| |
Mombasa:
27 May to 7 June 2007 |
|
| |
દિવ્ય સન્નિધિ |
|
| |
તા. ૨૭-૫-૦૭
આજની પ્રેરણા
યજ્ઞેશ દેવાણીના મહેલ કરતાં પણ મોંઘેરા બીચ-હાઉસ 'અનંત-આરા'ની લિફ્ટમાં સ્વામીશ્રી પોતાના ઉતારે ચોથે માળે જઈ રહ્યા હતા. બપોરે ભોજન પછીનો આરામનો સમય હતો. લિફ્ટમાં સ્વામીશ્રીની સાથે યજ્ઞેશ દેવાણીના સુપુત્ર આર્યન પણ હતા. નાનકડા આર્યને સ્વામીશ્રીના હાથને સ્પર્શ કર્યો. સ્વામીશ્રીએ આર્યનને પૂછ્યું 'કરંટ લાગ્યો ?' 'ના.' આર્યને બાળસહજ ભાવથી કહ્યું. સ્વામીશ્રીએ કહ્યું, 'કરંટ લાગવો જોઈએ.' સ્વામીશ્રી નાનકડા બાળકના મિષે આપણને અદ્ભુત પ્રેરણા આપી રહ્યા હતા કે સત્પુરુષની સાથે રહીએ કે સમાગમ કરીએ તો એમની બ્રાહ્મીસ્થિતિનો કરંટ લાગવો જ જોઈએ.
આજની વાત
દારેસલામમાં સુભાષભાઈ અને સમગ્ર સત્સંગમંડળનું ઘર જેવું આતિથ્ય માણીને આજે વિદાય લેવાની હતી. સ્વામીશ્રીએ અહીં સાત દિવસ રોકાઈને મંદિરમાં નવી મૂર્તિઓ પધરાવીને સમગ્ર શહેરને જાણે વરદાન આપી દીધું. બારમી વખત આ શહેરને તીર્થત્વ આપીને સ્વામીશ્રી ચાર્ટર્ડ ફ્લાઇટમાં વિરાજીને કેન્યા દેશમાં આવેલા મોમ્બાસાના દરિયાકાંઠે પધાર્યા. સુભાષભાઈ પટેલ (દારેસલામ), યજ્ઞેશભાઈ દેવાણી (નૈરોબી) એ ચાર્ટર્ડ ફ્લાઇટની સેવા કરેલી હતી. આજે મોમ્બાસામાં યજ્ઞેશભાઈ દેવાણીના જ ભક્તિભાવ ભર્યા આમંત્રણ અને સમર્પણથી ખેંચાઈને ભાવવશ સ્વામીશ્રી મોમ્બાસા પધાર્યા હતા. ન્યાલી વિસ્તારમાં આવેલા ચાર માળના અને દરિયાનાં પાણી આંગણને પખાળે એટલા નજીકના બીચ-હાઉસ 'અનંત-આરા'માં સ્વામીશ્રી પધાર્યા. આ મકાનના બેઝમેન્ટમાં બનાવેલા ડિવાઈન - હૉલમાં સ્વામીશ્રી હિંડોળા ઉપર બિરાજ્યા. હિંડોળા ઉપર વિરાજેલા સ્વામીશ્રીનાં દર્શન ખરેખર દિવ્ય લાગતાં હતાં. અહીં સ્વામીશ્રીનું સ્વાગત થયું અને આ મકાનનું ઉદ્ઘાટન કરીને સ્વામીશ્રી ચોથા માળે આવેલા ઉતારે પધાર્યા. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં દરિયો જ દરિયો દૃષ્ટિગોચર થતો હતો. સાગર અને સાગરસમા સ્વામીશ્રીનું આ મિલન અદ્ભુત હતું. આજે સાંજે સ્વાગત અને રવિસભા થઈ, જેમાં વિવેકસાગર સ્વામીએ પ્રવચન કર્યું. ઈશ્વરચરણ સ્વામીએ પણ લાભ આપ્યો. અને સ્વામીશ્રીએ પણ સૌ ઉપર આશીર્વાદ વરસાવ્યા. દરિયાકિનારે પવનના સુસવાટાની વચ્ચે પણ આંચ ના આવે એવા અદ્ભુત અને મહેલમાં બેઠા હોય એવા મંડપ નીચે પરદેશ સહિત એક હજાર હરિભક્તોની ઉપસ્થિતિમાં અદ્ભુત લાભ સૌને મળ્યો.
આજના આશીર્વાદ
સમુદ્રના ઘેરા, ગંભીર, મધુર, સંગીતના બેકગ્રાઉન્ડમાં સ્વામીશ્રીની ગંભીર છતાં હૃદયને સ્પર્શે એવી હળવી વાતોમાં એક દૃષ્ટાંત આવ્યું. સ્વામીશ્રી કહે, 'એક બહુ સુખી માણસ હતો. એ દર ઉનાળામાં હવા ખાવાના સ્થળ ઉપર હવા ખાવા જાય. એક વખત આ શેઠિયાએ હવા ખાવા જવાનું પ્લાનિંગ કર્યું. એના ચાકર ભરવાડે કહ્યું, 'હવા ખાવા જવું એ વળી શું હોય ? મારે પણ આવવું છે.' શેઠિયો કહે, 'ચાલ તને પણ લઈ જાઉં.' બધા હવા ખાવાના સ્થળ પર ગયા. એક-બે દા'ડા રહ્યા. અને પાછા આવતા હતા ત્યાં પેલા ભરવાડે પૂછ્યું કે 'તમે કાયમ હવા ખાવાની વાત કરતા હતા તે હવા ખાવાનું શું થયું ?' શેઠિયો કહે, 'બસ આ જ હવા ખાધી કહેવાય.' ભરવાડ કહે, 'ઓ..હો..હો ! એમાં શું ! એ તો હું રોજ ખાઉં છું. અમારે ત્યાં ઝૂંપડાની આજુબાજુ બધું ખુલ્લું જ છે.' લોકો હવા ખાવા જાય, પણ જગતની હવા એવી છે કે એમાં ફરી જન્મ ધરવો પડે. પણ અહીં યજ્ઞેશભાઈના ઘરે દરિયાની હવા ખાવા તો મળશે જ, પણ સાથે સાથે આધ્યાત્મિક ભજન, કીર્તન, સેવાનો લાભ મળશે. એ હવા ખાવાથી જન્મોજનમનું દુઃખ, મુશ્કેલીઓ જતી રહેશે અને અક્ષરધામની પ્રાપ્તિ થઈ જશે. |
|
| |
|
|
| |
તા. ૨૮-૫-૦૭
આજની પ્રેરણા
સ્વામીશ્રી અલ્પાહાર કરી રહ્યા હતા. તે દરમ્યાન સંતોના જૂના વિચરણની વાતો ચાલતી હતી. વિશ્વવિહારી સ્વામી તથા યજ્ઞેશે સ્વાનુભવની વાત કરતાં કહ્યું, '૧૯૮૦માં અમે ખંભાત બાજુ ફરતા હતા. કોઈ પણ પ્રકારની સગવડ ત્યાં હતી નહીં. વળી, ભાલનાં ખારાં પાણી પીવાં પડે અને તળાવનાં ડહોળા લીંબુનાં પાણી જેવાં પાણી પીવાં પડે. એ વખતે પરદેશથી આવ્યા હોઈએ એટલે આકરું લાગતું. આપને જ્યારે આ વાત કરી ત્યારે આપે પત્ર લખીને જણાવ્યું હતું, 'આ ખારા પાણીથી જ શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યાં છે. તમે નસીબદાર છો કે તમને નહાવા માટે લીંબુનું પાણી તો મળે છે ને !' બીજાને તો પીવા માટે લીંબુનું પાણી પણ મળતું નથી. સ્વામીશ્રીએ જે ભીડો વેઠ્યો છે એ ભીડાનું પ્રતિબિંબ આ વાક્યોમાં ખરેખર પડઘાઈ રહ્યું હતું.'
આજની વાત
ઘેરા નિનાદ સાથે સમુદ્ર લહેરાતો હોય. સાથે સાથે ઝીણી બુંદે વરસાદ વરસી રહ્યો હોય, દરિયાકિનારાની સહજ શીતળ વાયુની લહેરખી ફરી વળતી હોય અને કિનારે ઊભેલાં નાળિયેરીનાં વૃક્ષોની અને અન્ય વૃક્ષોની ઘટાઓમાંથી વીંધાઈને વહેતા પવનની અનુભૂતિ આજના દિવસની વિશેષતા હતી. આ વિશેષતામાં સ્વામીશ્રીની ઉપસ્થિતિ ઉમેરાઈ મોમ્બાસા માટે કહેવાયું છે કે, મોમ્બાસા એટલે 'Sea, Sun and Sand'નો ત્રિવેણી સંગમ. આ ત્રિવેણી સંગમમાં સ્વામીશ્રી અને સત્સંગનો 'સ' ઉમેરાતાં સમગ્ર વાતાવરણ ગંગામૃતમય બની ઊઠ્યું. સવારથી જાણે કે આ દિવ્યતામાં સૌ નાહી રહ્યા હતા. પ્રત્યેકને પોતે સ્વામીશ્રીનું એકાંત સુખ લઈ રહ્યા હોય એવું અનુભવાઈ રહ્યું હતું. સ્વામીશ્રીને પણ આરામ મળે તેવું આયોજન થયું હતું. રોજનો સ્વામીશ્રીનો ક્રમ એનો એ જ હોવા છતાં વધારે સુખદાયક હતો. સાંજે સભામાં આજે ઈશ્વરચરણ સ્વામી તથા અક્ષરધામ ટીમના સંતોએ અક્ષરધામ નિર્માણમાં સ્વામીશ્રીના દિવ્ય કર્તૃત્વ ગુણગાન ગાયાં હતાં. છેલ્લે સ્વામીશ્રીએ પણ આશીર્વાદ આપ્યા હતા.
આજના આશીર્વાદ
ભગવાન મળ્યા પછી તર્ક અને સંશય મટી જવા જોઈએ. આળસ મોટામાં મોટો શત્રુ છે. જે કામ કરવાનું છે તે કામ કરવું જ જોઈએ. તે તત્કાળ કરવું. જે કામ હાથમાં લીધું તેનો નિકાલ તરત થઈ જ જવો જોઈએ. આળસ એટલે લીધેલું કામ મિનિટ પછી પણ કરવાનો વિચાર આવે એ. આજે કરશું, કાલે કરશું તેમાં જિંદગી પૂરી થઈ જાય. કલ્યાણ કરવા માટે આવ્યા છીએ તો આળસ રાખ્યા સિવાય એ કામ સિદ્ધ કરી લેવું. |
|
| |
|
|
| |
તા. ૨૯-૫-૦૭
આજની પ્રેરણા પ્રસાદી
બપોરે સ્વામીશ્રી જમી રહ્યા હતા. એ દરમ્યાન વાતમાંથી વાત નીકળતાં યોગીજી મહારાજનો એક પ્રસાદીનો પ્રસંગ કહેતાં સ્વામીશ્રી કહે, 'સાંકરદામાં હરિભાઈ પાટીદાર હતા, ગામમાં અને વડોદરા રાજ્યમાં આગેવાન કહેવાય, પૈસે ટકે પણ સુખી. ગાયકવાડના સૂબાઓ, અધિકારીઓ પણ એમને ઓળખે અને ગાયકવાડના દરબારમાં એમની ખુરશી પડે. રોજ લગભગ વડોદરે જાય અને અધિકારીઓને મળે અને ગાયકવાડને પણ મળવાનું થાય.' એકવાર જોગીબાપાને ત્યાં જવાનું થયું. ત્યાં મહિનો રહ્યા. એમાં રોજ કથાવાર્તા થાય. હરિભાઈ જ્યારે જ્યારે યોગીજી મહારાજને મળવા આવે ત્યારે સરકારી, દરબારી વાતો જ કરે. 'ફલાણું આમ થયું ને ફલાણું આમ થયું.' અને મોટા માણસ એટલે જોગીબાપાને બધું સાંભળવું પડે, ઊઠો તેમ તો કહેવાય નહિ.' એટલે યોગીબાપાએ યુક્તિ કરીને કહ્યું, 'લાવો, વચનામૃત સમજાવવું છે.' વચનામૃત જેવું આવ્યું કે તરત જ હરિભાઈ ઊઠ્યા ને કહે, 'મારે તો ગાયકવાડને મળવા જવાનું છે.' આમ, વ્યવહારિયા માણસ હોય તે કાયમ બહારની જ વાત કરે. કથા સાંભળવામાં તેમની રુચિ હોય નહીં.' જોગીબાપાને ઊભા કરવા હોય તોય કહેવાય નહીં. તમે જાઓ, એટલે બાપાએ યુક્તિ કરીને એ રીતે સમાધાન કર્યું. આપણે પણ ખાલી વ્યવહારિયા ના થવું. ભજન-ભક્તિમાં મન પરોવવું.
આજની વાત
આજે સુદ તેરશ હોવાથી સવારના પ્રથમ દર્શન મુંડનના હતાં. ચોથામાળે આવેલી રૂમની બંન્ને બાજુએ પડતી બારીઓમાંથી લહેરાતા સમુદ્રનાં દર્શન થઈ રહ્યાં હતાં અને ખુરશી ઉપર વિરાજમાન સ્વામીશ્રીએ ફક્ત મુખારવિંદ દેખાય તે રીતે ગાતરિયું ઓઢ્યું હતું. ગાતરિયાનો એક છેડો બંને પગ નીચે દબાયેલો હતો. અને પગ લંબાવેલા હતા. આ દર્શન અદ્ભુત હતાં. આજે વળી અહીં 'આફ્રિકા દિન' ઊજવાઈ રહ્યો હતો. આફ્રિકામાં યોગીજી મહારાજે તથા નિર્ગુણ સ્વામીને શાસ્ત્રીજી મહારાજે જે પુરુષાર્થ કર્યો હતો તે પુરુષાર્થને અંજલિ આપવા માટે આજે આ દિવસનું આયોજન થયું હતું. સાંજની સભામાં આફ્રિકા સત્સંગના પાયાના બે હરિભક્તો મગનભાઈ તથા હરમાનભાઈએ કેવી રીતે મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો તેનો સંવાદ રજૂ કર્યો. ત્યાર પછી અહીંના આફ્રિકન મસાઈ લોકોએ આદિવાસી પ્રકારનું મસાઈ નૃત્ય રજૂ કર્યું. અને કિરિયામા જાતિના લોકોએ અંગ કસરતના દાવ રજૂ કરીને સ્વામીશ્રીને પ્રસન્ન કર્યા અને આશીર્વાદ મેળવ્યા. છેલ્લે અહીં ઉપસ્થિત પ્રત્યેક હરિભક્તને સ્વામીશ્રીએ સમીપ દર્શનનો લાભ આપીને સૌના સંકલ્પ પૂરા કર્યા.
આજની પ્રેરણા
યજ્ઞેશભાઈ દેવાણીના બીચ-હાઉસમાં આવતી સુંદર હવાની લહેરખીઓ ભલભલાને Relax(રિલેક્સ) કરી દે, પરંતુ સ્વામીશ્રીનો ક્રમ તો રોજના જેવો જ ચાલુ છે. નૈરોબીના કિરણભાઈ કહે, 'જુઓ ચંદ્રનાં કિરણો અત્યારે દરિયા ઉપર પડી રહ્યાં છે. બાલ્કનીમાં સુંદર હવા આવી રહી છે. સામે સમુદ્ર લહેરાઈ રહ્યો છે. આવા વાતાવરણમાં આપે આરામ જ કરવો જોઈએ. જ્યારે ઊઠવું હોય ત્યારે ઊઠવાનું, જ્યાં પૂજા કરવી હોય ત્યાં પૂજા કરવાની, જ્યારે જમવું હોય ત્યારે જમવાનું. અમે લોકો વેકેશનમાં જઈએ ત્યારે આ રીતે જ રિલેક્સ થતા હોઈએ છીએ. આપે પણ એવું જ કરવું જોઈએ.' સ્વામીશ્રી તરત જ કહે, 'અમારે તો અત્યારે જે ચાલે છે એ જ મજા છે. આરામ તો થાય જ છે ને ! ક્યાં નથી થતો ? અમારે તો ક્રમ છે તે બરાબર છે. અમે તો હોલી-ડેમાં જ છીએ.' સ્વામીશ્રીની કેવી ભાવના છે ! પ્રત્યેક હરિભક્તને મળવું. પ્રત્યેક હરિભક્તના પત્રનું સમાધાન આપવું અને ભગવાનની કથાવાર્તામાં નિમગ્ન રહેવું એ જ તેઓને મન હોલી-ડે છે. |
|
| |
|
|
| |
તા. ૩૦-૫-૦૭
આજની પ્રેરણા
બે - ત્રણ દિવસથી અહીં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અફાટ સાગરમાં પડતા અનરાધાર મેઘને લીધે વાતાવરણ મધુર, સુંદર લાગી રહ્યું છે. આવા વાતાવરણમાં પણ સ્વામીશ્રીનો રોજનો ક્રમ એનો એ જ છે. સ્વામીશ્રી રૂમમાં વિરાજમાન હતા. અને બારીમાંથી પડતો વરસાદ અને લહેરાતો સમુદ્ર દેખાઈ રહ્યો હતો. વાતાવરણમાં ઠંડક હતી. આવા અદ્ભુત વાતાવરણમાં વિશ્વવિહારી સ્વામીએ વાત કરતાં કહ્યું, 'કે બાપા અમને તો આવો વરસાદ પડતો હોય અને સુંદર વાતાવરણ હોય તો તરત જ એમ થાય કે ચાલો ગરમ ગરમ ભજિયાં ખઈએ !' તમને એવું મન થાય કે કેમ ?' સ્વામીશ્રી કહે, 'અમારે તો પહેલેથી એનું ઓછું. આ રીતે ભજિયાં ખાવા વગેરેનું પહેલેથી જ મન ઓછું.' સ્વામીશ્રી સહજપણે નિઃસ્વાદી છે.
આજની પ્રેરણા
એક મુમુક્ષુએ આવીને સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં કહ્યું, 'બાપા કંઈક દૃષ્ટિ કરજો, જેથી સ્વભાવ ઓછા થાય.' સ્વામીશ્રીએ તરત જ કહ્યું, 'ઉપદેશ આપવાથી કાંઈ થતું નથી. પોતાને સમજણ આવે તો જ કાંઈક થાય. એટલે પહેલેથી જ અંતર્દૃષ્ટિ કરવી. રાંડ્યા પછી ડહાપણ શા કામનું ? પરણી જાય ને બે-ત્રણ છોકરાં થઈ જાય ને પછી પસ્તાવો કરે, વૈરાગ્ય કરે તે કાંઈ કામ આવે ! એમ પહેલેથી જ સમજણ રાખીએ તો સ્વભાવ ઓછા થાય.' સ્વામીશ્રીએ અદ્ભુત વાત કરી.
આજની વાત
આજે સાંજની સભામાં 'સિદ્ધાંત દિન' ઊજવાયો. શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમના જ્ઞાન માટે જે કષ્ટ સહન કર્યાં અને ભીડો વેઠ્યો તથા યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીએ પણ જે ભીડો વેઠ્યો તેની સ્મૃતિ આજના દિવસે સૌએ કરી. પ્રાસંગિક પ્રવચનો પણ થયાં. છેલ્લે ઉપનિષદની કથાના આધારે લખાયેલો 'દશ મૂર્ખા' એ સંવાદ રજૂ થયો. આજના પ્રસંગે સ્વામીશ્રીએ અમૃતવર્ષા કરતાં જણાવ્યું કે, દુનિયાનું જ્ઞાન બધું જ મેળવીએ છીએ, પણ શા માટે જન્મ થયો ? અને આપણે કોણ છીએ ! એ સમજવા પ્રયત્ન કરવો. હું ફલાણો ભાઈ. હું તો પૈસાદાર, હું તો ફલાણી ડિગ્રીધારી.' એવી રીતે આપણે ફરીએ, પણ આ બધું તો અંતે નાશ થવાનું છે. ભગવાનને ઓળખવા અને ભગવાનના કર્તૃત્વને સમજવું. આ કરવાનું છે. જન્મ્યા એને મરવાનું છે. ક્યારે મૃત્યુ આવશે એની ટપાલ કે ઈ-મેઈલ નહીં આવે. માટે ભગવાન ભજી લેવા. ભગવાનને સંત માટે જેટલું કાર્ય હશે અને સત્સંગ માટે જેટલું કર્યું હશે, એટલું જ સાથે આવશે. આ જુઓ વડોદરા(ડભાસા)થી ઠેઠ પૂનમ ભરવા માટે સંજયભાઈ અહીં આવી પહોંચ્યા છે. એ જ રીતે અમદાવાદના અમારા ધોળકિયાસાહેબ છે. દર રવિવારે જ્યાં હોઈએ ત્યાં આવી જાય છે. નૈરોબી પણ આવ્યા હતા. ભગવાન માટે જે ટાઇમ કાઢે એનું ભગવાન પણ સાચવી લે ને ! ભગવાનમાં વિશ્વાસ હોય તો. |
|
| |
|
|
| |
તા. ૩૧-૫-૦૭
આજની વાત
આજની તે વળી વાત જ શી કરવી ?
આજના આશીર્વાદ
'न भूतो न भविष्यति॥'
આજની સ્મૃતિ
સુખના સાગરમાં આજે સ્મૃતિઓની ભરતી ચઢી હતી. કારણ કે, સ્વામીશ્રી રૂપી પૂર્ણિમાનો ચંદ્ર આજે પૂર્ણ કળાએ ખીલ્યો હતો. અદ્ભુત હતો આજનો દિવસ કે જેમાં સ્વામીશ્રીએ સમુદ્રવિહાર કરવાની સંમતિ આવી. છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસતા વરસાદે પણ સ્વામીશ્રી જે જળવિહાર કરવાના હોય તો ટપક્યા વગર કેવળ છત્ર બનીને સેવા કરવાનું મુનાસિબ માન્યું હતું. અને વાદળોએ પણ માર્ગ કરીને સૂર્ય દેવતાને સ્વામીશ્રીનો લાભ લેવાની પરવાનગી આપી હતી. આ બધું ઘડીકવારમાં થઈ ગયું. સ્વામીશ્રીનો એક સંકલ્પ પ્રકૃતિને પણ સાનુકૂળ કરી મૂકે છે એવો ચમત્કાર આજે સૌ નજરે જોઈ શક્યા હતા. વરસાદનું બંધ થવું અશક્ય હતું અને એ શક્ય બન્યું. બહુ ઠંડી ન લાગે અને વાતાવરણ આહ્લાદક રહે એ માટે સૂર્યના પ્રકાશનું સંયોજન પણ શક્ય બની ગયું. આવા અદ્ભુત માહોલમાં અને અધિક જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાએ સાગરને વધાવવા, અરે સાગરને જાણે પૂર્ણ સુખ આપવા સ્વામીશ્રીએ વિહાર કર્યો. આ સમુદ્રવિહાર કેવળ આજની નહિ પણ જન્મોજનમની સ્મૃતિઓનો સાગર મૂકતો ગયો. સ્વામીશ્રી સ્પીડબોટમાં બિરાજ્યા, સાથે હરિકૃષ્ણ મહારાજ પણ હતા. સફેદ રેતી ઉપર રમતાં સમુદ્રનાં મોજાંઓના ઘેરા નિનાદે સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. દૂર સુદૂર ફેલાયેલી ક્ષિતિજોમાંથી પણ જાણે સ્વામીશ્રીના સ્વાગતની સૂરાવલીઓ ગૂંજી ઊઠી, વચ્ચે આવતી (Corel Rift) (કોરલ રિફટમાં અથડાઈ અથડાઈને ફિણાતાં મોજાંઓનો શ્વેત હાર જાણે કે સ્વામીશ્રીને સન્માની રહ્યો હતો. હરિકૃષ્ણ મહારાજની પ્રાર્થના સાથે સ્વામીશ્રી સ્પીડ બોટમાં વ્હીલચેર સાથે જ વિરાજ્યા. સ્પીડ બોટે થોડી વારમાં જ પોતાનો અસલ મિજાજ બતાવવો શરૂ કર્યો. પવનના સુસવાટાઓ છાતી અને આંખોને ભરતાં ભરતાં ગેલ કરવા માંડ્યા. ભલભલાના ગાતરિયા ઊડવા માંડ્યા. વાતાવરણમાં ભેજ અને ઠંડક વધારે હોવાથી વ્હીલચેરમાં બિરાજીને સ્વામીશ્રીએ સૌપ્રથમ ગરમ ટોપી અને ત્યાર બાદ શાલ ધારણ કર્યાં. સ્વામીશ્રી બંને હાથને શાલમાં સંતાડીને ગોટમોટ થઈને બેસી ગયા. સૂર્યનાં પરાવર્તિત કિરણોને લીધે આંખને ઝીણી થતી ટાળવા માટે ગોગલ્સ પહેરાવવામાં આવ્યા. પવનની લહેરખી હવે નિરાંતે સ્વામીશ્રીનો સ્પર્શ કરવા સમર્થ બની. સ્વામીશ્રીના આગમનથી ગેલમાં આવી ગયેલા મોજાઓ પણ ક્યારેક અથડાઈ અને ઝીણી ઝીણી બુંદ સાથે સ્વામીશ્રીના શ્રીવિગ્રહને અભિષેક કરતા જતા હતા. સ્પીડ વધતી ગઈ એમ સ્વામીશ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા. થોડાક જ સંતો હરિભક્તો વચ્ચેની આ સ્મૃતિ સૌના જીવનમાં આજીવન ભાથું બની ગઈ. બમ્બૂરી બીચ સુધી જળવિહાર કર્યો. આનંદનો મહાસાગર લહેરાયો. સૌને ખૂબ સ્મૃતિ આપી સ્વામીશ્રી પાછા વળ્યા ત્યારે મોમ્બાસાનો લીલોછમ ઉપહાર સ્વામીશ્રીને વધાવવા જાણે ખીલી ઊઠ્યો. ધરતી, વાયુ, આકાશ કે જળ બધાં પંચતત્ત્વોને અનેરો રોમાંચ હતો. અને આ રોમાંચ જ થોડી વારમાં ગ્લાસ બોટનો વિહાર પણ શરૂ થયો, જે પહેલાના વિહાર કરતાં વિરુદ્ધ દિશામાં હતો. અહીં સંતોની દીવાલને કારણે સ્વામીશ્રીને પવન માપમાં આવતો હતો. સમુદ્રમાં ઊંડે ગયા પછી સ્વામીશ્રીએ કીર્તનો શરૂ કરાવ્યાં. થોડી વારમાં તો પ્રમાણમાં છીછરા એવા આ સમુદ્રના તળિયાં સ્પષ્ટ દેખાવાં લાગ્યાં ને એમાં પસાર થતી માછલીઓ પણ. હોડી ચલાવનાર માછીમારે ડૂબકી મારી. થોડી વારે તે સ્ટાર ફિશ લઈ આવ્યો. સ્વામીશ્રીને તે બતાવવામાં આવી. |
|
| |
|
|
| |
તા. ૧-૬-૦૭
આજની પ્રેરણા
રાત્રે સ્વામીશ્રી પલંગ ઉપર પોઢવાની તૈયારી કરી રહ્યા હતા. સામે શ્રી હર્ષદભાઈ રાણા અને અન્ય સંતો-હરિભક્તો ઊભાં ઊભાં આજનાં છેલ્લાં દર્શન કરી રહ્યાં હતાં. હર્ષદભાઈ કહે, 'બાપા ! અઠવાડિયું ક્યાં જતું રહ્યું એ ખબર જ ન પડી !!' 'તમે જન્મ્યા ક્યારે ?' સ્વામીશ્રીએ સામે પ્રશ્ન પૂછ્યો અને ઉત્તરની અપેક્ષા રાખ્યા વગર કહે, 'કાળ તો ફર્યા જ કરે છે, કાલે બાળક હતા ને અત્યારે ધોળા આવી ગયા. જિંદગી ક્યાં જતી રહે છે એ ક્યાં ખબર પડે છે ? એટલે ભગવાનનું ભજન જેટલું થયું એટલું જ કામનું છે. બાકી તો જિંદગી જતી જ રહે છે. ભજન, કીર્તન કરીએ એટલું જ કામનું.' સ્વામીશ્રીએ જીવનનો મર્મ અને હેતુ સમજાવી દીધા.
આજની વાત
અહીં તો સ્વામીશ્રીએ રંગડાની રેલ વાળી દીધી છે. સવારે ઊઠીને નિત્ય નિત્ય નવલાં દર્શન થઈ રહ્યાં છે. આજની વિશેષ વાત એ છે કે આજે જૂન મહિનો બેઠો, ઉનાળાના આ દિવસોમાં શ્રી યજ્ઞેશભાઈ અને સમગ્ર પરિવારને એવી ઇચ્છા થઈ કે આજે સ્વામીશ્રીનો જન્મજયંતી મહોત્સવ ઊજવાય. ભર શિયાળામાં જન્મેલા સ્વામીશ્રીની જયંતી ઉનાળાના આજના દિવસે ઊજવાઈ રહી હતી, ત્યારે વાતાવરણ સંપૂર્ણપણે ચોમાસાનું હતું. ત્રણેય ૠતુઓનો સંગમ આજના આ શુભ દિવસે થયો હોય એવી સૌને પ્રતીતિ થઈ રહી હતી. સવારથી જ સૌને ઉમંગ હતો. સ્વામીશ્રી પૂજા કરવા પધાર્યા ત્યારે સંગીતની સૂરાવલીઓ વહેવા લાગી. સ્પંદનો જગાવે એવી આ સૂરાવલીના તાલે ઊભા થઈને સૌ ઉમંગથી નાચવા લાગ્યા. સ્વામીશ્રી આસન ઉપર બિરાજ્યા ત્યારે સામે બે કેક પડી હતી, એક પોતા માટે અને બીજી ચિ. આર્યન માટે (શ્રી યજ્ઞેશ દેવાણીનો પુત્ર). ચપ્પા વડે સ્વામીશ્રીએ તેને ન્યાય આપ્યો. આસન ઉપર સ્વામીશ્રી બિરાજ્યા ને એક દોરી આપવામાં આવી. દોરી ખેંચતાં જ સમગ્ર સભામંડપમાં રંગબેરંગી ફૂગ્ગાઓની વર્ષા શરૂ થઈ ગઈ. આ હૃદય નયન રમ્ય હતું. છત ઉપરથી નીચે પડતા ફૂગ્ગાઓને જોઈ નાનામોટા સૌ દોડા દોડી કરવા લાગ્યા. અને બાળકો શોધી શોધીને, ફુગ્ગાઓ ફોડવા લાગ્યા. એક રોમાંચક દૃશ્ય ખડું થઈ ગયું. આપોઆપ ફટાકડા ફૂટવાનો સ્વર અને આભાસ સાકાર થયો. આ રીતે સ્વામીશ્રીની જન્મજયંતીનો પ્રારંભ સ્મૃતિદાયક રહ્યો. સાંજે પણ પ્રાસંગિક પ્રવચનો થયાં અને આજના પ્રસંગને અનુરૂપ કીર્તનો ગવાયાં. મુંબઈથી ખાસ આવેલા શ્રી જયદીપ સ્વાદિયા અને તેઓની ટીમે સ્વામીશ્રીનું પ્રશસ્તિગાન કર્યું. આજે પ્રતીક જયંતીની આ સભામાં સ્વામીશ્રી હિંડોળા ઉપર વિરાજમાન હતા. એ પણ દર્શનનો એક અનેરો લહાવો હતો.
આજના આશીર્વાદ
સ્વામીશ્રીએ પણ લાભની લહાણ કરી હતી. રોજ નવાં નવાં દર્શન સૌને થતાં હતાં. આફ્રિકામંડળનો અને વિશેષ કરીને શ્રી યજ્ઞેશ દેવાણીનો ભાવ પણ એવો જ હતો. અને એટલે જ આજના આ આશીર્વાદનો પ્રારંભ સ્વામીશ્રીએ આ રીતે કર્યો. ચારે બાજુ જયજયકાર થઈ ગયો છે. આફ્રિકા આવ્યા ત્યારથી જ આનંદ આનંદ ને આનંદ થાય છે. ઉત્સવ-સમૈયા કરવા જે જે કરીએ એ બધું ભગવાન રાજી થાય એના માટે કરવું. ભગવાન રાજી થાય તો બધું જ મળે. જ્યાં સુધી અહં ન મટે ત્યાં સુધી દુઃખી જ છીએ. શ્રીજીમહારાજનો અવતાર અહં મુકાવવા માટે જ હતો. |
|
| |
|
|
| |
તા. ૨-૬-૦૭
આજની પ્રેરણા
ગઈ કાલે નૈરોબીથી શ્રી લલિતભાઈ જોબનપુત્રા પોતાના ભાવિક મિત્ર શ્રી કનુભાઈને દર્શને લાવ્યા હતા. આ કનુભાઈને ગરીબોની આંખનાં ઑપરેશન થાય એવી ભાવના હતી અને એટલે જ તેઓએ સ્વામીશ્રી સમક્ષ પોતાની આ ઇચ્છા વ્યક્ત કરી. સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપ્યા. આજે સવારે અલ્પાહાર પછી મુલાકાત દરમ્યાન લલિતભાઈ ફરી દર્શને આવ્યા. સ્વામીશ્રીને કહે, 'ગઈ કાલે મારા મિત્રને આપની પાસે લાવ્યો હતો. દર્શન કરી રાજી થયા'તા.' રાત્રે ઘરે જઈ સૂતા ને સ્વપ્નમાં આપે દર્શન દીધાં. સવારે મને ફોન કરી તેઓએ કહ્યું.' સ્વામીશ્રીએ રાત્રે મને દર્શન આપ્યાં ને કહે કે, 'હવે તને મારા સિવાય બીજું કોઈ દેખાશે નહિ.' હું રોમાંચિત થઈ ગયો. કૃતાર્થ થઈ ગયો. સ્વામીશ્રી કોઈ ને કોઈ રૂપે પ્રવેશ કરીને મુમુક્ષુને ભગવાન તરફ ખેંચે છે.
આજની વાત
આજની વાત પણ અનોખી હતી. આજના દિવસે પૂજાના કાર્યક્રમ પછી અન્ય કોઈ કાર્યક્રમ રાખવામાં નહોતા આવ્યા. દેશ-પરદેશથી આવેલા હજાર જેટલા હરિભક્તોએ મન મૂકી બધા જ પ્રકારના લાભ લીધા હતા. શ્રી યજ્ઞેશભાઈએ કુબેરના ભંડાર ખોલી દીધા હતા. અહીં આવ્યા પછીની બધી જ વ્યવસ્થા તેઓની હતી. હૉટેલોમાં રહેવાનું ભાડું સુધ્ધાં તેઓએ જ માથે લીધું હતું. તેઓની આવી આગતા સ્વાગતાથી સ્વામીશ્રી તથા સૌ હરિભક્તો રાજી થઈ ગયા. હવે પછીના પાંચેક દિવસ સ્વામીશ્રીને એકાંત મળી રહે એ માટેનું આયોજન તેઓએ કર્યું હતું. એટલે સામેથી પૂજા પછીના તમામ કાર્યક્રમો સ્વામીશ્રી પૂરતા જ હતા. પૂજામાં સૌ વતી તેઓએ આભાર વ્યક્ત કર્યો. અગ્રણી હરિભક્તો તથા સંતોએ હાર પહેરાવી સ્વામીશ્રીના આશિષ લીધા. ત્યાર પછીનો આજનો કાર્યક્રમ અત્યંત હળવો હતો. હરિભક્તો પણ આદેશ પ્રમાણે પોતપોતાના સ્થાનમાં જવા નીકળી ગયા હતા. સંપૂર્ણપણે મુક્ત વાતાવરણ હતું. કાર્યક્રમ પૂર્ણ થતાંની સાથે જ ઇન્દ્રદેવે પણ વિદાય લીધી હતી. સૂર્યદેવતાએ સમગ્ર દિવસ દરમ્યાન હાજર રહી સ્વામીશ્રીને પ્રસન્ન કર્યા. ભોજન દરમ્યાન પણ હળવી વાતો થઈ. આ રીતે સંપૂર્ણપણે હળવું વાતાવરણ રચાયું. |
|
| |
|
|
| |
તા. ૭-૬-૨૦૦૭
આજે ૭મી તારીખે, આફ્રિકા ખંડના વિચરણને બરાબર એક મહિનાનો લાભ આપીને સ્વામીશ્રી નીકળવાના હતા. ત્રણ ખંડોમાં પગલાં કરીને અમેરિકા-શિકાગો ખાતે પહોંચવાના હતા. લોકો કહે છે કે આફ્રિકા એટલે અંધારખંડ, પરંતુ સ્વામીશ્રીએ લાભની લહાણી કરી બધું જ અણધાર્યું કરી બતાવ્યું. રોજ નવી સવાર ઊગે અને નવી સ્મૃતિઓનો સૂર્ય અંતરના આકાશમાં પ્રકાશિત થઈ ઊઠે. એવો અદ્ભુત લાભ સ્વામીશ્રીએ આફ્રિકા ખંડને એક મહિનામાં આપ્યો. એમાં પણ મોમ્બાસાના છેલ્લા દિવસો તો સૌને તરબતર કરી ગયા. શ્રી યજ્ઞેશ દેવાણીના નિવાસ સ્થાનમાં સ્વામીશ્રીએ લાભની વટક વાળી દીધી. આજના છેલ્લા દિવસે અલ્પાહાર પછી સ્વામીશ્રી પણ બોલ્યા, 'અહીં જે લાભ મળ્યો છે, એની કાયમ સ્મૃતિ કરવી. રોજ જેમ પાંચ ટાઇમ માનસી કરો છો એમ આ લાભને પાંચ ટાઇમ સંભારજો, અંતરમાં આનંદ આવશે.'
આજની પ્રેરણા
અલ્પાહાર પછી સ્વામીશ્રી વિરાજમાન હતા. વિદાયનો માહોલ હતો. આમ જુઓ તો કોઈ કાંઈ બોલતું ન હતું. સર્વત્ર મૌન હતું. સ્વામીશ્રીએ જ સામેથી કહ્યું, 'અહીં અમે રહ્યા. સૌને આશીર્વાદ છે. બધા રાજી રહેજો. અમારા સંતો વતી તમને કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફી માગું છું. સંતો તો નિરંજન કહેવાય. એટલે કોઈનાથી કાંઈ બોલાઈ ગયું હોય, કાંઈ ચલાઈ ગયું હોય તો અમારે પણ હરિભક્તોની માફી માગવી જોઈએ ને.' સ્વામીશ્રીના આટલા શબ્દો સૌના અંતરમાં વસી ગયા. કયા ગુરુ પોતાના શિષ્યો વતી પોતાના જ હરિભક્તો પાસે માફી માગી શકે ? સ્વામીશ્રીના આવા નિર્માનીપણાની સ્મૃતિ સૌના અંતરમાં વસી ગઈ. સ્વામીશ્રીએ પણ કહ્યું, 'તમો બધાને મહિમા છે. દરેકનો મહિમા છે તો સત્સંગમાં વાંધો ન આવે. મહિમા ન હોય તો સત્સંગમાં ૧૦૦ પ્રશ્નો થઈ જાય. આપણને કોનો સંબંધ છે એ વિચારવું. મહારાજ અને સ્વામીનો સંબંધ થયો છે એટલે ગમે ત્યારે સ્વભાવ સુધરશે. આપણે અહીં કેવળ આપણા જ દોષ ટાળવા આવ્યા છીએ. બીજાના દોષ ભગવાન ટાળશે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ ધૂળા ભગતનો મહિમા સમજાય તો મારો મહિમા સમજાશે. એટલે આપણે પણ એવી મહિમાપૂર્વક દૃષ્ટિ રાખીએ તો ઉત્સાહ ને ઉમંગ કાયમ રહે. સંબંધમાં જે આવ્યા એ બધા નિર્ગુણ સમજવા. મહારાજના સંબંધમાં લીમડો આવ્યો તો ભલે કડવો છે, પણ આપણે પગે લાગીએ છીએ. તેમ મહિમા સમજીને કાર્ય કરીએ તો અંતરમાં આનંદ રહે. એટલું કહીને વરદાન આપતા હોય તેમ સ્વામીશ્રી કહે, 'બધા જ અક્ષરધામના અધિકારી થઈ જાય ને બધાને મહારાજ ધામમાં બેસારી દે એ આશીર્વાદ છે.'
આજની વાત, સ્મૃતિ
આફ્રિકાથી સીધા જ અમેરિકા ખંડમાં જઈ રહ્યા હોય એવો આજનો પ્રથમવારનો રેકર્ડ હતો. સ્વામીશ્રી માટે શ્રી યજ્ઞેશભાઈએ બોઈંગ ૪૦૭ ભાડે કર્યું હતું. તેઓના આ કાર્યમાં સહયોગ આપવા દારે-સલામના શ્રી સુભાષ પટેલ તથા નૈરોબીના શ્રી કિરણ પટેલ પણ જોડાયા હતા. તેઓની આવી ભક્તિથી જ સ્વામીશ્રીએ અમેરિકા વિમાનમાં સીધા જવાનું પસંદ કર્યું. અને અમેરિકા પહોંચતા સુધીની ૨૪ કલાકની યાત્રા આખી સ્મૃતિદાયક બની ગઈ. સ્વામીશ્રી બરાબર વચ્ચેની સોફા જેવી ખુરશીમાં બિરાજ્યા. ગાતરિયું ઓઢેલું હતું. માળા ગળામાંથી બહાર દેખાતી હતી અને પગ લંબાવેલા હતા. પગ લંબાવવા સામાનની બે બેગ ઉપર બે ઓશીકાં ગોઠવી દેવાયાં. સ્વામીશ્રીની આજુબાજુ સંતો વીંટળાઈને ગોઠવાઈ ગયા'તા. વિમાનની ઘરેરાટીમાં પણ કોઈ વિક્ષેપ કરી શકે એમ હતું નહિ. કારણ કે સૌના અંતર-તાર સ્વામીશ્રીમાં જોડાયેલા હતા. સૌના કાન સ્વામીશ્રી તરફ મંડાયેલા હતા. સૌની આંખો સ્વામીશ્રીની આંખોમાં પરોવાયેલી હતી. સૌની વૃત્તિ સ્વામીશ્રીમય બની હતી. સ્વામીશ્રી પણ ખૂબ હળવાશમાં હતા અને જાત જાતની વાતો થતી હતી. વિમાનના પરિચારકોને પણ પહેલી છાપ એવી જોવા મળી કે આવી કુટુંબ ભાવના બહુ જવલ્લે જ જોવા મળે ને એમાં પણ અમેરિકામાં તો નહિ જ. આવા એક સુંદર અને આત્મીય વાતાવરણમાં ઠાકોરજીને થાળ ધરાવવામાં આવ્યો. સ્વામીશ્રીએ પણ ભોજન અંગીકાર કર્યું. આરામ કર્યો, સાંજનું વોકિંગ કર્યું, આસન પ્રાણાયામ કર્યાં અને કથા પણ કરી, સંધ્યા આરતી, રાત્રી ભોજન કર્યાં. સવારે પૂજા પણ કરી. વળી, અલ્પાહાર પણ કર્યો. એક દિવસનું સંપૂર્ણ નિત્યકર્મ વિમાનમાં કરી સ્વામીશ્રીએ સ્મૃતિઓનો ભંડાર ભરી આપ્યો. સૌ સુખના આકાશમાં ઊડવા લાગ્યા. સાથે મુસાફરી કરનારા તમામ સંતો, હરિભક્તો તથા સમગ્ર સત્સંગ માટે આ દિવસ અવર્ણનીય સ્મૃતિમય બની રહ્યો. વિમાન જ્યારે લંડનના સ્ટેમ્સસ્ટર્ડ વિમાન મથકે ઉતર્યું, ત્યારે લંડનના તમામે તમામ સંતોએ વિમાનમાં આવીને દર્શનનો લાભ લીધો. આ પણ એક ઇતિહાસ હતો. સ્વામીશ્રીએ ઊમળકાથી સૌને મોહનથાળની પ્રસાદી આપી સૌને રાજી કર્યા અને મધ્યરાત્રીએ લગભગ ૨-૧૫ વાગ્યે સ્વામીશ્રીએ શિકાગોના ઓહેર ઍરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું. એ પણ એક રેકર્ડ હતો. કારણ કે પહેલાં ક્યારેય આવી રીતે મધ્યરાત્રીએ સ્વામીશ્રી અમેરિકામાં ઊતર્યા નથી. સુરક્ષાના આવા અભેદ્ય કિલ્લા વચ્ચે સ્વામીશ્રી પ્રત્યેના આદરથી ઇમિગ્રેશન અને કસ્ટમ્સના અધિકારીઓ ખાસ રોકાયા હતા. નિશ્ચિત સમય કરતાં જ ૪ કલાક મોડા પહોંચવા છતાં આ સૌ અધિકારી રોકાયા એ પણ એક ઇતિહાસ હતો. કારણ કે અમેરિકામાં રાત્રે ૮-૦૦ પછી કોઈ રોકાય એ મોટું આશ્ચર્ય કહેવાય. અહીંના ૩-૧૫ વાગ્યે જ્યારે સ્વામીશ્રી શિકાગો મંદિર પહોંચ્યા ત્યારે રંગબેરંગી લાઇટોથી શોભતું મંદિર રાત્રિના આકાશ-અંધકારમાં અદ્ભુત લાગતું હતું. એથી પણ વિશેષ શો |