Annakut 2007
 

જ્યારે શાસ્ત્રીજી મહારાજના કાર્યની સત્યતા સૌને સમજાઈ...

દોલતરામ કૃપાશંકર પંડ્યા સંસ્કૃતના પ્રખર વિદ્વાન હોવાની સાથે ગુજરાતી સાહિત્યના સાક્ષર તરીકે પણ પંકાયેલા હતા. વરતાલ ટેમ્પલ કમિટીના સભ્યને નાતે સંપ્રદાયનો પણ પરિચય પામેલા હતા.
સં.૧૯૭૨માં શાસ્ત્રીજી મહારાજ તેઓના ગામ નડિયાદમાં પધાર્યા ત્યારે દોલતરામે સ્વામીને પોતાને ઘરે પધરાવ્યા. પધરામણીની પૂજનવિધિ બાદ તેઓએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું: ''સ્વામીજી! હું જાણું છુ _ કે આપ કોઈ પણ સિદ્ધાંત સિવાય વરતાલથી બહાર નીકળો જ નહિ. તો આપનો સિદ્ધાંત મને સમજાવો.''
દોલતરામની આ વાત સાંભળી શાસ્ત્રીજી મહારાજે વચનામૃતના આધારે તથા સંપ્રદાયના પ્રસંગોની શાખ લઈને અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત તેઓને સમજાવવાની શરૂઆત કરી. શાસ્ત્રીજી મહારાજના શબ્દે શબ્દે દોલતરામ પંડ્યાની અણસમજણ દૂર થતી ચાલી. શાસ્ત્રીજી મહારાજ જ્યારે વિરમ્યા ત્યારે તેઓ મંત્રમુગ્ધ થઇ બોલી ઊઠ્યાઃ ''સ્વામી! આ તો જે કાર્ય કરવા મહારાજને અવતાર ધરી ફરી આવવું પડે તે કાર્ય આપે કર્યું છે. આપની મહત્તા અપાર છે. એટલે આજે તો આપે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિઓ પધરાવી છે, પણ ભવિષ્યમાં તમારા ભક્તો તમારી સુવર્ણની મૂર્તિ પધરાવશે એટલી તમારી મોટપ વધી જશે.''

દોલતરામના મુખેથી સરી પડેલી આ આશ્ચર્યકારી આગાહી આજે નક્કર વાસ્તવિકતામાં પરિણમી ચૂકી છે. જે ક્ષણે શાસ્ત્રીજી મહારાજના મહિમાની આ આલબેલ પોકારાઈ તે ક્ષણ બી.એ.પી.એસ.ના સ્વર્ણિમ ઇતિહાસની સોનેરી ક્ષણ બની ગઈ, કારણ કે એ પળે શાસ્ત્રીજી મહારાજના કાર્યની સત્યતાનો એક વધુ પુરાવો વિશ્વને પ્રાપ્ત થયો.