Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામીશ્રીના જીવનની ૧૧૧૧મી પૂર્ણિમાએ ગુરુવંદના...

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું દિવ્ય જીવન અસંખ્ય લોકોનાં કલ્યાણના એક મહાન યજ્ઞસમું બની રહ્યું છે. તાજેતરમાં સ્વામીશ્રીના આ દિવ્ય જીવનની સ્મૃતિ કરાવતો પવિત્ર અવસર, તેઓના જીવનની ૧,૧૧૧મી પૂર્ણિમાએ ઊજવાઈ ગયો. તા. ૧૨-૯-૨૦૧૧ના રોજ ભાદ્રપદ શુક્લ પૂર્ણિમાનો એ પવિત્ર દિન હતો. એકનો અંક એટલે અદ્વિતીય અને એકડો એટલો પૂર્ણતા. બંનેના સ્વરૂપસમ સ્વામીશ્રીના આજના દિવસનાં દર્શને ગુજરાત અને અન્ય પ્રાંતમાંથી હરિભક્તો ઊમટ્યા હતા. પૂર્ણિમાએ દર્શનના નિયમવાળા હરિભક્તો ઉપરાંત મુંબઈનાં વિવિધ પરાંઓમાંથી પણ હજારો હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. સૌને સ્વામીશ્રીનાં દર્શનની એક ઝલક મેળવવાની તાલાવેલી લાગી હતી. સ્વામીશ્રીનો સીધો જ દૃષ્ટિસંપર્ક થાય તેની સૌને ઇંતેજારી હતી.
નિત્યક્રમ મુજબ સ્વામીશ્રી અભિષેક મંડપમ્‌માં દર્શન કરીને મંદિરમાં ઠાકોરજીના દર્શને પધાર્યા. આજના દિવસે ઠાકોરજીએ સુંદર વાઘા ધારણ કર્યા હતા. સ્વામીશ્રી દર્શન કરી અતિ પ્રસન્ન થયા. ઘુમ્મટમાં બેઠેલા તેમજ દૂર દૂર ઊભેલા હરિભક્તો પર સ્વામીશ્રીએ કૃપાદૃષ્ટિ કરી, સૌ કૃતાર્થ થયા.
ઠાકોરજીના મધ્યખંડ સમક્ષ આજના અવસર નિમિત્તે ડૉક્ટર સ્વામી તથા કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામીએ મુંબઈ મહિલા-મંડળે ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલો કેસરનો હાર સ્વામીશ્રીને અર્પણ કર્યો. અભિવાદન સ્વીકારી સૌને દૃષ્ટિસુખ આપતાં આપતાં સ્વામીશ્રી પ્રમુખસદનના તેરમા માળે પ્રાતઃપૂજા માટે પધાર્યા.
પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીના જીવનની ૧,૧૧૧મી પૂનમના સંદર્ભમાં એક સુંદર સભા રચાઈ ગઈ. સભામાં આણંદ જન્મજયંતી નિમિત્તે તૈયાર થયેલા સ્વામીશ્રીના કાર્યની વીડિયો વારાફરતી દેખાડવામાં આવી. આદર્શજીવન સ્વામીએ ભૂમિકા બાંધતાં કહ્યું : એકડો અદ્વિતીયતાનું પ્રતીક છે અને ચંદ્ર પૂર્ણતાનું પ્રતીક છે. સ્વામીશ્રીમાં આ બંને જોવા મળે છે, તો એવી કઈ ખાસિયત સ્વામીશ્રીમાં છે કે જેનાથી આ વાત સિદ્ધ થાય છે ? વીડિયોદર્શન બાદ આ સંદર્ભમાં ડૉક્ટર સ્વામીએ પોતાના અનુભવની વાત કરતાં જણાવ્યું : '૮૬૧ ત્યાગી સંતો બનાવવા એ સ્વામીશ્રીની અદ્વિતીયતા છે કે જે સંતો પૈસાનોય પગાર લીધા વગર, એક પણ રજા પણ ભોગવ્યા વગર, વી.આર.એસ. પણ લીધા વગર, રિટાયર્મેન્ટ લીધા વગર રોજના ૧૨થી ૧૪ કલાક સેવાનું કામ કરે છે. અને જે કાર્ય કરે છે એમાં ઊંડા ઊતરવાની વૃત્તિ પણ કેળવે છે.' ત્યારબાદ સ્વામીશ્રીએ કરેલા પોષણની વીડિયો બતાવવામાં આવી. કોઠારી ભક્તિપ્રિય સ્વામીએ આ સંદર્ભમાં સ્વામીશ્રીની ગુરુભક્તિની અદ્વિતીયતાની વાત કરી, સ્વામીશ્રીએ કરેલા વિચરણનાં વીડિયો-દર્શન બાદ વિવેકસાગર સ્વામીએ જણાવ્યું, 'દરેક પ્રવૃત્તિમાં અત્યંત રસપૂર્વક જોડાવા છતાં ક્રિયામાંથી છૂટા પડી જવું પણ સ્વામીશ્રી માટે અત્યંત સ્વાભાવિક છે. એ જ રીતે અપમાન તો સહન કરે, પણ સન્માનને પણ ભૂલી જવું એ તેઓની અદ્વિતીયતા છે.'
સ્વામીશ્રીની સ્થિતપ્રજ્ઞતાનો વીડિયોશૉ દર્શાવવામાં આવ્યો. વીડિયોશૉ બાદ અહીં ઉપસ્થિત સેવક સંતો પૈકી ધર્મચરણ સ્વામીએ સ્વામીશ્રીની પત્રવ્યવહારમાં ચીવટનો ગુણ વર્ણવ્યો. પ્રિયદર્શનદાસ સ્વામીએ સૌનાં મનને સાચવીને સૌને સાથે રાખીને સૌની ભાવનાઓને સમજીને સ્વામીશ્રી કઈ રીતે આત્મીયતા કેળવે છે અને સૌને આગળ વધારે છે એ ગુણની વાત કરી. નારાયણચરણ સ્વામીએ હરિ-ભક્તોને સાચવવા માટે સ્વામીશ્રી અડધી રાત્રે પણ કેવી ચિંતા કરે છે એ વાત કરી.
કોઠારી અભયસ્વરૂપ સ્વામીએ પોતે નિહાળેલા પ્રસંગોની વાત કરી. તેઓના અનુભવકથન બાદ હરિનયન સ્વામીએ પોતાની સ્મૃતિનો પ્રસંગ કહ્યો. આદર્શ-જીવન સ્વામીએ સ્વામીશ્રીની સાથે સેવા કરવાની નાનાથી માંડીને મોટાને મજા આવે છે એ ગુણને વર્ણવ્યો. તીર્થસ્વરૂપ સ્વામીએ ક્ષમાના ગુણને વર્ણવ્યો. પ્રણવ-તીર્થ સ્વામીએ પોતાને સ્વામીશ્રીએ કઈ રીતે હેત કરીને પ્રોત્સાહન આપ્યું એ વાત કરી. આ રીતે લગભગ ૧૧ સંતોએ સહજપણે સ્વામીશ્રીમાં રહેલા વિરલ ગુણોની સુંદર રજૂઆત કરી સૌને તેની ઝાંખી કરાવી.
સ્વામીશ્રી સાચે જ એક અદ્વિતીય, અજોડ વિભૂતિ છે એનો પણ સૌને વધુ દૃઢતાભર્યો અહેસાસ થયો. સ્વામીશ્રીના દિવ્ય ગુણાનુવાદમાં આજે તેઓના જીવનની ૧૧૧૧મી પૂર્ણિમા સૌને માટે યાદગાર બની રહી.


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |