Search Contact Site Map Download News Vicharan Home USa & Canada UK & Europe India Far East Africa Past News News

Pramukh Swami Maharaj's USA & Canada Visit 2007
 
Chicago, IL: June 8 to 16, 2007

 

 
દિવ્ય સન્નિધિ
 
  તા. ૮-૬-૨૦૦૭

આજની સ્મૃતિ
મને કરીને દિવસ અને શરીરથી રાત્રિ એવા દિવસ અને રાત્રિના સંયોગ સાથે થઈ રહેલી સ્વામીશ્રીની આજની પૂજા પણ અણધારી હતી. સૌ આકાશમાં ગતિ કરી રહ્યા હતા. નીચે મોન્ટ્રિયલની લાઇટના પ્રતિબિંબ આંખ સુધી પહોંચી રહ્યાં હતાં. ૪૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ વિમાન ઊડી રહ્યું હતું. નીચે પસાર થતા દેશોની ધરતી આજે વિશેષ પાવન થઈ રહી હતી. કારણ સ્વામીશ્રી અત્યારે હરિકૃષ્ણ મહારાજની પૂજામાં મગ્ન હતા. આજના દિવસનો આ અદ્‌ભુત અવર્ણનીય અને અભૂતપૂર્વ સ્મૃતિલાભ હતો. સ્વામીશ્રી દીવાનખંડના મધ્યભાગમાં સોફા જેવી સીટ ઉપર વિરાજ્યા. ગાતરિયું બાંધેલું હતું. હજુ હમણાં જ સ્નાન કરીને આવ્યા હોઈ, કપાળમાં ચાંદલો ન હતો. વિમાનની લાઈટ પીળો પ્રકાશ પાથરતી હતી. રીડિંગ લાઇટો ચાલુ હતી. એમાં મૃદુ અજવાળે સ્વામીશ્રીની મૂર્તિ અદ્‌ભુત શોભી રહી હતી. હરિકૃષ્ણ મહારાજ શ્વેત વાઘામાં શોભી રહ્યા હતા. બાજુનો ટેબલ લેમ્પ ઝળહળી રહ્યો હતો અને આવી રમણીય સવાર કહો કે નિઃશબ્દ રાત્રિ દરમ્યાન સ્વામીશ્રીએ પૂજાનો પ્રારંભ કર્યો. સહેજ સહેજ ડોલતા મસ્તક સાથે ધ્યાન કર્યું. ધ્યાન પૂરું થતાં સામેથી અનિમિષ દૃષ્ટિએ ઠાકોરજીનાં દર્શન કરવા લાગ્યા. પૂજારી નિર્ભય સ્વામીએ સ્વામીશ્રીના કપાળથી માંડીને બંને બાહુ અને છાતીએ ચાંદલા કર્યા. કપાળમાં પણ આજે ચંદનનો ચાંદલો કરવામાં આવ્યો હતો. ચંદ્રની વધતી જતી કળા પ્રમાણે ચાંદલો પણ શરીરની ગરમીથી સુકાઈ જતાં ધીમે ધીમે પૂર્ણિમાના ચંદ્રની જેમ ખીલી ઊઠ્યો. સ્વામીશ્રીના કપાળરૂપી આકાશમાં ચંદનના ચાંદલારૂપી ચંદ્ર શોભી ઊઠ્યો. સ્વામીશ્રીએ બંને પગ ઉપર અર્ધ ગોળાકાર ઓશીકું મૂકી એના ઉપર બંને હાથ મૂકી જમણો હાથ ગૌમુખીમાં રાખી ૨૦ મિનિટ સુધી માળા ફેરવી. સૌના કલ્યાણની કામના કરી, બંને હાથ જોડી ઠાકોરજીને થાળ ધર્યો. અંતે શિક્ષાપત્રી, ધર્મામૃત અને જનમંગલ નામાવલીનું વાંચન કર્યા પછી ૩૫ મિનિટની પૂજાના અંતે ધૂનમાં જોડાયા. બંને હાથ જોડી મૃદુ નેણ સાથે આજુબાજુ વીંટળાઈને કીર્તનગાન કરી રહેલા સૌ સંતો-હરિભક્તોને જય સ્વામિનારાયણ કહ્યા. કેવી અદ્‌ભુત આ સ્મૃતિ કહેવાય. શિકાગો આવી પહોંચ્યા પછી ઊતરતા વિમાને પણ વિમાનમાં જ અલ્પાહાર અંગીકાર કર્યો. એ પણ એક અદ્‌ભુત સ્મૃતિ જ કહેવાય ને !

આજની વાત
શિકાગોની અડધી રાત્રિના આગમનની વધામણીને સ્વીકારી આરામમાં પધારેલા સ્વામીશ્રી જેટ-લેગ લાગવાથી ૧૧-૩૦ વાગ્યે ઊઠ્યા, સ્નાન કર્યું. ઠાકોરજીનાં દર્શને પધાર્યા. દર્શન કરી ઠાકોરજી જમાડ્યા અને રૂમમાં પધાર્યા. સાંજે ૯-૩૦ વાગ્યે રાત્રિ ભોજન માટે પધાર્યા, ત્યાર પછી સંતોને મળ્યા. સુખ આપ્યા પછી ૧૦-૩૦ વાગ્યે આરામમાં પધાર્યા. આજની આ વાત પણ અણધારી હતી.

 
     
  તા. ૯-૬-૨૦૦૭

આજની પ્રેરણા
બપોરે સ્વામીશ્રી ભોજન અંગીકાર કરી રહ્યા હતા. એ દરમ્યાન એક પ્રસાદીભૂત પ્રસંગની વાત નીકળી. પ્રસંગ આમ હતો - સારંગપુરમાં દરવાજાનું કાર્ય ચાલી રહ્યું હતું, શાસ્ત્રીજી મહારાજ પોતે જ માથે ઊભા રહી કામ કરાવી રહ્યા હતા. હરિકૃષ્ણ સ્વામી કહે, 'જમવા ચાલો.' સ્વામી કહે, 'આ પથ્થર ચઢી જાય પછી આવીશ.' બહુ આગ્રહ કર્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજ ખિજાયા અને કહે, 'તું ભૂખાળવો છું તો તું જા હું પછી આવીશ.' સારંગપુરમાં દરવાજાનો મદારો ચઢાવવાનો હતો. ચાર-પાંચ જ બાકી હતા. શાસ્ત્રીજી મહારાજ કહે, 'હું અહીં હઈશ તો કલાકમાં ચઢી જશે. નહિતો હું જઈશ તો કલાકો નીકળી જશે.' એટલે શાસ્ત્રીજી મહારાજનો સ્વભાવ જ એવો કે કામને(સેવાને) અગ્રતા આપતા. આ પ્રસંગ સાંભળીને સ્વામીશ્રીએ સેવકો સામે મર્માળું હસતાં કહ્યું, 'જમવાને નહિ, કામને અગ્રતા આપતા.' યોગીપ્રેમ સ્વામી કહે, 'આપને પણ એવું જ છે ને !' સ્વામીશ્રી કહે, તું બોલીશ નહિ, અમારે અંદરોઅંદર વાત થઈ ગઈ છે.' સ્વામીશ્રી હંમેશા કાર્યને પૂજા અને સેવા માનીને કરે છે અને એટલે જ સ્વાભાવિકપણે દેહની ગણના રહેતી જ નથી અને સેવા અગત્યની રહે છે. તેઓને મન ભગવાન સંબંધી પ્રત્યેક કાર્ય એ ભગવાનને અર્પેલુ અર્ઘ્ય જ છે.
આજનો પ્રભાવ
એક હરિભક્ત દર્શને આવ્યા. નજીકના સેન્ટરમાં રહેતા તેઓ સ્વામીશ્રી પાસે આવ્યા અને ગળગળા થઈ કૃતજ્ઞભાવે સ્વામીશ્રીને કહે, 'છેલ્લાં ૪૦ વર્ષથી મારી તમાકુ છૂટતી ન હતી, મેં જાતે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ અશક્ય લાગતું હતું. પણ એકવાર દૃઢતાપૂર્વક આપનું સ્મરણ કર્યુ અને સંકલ્પ કર્યો કે આ લત છૂટી જાય અને આપના સ્મરણમાત્રથી મારી તમાકુ છૂટી ગઈ.'
આજની વાત
શિકાગોને તા. ૧૦મીથી ઓફિશિયલ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, પણ સ્વામીશ્રી બે દિવસ વહેલા આવી ગયા હતા. એને પરિણામે આરામ મળે એવું આયોજન કરવામાં આવ્યું. જેથી જેટલેગ ઊતરી જાય. સ્વામીશ્રીએ પૂજા પણ ભોજનકક્ષમાં કરી. સાંજે સભા પણ રાખવામાં આવી ન હતી. સ્વામીશ્રી પોતાના સમયે દરેક કાર્ય કરી શકે એવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજે સ્વામીશ્રી પરવારીને ઠાકોરજીનાં દર્શને પધાર્યા, ત્યારે શિકાગો મંદિરને તડકાનો અભિષેક થઈ રહ્યો હતો. ઠંડી હવામાં ભળેલો તડકાનો રંગ સોનલ-વર્ણો લાગતો હતો. અહીં આવ્યા પછી પહેલી જ વાર સ્વામીશ્રીએ મંદિરની આસપાસના લેન્ડસ્કેપની ભવ્યતા નિહાળી અને બોલી ઊઠ્યા, 'વાહ ! મંદિર અદ્‌ભુત લાગે છે.' આજે વળી એટલાન્ટા મંદિરનું કાર્ય સંભાળી રહેલા પૂજ્ય શાંતમૂર્તિ સ્વામી, પૂજ્ય મુનિતિલક સ્વામી તથા ત્યાંના ટ્રસ્ટી બોર્ડના સભ્યો, શ્રી કે. સી. કાકા, શ્રી જશભાઈ, શ્રી મહેન્દ્રભાઈ અને અન્ય ઉત્સાહી યુવકો સ્વામીશ્રીને એટલાન્ટા મંદિરનું આમંત્રણ આપવા આવ્યા હતા. સ્વામીશ્રી પણ ખૂબ પ્રસન્ન હતા. આમંત્રણનો શ્રીફળ સહિતનો કળશ લઈ સૌ સ્વામીશ્રી પાસે આવ્યા, ત્યારે સ્વામીશ્રી તરત જ હરિકૃષ્ણ મહારાજ મંગાવ્યા અને હરિકૃષ્ણ મહારાજ આવ્યા ત્યાં સુધી વાતો લંબાવ્યે રાખી. પ્રત્યેક ક્રિયામાં હરિકૃષ્ણ મહારાજને આગળ રાખીને જ કાર્ય કરે છે અને એ જ એમની સફળતાનું કારણ છે. સાઉથ-ઇસ્ટ રિજનના બધા હરિભક્તોએ સ્વામીશ્રીને વહેલા વહેલા પધારવાનું આમંત્રણ આપ્યું. સ્વામીશ્રીએ પણ આમંત્રણ સ્વીકારીને એટલું કહ્યું કે 'તમારા બધાનો પ્રેમ અને ભાવ છે તો કામ સારું થઈ ગયું અને પૈસા આપનારા પણ મળી ગયા ને કામ કરનારા પણ મંડી પડ્યા. તમારું આમંત્રણ તો છે જ. દેશમાં હતા ને જ્યારથી આમંત્રણ આપ્યું ત્યારથી નિશાન રાખેલું કે એટલાન્ટા અને ટોરોન્ટોમાં પ્રતિષ્ઠા કરવી જ છે અને શતાબ્દી નિમિત્તે આવવું છે, એટલે તમારું આમંત્રણ તો અમે સ્વીકાર્યું જ છે. સર્વોપરી થઈ જશે. ડંકો વાગી જશે અને ચારે બાજુ જય જયકાર થઈ જશે. કળશ ચઢી જાય અને કામ સંપૂર્ણ થઈ જાય, એ જ આશીર્વાદ છે.'

 
     
 

તા. ૧૦-૬-૨૦૦૭

આજની પ્રેરણા
સ્વામીશ્રી પત્રવાંચન કરી રહ્યા હતા. એ દરમ્યાન સામે બેઠેલા રથિન રાવળે સ્વામીશ્રીને કહ્યું, '૮૬ વર્ષે માણસ વૃદ્ધ હોય એટલે બધી જાતની પકડ ઢીલી પડતી જાય, જુવાન માણસ વસ્તુને ઝાલી શકે એટલી મજબૂતાઈથી ઘરડો માણસ ઝાલી ન શકે.' સ્વામીશ્રી કહે, 'બરોબર છે. અવસ્થામાં તો એવું છે.' રથિન કહે, 'પણ આપે ઐશ્વર્યને જે રીતે પકડી રાખ્યું છે, એ ઐશ્વર્ય પરની પક્કડ થોડીક ઢીલી પાડો ને.' સ્વામીશ્રી હસી પડ્યા. પછી કહે, 'આપણે કોઈ જાતની પક્કડ રાખી જ નથી. એક ભગવાનની પક્કડ રાખીએ છીએ અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની પક્કડ રાખીએ છીએ. સ્વામીશ્રીએ અદ્‌ભુત બોધ આપ્યો. તેઓ જાણે કહી રહ્યા હતા કે એક ભગવાનને રાખ્યા, એથી જ બધી પકડ મજબૂત રહે છે.
આજની વાત
આજે ૧૦મી તારીખ. સ્વાગત દિન. સ્વામીશ્રી જ્યારે ઠાકોરજીનાં દર્શને પધાર્યા, ત્યારે વિધવિધ પ્રાંતના વિધવિધ પોશાક પહેરીને, યુવકો વિવિધ સ્પોટ ઉપર સ્વામીશ્રીનું સન્માન કરવા ઊભા હતા. સૌ પોતપોતાની ભાષા અને શૈલી પ્રમાણે સ્વામીશ્રી પસાર થાય, એટલે સ્વાગત વચનો ઉચ્ચારતા જતા હતા. સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કરીને યોગીજી મહારાજના ખંડ આગળ પધાર્યા, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વામીશ્રીનું સ્વાગત કરવા ઊભા હતા. કનુભાઈ બારોટ કહે, 'બહાર લાખો દેવતાઓ આપનાં દર્શન માટેની પરમિશન માગે છે.' 'તો તું જઈ આવને.' 'જઈને હું શું કહું ?' 'બધાને પરમિશન છે, સ્વાગત છે.' સ્વામીશ્રીએ પણ તેઓની સાથે જ તેઓની ભાષા અને ભાવ પ્રમાણે વાત કરી અને કનુભાઈએ પણ જાહેરમાં બધાને આવકારતા હોય એમ સંબોધન કરી દરેકને અંદર પધારવાની સંમતિ આપી. આજે સ્વાગત સભા હતી. પ્રથમ દિને જ ૮,૦૦૦ જેટલા હરિભક્તો વિશાળ મારકીમાં સ્વામીશ્રીને સન્માનવા ઉપસ્થિત હતા. શિકાગો અને આજુબાજુના વિસ્તારમાંથી સૌ ઉમંગભેર ઊમટ્યા હતા. પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી અને પૂજ્ય વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા. સ્વામીશ્રી પધાર્યા, ત્યારે સમગ્ર અમેરિકા સત્સંગમંડળ વતી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તથા પૂજ્ય યજ્ઞવલ્લભસ્વામીએ હાર પહેરાવી સ્વામીશ્રીને સન્માન્યા. ત્યાર બાદ અન્ય કાર્યવાહકોએ સ્વામીશ્રીને હાર પહેરાવીને સન્માન્યા. ત્યાર બાદ સ્વાગત નૃત્ય યુવકોએ રજૂ કર્યું. ભારતના વિવિધ પ્રાંતોની ભાષામાં રચાયેલા આ સ્વાગત ગીતની સૌએ અસરકારક રજૂઆત કરી. સ્વામીશ્રી પણ રાજી થયા. આજના દિવસના આ મુખ્ય સમાચાર હતા.
આજના આશીર્વાદ
સ્વામીશ્રીએ પ્રથમ દિવસે સ્વાગત સભામાં સૌની પ્રશંસા કરતાં જણાવ્યું, 'શિકાગો મંડળની પણ જય. બધાએ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. તે બદલ ધન્યવાદ. કારણ કે સ્વાગતમાં નાના મોટા સૌએ ભાગ લીધો. ઉત્તર-દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દરેક પ્રદેશમાંથી સૌ સ્વાગત માટે ઊમટ્યા છે એ આનંદની વાત છે. જે દેશમાં રહીએ એ દેશના કાયદાનું પાલન જરૂર કરીએ, પણ ધર્મ અને સંસ્કૃતિ ભુલાવા જોઈએ નહિ.' પ્રવચનને અંતે પ્રથમ દિવસે જ સ્વામીશ્રીએ આવનાર દરેક હરિભક્તને સમીપ દર્શનનો લાભ આપી કૃતાર્થ કર્યા.
આજની સ્મૃતિ
સ્વામીશ્રી પૂજા પછી ઉતારા તરફ જઈ રહ્યા હતા. 'આજ મારે ઘેર, થાય લીલા લ્હેર...' એ ગીત ગુંજી રહ્યું હતું. હરિભક્તો આ ગીતના તાલે તાળીઓ પાડી રહ્યા હતા. સ્વામીશ્રી પણ ચાલતાં ચાલતાં સૌને નજર દ્વારા મળતા હતા. અચાનક સ્વામીશ્રી પણ હાથ ઊંચા કરીને તાળીઓ પાડીને લટકા સાથે ૨-૫ સ્ટેપ સુધી નૃત્ય કરતાં કરતાં આગળ વધ્યા. આવી દિવ્ય સ્મૃતિ સાથેનો આજનો દિવસ, દર્શન કરનારા સૌ માટે ધન્ય દિવસ બન
ી ગયો.

 
     
  તા. ૧૧-૬-૨૦૦૭

આજની પ્રેરણા
સ્વામીશ્રી સવારે અલ્પાહાર અંગીકાર કરી રહ્યા હતા. સત્સંગપ્રવૃત્તિ અને સત્સંગ નેટવર્કના કાર્યકરોએ પોતાના કાર્યનો પરિચય આપ્યા પછી દિવ્યચરણ સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું, 'આ કાર્યકરો ખૂબ નિષ્ઠાવાળા છે. ખૂબ ઉત્સાહી છે. સેવા કરવામાં ક્યારેય થાકતા નથી, પરંતુ આમાંના ઘણા કાર્યકરોને હજી તિલકચાંદલો કરીને બહાર નીકળવાનો સંકોચ થાય છે.' સ્વામીશ્રીએ તરત જ કહ્યું, 'આપણે સંકોચ શાનો ? તિલકચાંદલો તો ભપકાબંધ કરીને જ જવું. તો સામાવાળાની છાતી ઠરી જાય. આપણે કોઈના માટે ક્યાં કરવો છે ? મહારાજ રાજી થાય એના માટે કરવાનો છે.' વળી, થોડી વાર પછી કહે, 'તિલકચાંદલો ના કરવો એવી આ દેશમાં બંધી છે ?' 'ના, ના. દેશ કરતાં પણ વધારે છૂટ છે અહીં તો !' દિવ્યચરણ સ્વામીએ કહ્યું, એટલે સ્વામીશ્રીએ કહ્યું, 'એમ ! તો તો બહુ સારું કહેવાય.' દિવ્યચરણ સ્વામી કહે, 'ઊલટું એમ કહીએ કે આ અમારી ધાર્મિક વિધિ છે તો એ વિધિને પણ માન આપે. સ્વામીશ્રી કહે, 'માન આપે તો વધારે રાજી થવું જોઈએ. આપણે તિલકચાંદલો કરીને ગયા હોઈએ ને કોઈને જિજ્ઞાસા થાય ને પૂછે, 'તો આપણને સ્વામિનારાયણની વાત કરવાનો મોકો મળે અને સ્વામિનારાયણ શબ્દ એના કાને પડી જાય તોય એનું કામ થઈ જાય.' ફક્ત તિલકચાંદલો કરવાથી (૧) મહારાજની આજ્ઞા પળે (૨) સ્વામીશ્રીનો રાજીપો મળે (૩) આપણા સંપ્રદાય પ્રત્યેની અસ્મિતા જાગે અને જિજ્ઞાસુને વાત કરવાનો મોકો મળે
આજની વાત
શિકાગોને અધિક મહિનાનો અધિક લાભ મળ્યો છે અને અધિક મહિનામાં અધિક ઉત્સવ કરવાનું વિધાન કહ્યું છે. આ શાસ્ત્રના કથન મુજબ અહીંના ઉત્સાહી સંતો અને યુવકો રોજ રોજ ઉત્સવ ઊજવી રહ્યા છે. આજે અહીં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ. ઠાકોરજી સમક્ષ પતંગના શણગાર ધરાવવામાં આવ્યા. ઉત્સાહી હરિભક્તોએ સ્વામીશ્રી સમક્ષ જ્યારે 'નારાયણ હરે ! સચ્ચિદાનંદ પ્રભો !' એ આહ્‌લેક જગાવી ત્યારે રાજી થયેલા સ્વામીશ્રીએ સૌને ઝોળીમાં આશીર્વાદ આપતાં કહ્યું, 'આશીર્વાદ છે. સહુ સુખિયા થાવ ને આવી ને આવી સેવા થતી રહે.' આજે પૂજામાં પણ ઝોળી પર્વનાં કીર્તનો ગવાયાં. વળી, આજની પૂજામાં આ વિસ્તારના કૉંગ્રેસમેન પીટર રોસ્કેમ તથા બાર્ટલેટ નગરનાં મહિલા મેયર કેથેરાઈન મેલ્ચેર્ટ પણ ખાસ ઉપસ્થિત હતાં. મહિલા હોવાને નાતે મેયર મહિલા વિભાગમાં બેઠાં હતાં. સ્વામીશ્રીએ અહીં મંદિર કર્યા પછી આ નગરની સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક ઉન્નતિ પણ થઈ છે. સમગ્ર શિકાગોમાં આ મંદિર પ્રથમ નંબરે જોવાલાયક સ્થળ તરીકે પ્રખ્યાત થયું છે. સ્વામીશ્રીએ આપેલા આ અમૂલ્ય પ્રદાનને બિરદાવવા માટે મેયર તરફથી આજે સ્વામીશ્રીને પ્રોક્લેમેશન અને વિશિષ્ટ ચંદ્રક (મેયર્સ મેડેલિયન) એનાયત થયો. મહિલા મેયર વતી આ નગરના ટ્રસ્ટી ડેનિસનોલેને સ્વામીશ્રીને આ ચંદ્રક અર્પણ કર્યો. હકીકતે સ્વામીશ્રીના આ સન્માનમાં ભારતીય સંસ્કૃતિનું જ સન્માન
હતું.
 
     
 

તા. ૧૨-૬-૨૦૦૭

આજની પ્રેરણા
યજ્ઞેશ પટેલ અહીંના ખૂબ ઉત્સાહી યુવક છે. સ્વામીશ્રીને વિવિધ રીતે રાજી કરવામાં તેઓ ખૂબ કુશળ છે. આજે રાત્રિ ભોજન દરમ્યાન તેઓએ સ્વામીશ્રીને વાત કરતાં કહ્યું, 'મોમ્બાસાથી યજ્ઞેશભાઈએ જેમ ચાર્ટર્ડ વિમાન કરીને આપને અહીં લાવવાની સેવા કરી એમ અમેરિકામાં હું પણ યજ્ઞેશ છું. મારા જેવા ૫૦ જણને આપ મિલિયોનર બનાવી દો ને લક્ષ્મીના ઢગલા કરી નાખો તો આપને તો શું પણ સંતોને પણ જ્યાં જવું હોય ત્યાં ચાર્ટર્ડ વિમાન જ કરી આપીએ. સંતોના નિયમ-ધર્મ સચવાય, સમય પણ સચવાય અને સત્સંગ પણ ખૂબ વધે. માટે આપને વિનંતી છે કે લક્ષ્મીના ઢગલા કરી આપો.' સ્વામીશ્રી યજ્ઞેશની વાત સાંભળતા રહ્યા અને ધીરેથી કહે, 'આપણને મહારાજે જે સ્થિતિમાં જે રીતે રાખ્યા છે, એમાં રાજી રહેવું. પેલું થાય પણ પછી ભજન ભક્તિ કરવાનું રહી જાય એટલે જે સ્થિતિમાં હોઈએ એ સ્થિતિમાં જ આનંદ રાખવો.' આ સમજણ એ સ્વામીશ્રીની 'માસ્ટર કી' છે.
આજની આજ્ઞા
ધીરુભાઈ પટેલ અહીંના યુવતીમંડળની પ્રવૃત્તિનો પરિચય આપી રહ્યા હતા. સત્સંગ શિક્ષણપરીક્ષામાં અહીંની યુવતીઓનો નંબર પહેલા આવે છે અને ભણેલા ગણેલા હોવા છતાં યુવકો સત્સંગ પ્રવૃત્તિના ભાગરૂપે અપાતી સત્સંગ પરીક્ષામાં ઓછા બેસે છે. આ વાતની મીઠી ફરિયાદ તેઓએ સ્વામીશ્રી આગળ કરી એટલે સ્વામીશ્રીએ આજ્ઞા કરતાં કહ્યું, 'જો યુવતીઓને ટાઈમ મળતો હોય તો યુવકોને કેમ ન મળે ? પરીક્ષા તો બધાએ આપવી જ જોઈએ. ગુજરાતીનો પણ આગ્રહ રાખવો જોઈએ. જેથી ગુજરાતી પણ આવડે. જેમ ડૉક્ટર થવામાં, એન્જિનિયર થવામાં કેવું તાન રહે છે ! તેમ સત્સંગ પરીક્ષા આપવામાં પણ રહેવું જોઈએ. આ પણ એક મોટી ડિગ્રી છે. એનાથી જ્ઞાન થાય અને ગુજરાતી પણ આવડે. આવતી સાલ બધા સત્સંગ શિક્ષણ પરીક્ષામાં બેસજો.'
આજનો પ્રભાવ
સ્વામીશ્રી સૌને વ્યક્તિગત મળી રહ્યા હતા. એ દરમ્યાન અહીંના પ્રખ્યાત ડૉ. શ્રી શૈલેન્દ્રભાઈ શાહ દર્શને આવ્યા. તેઓ કહે, 'વર્ષો પહેલાં કરજણ ગામમાં અમારું દવાખાનું હતું. એ વખતે પ્રથમવાર આપનાં દર્શનનો લાભ મળ્યો હતો. આપનાં પ્રથમ દર્શને જ મારી સિગારેટ છૂટી ગઈ હતી. આપે મને કહેવાની પણ જરૂર પડી ન હતી. આજે આપનું પ્રવચન સાંભળ્યું ને મારા સંશયો મટી ગયા.'

 
     
 

તા. ૧૩-૬-૨૦૦૭

આજની પ્રેરણા

સવારે સ્વામીશ્રી અલ્પાહાર કરવા વિરાજ્યા હતા. ગમ્મતભરી રજૂઆતો થઈ રહી હતી. એમાં કનુભાઈ બારોટ અને શ્રેયસભાઈ પંડ્યાએ મંગળગ્રહ ઉપર બોલાતી ભાષામાં ઝઘડવાનું શરૂ કર્યું. આ ઝઘડો પૂરો થતાં જ કનુભાઈએ સ્વામીશ્રીને કહ્યું, 'બાપા ! અમારો મૂળ ઝઘડો એ કે આ શ્રેયસભાઈ કહે છે કે બાપા મારા છે ને હું કહું છું કે બાપા મારા છે. તો બોલો આપ કોના છો ?' સ્વામીશ્રી તરત જ કહે, 'જે ખરેખર ભગવાનની ભક્તિ કરે છે એના. જે ધમાલ કરે એના નહીં.'
આજની સ્મૃતિ
સ્વામીશ્રી પૂજા કરીને ઉતારા તરફ જવા ઊભા થયા. સ્પીકરમાં ગીત ગુંજી રહ્યું હતું. 'સ્વામી અમારે અંગ...' કીર્તનની ઊપડતી લય અને તાલથી હરિભક્તો તાળી પાડીને ઝૂમી ઊઠ્યા. સ્વામીશ્રીને પણ ઉત્સાહ આવી ગયો. મંચ ઉપર જ ચાલતાં ચાલતાં હાથ ઊંચા કરીને નૃત્યની અદામાં લટકાં કરતાં કરતાં સ્વામીશ્રી છેક સ્ટેજનાં પગથિયાં સુધી આવી પહોંચ્યા. નીચે ઊતરીને હરિભક્તો વચ્ચેથી પસાર થતા હતા ત્યાં શબ્દો વાગ્યા 'નચાવો તેમ અમે નાચશું...' અને સ્વામીશ્રી સૌ હરિભક્તોને લટકાં દ્વારા હાથ ઊંચા કરીને સંબોધીને, આંગળી ગોળ ગોળ ફેરવીને ઈશારો કર્યો કે સૌને નચાવીશું. ત્યાર પછી કીર્તનને તાલે લટકાં કરતાં કરતાં આગળ વધ્યા. સ્વામીશ્રીના મુખ પર પ્રસન્નતા હતી. હાસ્યની લકીરોને લીધે સ્વામીશ્રીનું મુખ ગુલાબી થઈ રહ્યું હતું. આજના દિવસની આ અદ્‌ભુત સ્મૃતિ હતી. આજની વાત આજના દિવસે અહીંના સત્સંગમંડળે ભગતજી મહારાજની જયંતીની ઉજવણી કરી. સવારની પૂજામાં સંતોએ ભગતજી મહારાજનાં કીર્તનો ગાયાં. આજની સાંજની સભા યુવક-યુવતી તથા કિશોર-કિશોરીઓ માટે હતી. સ્વામીશ્રી અહીંના કાયમી સભામંડળમાં યુવકોને લાભ આપવા પધાર્યા. સ્વામીશ્રીની રુચિ જાણવા યુવકોએ રુચિ ક્વિઝનો કાર્યક્રમ રાખ્યો હતો. સ્વામીશ્રીએ પણ પોતાની રુચિ જુદા જુદા રંગના કાર્ડ દ્વારા દર્શાવી. યુવકોએ પણ સ્વામીશ્રીનાં એક એક અંગો પર પ્રસંગો રજૂ કર્યા અને એના ઉપર કીર્તનો ગવાયાં. સ્વામીશ્રીએ સૌને ખૂબ સુખ આપ્યું અને અંતે આશીર્વાદ આપતાં જણાવ્યું, 'જીવનમાં મહિમા બહુ જ મોટી વાત છે. એટલે મહિમાની વાતો જ કરવી. અભાવ-અવગુણની વાતો ન કરવી. આપણે સારા માર્ગે ચાલ્યા છીએ તો જે કરવાનું છે એ કરીને અક્ષરધામમાં જવાનું છે. એનો ખ્યાલ ન રાખીએ તો ઘણાં કાંટા-કાંકરા લાગે. સત્સંગ બહુ મોટો છે. એટલે એમાં મહિમા હોય કે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ દિવ્ય છે અને એમની રુચિ પ્રમાણે જ કરવું છે તો સત્સંગમાં આગળ વધાય અને શાંતિ રહે.'
 
     
 

તા. ૧૪-૬-૨૦૦૭

આજનું વરદાન

સ્વામીશ્રી અલ્પાહાર કરી રહ્યા હતા. અહીં શાયોનામાં માનદ સેવા આપનારા હરિભક્તો બેઠા હતા. પ્રકાશભાઈ પટેલ સૌનો પરિચય આપતા હતા. પરિચય વિધિ પૂરો થયા બાદ સ્વામીશ્રીએ સામે બેઠેલા કનુભાઈ બારોટને પૂછ્યું કે 'શાયોનામાં તારો રોલ કયો ?' વિવેકમૂર્તિ સ્વામી કહે, 'એ, નાના મોટા સર્વને ભેગા કરી લાવે.' પ્રકાશભાઈ કહે, 'એ સૌને હસાવે-રમાડે એના જેવું બોલતાં આપણને ફાવે નહિ.' સ્વામીશ્રી કહે, 'બોલવાનું તો બારોટને જન્મથી જ હોય.' કનુભાઈએ તક ઝડપી લીધી અને કહ્યું, 'બાપા ! જન્મથી એ સંસ્કાર તો ખરા જ, પણ હવે આ વખતે છેલ્લો જન્મ તો ખરો જ ને !' વાક્ય પૂરું થતાં પહેલાં જ સ્વામીશ્રી કહે, 'એમાં તને હજુ શંકા કેમ થાય છે ?' તારો છેલ્લો જન્મ તો શું અહીં બેઠેલા બધાનો છેલ્લો જન્મ. ધંધાપાણી-વ્યવહારની ચિંતા કર્યા વગર જે કોઈ મંદિરની સેવામાં જોડાય છે એ બધાનો છેલ્લો જન્મ. બધા ઉત્સાહથી કરે છે - વેઠ જેવું નહિ. તારે પૂછવાનું જ ક્યાં છે ?' સ્વામીશ્રીએ અહીં તો ઠીક પણ વિશ્વના કોઈ પણ ખૂણે મહારાજ-સ્વામી માટે તન, મન, ધનથી સેવા કરનારાઓને આ અમૂલ્ય વરદાન આપી દીધું.
આજની સ્મૃતિ
આજની સ્મરણીય મૂર્તિ હતી બાળકોની સાથે એક એક નિર્દોષ બાળકની ગોઠડી. રાત્રે સ્વામીશ્રી આરામમાં જવા માટે પલંગ પર વિરાજ્યા. એક પગ હજી નીચે હતો. બે હાથ જોડીને સામે દર્શન કરી રહેલા હરિભક્તો તરફ સ્વામીશ્રી દૃષ્ટિ કરી રહ્યા હતા ને પલંગ ઉપર પલાંઠી જેવું વાળેલું જમણું ચરણ હતું. ગાતરિયું નીકળી ગયું હતું. મુખમાં દાંત પણ ન હતા. અચાનક સ્વામીશ્રીનું મુખ હાસ્યથી ભરાઈ ઊઠ્યું. સામે બેઠેલાં પાંચ-દશ બાળકો સ્વામીશ્રીનાં દર્શન કરી રહ્યાં હતાં. સ્વામીશ્રીએ જેવી આ શિશુઓ ઉપર દૃષ્ટિ કરી એટલે બધાએ એક સાથે હાથ ઊંચો કરીને ગોળ ગોળ ફેરવ્યો. બાળકોની આવી નિર્દોષ ચેષ્ટામાં પલંગ ઉપર બેઠેલો બાળક પણ ભળી ગયો ને એમણે તરત જ માપી લીધું કે બાળકો અનુકરણશીલ હોય છે. એટલે સ્વામીશ્રીએ પણ હસતાં હસતાં બાળકોની જેમ ગોળ ગોળ હાથ ફેરવ્યો અને તેય બાળકોની સ્પીડ કરતાં બમણી સ્પીડથી... સ્વામીશ્રીના આવા પ્રતિસાદથી હરખાયેલાં બાળકોએ પણ સામે એટલી જ સ્પીડથી ગોળ ગોળ હાથ ફેરવ્યો. સ્વામીશ્રીએ મુદ્રા બદલી, તાળી પાડી. બાળકો પણ તાળી પાડવા માંડ્યાં એટલે સ્વામીશ્રીએ ગતિ વધારી. આ જોઈ શિશુઓએ પણ ગતિ વધારી. સ્વામીશ્રીએ સૌને પોતાના વાતાવરણમાં ખેંચી લીધા હતા. એટલે દરેકની આંખ સ્વામીશ્રી તરફ હતી કે હવે સ્વામીશ્રી શું કરશે. એટલે તરત જ સ્વામીશ્રીએ બે હાથ જોડીને સર્વને જય સ્વામિનારાયણ કહ્યા અને સામે બેઠેલા દરેક શિશુએ પણ નીચા નમી જય સ્વામિનારાયણ કર્યા. આમ આ બંનેની લીલાને નીરખનારા સેંકડો હરિભક્તો પણ આ જ અનુકરણમાં જોડાયા. છેવટે સ્વામીશ્રીને પણ આ જ કરાવવું હતું કે 'સૌએ સૌને નમતા રહેવું.'
આજની પ્રેરણા
મુલાકાતો દરમ્યાન એક યુવક સ્વામીશ્રી પાસે આવ્યો. એને અંતર્દૃષ્ટિ થઈ હતી. દીનભાવે કહે, 'મારો સ્વભાવ સુધારો. મને હરિભક્તોનો અભાવ આવી જાય છે.' સ્વામીશ્રી કહે, 'એવું કાંઈ થાય ત્યારે મહારાજના સંબંધવાળા હરિભક્તોનો મહિમા વિચારવો. આપણે આ સત્સંગમાં કોઈનું જોવા ક્યાં આવ્યા છીએ ? કોઈનું જોવાનું નથી. પોતાનું જ જોવાનું કે મારી શી ભૂલ છે.' સ્વામીશ્રીએ સત્સંગમાર્ગમાં નિર્વિઘ્નપણે આગળ વધવાની ચાવી આ યુવકને આપી દીધી.
 
     
 

તા. ૧૫-૬-૨૦૦૭

આજની પ્રેરણા
સ્વામીશ્રી ભોજન અંગીકાર કરી રહ્યા હતા. તે દરમ્યાન કાર્યકરોનો પરિચયવિધિ થયો. એક કાર્યકરનો પ્રેરક પ્રસંગ કહેવાયો. સમીરભાઈ પહેલા તિલકચાંદલો કરતા ન હતા, પરંતુ સત્સંગનો વિશેષ મહિમા સમજાતાં પૂજા કરીને રોજ તિલકચાંદલો ચાલુ કર્યો. તિલકચાંદલો કરીને રોજ નોકરીએ જતા હતા, પરંતુ તેઓનો બોસ એમને હેરાન કરવા લાગ્યો. સમીરભાઈ હ્યુમન રાઈટ્‌સવાળા પાસે ગયા અને ફરિયાદ કરી. થોડા દિવસ પછી હેડ આૅફિસવાળાએ સમીરભાઈને બોલાવ્યા.  સમીરભાઈને બીક લાગી કે હવે મને કાઢી મૂકશે, પરંતુ ઊંધું થયું. હેડ આૅફિસવાળાએ કહ્યું, 'તારા બોસને કાઢી મૂકીએ છીએ અને એની જગ્યાએ તને મૂકીએ છીએ. સ્વામીશ્રીને આ પ્રસંગ કહેવામાં આવ્યો, ત્યારે સ્વામીશ્રી બોલી ઊઠ્યા, 'માટે જેને શરમ આવતી હોય તો રાખશો નહીં. તિલક-ચાંદલો કરીને જ જજો. જુઓ આ પરચો થયો. આપણને થાય કે 'આમ થશે ને તેમ થશે. પણ કાંઈ થતું નથી જોગી બાપા કહેતા, 'તિલક તાણી ને જવું.'
આજની વાત
અધિક માસ અંતર્ગત આજે અહીં પ્રતીક શ્રીહરિજયંતી ઉત્સવ રાખવામાં આવ્યો હતો. પૂજામાં પણ શ્રીજી મહારાજના દિવ્ય વ્યક્તિત્વ અને મહિમાનાં કીર્તનો સંતોએ ગાયાં. આજના દિવસે સ્વામીશ્રી ગોલ્ફ કાર્ટમાં બિરાજીને મંદિરના પરિસરનું નિરીક્ષણ કરવા પધાર્યા હતા. ભૂરા રંગની ગોલ્ફ કાર્ટમાં બિરાજેલા સ્વામીશ્રીનાં સૌને અદ્‌ભુત દર્શન થતાં હતાં. સ્વામીશ્રીએ પણ મંદિરના પરિસરમાં ખીલેલું સુંદર ઉદ્યાન અને તેની સ્વચ્છતાને વખાણી અને શાયોના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ ગોલ્ફ કાર્ટમાં બેઠાં બેઠાં જ કર્યું અને શાયોનામાં વર્ષે મિલિયનથી પણ વધારે લોકો લાભ લે એવા આશીર્વાદ આપ્યા. સાંજની સભામાં 'સંત પરમ હિતકારી'ના પસંદગી કરેલા એપીસોડ ભજવવામાં આવ્યા હતા.
આજના આશીર્વાદ
'સંત પરમ હિતકારી'માં આવતો 'અપૈયા મુક્તિ'નો પ્રસંગ આજે સ્વામીશ્રીએ જાતે જ આશીર્વાદમાં કહ્યો. જે સૌ માટે સ્મૃતિદાયક હતો. વળી, સ્વામીશ્રીએ માનવ મનની નબળી કડી ઉપર ધ્યાન દોરતાં કહ્યું, 'માણસને હંમેશાં પ્રેમથી વશ કરતા શીખવું. માણસને ટોક્યા જ કરો, ટોક્યા જ કરો તો એ વધારે બગડે. શ્રીજી મહારાજે એટલે જ પ્રેમનો કાયદો રાખ્યો હતો. પ્રેમથી સૌને સુધાર્યા હતા અને શ્રીજી મહારાજ હંમેશાં એક હાથમાં 'પુષ્પ' અને બીજા હાથમાં 'માળા' રાખતા. પ્રેમથી પરિવર્તન
કરી ભજન કરાવતા.

 
     
 

તા. ૧૬-૬-૨૦૦૭

આજની પ્રેરણા
સ્વામીશ્રી ભોજન લઈ રહ્યા હતા. એ દરમ્યાન કોલંબસ અને આજુબાજુના વિસ્તારમાં ચાલી રહેલી સત્સંગ પ્રવૃત્તિનો અહેવાલ અપાઈ રહ્યો હતો. કાર્યકરે સંનિષ્ઠ હરિભક્ત શ્રી ભાવેશભાઈ અમીનનો પ્રસંગ કહેતા કહ્યું કે 'તેઓ જે સ્થળે નોકરી કરે છે તે કંપનીના બોસ તિલકચાંદલો કરવાની તેઓને ના પાડતા હતા. ધર્મસંકટમાં તેઓએ સ્વામીશ્રીને ફોન કરી પૂછ્યું, તો સ્વામીશ્રીએ કહ્યું, 'આપણે શનિ-રવિ એ કરવો, બાકી ન કરવો.' એકવાર એવું બન્યું કે તેમના સાહેબે પ્રમોશન માટે તેઓને બોલાવ્યા અને કહ્યું કે તને કંપનીમાં પ્રમોશન આપીએ છીએ. ત્યારે ભાવેશભાઈ કહે, 'મને બીજું પ્રમોશન જોઈતું નથી. ફક્ત તિલકચાંદલો કરવા દ્યો. તેઓની આવી ટેક જોઈને તેઓના સાહેબે તેમને તિલકચાંદલો કરવાની છૂટ આપી.' જે દૃઢતા રાખે છે એને ભગવાન સહાય કરે જ છે.
આજની વાત
આજે અહીં પ્રતીક યોગી જયંતિ ઉત્સવ ઉજવાયો. સવારે પૂજામાં યોગીજી મહારાજના દીક્ષિત વડિલ સંતો પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામીએ કીર્તનો ગાઈને સ્વામીશ્રીને રાજી કર્યા. આજે વળી કેનેડાથી આવેલા પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી તથા હરિભક્તો શ્રી નરેશભાઈ તથા હરેશભાઈ વગેરેએ વિધિવત્‌ રીતે ટોરોન્ટો-કેનેડામાં પ્રતિષ્ઠા કરવા માટે પધારવાનું આમંત્રણ આપ્યું. મહિલામંડળે આ આમંત્રણના ભાગરૂપે જાતે ચોખા ફોલીને મોકલ્યા હતા. તેઓની આવી સૂક્ષ્મ ભક્તિથી રાજી થઈને સ્વામીશ્રી પ્રસન્ન થઈને બોલી ઊઠ્યા કે 'અણીશુદ્ધ ચોખા મોકલ્યા છે. તો કેનેડામાં બધા અણીશુદ્ધ થઈ જશે.' આજે બાળદિન પણ ઉજવવામાં આવ્યો હતો. આ બાળદિન નિમિત્તે સાંજે સભામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા, જેમાં વિશેષપણે ગુજરાતી ભાષા શીખવા ઉપર ભાર મૂકીને આપણા વારસાને જાળવવા પ્રેરણા આપી અને આવેલા વાલીઓ તથા બાળકોને ગુજરાતી ભાષા તરફ પ્રેમ જગાવ્યો. સ્વામીશ્રીએ પણ આશીર્વાદ આપતાં જણાવ્યું કે 'નોકરી કરો, ધંધો કરો. વળી, અહીંની સરકાર તથા કાયદાને પણ વફાદાર રહો, પણ સાથે સાથે બાળકોને પણ સાચવવા. પૈસા કમાઓ છો તેમ બાળકો પણ આપણી સંપત્તિ છે. જે આપણું નામ ઉજ્જવળ કરે અને સંસ્કાર જાળવી શકે. બાળકો માટે પણ સમય આપવો જોઈએ. બાળકોને પ્રેમની જરૂર છે. એ જો ન આપીએ તો બહાર જ્યાં ત્યાં જોડાઈ જાય અને સંસ્કાર ધોવાઈ જાય. જો ધ્યાન ન રાખીએ તો બાળકો આપણા હાથમાંથી પણ જતા રહે. માટે આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જાળવી રાખવી. Old is Gold. આપણી સંસ્કૃતિની અસર બીજાને પણ થવી જોઈએ. આપણું જે સારું છે એ બીજાને આપવું.