Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામિનારાયણ અક્ષરધામનો દિવ્ય શિલાપૂજન સમારોહ

પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં પવિત્ર કરકમળો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય અને સમસ્ત હિંદુધર્મના ઇતિહાસનું એક વધુ નૂતન પૃષ્ઠ તાજેતરમાં ઉમેરાયું.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે રચેલાં 'સ્વામિનારાયણ અક્ષરધામ' વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ, સનાતન હિંદુધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયની એક આગવી અસ્મિતાસભર ઓળખ બની છે. ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે અને ભારતની રાજધાની દિલ્હી ખાતે સ્વામિનારાયણ અક્ષરધામની અદ્‌ભુત સૃષ્ટિ રચ્યા બાદ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી  મહારાજે તાજેતરમાં અમેરિકાની ધરતી પર સ્વામિનારાયણ અક્ષરધામના નિર્માણનો વેદોક્તવિધિપૂર્વક મંગલ આરંભ કર્યો છે. આવનારાં થોડાંક જ વર્ષોમાં  સાકાર થનારા આ અદ્‌ભુત અક્ષરધામ સ્થાપત્યનો માંગલિક શિલાન્યાસવિધિ આગામી દશેરાના દિવસે તા. ૬-૧૦-૨૦૧૧ના રોજ અમેરિકા ખાતે ન્યૂજર્સી રાજ્યના રોબિન્સવિલ નગરની ધરતી પર થનાર છે. ૧૦૨ એકર ભૂમિ પર રચાનારા સ્વામિનારાયણ અક્ષરધામના આ ત્રિદિવસીય શિલાન્યાસ વિધિમાં હજારો હરિભક્તો લાભ લેશે.
આ શિલાન્યાસવિધિમાં અક્ષરધામની ધન્ય ધરતીમાં રોપાનાર શિલાઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં કરકમળો દ્વારા મુંબઈ ખાતે થયું.
વિ. સં. ૨૦૬૭, ભાદરવા સુદ ૩, બુધવાર તા. ૩૧-૮-૨૦૧૧ના રોજ  મુંબઈ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં મુંબઈમાં દાદર ખાતે બી.એ.પી.એસ. સ્વામિ-નારાયણ મંદિર પરિસરમાં ઉત્સવનો અનેરો માહોલ જામ્યો હતો. સૌનાં હૈયાં આનંદ-ઉત્સાહથી પુલકિત થઈ નાચી ઊઠ્યાં હતાં. મંદિરનો ઘુમ્મટ તથા સ્તંભ-પંક્તિઓ રંગબેરંગી ફૂલોથી સુશોભિત હતાં. દીવાલ પર ફૂલોની સુંદર કમાનો શોભી રહી હતી. અત્ર-તત્ર-સર્વત્ર ઉત્સવનું વાતાવારણ રચાયું હતું.
સવારની મંગળા આરતીના નાદ શમ્યા, ન શમ્યા ત્યાં તો ખાસ આજના દિવસે અમેરિકાથી પૂજનવિધિનો લાભ લેવા આવેલા દરેક હરિભક્તે અહીં  પધારી પોતપોતાનું આસન ગ્રહણ કર્યું. સંતોએ મંદિરની બહાર પ્રમુખસદનમાં પ્રવેશતાં જ દરેક હરિભક્તને ચાંલ્લો કરી, નાડાછડી બાંધી હતી.
આજના આ પ્રસંગે અમેરિકાથી ૬૦થી વધારે હરિભક્તો પધાર્યા હતા. જેમાં બી.એ.પી.એસ. સંસ્થાના ચાર ટ્રસ્ટીઓ કનુભાઈ પટેલ - સી.ઈ.ઓ. (ન્યૂજર્સી), ડૉ. સુધીરભાઈ પટેલ (ટેકસાસ), ડૉ. જિતુભાઈ મહેતા (લોસ એન્જલસ) તથા ડૉ. હેમંતભાઈ પટેલ (ન્યૂયોર્ક) તેમજ  અમેરિકાનાં વિવિધ સેન્ટરોમાંથી પણ અગ્રણી હરિભક્તો અને દાતાઓ ઉપસ્થિત હતા. આ ઉપરાંત મુંબઈ તથા અન્ય શહેરોના અગ્રણી હરિભક્તો પણ આ શિલાપૂજનવિધિમાં ઉપસ્થિત હતા.
મુંબઈના શિખરબદ્ધ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના મધ્ય ઘુમ્મટતળે મધ્યખંડમાં ઠાકોરજીની બરાબર સન્મુખ સ્વામીશ્રીનું આસન રાખવામાં આવ્યું હતું. સ્વામીશ્રીની એક તરફ ડૉક્ટર સ્વામી અને વિવેકસાગર સ્વામી તથા બીજી તરફ કોઠારી ભક્તિપ્રિય સ્વામી અને ઈશ્વરચરણ  સ્વામીએ પૂજનવિધિ માટે સ્થાન લીધું હતું. સ્વામીશ્રીની સમક્ષ અમેરિકાથી આવેલા હરિભક્તો તેમજ મુંબઈના અગ્રણી હરિભક્તો પૂજાવિધિની સામગ્રી સાથે બિરાજ્યા હતા. સ્વામીશ્રીની પાર્શ્વભૂમાં પીઠિકા પર મુંબઈના અન્ય હરિભક્તો  પણ વિધિમાં જોડાયા હતા. ત્રણે ખંડને આવરી લે એ રીતે કુલ ૬૩ સંગેમરમરની શાસ્ત્રોક્ત શિલાઓ મૂñકવામાં આવી હતી.  
શરણાઈના માંગલિક સ્વરો વચ્ચે બરાબર વહેલી સવારના ૭:૦૦ વાગે સ્વામીશ્રી પધાર્યા અને શિલાપૂજનના ઉપક્રમે વેદોક્ત મહાપૂજાવિધિ શરૂ થઈ ગયો. સંસ્થાના પુરોહિતો ઘનશ્યામભાઈ શુક્લ અને મુકેશભાઈ શાસ્ત્રીએ શ્રુતિપ્રકાશ સ્વામીના સહયોગ સાથે વિધિનો મંગલ પ્રારંભ કર્યો. આ દરમ્યાન સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કરી મધ્યખંડ સમક્ષ મધ્ય ઘુમ્મટના છેડે વિરાજમાન થયાં. તેઓએ સમાંતરપણે નિત્ય પ્રાતઃ પૂજાવિધિ કરી. સ્વામીશ્રીએ મંદિરના ઘુમ્મટ તળે પ્રાતઃપૂજા કરી હોય એવો આ પહેલો જ પ્રસંગ હતો. દાયકાઓ પછી આ રીતે સૌને આટલા નજીકથી સ્વામીશ્રીનાં પ્રાતઃપૂજાનાં દર્શન થઈ રહ્યાં હતાં. તેથી દરેક હરિભક્તને હજારો માઈલો દૂરથી અહીં આવવાનું સાર્થક અનુભવાતું હતું. આ પ્રસંગે ઈશ્વરચરણ સ્વામી સહિત અક્ષરધામ ટીમના સંતો શ્રીજીસ્વરૂપ સ્વામી, ભક્તિનંદન સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, વિશ્વવિહારી સ્વામી, અક્ષરવત્સલ સ્વામી વગેરે ઉપસ્થિત હતા. તે સૌને ડૉક્ટર સ્વામીએ નાડાછડી બાંધી.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજાના આસન પર શ્રીહરિકૃષ્ણ મહારાજ સુવર્ણમંડિત ગજરાજ પર સોના-અંબાડીએ સુવર્ણના વાઘા સાથે વિરાજિત હતા. સંકલ્પનો વિધિ આવ્યો ત્યારે પંડિતોએ ન્યૂજર્સી અક્ષરધામ સત્વરે પૂર્ણ થાય એવો સંકલ્પ કરાવ્યો.
મહાપૂજા દરમ્યાન પંચામૃત સ્નાન-વિધિ આવ્યો. સ્વામીશ્રીની જમણી બાજુએ બેઠેલા કોઠારી ભક્તિપ્રિય સ્વામી અને ઈશ્વરચરણ સ્વામીએ સ્વામીશ્રી વતી એ વિધિ કરી રહ્યા હતા. પંચધાતુની અક્ષર-પુરુષોત્તમ મહારાજની મૂર્તિ-જબરેશ્વર મહારાજનું પંચામૃતથી સ્નાન ચાલી રહ્યું હતું. સ્વામીશ્રીએ ઇચ્છા દર્શાવતાં નિર્ભય સ્વામીને કહ્યું કે, 'હરિકૃષ્ણ મહારાજને પણ પંચામૃત સ્નાન કરાવો.' તે અનુસાર હરિકૃષ્ણ મહારાજને પણ સ્નાન કરાવવામાં આવ્યું. આ દરમ્યાન સ્વામીશ્રીએ માળા પૂર્ણ કરી અને તેઓએ પંચામૃત સ્નાનથી સદ્યસ્નાત શ્રી હરિકૃષ્ણ મહારાજનું કંકુ, ચોખા વગેરેથી પૂજન કર્યું. ત્યારબાદ વસ્ત્ર-અલંકાર ધારણ કરીને હરિકૃષ્ણ મહારાજે થાળ આરોગ્યો.
૭:૪૫ વાગે સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા પૂર્ણ કરી. ત્યારબાદ સ્વામીશ્રીની આજ્ઞા અનુસાર અક્ષરધામ પ્રોજેક્ટનું સૂત્ર સંભાળી રહેલા ઈશ્વરચરણ સ્વામીએ  સંબોધન કર્યું અને અક્ષરધામ પ્રોજેક્ટના સ્વામીશ્રીના દિવ્ય સંકલ્પનો મહિમા સમજાવ્યો. એ દરમ્યાન પૂજાની એ પાટ ઉપર જ શિલાન્યાસવિધિની મુખ્ય કૂર્મશિલાનું સ્થાપન કરવામાં આવ્યું અને ગજરાજ પર સુવર્ણરસિત અંબાડીએ બિરાજમાન હરિકૃષ્ણ મહારાજને પધરાવવામાં આવ્યા. સ્વામીશ્રી માટે સુવર્ણરસિત નકશીદાર વાટકીમાં જળ રાખવામાં આવ્યું હતું. 'પ્રમુખસ્વામી - આદર્શ મૅનેજમેન્ટ ગુરુ' વિષયક થિસીસની સિનોપ્સીસ આદર્શજીવન સ્વામીએ  સ્વામીશ્રી પાસે પ્રસાદીની કરાવી. 
આજના પ્રસંગે અમેરિકાના નોર્થ-ઇસ્ટના ન્યૂયોર્ક, લોંગ આયર્લેન્ડ, ચેરીહિલ વગેરે નગરોમાંથી મહિલામંડળે હાથે ફોલેલા અક્ષત (ચોખા) મોકલ્યા હતા. સ્વામીશ્રીએ એ અક્ષત વડે મુખ્ય શિલાનું પૂજન કર્યું. એ જ રીતે શિલાન્યાસવિધિમાં સ્થપાનાર સુવર્ણયંત્ર તેમજ નિધિકળશમાં મુકાનાર અન્ય પવિત્ર પ્રતીકો - ગાય, કૂર્મ, અનંત વગેરેનાં પૂજન પણ એ જ અક્ષતથી કર્યાં. આ સુવર્ણયંત્રોની સેવા કરનાર ચંદ્રકાન્તભાઈ પૂજારા તથા સુવર્ણરસિત કળશની સેવા કરનાર પંકજભાઈ સોનીને સ્વામીશ્રીના આશીર્વાદ મળ્યા. ૬ નિધિકુંભ અને મુખ્ય નિધિકુંભનું પૂજન સ્વામીશ્રીએ કર્યું. મુખ્ય નિધિકુંભની ફરતે ૭ ચાંદલા સ્વામીશ્રીએ કર્યા અને અંદર કૂર્મ, અનંત વગેરે પધરાવવામાં આવ્યા. સૌ હરિભક્તો વતી કનુભાઈ પટેલ (સી.ઈ.ઓ.)એ સુવર્ણ સિક્કા કુંભમાં પધરાવ્યા. કોઠારી ભક્તિપ્રિય સ્વામી, ઈશ્વરચરણ સ્વામી તથા વિવેકસાગર સ્વામીએ વારાફરતી બાકીની બધી જ શિલાઓનું પૂજન કર્યું.
સુવર્ણરસિત પાત્રમાં સુવર્ણરસિત લેલા વડે સ્વામીશ્રીએ સિમેન્ટ ક્રોંક્રેટનો થોડોક માલ સુવર્ણ પાત્રમાં જ પધરાવ્યો અને એ વખતે ઉદ્‌ઘોષ થયો કે આ શિલાપૂજન એ હકીકતે અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતનો અમેરિકામાં ન્યાસ છે. ત્યારબાદ સુવર્ણરસિત આરતીમાં ત્રણ દીવાની આરતી સ્વામીશ્રીએ ઉતારી. સાથે સાથે સૌ હરિભક્તોએ પણ આરતી ઉતારી. જયનાદો સાથે આ આરતી સંપન્ન થયા બાદ પુષ્પાંજલિ થઈ. ન્યૂજર્સી અક્ષરધામની પ્રાણપ્રતિષ્ઠા સ્વામીશ્રીનાં કરકમળો દ્વારા થાય એ પ્રાર્થના સાથે તેમજ અન્ય માંગલિક સંકલ્પો સાથે ધૂન કરવામાં આવી. સૌ હરિભક્તો પણ ખૂબ ઉત્સાહથી ધૂનમાં જોડાયા ત્યારે સ્વામીશ્રી એકદમ પ્રાર્થનાલીન બેઠા હતા. 'સૌ હરિભક્તો તને-મને-ધને ખૂબ સેવા કરે અને ભગવાન તેઓને અનંતગણું આપે અને સમગ્ર અમેરિકાના તથા વિશ્વના દેશકાળ સારા થાય' એ સંકલ્પ આવતાં જ સ્વામીશ્રીએ ઉત્સાહથી હાથનું લટકું કરીને દિવ્ય સ્મૃતિઓ આપી. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને સૌને લાભ આપે એ સંકલ્પ પણ કરવામાં આવ્યો.
સમગ્ર વિધિની પૂર્ણાહુતિ માટે શ્રીફળનું પૂજન કરવામાં આવ્યું. છેલ્લે પ્રાર્થના કરવામાં આવી, '»ઠદ્ઘ ખષખદ્ઘ »ઠદ્ઘ ફુઃઈંદ્ઘ' એ શ્લોક આવતાં સ્વામીશ્રીએ જોડેલા હાથ ચારે બાજુ ફેરવ્યા. આણંદથી આવેલા ઘનશ્યામભાઈ શાસ્ત્રી તથા અમદાવાદથી આવેલા મુકેશભાઈ તથા તેઓના સહપાઠી રાકેશ શાસ્ત્રીને પણ સ્વામીશ્રીએ નાડાછડી બાંધીને ચંદનના ચાંદલા કર્યા. એ જ રીતે કનુભાઈ (સી.ઈ.ઓ.)ને તથા હર્ષદભાઈ ચાવડાને પણ સ્વામીશ્રીએ નાડાછડી બાંધી. એ વખતે સ્વામીશ્રી કહે, 'જે કંઈ પથ્થર ઘડાશે એ બધા જ આ હર્ષદ તૈયાર કરીને મોકલવાનો છે. એ બધું જ જાહેર કરો.' સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે અક્ષરવત્સલ સ્વામીએ એ જાહેરાત કરી. સ્વામીશ્રી કહે, 'એ મુખ્ય સ્થપતિ કહેવાય. નાના હતા ત્યારથી જ યોગીજી મહારાજના આશીર્વાદથી સેવામાં હતા. આપણા સોમપુરા છે.'
વળી, ભૂદેવોએ હરિકૃષ્ણ મહારાજની સ્તુતિ કરતાં કહ્યું કે 'હે હરિકૃષ્ણ મહારાજ ! બાપાને સાથે લઈને ન્યૂજર્સી પધારજો.' આ સાંભળીને સ્વામીશ્રીએ બંને હાથ ઊંચા કરીને આશીર્વાદ-મુદ્રા દ્વારા સૌને ઉમંગ ભર્યા કરી દીધા.
આ પ્રસંગે અમેરિકા મહિલામંડળે ૧૦,૦૦૦ નાડાછડી તથા કેસરનો તૈયાર કરેલો સુંદર હાર ડૉક્ટર સ્વામીએ સ્વામીશ્રીને અર્પણ કર્યો. એ જ રીતે હ્યુસ્ટન મહિલામંડળે બનાવેલો હાર કોઠારી ભક્તિપ્રિય સ્વામીએ તથા મુંબઈ મહિલા મંડળે બનાવેલો હાર ઈશ્વરચરણ સ્વામીએ તથા એક ચાદર વિવેકસાગર સ્વામી તથા અભયસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રીને અર્પણ કરી.
આજના પ્રસંગે અમેરિકા મંડળે એક આમંત્રણપત્ર અને આભારપત્ર મોકલ્યો હતો. સ્વામીશ્રીએ તે પત્ર વંચાવ્યો. આ પત્રમાં તેઓએ પોતાની ભાવના વ્યક્ત કરતાં લખ્યું હતું. આપના પરમ દિવ્ય સંકલ્પથી સાકાર થઈ રહેલા અમેરિકા અક્ષરધામની સેવામાં તન-મન-ધનથી 'યાહોમ' થવાનું અખંડ બળ રહે એવા આશીર્વાદ આપજો.
આ પ્રસંગે, પ્રિયદર્શન સ્વામી દ્વારા લિખિત પુસ્તક 'પ્રસંગમ્‌-૨૦૧૦' તેઓએ સ્વામીશ્રીનાં કરકમળમાં અર્પણ કર્યું. સ્વામીશ્રીના દિવ્ય પ્રસંગોની સ્મૃતિ કરાવતા 'પ્રસંગમ્‌' પુસ્તક શ્રેણીનું ચોથું પુષ્પ આજે ઉદ્‌ઘાટિત થયું. થોડા દિવસો પહેલાં, અમેરિકાના લોસ એન્જલસ મહાનગરમાં ચિનો હિલ્સ ખાતે નિર્માણાધીન બી.એ.પી.એસ. સ્વામિ-નારાયણ મંદિરની ઊંચાઈની સર્વાનુમતે મળેલી પરમિશનના પત્રો પર પણ  સ્વામીશ્રીએ ચંદનના ચાંદલા કર્યાં.
અંતમાં જયનાદો સાથે અક્ષરધામ શિલાન્યાસ મહોત્સવની જય બોલાવતાં સ્વામીશ્રીએ આશીર્વચન ઉચ્ચાર્યાં : ''અક્ષરધામ શિલાન્યાસ મહોત્સવની જય. આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ એ ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ. એમાં એવું નથી કે આપણે યશ લેવો છે, પણ ભગવાન રાજી થાય ને સર્વને શાંતિ થાય એ માટે આપણું કાર્ય છે. દિલ્હીમાં અક્ષરધામ થયું ત્યારપછી અમેરિકાના હરિભક્તોને ઉત્સાહ જાગ્યો કે આપણે પણ અક્ષરધામ કરવું છે. આટલું મોટું સાહસ ખેડવું એ બહુ મોટી વાત છે. પણ ત્યાનાં હરિભક્તો બધા ઉત્સાહી છે તો આજે આ ખાતમુહૂર્તમાં આવ્યા છે અને આવો ઉત્સાહ બતાવ્યો છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની કૃપાથી આ બધા સંકલ્પો થયા છે અને એ ઉત્સાહથી આ કાર્ય થાય છે, બધાને પ્રેરણા મળે છે ને બધાને એટલો બધો ઉત્સાહ છે કે ભગવાન ને ભગવાનના સંત માટે શું ન થાય ? એ નિષ્ઠા-સમજણ આજે દેશ-પરદેશમાં રહેતા લાખો હરિભક્તોના જીવનમાં જોવા મળે છે.
અમેરિકામાં આવું મોટું કાર્ય કરવું એ બહુ મોટી વાત છે. ત્યાંના કાયદા-કાનૂન ને બીજી મર્યાદાઓ હોય, છતાં પણ એમાં બધી મંજૂરીઓ મેળવીને હરિભક્તોએ ખૂબ ઉત્સાહ-ઉમંગથી આ કાર્ય કર્યું છે. ન્યૂજર્સીમાં ખૂબ સુંદર જગ્યા મળી ગઈ અને આજે અહીં આપણે તેનો શિલાન્યાસ વિધિ કર્યો.
પહેલું અક્ષરધામ ગાંધીનગરમાં કર્યું, બીજું દિલ્હીમાં કર્યું, ત્યાં દેશ-પરદેશના  હજારો માણસો દર્શને આવે છે. એ જોઈને બધા બહુ રાજી થાય છે, કારણ કે શ્રીજીમહારાજ - ગુણાતીતાનંદ સ્વામી ને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનો સંકલ્પ કે અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન સર્વત્ર પ્રવર્તે અને જે એમની ઇચ્છા છે એમાં ભગવાને ગોવર્ધન તો ઉપાડ્યો છે, એને ટેકા દેનારા આપ બધા છો. આજે બધાએ ટેકા આપ્યા છે. આપણા ટેકા તો નાના છે, છતાં પણ ભગવાન એ બહુ માને છે. થોડી પણ સેવા ભગવાન વધારે માને છે, કારણ કે મહિમાએ સહિત ભક્તિ છે, ઉત્સાહ-ઉમંગ છે ને તન-મન-ધનથી હરિભક્તો સેવા કરે છે. તો આવી ને આવી સેવા-ભક્તિથી આ અક્ષરધામ વહેલી તકે સારી રીતે સર્વોપરિ થઈ જાય, એમાં કોઈ વિઘ્ન ન આવે, સરકારી અડચણો કોઈ નડે નહીં અને જે કામકાજ ચાલે છે તે એકદમ નિર્વિઘ્ન ને ટાઇમસર પૂરું થઈ જાય અને બધે જયજયકાર થઈ જાય ને બધાંને દર્શન થાય, એ મહારાજ-સ્વામીને પ્રાર્થના.
આવું સર્વોપરી અક્ષરધામ થશે ત્યાં દેશ અને આજુબાજુના હજારો માણસો આવશે, દર્શન કરશે તો તેના જીવનું કલ્યાણ થશે. આ અક્ષરધામ આપણે આપણાં વખાણ થાય એ માટે કરતા નથી, પણ ભગવાન રાજી થાય એને માટે જ કરીએ છીએ અને એને માટે જ ભગવાન ભળ્યા છે ને આપણાં કામ સહેલાઈથી થાય છે. આ કામ સામાન્ય નથી, ભગીરથ કાર્ય કહેવાય.
શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને રાજી કરવાની આ સેવા મળી છે, એ આપણાં બહુ મોટાં ભાગ્ય છે. સંપત્તિ, પૈસા બધું જ લોકોને મળે છે, પણ આવી સેવા મળવી એ દુર્લભ છે. ભાગ્યશાળી હોય એનાથી આ સેવા થાય છે. બધાને ઉત્સાહ છે એટલે તો આજે કામકાજ, ધંધાપાણી મૂકીને અમેરિકાથી આવ્યા છે, દેશમાંથી આવ્યા છે ને મુંબઈના હરિભક્તો પણ અહીં બેઠા છે. આવું મંદિર થાય છે તો એને માટે શું ન થાય ! એવો સૌને ઉત્સાહ છે. કુટુંબ-પરિવાર માટે, બૈરાં-છોકરાં, વહેવાર-સંસાર માટે બધું થાય છે, પણ ભગવાન માટે કરવું છે એ બહુ મોટી વાત છે. જેણે ભગવાન માટે કર્યું છે એનાં નામ શાસ્ત્રોમાં લખાયાં છે. આપ બધાની સેવા-ભક્તિ છે તો ભગવાન તમારા બધા પર રાજી થશે, બધાને તને-મને-ધને સર્વ પ્રકારે સુખી કરે અને આવી સેવા કરવાનો ઉત્સાહ પણ આપે અને આ કાર્યમાં કોઈ પ્રકારે વાંધો આવે નહીં અને નિર્વિઘ્ને પ્રતિષ્ઠા થઈ જાય અને બધાને દર્શનનો સારો લાભ મળે એ માટે પ્રાર્થના.
બહુ જ ઉત્સાહ-ઉમંગથી આજે ભાગ લીધો છે એમને બધાને પણ ભગવાન સુખિયા કરે, શાંતિ થાય, આવો ને આવો ઉત્સાહ હંમેશને માટે રહે, ઈશ્વરચરણ સ્વામી ને બધા સંતોનો પણ ખૂબ પુરુષાર્થ છે. ઈશ્વરચરણ સ્વામીની દેખરેખ અને માર્ગદર્શન નીચે આ કામ ચાલે છે અને બધા મિસ્ત્રી, સોમપુરા વગેરે દરેક મળી જાય છે, એન્જિનિયર મળી જાય છે, આર્કિટેક્ટ મળી જાય છે. ભગવાનનું કામ છે એટલે સહેજે સહેજે બધું આવી જાય છે અને સેવા થાય છે.
આજે અહીં ખાતમુહૂર્ત થયું એમાં જે બધા આવ્યા છે, નથી આવ્યા, એ બધાને ભગવાન એવી સદ્‌બુદ્ધિ આપે, બધા રાજી રહેજો. ખૂબ સારી રીતે આજે ખાતમુહૂર્ત થયું છે ને ત્યાં અમેરિકામાં પણ ધામધૂમથી થશે. બધા હરિભક્તોએ તન-મન-ધનથી સેવા કરી છે. મહારાજ સર્વને બળ આપે, સર્વને શાંતિ થાય, સર્વને ભક્તિ થાય ને સર્વ તને મને ધને સુખી થાય એ જ આજના દિવસે મહારાજ-સ્વામીને પ્રાર્થના.''
આશીર્વચન દરમ્યાન સ્વામીશ્રીએ અક્ષરધામની ડિઝાઈન તૈયાર કરનાર શ્રીજીસ્વરૂપ સ્વામી અને ભક્તિનંદન સ્વામીને પણ ઊભા કરીને બિરદાવ્યા.
આશીર્વચનની સમાપ્તિ બાદ આજના પ્રસંગ નિમિત્તે ભદ્રેશ સ્વામીએ સંસ્કૃતમાં શ્લોકો રચ્યા હતા તેનું ગાન કરવામાં આવ્યું. એ જ રીતે અક્ષરજીવન સ્વામીએ રચેલા અષ્ટક-કાવ્યના એક શ્લોકનું ગાન કરવામાં આવ્યું.
અંતમાં સ્વામીશ્રીએ ભદ્રેશ સ્વામીને પણ આશીર્વાદ આપ્યા. વ્યવસ્થાપક અભયસ્વરૂપ સ્વામીને આશીર્વાદ આપ્યા. એ જ રીતે અમેરિકાના સંતો-હરિભક્તો વતી આ પ્રસંગે યજ્ઞવલ્લભ સ્વામીને યાદ કરી આશીર્વાદ આપ્યા. અંતે સ્વામીશ્રીએ ઠાકોરજીના ખંડ પાસે મૂકેલી શિલાઓ પર પણ અક્ષત-પુષ્પો પધરાવ્યાં.
જયનાદો સાથે સઘળો વિધિ સંપન્ન થયો ત્યારે સૌના મુખ ઉપર કૃતાર્થતાનો આનંદ જોઈ શકાતો હતો. વળી, આજના અવસરની મંગલ સ્મૃતિઓને તીર્થસ્વરૂપ સ્વામીના અથાક પ્રયત્ન તથા હીરેન દોશીના સહયોગથી 'આસ્થા' ચેનલ પર કરવામાં આવેલા જીવંત પ્રસારણ દ્વારા અમેરિકા, યુ.કે. અને કેનેડાના હરિભક્તોએ માણી હતી.


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |

www.swaminarayan.org
Copyright © 1999-2011, Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha, Swaminarayan Aksharpith.
All Rights Reserved.                              Privacy Policy   |  Terms & Conditions