પડે. ભગવાન કામ કરાવવામાં પ્રેરણા આપે છે અને એ જ નિમિત્ત બનાવે છે. એટલે પ્રયત્ન તો કરવો જ અને પછી ન થાય ત્યારે ભગવાનની ઇચ્છા સમજવી.' સ્વામીશ્રીની સમજણ કેટલી સ્પષ્ટ છે !!
તા. ૨૩-૭-૨૦૧૧, મુંબઈ
પત્રવાંચન બાદ સ્વામીશ્રી ધર્મચરણ સ્વામીને કહે 'આ વખતના 'સ્વામિનારાયણ પ્રકાશ'માં કચ્છમાં ભૂકંપ થયો એ બધું લીધું છે, તો એ તો ભૂકંપના વખતે આવી ગયું હતું, તો આ પ્રકાશમાં શા માટે લીધું ? અક્ષરવત્સલ સ્વામીને પૂછજો કે મહત્તા વધારવા લીધું છે ?' ધર્મચરણ સ્વામીએ અક્ષરવત્સલ સ્વામીને ફોન લગાડ્યો. તેઓએ વાત કરતાં કહ્યું, 'આ તો સ્વામીશ્રીએ ૧૧૦૮ પૂર્ણિમાઓ વિતાવી અને તેઓને ૯૦ વર્ષ થયાં તો એ ૯૦ વર્ષ દરમ્યાન તેઓએ લોકકલ્યાણનાં જે જે મહાન કાર્યો કર્યાં છે, એની થોડીક સ્મૃતિ કરવા આ 'પ્રકાશ'માં થોડી વિગતો મૂકી છે. આ તો ગુરુસ્મૃતિ છે. સ્વામીશ્રીએ કોઈ કાર્ય પોતાની અંગત મહત્તા વધારવા કર્યું નથી, તેમ આમાં કોઈ મહત્તા વધારવા માટે કે કોઈનું ખોટું દેખાડવા માટે કે કોઈને ઉતારી પાડવા માટે લખ્યું હોય એવું નથી. સ્વામિનારાયણ પ્રકાશના આ અંકમાં  શરૂઆતમાં જ તે અંગેની બધી સ્પષ્ટતાઓ કરેલી છે. સ્વામીશ્રી તો કાયમ એમ જ કહે છે ને કે આપણે ક્યાં કર્તા છીએ, ભગવાન જ સર્વકર્તા છે, એ વાતનો પણ તેમાં નિર્દેશ કર્યો છે.' તેઓ જે વાત કરી રહ્યા હતા એ સ્વામીશ્રી સ્પીકર ફોનમાં સાંભળી રહ્યા હતા. તેઓને સંતોષ થયો એટલે મૌન રહ્યા.
તા. ૨૪-૭-૨૦૧૧, મુંબઈ
અભિષેક મંડપમ્‌માં દર્શન કરીને સ્વામીશ્રી મંદિરના ઘુમ્મટમાં પધાર્યા. અહીં એક બંગાળી હરિભક્ત બેઠા હતા. સ્વામીશ્રીએ થોડા દિવસ પહેલાં તેઓ પર દૃષ્ટિ કરી હતી. એ વખતે આ હરિભક્તે પ્રાર્થના કરી હતી કે 'મારા ભાઈએ મારી મિલકત ઉપર હક્ક કરેલો છે. સાડા ત્રણ વર્ષથી સમાધાન માટે પ્રયત્ન કરું છું, પણ સમાધાન માટે આવતો જ નથી.' એ વખતે સ્વામીશ્રીએ દૂરથી જ દૃષ્ટિ દ્વારા આશીર્વાદ આપ્યા હતા અને એ આશીર્વાદના ચમત્કાર સ્વરૂપે બીજે દિવસે વગર બોલાવે તેમના ભાઈએ તેમની સાથે ચર્ચા કરવા માટે આવવાનો સામેથી ફોન કર્યો. સ્વામીશ્રી દૃષ્ટિ દ્વારા પણ ઐશ્વર્ય બતાવીને કામ સંપન્ન કરી રહ્યા છે.
સંદીપ મહેતાનો ચિરંજીવી ધ્રુવ પણ આજે સ્વામીશ્રીનાં દર્શન માટે બેઠો હતો. સ્વામીશ્રીએ એને જોઈને દૂરથી જ પૂછ્યું, 'રોજ માળા કરે છે ?'
ધ્રુવે 'હા' તો પાડી, પરંતુ સ્વામીશ્રી કહે, 'કરી બતાવ.' ધ્રુવે માળા ફેરવી બતાવી એટલે સ્વામીશ્રી રાજી થયા. આવા સમયે સ્વામીશ્રી નાના બાળક માટે પણ વાત્સલ્યપૂર્વક સમય આપી રહ્યા છે, તે તેમનો આપણા ઉપર મોટો અનુગ્રહ છે.
એક યુવકનો ફેક્સ હતો. તેને એક મનગમતી કન્યા સાથે લગ્ન કરવાં હતાં, પરંતુ માબાપ માનતાં ન હતાં. અને કહેતાં હતાં કે પ્રેમલગ્ન લાંબાં ટકતાં નથી. સ્વામીશ્રીએ બધી વિગત સાંભળી અને કહ્યું, 'માતાપિતાએ જન્મ આપ્યો છે, તેમણે ઉછેર્યા છે, તો તે કહે તેમ કરવું. માતા-પિતાને રાજી કરવા માટે આ મૂકી દેવું.'
સંતોનાં વ્રત-તપની વાત નીકળતાં આદર્શજીવન સ્વામી કહે, 'આપે તો ખૂબ તપ કર્યું છે. મોટી ઉંમર સુધી નિયમિત ધારણાંપારણાં કરતા અને પારણાં પણ શણગાર આરતી પછી કરતા.'
સ્વામીશ્રી કહે, 'એ વખતે થઈ ગયું એ થઈ ગયું, પણ અત્યારે ક્યાં થાય છે ?'
સ્વામીશ્રીનો આ જે વસવસો હતો એમાં આ ઉંમરે પણ તપ કરવાની પ્રબળ ઇચ્છા જોઈ શકાતી હતી.
આદર્શજીવન સ્વામી કહે, 'આપે તો ઘણું કર્યું. હવે ઉંમર પણ થઈ. હવે તો અમે બધા સંતો કરીએ છીએ. આપે આશીર્વાદ આપવાના હોય.'
સ્વામીશ્રી કહે, 'શ્રદ્ધાવાળા છે એ કરે છે, પણ જે મંદ શ્રદ્ધાવાળા છે એનાથી ન થાય.'
આદર્શજીવન સ્વામી કહે, 'આપે મોટી ઉંમર સુધી ઘણું કર્યું છે.'
સ્વામીશ્રી કહે, 'મારા કરતાં વિવેકસાગર સ્વામીએ ઘણું કર્યું. વ્રત-તપ કરવાનાં ને વળી બીજી જવાબદારી પણ સંભાળવાની. કથાવાર્તા બધું જ કરવાનું, પ્રવૃત્તિ પણ કરવાની.'
વિવેકસાગર સ્વામી કહે, 'મારી ઉંમર અને આપની ઉંમરમાં ફરક તો ખરો ને !'
સ્વામીશ્રી કહે, 'યોગીજી મહારાજ કહેતા - શ્રદ્ધા, ખપ ને સમાગમ, એમ શ્રદ્ધા છે એટલે થાય છે.' આ રીતે પોતાના મહિમાની વાતો અટકાવી સ્વામીશ્રીએ સંતોના મહિમાની વાત કરી.
તા. ૨૯-૭-૨૦૧૧, મુંબઈ
સ્વામીશ્રીએ ઠાકોરજી જમાડ્યા. આજે કોઈ વિશેષ ભોજન સ્વામીશ્રીએ લીધું નહીં, બહુ જ થોડું જમ્યા. ભોજન પછી વિવેકસાગર સ્વામી કહે, 'આમાંથી તો કંઈ ખાલી જ થયું નથી. આપના ભોજન ઉપર તો પીએચ.ડી. કરવા જેવું છે. બધું આત્મબળથી ચલાવો છો એવું લાગે છે.'
સ્વામીશ્રી તરત જ કહે, 'ભગવાન બધું ચલાવે છે.' 


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |