Search Contact Site Map Download News Vicharan Home USa & Canada UK & Europe India Far East Africa Past News News
Nairobi Kampala Mombasa Nairobi Kampala Dar-es-Salaam
 
Dar-es-Salaam: 20 to 27 May 2007
 
 
દિવ્ય સન્નિધિ
 
  તા. ૨૧-૫-૦૭

આજની પ્રેરણા
રાત્રે ભોજન દરમ્યાન દારેસલામ યુવકમંડળના યુવકો સત્સંગ પ્રવૃત્તિનો અહેવાલ આપી રહ્યા હતા. આ સૌ યુવકોએ છેલ્લે સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં કહ્યું કે, 'શાસ્ત્રીજી મહારાજે હકાબાપુને કહ્યું હતું કે, નારણદા તમારો હાથ ઝાલશે.' અંતકાળ સુધી આપે તેમનો હાથ ઝાલ્યો એમ અમારો પણ હાથ ઝાલશો ને ! સ્વભાવ ટાળીને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઈ જશોને ?'
સ્વામીશ્રીના હાથમાં વાટકો હતો અને એ વાટકો હાથમાં જ રાખીને સ્વામીશ્રી કહે, 'તમે ના મૂકી દેતા. એટલું ધ્યાન રાખજો.' સ્વામીશ્રીએ મર્મમાં ઘણું બધું કહી દીધું.'
આજની વાત
આજનો દિવસ ઐતિહાસિક હતો. કારણ કે, ભારતની બહાર કોઈ પણ દેશનો સર્વોચ્ચ વડો (પ્રેસિડેન્ટ) સ્વામીશ્રીને સામે ચાલીને મંદિરમાં આવ્યો હોય એવી ઘટના આજે બની હતી. અહીંના પ્રેસિડેન્ટ જકાયા કીકવેટે ને જ્યારે ખ્યાલ આવ્યો કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ટાન્ઝાનિયામાં પધારી રહ્યા છે ત્યારે તેઓએ સુભાષભાઈને સામેથી કહેવડાવ્યું કે મારે સ્ટેટ હાઉસમાં બોલાવીને પ્રમુખસ્વામી મહારાજનું સ્વાગત કરવું છે.
સુભાષભાઈએ કહ્યું, 'સ્વામીશ્રીની ૮૬ વર્ષની ઉંમર છે એટલે સ્ટેટ હાઉસમાં આવવાનું અનુકૂળ નથી. પણ જો તમારે ખરેખર સ્વામીશ્રીના આશીર્વાદ લેવા હોય તો અમારા મંદિરમાં આવો. અને તેઓની આ વિનંતીને અહીંના પ્રેસિડેન્ટે માન્ય રાખી. અને સામેથી તેઓ આજે અહીં આવ્યા. સ્વામીશ્રીના રૂમની બહારના ભોજનકક્ષમાં સ્વામીશ્રી અને તેઓની મુલાકાત ગોઠવાઈ. સ્વામીશ્રીએ તેઓને હાર પહેરાવ્યો.
પ્રેસિડેન્ટ કહે, 'આપ અમારા દેશમાં પધાર્યા તેથી આનંદ થયો.' અમારા દેશ માટે આપ ભગવાનને પ્રાર્થના કરો કે દેશનો સારામાં સારો વિકાસ થાય. સૌ સુખી બને, શાંતિ રહે, સારો વરસાદ થાય.'
સ્વામીશ્રી કહે, 'દેશ સુખી થાય તેના માટે અમે પ્રાર્થના કરીએ છીએ.'
પ્રેસિડેન્ટ કહે, 'ટાન્ઝાનિયાની પ્રજા વતી હું આપનું સ્વાગત કરું છું.'
સ્વામીશ્રી કહે, 'તમે પણ અહીં આવ્યા એટલે અમને પણ આનંદ થયો. અમે અહીં શતાબ્દીની ઉજવણી માટે આવ્યા છીએ. આપના વિચારો મોટા છે અને પ્રામાણિક છો, ભગવાનમાં શ્રદ્ધા છે, એટલે દેશમાં પણ શાંતિ રહેશે. પ્રજા પણ સુખી થશે. અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે પ્રજા સુખી થાય, પ્રજામાં પણ શાંતિ રહે. આપની સરકાર દેશ માટે સારું કાર્ય કરે છે અને ધર્મભાવના છે એટલે વેપાર-ધંધામાં બધે જ શાંતિ રહેશે. જેટલું કાર્ય તમારા દ્વારા થાય એ સારામાં સારું થાય ને દેશ સુખી થાય એ આશીર્વાદ છે. તમારા દ્વારા દેશ ખૂબ આગળ આવશે. કારણ કે, તમને ભગવાનમાં શ્રદ્ધા છે અને તમારા વિચારો પણ સારા છે.'
રાષ્ટ્રપતિ સાથે લગભગ ૨૦ મિનિટ મુલાકાત કરીને છેલ્લે સ્વામીશ્રીએ તેઓને પોતાના ગળામાંથી પહેરેલી માળા આપીને કહ્યું કે, રોજ ભગવાનને 'પ્રેયર' કરજો જેથી શાંતિ રહે.
કીકવેટે કહે, 'I Promise.' આટલું કહીને નમસ્તે કહીને તેઓએ વિદાય લીધી.
આજના આશીર્વાદ
આજે લક્ષ્મીનારાયણ મંદિરના હૉલમાં સંસ્થા શતાબ્દીની ઉજવણી થઈ. અહીંના ઉત્સાહી યુવકોએ શતાબ્દીને અનુરૂપ સંવાદ અને નૃત્ય રજૂ કર્યાં. સ્વામીશ્રીએ પણ આનંદ વહાવતા નૃત્ય દરમ્યાન ધ્વજ હાથમાં લઈને ફરકાવ્યો અને સૌને સ્મૃતિ આપી.
અંતે આશીર્વાદ દરમ્યાન સ્વામીશ્રીએ પ્રેરણા વચનો કહેતાં જણાવ્યું કે,
(૧) ભગવાન આ લોકમાં બધાનું સારું કરવા માટે જ આવ્યા છો. પણ પ્રશ્ન આપણી પ્રકૃતિ ને સ્વભાવને લીધે જ થાય છે. (૨) માણસનો એવો સ્વભાવ છે કે કંઈ પણ સારું થાય ત્યારે કહે હું હતો તો આ થયું ને ખોટું થાય ત્યારે ટોપલો બીજા ઉપર ઢોળી દે. (૩) ભગવાન જે કરતા હશે તે એ સારા માટે કરતા હશે એ ભાવના કાયમ રાખવી કારણ કે ભગવાન કર્તા છે અને એ કોઈનું ખરાબ કરવા આવ્યા નથી. ભક્ત થયા એની પરીક્ષા ભગવાન લે છે. (૪) ભગવાન કર્તા છે ને ભગવાનના સ્વરૂપમાં સંશય ન હોય તો શાંતિ શાંતિ રહે બાકી જીવનમાં પ્રશ્ન તો આવવાના જ.
 
     
  તા. ૨૨-૫-૦૭

આજની પ્રેરણા
સ્વામીશ્રી રૂમમાં બિરાજમાન હતા. એક હરિભક્તનો વિદેશથી ફોન આવ્યો પતિ-પત્નીના મનમાં એમ હતું કે પુત્ર આવે તો સ્વામીશ્રીનાં ચરણોમાં અર્પણ કરવો છે. પત્નીને સારા દિવસો હતા, પરંતુ ડૉક્ટરોને બતાવ્યા પછી તેઓને શંકા હતી કે દીકરાની જગ્યાએ દીકરી આવશે. આ સમાચાર સાંભળીને તેઓ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા. સ્વામીશ્રીને વાત કરતાં કહે, 'બાપા ! મારે સાધુ થવું હતું, પરંતુ સંજોગોવશાત્‌ હું થઈ ન શક્યો. એટલે મેં અને મારાં પત્નીએ વિચાર કર્યો હતો કે, દીકરો આવે એટલે બાપાને જ સાધુ કરવા અર્પણ કરી દેવો. પરંતુ એવું લાગે છે કે દીકરી આવશે. એટલે મૂંઝવણ થાય છે.'
સ્વામીશ્રી તેઓની વાતને અધવચ્ચે જ અટકાવતા કહે, 'દીકરી આવે તોપણ દીકરીને વધાવી લેજો. એમ જ માનજો દીકરો આવ્યો છે ને સાધુ કરવા આપી દીધો છે. દીકરી આવે તો દીકરો માનીને તેની સેવા કરજો અને ઉછેરજો. જે આવે તે સુખ-શાંતિ આપે તેવું સંતાન આવશે.' સ્વામીશ્રીની કેટલી વિશાળ દૃષ્ટિ છે.'
આજની વાત
આજનો દિવસ વિશેષ કોઈ હકીકતનો ન હતો. સાંજે સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે યુવકો-બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. અને સ્વામીશ્રીએ આશીર્વાદ વર્ષાવતાં કહ્યું કે,
(૧)મૃત્યુ સૌ માટે નિશ્ચિત છે. ઊંઘમાં જેમ સ્વપ્નું આવે છે એમ એક સમયે એવું સ્વપ્નું આવશે કે આપણી પાસે કશું જ નહીં હોય. આ દેહમાંથી નીકળવું પડશે. બધું જ જવાનું છે. આ રીતે સંસાર સ્વપ્નવત્‌ સમજાય તો શાંતિ રહે.
સંસારનું સ્વપ્ન સાચું માનીએ એટલે જ હું-મારું, તારું થાય છે. એકબીજા પ્રત્યે રાગ-દ્વેષ થાય છે, પણ પોતાના સ્વરૂપને આત્મા મનાય તો આત્માને કોઈ નાત-જાત, કુટુંબ-પરિવાર છે જ નહિ. પછી દુઃખ અને સુખ શેનું ?
(૨)સો મણ સૂતર ગૂંચાયું હોય તો એને ઉકેલતાં આખી જિંદગી જાય એમ આ લોકમાં પણ આપણે ગૂંચાયા છીએ. આ ગૂંચ ઉકેલવા માટે સત્પુરુષની જરૂર છે.
(૩)આ જ્ઞાન ને સમજણનું કાયમ અનુસંધાન રાખવું અને આ સમાગમને આ મંદિરનો લાભ લઈ લેવો. સમય વરતે સાવધાન થઈ જવું.
આજનું વરદાન
અમે અહીં આવ્યા સાત દિવસ રહીશું ને પછી જતા રહીશું. આ જ્ઞાન પચાવી લેજો તો સુખિયા થવાશે.
 
     
 

તા. ૨૪-૫-૦૭

આજની પ્રેરણા
આજના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવના દિને સ્વામીશ્રી અલ્પાહાર કરવા બિરાજ્યા હતા. સામે બેઠેલા અક્ષરવત્સલ સ્વામી વાતો કરી રહ્યા હતા. તેઓએ સ્વામીશ્રીએ જ્યાં જ્યાં મંદિરો કર્યા છે તે મંદિરોની પ્રવૃત્તિ અને આધ્યાત્મિકતાને લીધે દેશ અને વિદેશમાં ભણતા યુવાન વિદ્યાર્થીનું કુસંગ થકી કઈ કઈ રીતે રક્ષણ થાય છે એના દાખલાઓ આપીને કહ્યું, 'આપે મંદિરો કરીને ખરેખર હિન્દુઓની મોટી રક્ષા કરી છે.'
સ્વામીશ્રી તરત જ કહે, 'જોગીબાપાનો સંકલ્પ હતો કે બધા દેશોમાં સત્સંગ કરાવવો છે. એ તો જાપાન અને રશિયાની પણ વાત કરતા.'
સ્વામીશ્રી કહે, 'સંકલ્પ જેણે કર્યો છે એ જ સાકાર કરે છે ને.' સ્વામીશ્રીની આ સહજ દાસત્વભક્તિ છે.
આજની વાત
દારેસલામ ભાગ્યશાળી છે. કારણ કે, આજે ત્રીજીવાર અહીં સ્વામીશ્રીના હસ્તે જ મૂર્તિપ્રતિષ્ઠા થઈ છે. ૧૯૭૭માં સ્વામીશ્રીએ અહીં પ્રથમવાર પ્રતિષ્ઠા કર્યા પછી ૧૯૯૯માં આરસની મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ અને આજે વાઘા પહેરાવાય એવી આરસની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીને સ્વામીશ્રીએ ડંકો માર્યો. સ્વામીશ્રીએ જ આ પ્રસંગે મૂર્તિઓનો મહિમા કહેતાં જણાવ્યું, 'મૂર્તિઓ અદ્‌ભુત બની છે. જાણે કે દર્શન કર્યા જ કરીએ. અંતરની ભક્તિ હોય તો ભગવાન રાજી થાય છે. નાનાં મોટાં બાઈ-ભાઈ બધાંએ રોજ અહીં આવીને દર્શન કરવાં, પ્રાર્થના કરવી અને રવિસભામાં આવવું. જે આવશે એનું કલ્યાણ થશે.'
આજના આ શુભ દિવસે સમગ્ર દેશના ડી.જી.પી. સાઈદી મુએમા દર્શને આવ્યા'તા. સમગ્ર દેશના ૩૦,૦૦૦ પોલીસોના તેઓ વડા છે. સ્વામીશ્રીને તેઓ ખૂબ આદરથી મળ્યા અને પ્રાર્થના કરી કે અમારો દેશ ખૂબ પ્રગતિ કરે - નાની મોટી તકલીફો દૂર થાય અને આપની દૃષ્ટિ કાયમ અમારા ઉપર રહે. સ્વામીશ્રીએ પણ તેઓને આશીર્વાદ આપતાં કહ્યું, 'તમે દર્શન માટે આવ્યા છો, એથી આનંદ છે, સમગ્ર દેશ ઉપર ભગવાનની કૃપા થાય, તમારા હસ્તે સારામાં સારું કાર્ય થાય અને દેશમાં શાંતિ થાય. લોકો વધારે કામ કરે એ આશીર્વાદ છે.'
આજે અહીંની સી.સી.એમ. પાર્ટીના ડેપ્યુટી સેક્રેટરી શ્રી યાકા મામ્બી દર્શને આવ્યા'તા. અત્યારે રાજકીય રીતે તેઓની પાર્ટી સત્તા ઉપર છે અને દેશમાં ત્રીજાક્રમે સર્વોચ્ચ સ્થાને તેઓની ગણના છે. સ્વામીશ્રીનાં દર્શન કરતાં તેઓએ કહ્યું, 'આપનાં દર્શન કરીને મને ખૂબ આનંદ થાય છે. આપ અમારા દેશમાં પધાર્યા એ અમારાં સદ્‌ભાગ્ય છે. આપ અમારા દેશ માટે પ્રાર્થના કરો કે દેશ અને સરકાર ખૂબ પ્રગતિ કરે અને દેશમાં શાંતિ રહે. અમારા પ્રેસિડેન્ટે બહુ મોટું કાર્ય ઉપાડ્યું છે, એમાં વિઘ્નો પણ ઘણાં છે, પણ આપ આપની પૂજામાં દરરોજ યાદ કરીને પ્રાર્થના કરજો.
સ્વામીશ્રીએ પણ કહ્યું, 'અમે ચોક્કસ પ્રાર્થના કરીશું, જેથી દેશનો સારામાં સારો વિકાસ થાય.'
આજનો ચમત્કાર
રાત્રે સ્વામીશ્રી જમી રહ્યા પછી અહીં વસતા ઘણા ભાવિકો ભેદભાવ વગર સ્વામીશ્રીના આશિષ લેવા ઊમટ્યા હતા. જેમાં અહીંના મુસ્લિમ જમાતના ચેરમેન શ્રી રહેમત્તુલા પણ હતા. તેઓ સ્વામીશ્રી પાસે આવ્યા. સ્વામીશ્રીનો હાથ આંખે અડાડ્યો અને માથે પણ મુકાવ્યો. તેઓએ પોતાની વાત કરતાં કહ્યું, 'ત્રણ વર્ષ પહેલાં આપ અહીં પધાર્યા હતા ત્યારે મારી દૃષ્ટિ જતી રહી હતી. એ વખતે હું આપનાં દર્શને આવ્યો'તો. આપે મારી આંખ ઉપર હાથ ફેરવ્યો અને મારી દૃષ્ટિ મને પાછી મળી. હું આપનો ખૂબ ૠણી છું.'

 
     
  તા. ૨૫-૫-૦૭

આજનો ચમત્કાર
સ્વામીશ્રીએ દારેસલામમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી અને ગઈ કાલથી દેશમાં જાણે ચમત્કાર સર્જાયો. વડોદરાથી માંડીને સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં અને ત્યાર પછી તો વિદેશોમાં પણ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિમાં શ્રીજીમહારાજનાં સૌને દર્શન થવાં લાગ્યાં. ઠેર ઠેરથી ફોન દ્વારા આ સમાચાર સૌને મળતા હતા. સ્વામીશ્રી ઉપર પણ આ સમાચાર આવતા જતા હતા. સ્વામીશ્રી એટલું બોલ્યા, 'અહીં ભગવાન બેઠા ને ત્યાં પરચો થયો.'
આજની વાત
આજે અહીં ખાતેનો છેલ્લો દિવસ હતો. આજે સાંજે લક્ષ્મીનારાયણ મંદિરમાં વિદાયસભા હતી. સ્વામીશ્રી વિદાયસભામાં જતાં પહેલાં અહીં જ આવેલા શંકર આશ્રમમાં પધાર્યા અને મહાદેવજીનાં દર્શન કરીને પછી જ સભામાં પધાર્યા. સમગ્ર ટાન્ઝાનિયા સત્સંગમંડળ વતી ચેરમેન સુભાષભાઈ પટેલે આભારવિધિ કર્યો.
આજના આશીર્વાદ
આજની વિદાયસભામાં પ્રેરણા વચનો કહેતાં સ્વામીશ્રીએ કહ્યું, 'જેમ સંસાર અને વ્યવહારનું આયોજન કરીએ એમ ભગવાન ભજવા માટેનું પણ આયોજન કરતાં રહેવું જોઈએ. લોકો ડાયરીમાં રવિવારે ક્યાં ક્યાં જવું એ લખે, પણ રવિસભામાં જવાનું લખે જ નહિ. જોગીબાપા કહેતા ૨૫,૦૦૦ રૂપિયાનો નફો મૂકીને પણ રવિસભામાં જવું. રવિસભાની કેટલી મહત્તા કહી છે. એક ભગવાન રાજી તો અનેક રાજી. બાકી બધાને રાજી કરવામાં કોઈનો ભલીવાર વળ્યો નથી. એક ભગવાન એવા છે કે અલ્પ સેવાથી પણ રાજી થાય છે. મહારાજની જેટલી સેવા કરીએ, મહિમા કહીએ એટલું આપણા માટે કલ્યાણકારી બને છે.
 
     
  તા. ૨૬-૫-૦૭

આજની પ્રેરણા
સ્વામીશ્રી રાત્રે જમ્યા પછી આસન ઉપરથી ઊભા થઈ રહ્યા હતા. સ્વામીશ્રીને ચંપલ પહેરાવવા આવેલા લંડનના નીરજ તન્નાએ સ્વામીશ્રીને કહ્યું, 'બાપા ! બપોરે જ્યારે મને પૂછ્યું કે તું કોનો છે ? ત્યારે મેં કહ્યું હતું કે, હું તમારો છું, પણ ત્યાર પછી મેં ખૂબ વિચાર કર્યો કે હજી હું સંપૂર્ણપણે તમારો થયો છું ? હજી તો ઇન્દ્રિયો, અંતઃકરણ લલચાવી જાય છે. એમાં લેવાઈ જાઉં છું. તો હું કઈ રીતે તમારો કહેવાઉં ? અને એવું શું કરું કે જેથી ઇન્દ્રિયો, અંતઃકરણમાં લેવાવાય નહીં ?'
સ્વામીશ્રી કહે : 'રોજ મનન કરવું કે હું આત્મા છું. આત્મા છું.'
નીરજ કહે : 'હું તો એમ મનન કરું છું કે પ્રમુખસ્વામી મારો આત્મા છે.'
સ્વામીશ્રી કહે : 'સત્પુરુષ આત્મા છે એ બરાબર છે. એ રીતે મનન કરીશ તો ધીરે ધીરે બધું નીકળી જશે.'
આજની વાત
આજનો સંપૂર્ણ દિવસ દારેસલામના સત્સંગીઓ અને સ્વયંસેવકો માટે બોનસનો હતો. આમ તો આજે સવારે જ સ્વામીશ્રી નીકળી જવાના હતા, પરંતુ એક દિવસ વધારે આપીને સ્વામીશ્રીએ નાના મંડળમાં, સેવામાં પરોવાયેલા સૌ લાભ લઈ શકે એવી કૃપા કરી આપી. આજની સાંજની સભા પણ ફક્ત સ્વયંસેવકો માટે હતી. આ મંડળ એટલું નાનું છે કે જેટલા હરિભક્તો છે એ બધા જ સ્વયંસેવકો છે. સભામાં વિવેકસાગર સ્વામીએ અસ્મિતાની વાતો કરીને સૌને પ્રેરણા આપી. અને સ્વામીશ્રીએ પણ છેલ્લે લગભગ ૪૦ મિનિટ સુધી અનરાધાર વરસીને સૌને સંપ્રદાયના પરમહંસોનું પ્રદાન, સમર્પણ, ભક્તિ, નિષ્ઠા અને શ્રીજીમહારાજ પ્રત્યેનો અનન્ય પ્રેમ કેવો હતો એ આખ્યાનો દ્વારા વર્ણવીને પણ હવે કઈ રીતે શ્રીજીમહારાજની ઉપાસના કરવી એનો માર્ગ ચીંધ્યો અને સંપ્રદાયની અસ્મિતા જગાવી.
આજના આશીર્વાદ
સાંજની સ્વયંસેવકોની સભામાં આશિષવર્ષા કરતાં જણાવ્યું કે, સંત હંમેશાં સારો અને સાચો માર્ગ બતાવે છે. જેને જગતની કોઈ આસક્તિ નથી એ જ કહી શકે કે જગત નાશવંત છે. સંત આપણને વાત કરી કરીને બ્રહ્મરૂપ કરી દે છે અને એવું કલેવર ઘડી કાઢે છે કે સુખ, દુઃખ, માન-અપમાન કે કોઈ પણ પ્રકારનો ટોચો લાગે જ નહિ. ભમરીની જેમ સંત જ્યારે ચટકો મારે ત્યારે બહુ વસમું લાગે, પણ ખમી જઈએ તો બ્રહ્મરૂપ થઈ જવાય.
 
     
Nairobi Kampala Dar-es-Salaam