Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૧૧-૭-૨૦૧૧થી મહારાષ્ટ્રની મહાનગરી મુંબઈ ખાતે વિરાજેલા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં સંતો-હરિભક્તો-ભાવિકોને સત્સંગ-ભક્તિનો અમૃતલાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. નિત્ય પ્રાતઃ સમયે સ્વામીશ્રી નિજ નિવાસેથી ઠાકોરજીનાં દર્શનાર્થે તેમજ નીલકંઠવણીના અભિષેક અર્થે મંદિર અને અભિષેકમંડપમાં પધારે છે. ત્યારે ઉપસ્થિત હરિભક્તોને ખૂબ શાંતિથી તેઓનાં દર્શન અને આશીર્વાદનું અમૃત મળી જાય છે. સંતો તેમજ હરિભક્તો સાથેના નિત નવા પ્રસંગોએ સ્વામીશ્રી મર્મસભર અને દિવ્યસભર વાણીથી સૌને આધ્યાત્મિકતાના પાઠ શીખવે છે.
તા. ૫-૮-૨૦૧૧ના રોજ અમદાવાદથી ઈશ્વરચરણ સ્વામી, શ્રીજીસ્વરૂપ સ્વામી તથા ભક્તિનંદન સ્વામીએ સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત ભગવાન સ્વામિનારાયણના જીવન આધારિત એનિમેશન વીડિયોશ્રેણીનો પ્રથમ ભાગ પરમ પૂજ્ય સ્વામીશ્રીનાં કરકમળો દ્વારા ઉદ્‌ઘાટિત કરાવ્યો. સંપ્રદાયની આ સર્વપ્રથમ લાઇફલાઇન એનિમેશન વીડિયોનું ઉદ્‌ઘાટન કરતાં સ્વામીશ્રીએ સંકલ્પ કર્યો કે 'જે કોઈ જુએ તેને સત્સંગ થાય.'
તા. ૧૫-૮-૨૦૧૧, સ્વાતંત્ર્ય દિને મુંબઈમાં દાદર ખાતે બી.એ.પી.એસ. મંદિર પરિસરમાં સર્વત્ર ત્રિરંગો છવાયો હતો. સ્વામીશ્રીએ લહેરાઈ રહેલા રાષ્ટ્રધ્વજ પર અમીદૃષ્ટિ કરી, રાષ્ટ્રના હિતની પવિત્ર મંગલ પ્રાર્થનાઓ સાથે સૌને આશીર્વાદ પાઠવ્યા.
ગુરુહરિની પાવન નિશ્રામાં આબાલવૃદ્ધ સૌ કોઈને સહજ સહજમાં આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધવાનું બળ મળી જાય છે. સ્વામીશ્રીના સાંનિધ્યમાં કેટલાક સદા સ્મરણીય અવસર પણ યોજાઈ ગયા. તા. ૨૦-૮-૨૦૧૧નો દિવસ ઐતિહાસિક હતો. આજથી ૨૧૨ વર્ષ પહેલાં નીલકંઠવણી લોજ ગામમાં પધાર્યા અને સમગ્ર વિશ્વમાં એકાંતિક ધર્મ ફેલાવવાનો પાયો નાખ્યો. એ મહાન ઘટનાની સ્મૃતિમાં મંદિરમાં હરિકૃષ્ણ મહારાજના ખંડમાં પ્રાસંગિક શોભા રચવામાં આવી હતી. જન્માષ્ટમીના પવિત્ર દિવસે પણ અભિષેક મંડપમ્‌માં ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યના શણગાર સજવામાં આવ્યા હતા. તા. ૨૭-૮-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ ધોળકામાં યોજાનાર તુલસીપૂજન માટેની તુલસીને પ્રસાદીભૂત કરી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. ગણેશચતુર્થીના પવિત્ર દિવસે નીલકંઠવણી અભિષેક મંડપમ્‌માં સ્થાપન કરવામાં આવેલા ગણપતિજીને સ્વામીશ્રીએ વધાવ્યા હતા. જામનગરમાં હરિકૃષ્ણ મહારાજની પધરામણીનો ઉત્સવ છે તે નિમિત્તે તા. ૪-૯-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ મુંબઈ પધારેલી હરિકૃષ્ણ મહારાજની પાંચેય મૂર્તિઓનું પૂજન કરી સૌને આશીર્વાદ આપ્યા હતા. મુંબઈ ખાતેના સ્વામીશ્રીના આ નિવાસ દરમ્યાનના કેટલાક પ્રેરક પ્રસંગોની સ્મૃતિ ગત અંકમાં આપણે કરી, આ અંકમાં સ્વામીશ્રીના વિશેષ પ્રસંગોની સ્મૃતિ કરી ધન્ય થઈએ...
તા. ૨-૮-૨૦૧૧, મુંબઈ
આજે સ્વામીશ્રીનું ટેમ્પરેચર તપાસીને ડૉ. કિરણભાઈ દોશીએ આરામની સલાહ આપતાં કહ્યું, 'હવે આડા પડીએ.'
સ્વામીશ્રી હસતાં હસતાં કહે, 'આડા તો કોઈ દહાડો પડ્યા જ નથી, શીખ્યા જ નથી ને.' આટલું કહીને પણ સ્વામીશ્રી હસી પડ્યા. માંદગીમાં પણ સ્વામીશ્રીની જીવનભાવનાનાં સૌને દર્શન થયાં.
તા. ૩-૮-૨૦૧૧, મુંબઈ
આજે પણ ડૉ. એ. બી. મહેતા સ્વામીશ્રીના ચેકઅપ માટે આવ્યા હતા. ગઈ કાલ કરતાં આજની હૃદયની પરિસ્થિતિ જોઈને તેઓને સંતોષ થયો ને કહે, 'બહુ સરસ થયું.' 
દિલ્હી અક્ષરધામની વાત નીકળતાં ડૉ. એ. બી. મહેતા કહે, 'હું જ્યારે દિલ્હી ગયો ત્યારે કામ ચાલતું હતું. મને લોકો કહેતા હતા કે બે-ત્રણ મહિનામાં થઈ જશે, ત્યારે મને મનાતું ન હતું.'
સ્વામીશ્રી કહે, 'જોગી બાપાની ઇચ્છાથી જ બધું થયું છે. ભગવાનની પ્રેરણાથી થયું છે.' એમ કહીને ઈશ્વરચરણ સ્વામી તરફ નિર્દેશ કરતાં કહે, 'આ ઈશ્વરચરણ સ્વામીએ બધું સંયોજન કર્યું છે.' સ્વામીશ્રીએ યશનો કળશ પોતાના મસ્તક પર ન જ લીધો.
તા. ૪-૮-૨૦૧૧, મુંબઈ
માંદગીની વાતો ચાલતી હતી એવામાં વિવેકસાગર સ્વામીએ રૂમમાં પ્રવેશ કર્યો અને બોલ્યા, 'આજે તો સારું લાગે છે.'
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે, 'બસ, આવી વાત કરવી, તો માંદો હોય એ પણ સાજો થઈ જાય અને મોળી વાત કરીએ તો સાજો હોય તોય માંદો પડે, માટે બળની વાતો કરવી.'
ડૉ. રોહિતભાઈ મોદીએ સ્વામીશ્રીના હૃદયનો ઇકો કાર્ડિયોગ્રામ લીધો.
રિપોર્ટ સારો હતો. છેલ્લે ડૉક્ટર રોહિતભાઈ કહે, 'મેં આપને તપાસ્યા એને લીધે કંઈક તકલીફ તો થઈ નથી ને ?'
સ્વામીશ્રી કહે, 'અમને તકલીફ હતી એટલે તો તમને બોલાવેલા. એમાં તકલીફની ક્યાં વાત છે ?'
ડૉ. રોહિતભાઈ કહે, 'રિપોર્ટ સારો છે.' ઈશ્વરચરણ સ્વામીએ તેઓને હાર પહેરાવ્યો. સ્વામીશ્રીનું સાંનિધ્ય અને આવું સન્માન જોઈને તેઓ કહે, 'આવું તો મારી જિંદગીમાં ક્યારેય નથી મળ્યું.'
સ્વામીશ્રી કહે, 'ભગવાનના દરબારમાં બધું મળે.'
ડૉ. રોહિતભાઈ કહે, 'વરસોથી રોજના પંદર-વીસ ઇકો કાર્ડિયોગ્રામ કરું છું, પણ આજે કર્યું ને જુદો જ અનુભવ થયો, બહુ જ આનંદ આવ્યો.'
સ્વામીશ્રી કહે, 'ભગવાનના દરબારમાં આવ્યા એટલે આનંદ જ આવે.'
ડૉ. રોહિતભાઈ કહે, 'આપની આગળ ઊભા રહેવામાં પણ બહુ જ આનંદ આવે છે.' આટલું કહીને તેઓ કહે, 'એક પ્રશ્ન પૂછી શકું ?'
સ્વામીશ્રી કહે, 'હા.'
ડૉ. રોહિતભાઈ કહે, 'આપના વિચારોથી આપ સાજા ન થઈ શકો ?'
સ્વામીશ્રી કહે, 'એ બધું ભગવાનના હાથની વાત છે. આપણી તો સેવા થાય છે, બાકી તો સાવ મટાડી દેવું એ ભગવાનના હાથની વાત છે. આપણે મહેનત કરીએ અને સંકલ્પ કરીએ, પણ મટાડવું ભગવાનના હાથની વાત છે.'
સ્વામીશ્રીનો તો એક અનાદિનો સૂર હતો 'ભગવાન કર્તાહર્તા છે.' આને કારણે સ્વામીશ્રી આવી પરિસ્થિતિમાં પણ સ્વસ્થ રહી શકે છે.
તા. ૫-૮-૨૦૧૧, મુંબઈ
કૃષ્ણવલ્લભ સ્વામી ઠાકોરજીનો થાળ લઈને સ્વામીશ્રીને ભોજન કરાવવા આવ્યા. છેલ્લા કેટલાય સમયથી સ્વામીશ્રીને જમવાની રુચિ થતી નથી. એટલે આજે પણ સ્વામીશ્રી ફક્ત વાનગીઓને જોઈ જ રહ્યા હતા. એટલે વિવેકસાગર સ્વામી કહે, 'થોડુંક જમો. શરીર મજબૂત હોય તો રોગ ન આવે.'
વિવેકસાગર સ્વામીની વાતને ધ્યાનમાં જ ન લેતા હોય એમ કૅસેટ દ્વારા વાગી રહેલી 'યોગીવાણી'ના સંદર્ભમાં સ્વામીશ્રી કહે, 'યોગીબાપાની વાતો જ એવી. આમ એની એ જ, પણ રોજ નિત નવી લાગે. રોજ સાંભળીએ તોય અભાવ ન આવે. રમૂજની વાત આવે, જ્ઞાનની વાત આવે, બધું જ ચાલે. વાત એની એ જ હોય. ગમે એ બેઠા હોય તોય એમને સંકોચ ન થાય.'
વિવેકસાગર સ્વામી કહે, 'અમુકની વાત સાંભળીએ ત્યારે માઈલો ચાલ્યા હોય એના કરતાં પણ વધુ થાક લાગે.'
સ્વામીશ્રી કહે, 'અને યોગી બાપાની વાણી તો ગમે એટલી વાર સાંભળીએ તોય નવીન જ લાગે.'
સ્વામીશ્રી ગુરુમહિમામાં તલ્લીન થઈ ગયા. ગુરુમહિમાનો ખોરાક એ જ એમને મન સાચો ખોરાક છે.
તા. ૮-૮-૨૦૧૧, મુંબઈ
આજે ઠાકોરજી જમાડતી વખતે અહીંની યુવક શિબિરમાં આવેલા ડૉ. રમાકાન્ત પાંડાના ઇન્ટરવ્યૂની વીડિયો જોઈ રહ્યા હતા. ભારતના શ્રેષ્ઠ હાર્ટ-સર્જનોમાંના એક રમાકાન્ત પાંડા રોજ સોળ-સોળ કલાક કાર્ય કરે છે. તેઓની વીડિયો જોતાં સ્વામીશ્રીએ પ્રશ્ન પૂછ્યો, 'હૉસ્પિટલમાં આૅપરેશન કર્યા પછી તેઓ દર્દી પાસે જાય છે કે નહીં ?'
ડૉ. કિરણભાઈ કહે, 'દર્દી પાસે નિયમિત જાય છે.'
સ્વામીશ્રી કહે, 'દર્દી પાસે જાય તો જે વાત કરવાની હોય એ દર્દી કરી શકે.'
ડૉ. કિરણભાઈ કહે, 'ડેન્ટન કુલી વિશ્વના સૌથી પ્રખ્યાત હાર્ટટ્રાન્સપ્લાન્ટના સર્જન પણ રોજ પોતાના પેશન્ટને જોવા જાય અને શાંતિથી એમની પાસે બેસે. આપની બાયપાસ કરાવી ત્યારે ડૉ. સુબ્રમણ્યમ્‌ પણ કેટલી વાર આવતા !'
સ્વામીશ્રી કહે, 'આૅપરેશન પછી દર્દીને ખબર પૂછો એમાં જ તેને સંતોષ થઈ જાય. આૅપરેશન પછી ડૉક્ટર દર્દીને મળવા જાય એ એટલું જ અગત્યનું છે. આ બધા મોટા ડૉક્ટરો છે, છતાં વિઝિટ કરવા જાય છે, તે સારું કહેવાય. એમની ખાલી વાત સાંભળે તોય દર્દીને સંતોષ રહે.'
સ્વામીશ્રીનો કહેવાનો મર્મ અટલો જ હતો કે કોઈપણ સંપર્ક આવી આત્મીયતાથી જ જીવંત અને તાજો રહે છે.
તા. ૧૦-૮-૨૦૧૧, મુંબઈ
આજે લોસ એન્જલસના ચિનોહિલ્સ ઉપનગર ખાતે નિર્માણાધીન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને ઊંચાઈ બાબતે સર્વાનુમતે પરમિશન મળી ગઈ હતી. છેલ્લાં કેટલાંય વર્ષથી ચાલતા સંઘર્ષનો આજે અંત આવ્યો હતો.
આ અંગે અમેરિકાના મુખ્ય કાર્યવાહક શ્રી કનુભાઈ પટેલનો ફોન હતો. તેમણે સ્વામીશ્રીને હિયરિંગના સમાચાર આપ્યા ને કહે, 'બાપા ! આપની તબિયત કેમ છે?'
સ્વામીશ્રી કહે, 'તમારી આ હિયરિંગની વાત સાંભળીને તબિયત સારી થઈ ગઈ છે.'
કનુભાઈ કહે, 'બાપા ! આપના આશીર્વાદથી જ થયું છે.'
સ્વામીશ્રી કહે, 'મહારાજ-સ્વામી, શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજની કૃપા ને આશીર્વાદ અને તમારા બધાનો પ્રયત્ન હતો તો કામ થયું છે.'
કનુભાઈએ હિયરિંગનો આખો રિપોર્ટ આપ્યો અને કહ્યું, 'ગઈકાલ સુધી જે જે લોકો મંદિરની ઊંચાઈના સખત વિરોધમાં હતા એ બધા જ મંદિરની ઊંચાઈની તરફેણમાં બોલ્યા. જાણે બ્રહ્મનો જ પ્રવેશ હતો. બે વ્યક્તિ તો કાલ સુધી ના જ પાડતા હતા અને કહેતા હતા કે અમને આમાં રસ જ નથી. પરંતુ એ બધા જ સારું બોલ્યા.'
આજે સ્વામીશ્રીના કાર્યનું એક નવું છોગું સંસ્થાના ઇતિહાસમાં ઉમેરાયું.
તા. ૧૩-૮-૨૦૧૧, મુંબઈ
આજેય સ્વામીશ્રીને જમવામાં રુચિ થતી ન હતી. લગભગ સાવ નહીંવત્‌ જમ્યા. ડૉ. કિરણભાઈ દોશી કહે, 'કાંઈક જમો. હવે જમવાનું તો મન થાય છે ને !'
સ્વામીશ્રી કહે, 'મન થાય એટલું તો જમીએ જ છીએ ને !' સ્વામીશ્રીની આ દલીલ સામે કોઈ કાંઈ બોલી ન શક્યું.
પ્રિયદર્શન સ્વામી કહે, 'આજે આનંદનો દિવસ છે. થાળમાં શીરો ધરાવ્યો છે તો શીરો લો.' સામે બેઠેલાં સૌ સંતોએ પણ આ વિનંતીમાં સૂર પુરાવ્યો એટલે સ્વામીશ્રીએ શીરામાંથી ચમચી લીધી. જોકે ચમચીમાં શીરો ન હતો, ફક્ત ચમચીમાં શીરાના જે કણ ચોંટ્યા હતા એ સ્વામીશ્રીએ અંગીકાર કર્યા. સૌ હસી પડ્યા.
બ્રહ્મવિહારી સ્વામી કહે, 'અત્યારે સત્સંગમાં હજારો હરિભક્તો આપના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. તો એ પ્રાર્થના આપને પહોંચે છે કે નહીં?'
સ્વામીશ્રી કહે, 'ભગવાનને પહોંચે છે અને ભગવાન કહે એમ થાય છે.'
'પણ બધા પ્રાર્થના તો આપને કરે છે !'
'આપણને કરે એ ભગવાનને પહોંચે ને !'
'તો પછી જવાબ ?'
'એને પહોંચે એટલે જવાબ પણ એ જ આપે ને !'
તા. ૧૫-૮-૨૦૧૧, મુંબઈ
એક હરિભક્તનો પત્ર આવ્યો હતો. એણે ખોટી રીતે ડૉલર ભેગા કર્યા હતા. હવે એની સેવા કરવાની ઇચ્છા હતી.
સ્વામીશ્રી તરત જ કહે, 'એને કહેવાનું કે ચોરી કરીને ધર્માદો ન કરવો. નીતિ-નિયમથી પ્રામાણિકતાથી જે રકમ આવી હોય એ બરોબર છે. ખોટી રીતે પૈસા ભેગા કરીને ધર્માદો કરીએ તો ભગવાનના ગુનેગાર કહેવાઈએ, એવું ન કરવું. નીતિ-નિયમથી રહેશો તો ભગવાન સુખી કરશે.'
સ્વામીશ્રી હંમેશા પ્રામાણિકતાના જ આગ્રહી છે.
રાત્રિભોજન દરમ્યાન 'સ્વામિનારાયણ પ્રકાશ'ના જૂના અંકનું વાંચન વિવેકસાગર સ્વામીએ કર્યું. સત્પુરુષના મનુષ્યભાવની લીલાની વાતો ચાલતી હતી. એટલે વિવેકસાગર સ્વામીએ પૂછ્યું, 'શાસ્ત્રીજી મહારાજની પ્રકૃતિ કરતાં યોગીજી મહારાજનું તંત્ર જુદું લાગે તો એ વખતે શું સમજવાનું ?'
સ્વામીશ્રી કહે, 'દિવ્યભાવ.' એક જ વાક્યમાં સ્વામીશ્રીએ ઉત્તર આપ્યો.
તા. ૨૫-૮-૨૦૧૧, મુંબઈ
આધુનિક વિજ્ઞાનનાં વિશેષ સંશોધનોની વાત નીકળી કે જેમાં માણસ અમર થવાના પ્રયત્ન કરતો હોય. એ સંદર્ભમાં ઘણાં દૃષ્ટાંતો સ્વામીશ્રીને આપવામાં આવ્યાં. સ્વામીશ્રી પહેલાં તો સાંભળી રહ્યા. પછી દૂધ પીતાં પીતાં ધીમે રહીને ઠાવકાઈથી કહે, 'હું ધારું છું ત્યાં સુધી તોય લોકો મરે તો છે જ.' આટલું કહીને સ્વામીશ્રી હસી પડ્યા, સંતો પણ હસી પડ્યા. એટલે વળી સ્વામીશ્રી કહે, 'સંશોધનો કરી કરીને લોકો પૈસા ખર્ચે છે, પણ જવાનું તો છે જ.'
આદર્શજીવન સ્વામી કહે, 'આપ કહો છો એમ બધું ભગવાનના હાથમાં છે.'
સ્વામીશ્રી કહે, 'છે જ, પણ દુનિયાને મનાતું નથી. બધું ભગવાનના જ હાથમાં છે. બાકી દેહ તો નાશવંત છે જ અને જવાનો જ છે.'
જ્ઞાનવત્સલ સ્વામી કહે, 'ભગવાનનું સામર્થ્ય કેવું છે ? સવાર પડે ને આખી વસ્તીને કામે ચડાવી દે છે.'
સ્વામીશ્રી કહે, ''એ બધું ભગવાનનું કર્તવ્ય છે. એમણે એવી કળ ચડાવી છે અને ઉતારી પણ એમણે જ છે. પણ ભગવાનને કર્તા ન માને અને 'હું કરું છું' ને 'મેં કર્યું છે' એવો અહમ્‌ આવી જાય છે, બાકી ભગવાનનું કામ છે ને ભગવાન કરે છે. એમનાથી જ બધું ચાલે છે.''
જ્ઞાનવત્સલ સ્વામી કહે, 'જાપાન પાસે ઘણી ટેકનોલોજી છે, પણ તોય ભૂકંપ અને સુનામી ન રોકી શક્યા.'
સ્વામીશ્રી કહે, ''એવું મનાતું નથી ને ! 'હું કરું, હું કરું' એ જ અજ્ઞાન છે.''
જ્ઞાનવત્સલ સ્વામી કહે, 'મૃત્યુ નિશ્ચિત્ત છે જ. એ જાણે છે છતાં ભગવાન માનવામાં આવા બધાને કઠણ પડે.'
સ્વામીશ્રી તરત જ ઉપેક્ષાભાવે કહે, 'એ લોકો માને કે ન માને, તો એમાં ભગવાનને શી લેવાદેવા છે ? એ તો એ લોકોની મૂર્ખાઈ જ છે ને ! બધા અંદરોઅંદર લડાઈઓ કરે છે. સંશોધન કરીને મારામારી કરે છે. આમાં બધા સુખી થાય એવું ક્યાં છે ?'
બધી જ દલીલો આગળ સ્વામીશ્રીનો એક જ સિદ્ધાંત છે, 'સર્વ કર્તાહર્તા ભગવાન છે.'
તા. ૨૮-૮-૨૦૧૧, મુંબઈ
સ્વામીશ્રી લિફ્ટ દ્વારા ઠાકોરજીનાં દર્શને પધાર્યા. લિફ્ટમાં મુંબઈ મંદિરના ભંડારી જ્ઞાનમૂર્તિ સ્વામી સાથે હતા. તેઓ સ્વામીશ્રીને કહે, 'પહેલાં પ્રવૃત્તિ કરવામાં થાક બહુ લાગતો, પરંતુ ગયા વખતે આપે આશીર્વાદ આપ્યા પછી થાક લાગતો નથી.'
સ્વામીશ્રી કહે, 'સેવા મનાય તો થાક ન લાગે. શ્રીજીમહારાજની સેવા છે એ વિચાર આવે તો થાક ન જ લાગે.'


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |