Search Contact Site Map Download News Vicharan Home USa & Canada UK & Europe India Far East Africa Past News News

Pramukh Swami Maharaj's USA & Canada Visit 2007
 
Chicago, IL: June 17 to 22, 2007

 

 
દિવ્ય સન્નિધિ
 
  તા. ૧૭-૬-૨૦૦૭

આજની પ્રેરણા
રાત્રે સ્વામીશ્રી જમી રહ્યા હતા, તે દરમ્યાન પ્રકાશભાઈ પટેલે વાત કરતાં કહ્યું, 'અહીં એક એવું રડાર મળે છે કે એ રડાર પોલીસના રડારને પણ જામ કરી નાખે.'
હેમાંગ મુખી કહે, 'બાપા ! આપ પણ એવું રડાર અમને આપો ને, જેથી કામ, ક્રોધ, લોભ, મોહ બધું જામ થઈ જાય.'
સ્વામીશ્રી કહે, 'આપ્યું જ છે, પણ તમે ચૂકી જાવ છો. મહારાજે શિક્ષાપત્રી આપી છે, તેના નિયમો પ્રમાણે વર્તે તો દોષ માત્ર જામ થઈ જાય.'
પ્રકાશભાઈ કહે, 'પોલીસનું રડાર જામ થાય તેમ એવું રડાર અમને આપો કે કાંઈ ન કરીએ તોપણ બધું ટળી જાય.'
સ્વામીશ્રી કહે, 'તમે બંને એની ફેક્ટરી કરી નાખો.'
પ્રકાશભાઈ કહે, 'આપ જ એવી ફેક્ટરી કરી નાખો ને.'
સ્વામીશ્રી કહે, 'નિયમ ભંગ કરવાની ફેક્ટરી અમારી પાસે નથી.'
સ્વામીશ્રી હંમેશાં નિયમને આધીન છે. જ્યાં નિયમ ત્યાં દોષમુક્તિ અને ત્યાં જ સ્વામીશ્રી. સ્વામીશ્રી તો શાશ્વત ધર્મગોપ્તા છે.
આજની વાત
આજનો દિવસ કેવો છે, સોના કરતાં મોંઘો છે. કારણ કે અહીં આજે 'શતાબ્દી દિન'ની ભવ્ય ઉજવણી થઈ. 'હોફમેન એસ્ટેટ' નામના નગરમાં આવેલા 'સ્પિયર્સ એરીના'માં ત્રણ કલાકનો ભવ્ય કાર્યક્રમ થયો. તેમાં શતાબ્દી નિમિત્તે બી.એ.પી.એસ.ના પ્રાણપુરુષોને ભવ્ય અંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે સ્ટેટ સેનેટર 'જ્હોન મિલનર' (John Millnar) અતિથિ વિશેષ તરીકે આવ્યા હતા. તેઓએ પ્રારંભના વાક્યમાં ગુજરાતીમાં બોલતાં કહ્યું, 'બાપા ! તમારાં દર્શન કરીને મને આજે ખૂબ જ આનંદ થયો છે.' તેઓએ 'ઈલીનોય' રાજ્ય તરફથી સમગ્ર ભારતીયો માટે સરપ્રાઈઝ આપતાં એવી જાહેરાત કરી કે 'રાઉટ ૫૯'ના માર્ગનું નામ આજથી 'પ્રમુખસ્વામી માર્ગ' પાડવામાં આવે છે. તેઓની આ જાહેરાતથી પ્રત્યેક ભારતીયો ગૌરવ સાથે ઊભા થઈ ગયા અને તાળીઓથી આ ક્ષણને વધાવી. વળી, ઈલીનોય સ્ટેટના બીજા પ્રતિનિધિ રેન્ડી રેમીએ પણ વધારાની સરપ્રાઈઝ આપતા જાહેર કર્યુર્ંં કે 'આજના દિવસને ઈલીનોય સ્ટેટ 'બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા સેન્ટેનરી ડે' તરીકે જાહેર કરે છે. તેઓની આ જાહેરાતથી પણ પ્રત્યેક ભારતીયોએ ગૌરવ અનુભવ્યું. કોઈ ભારતીય ધર્મપુરુષને આવાં સન્માન મળ્યાં હોય એવું હજી સુધી બન્યું નથી. આપણા માટે આ ગૌરવની વાત છે.
આજના આશીર્વાદ
બી.એ.પી.એસ. શતાબ્દીની ઉજવણીમાં સ્વામીશ્રીએ સૌના ઉત્કર્ષ માટેનાં પ્રેરણાવચનો કહ્યાં -
(૧) આ દેશમાં ધંધા-નોકરી બધું જ કરવાનું છે, પણ સાથે સાથે આપણો ધર્મ, આપણા સંસ્કારો અને આપણા ધર્મગ્રંથોને ભૂલવા નહીં. આપણાં શાસ્ત્રોએ આપેલા આદેશો ભૂલવા નહીં. એનું જાણપણું રાખવું. કારણ કે આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મગ્રંથો એ આપણો શ્વાસ છે. એ જેટલું રાખીશું એટલી ઉન્નતિ અને શાંતિ થશે.
(૨) આ દેશના વિકાસમાં જરૂર સહકાર આપવો ને આ દેશના કાયદાનું પાલન કરીને આ દેશની પણ સેવા કરવી. બીજા માટે જેટલું કરીશું એટલો આપણો જ વિકાસ છે.

 
     
 

તા. ૧૮-૦૬-૨૦૦૭

આજની પ્રેરણા
ડૉ. ભગીરથ કાટબામણા સ્વામીશ્રી પાસે આવ્યા. તેઓની પાસે એક કેપ્સૂલ હતી. સ્વામીશ્રીને તે કેપ્સૂલ બતાવીને કહે, 'બાપા અમારી ટેક્નોલોજી હું આપને બતાવું છું. આ કેપ્સૂલ છે. એની અંદર બે સૂક્ષ્મ કેમેરા છે. કોઈ દર્દી હોય એ આ કેપ્સૂલ ગળે એટલે એનાં આંતરડાં અને દરેક વિભાગના ફોટા પડી જાય અને એના આધારે એનાં શારીરિક અંગોની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. અમારી આવી ટેક્નોલોજી છે. પણ બાપા હવે આપ આપની ટેક્નોલોજી બતાવો.'
સ્વામીશ્રી તરત જ કહે, 'અક્ષર થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી તે અમારી ટેક્નોલોજી છે. આપણે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ, એ જ્ઞાન દૃઢ કરવું. હું કાટબામણ નથી. મારાં મા-બાપ નથી. મારાં સગાં-સ્નેહી નથી. હું અક્ષર છું, બ્રહ્મ છું, એ મનાઈ જાય તો પછી માયાના ભાવનિ મુક્ત થઈ જ્વાય' સ્વામીશ્રીએ પોતાની આગવી આધ્યાત્મિક ટેક્નોલોજી સૌને આપી.
આજની વાત
આજે ગુરુ ૠણ અદા કરવા માટે સૌનાં હૈયાં થનગની રહ્યાં હતાં. કારણ કે આજે સ્વામીશ્રીનો '૫૭મો પ્રમુખવણી દિન' હતો. શિકાગોને આ સૌભાગ્ય સાંપડ્યું હતું અને એટલે જ મિડવેસ્ટ રિજિયન ના પ્રત્યેક હરિભક્તને પુષ્પઅર્ધ્ય અર્પણ કરવાની ભાવના હતી. આ નિમિત્તેના કાર્યક્રમમાં સ્વામીશ્રી જ્યારે પધાર્યા ત્યારે પૂ. વિવેકસ્વામીએ 'પ્રમુખપદવરણી દિન' ની જય બોલાવી, આ સાંભળતાં આજના પ્રસંગથી તદ્‌ન અજાણ એવા સ્વામીશ્રી બોલી ઊઠ્યા, 'કોણે કહ્યું પોતાના જ જીવનના મહત્ત્વના દિવસની વિસ્મૃતિ સ્વામીશ્રીને હતી. કેવી અહંશૂન્યતા!
આજની સભામાં જુદા જુદા સંતોએ સ્વામીશ્રીની અહંશૂન્યતા ઉપર જ પ્રકાશ પાડ્યો હતો. આ ઉપરાંત અહીંના ૩૫૦થી વધારે બાઈ-ભાઈ હરિભક્તોએ સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં યથાશક્તિ પુષ્પ અર્પણ કરીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. આજના આ દિવસે સૌએ સ્વામીશ્રીને રાજી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આજના આશીર્વાદ
આજે પ્રમુખવણી દિનથી મિડવેસ્ટ વિભાગના હરિભક્તોની એક શિબિરનો પ્રારંભ થયો હતો. ત્રણ દિવસના આ 'દિવ્ય સંનિધિ પર્વ’ ના પ્રથમ દિવસે સ્વામીશ્રીએ સૌને આશીર્વાદમાં સત્સંગની અસ્મિતા જગાવતાં કહ્યું,
૧. શાસ્ત્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા અને અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું. અક્ષરપુરુષોત્તમ સંસ્થાની સ્થાપના કરી એ કોઈ મનની કલ્પનાથી કે સ્વપ્નું આવ્યું ને કરી નાખી એવું નથી. એમણે શાસ્ત્રોક્ત સિદ્ધાંત આપ્યો છે.
૨. અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન સાચું જ છે. એ વિશ્વાસ કાયમ રાખવો. શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ કોઈ દિવસ ખોટું બોલે નહી. યોગીજી મહારાજ જેવા પુરુષ કોઈ દિવસ ખોટું બોલે જ નહી. એવા વિશ્વાસ સાથે સત્સંગ કરીશું તો એનું તો ફળ મળશે.
૩. આપણે ભગવાન અને એમના ધારક સાચાપુરુષના શરણે જવાનું છે. એ સિવાય આપણા પાપથી કોઈ મુક્તિ અપાવી શકે એમ નથી. સાચા પુરુષના શરણે જઈએ તો આત્મા પરમાત્માનું  જ્ઞાન દૃઢ થાય અને એકાંતિક ધર્મ સિદ્ધ થાય.
૪. ઘરે જઈએ ત્યારે આપણાં પત્ની આપણને કહે છે. 'અ હો હો આવો આવો! વેલ કમ! અહીં બિરાજો' છતાં આપણને ખોટું લાગતું નથી. કોઈ વખત સામે બોલી જાય તોય ખોટું લાગતું નથી. કારણ કે જાણીએ છીએ કે આ આપણું ઘર છે. એમ મંદિરને પણ ઘર માનવું. સત્સંગીઓને એક પરિવાર માનવા. એટલે ક્યાëરેક બોલવા સાંભળવાનું થાય તોય સત્સંગમાંથી મન પાછું ન પડી જાય.''
પોતાના પ્રમુખવણી દિનને ભૂલી જનારા સ્વામીશ્રીએ આજના આશીર્વાદમાં પણ આ દિવસનો એક ઉલ્લેખ પણ કર્યો નહીં. કેવી તેઓની અહંશૂન્યતા!

 
     
 

તા. ૧૯-૦૬-૨૦૦૭

આજની પ્રેરણા
રાત્રે ભોજન વખતે ડેટ્રોઈટ મંડળ દર્શને બેઠું હતું. આ મંડળના સભ્યોએ રસ્તામાં આવતાં આવતાં એક ગીત જોડી દીધું. સૌ વતી પાર્થિવ દંડનાયકે સ્વામીશ્રી સમક્ષ સૌની ભાવના વ્યક્ત કરી અને છેલ્લે બે પંક્તિઓ તેઓ બોલ્યા.
'થયા સિટીઝન ને લાગ્યું કે,
હવે પરમેનન્ટ પણ તોય છીએ હંગામીં,
આજ આપો વચન એવું કે,
અક્ષરધામમાં રાખશો કાયમી'
સ્વામીશ્રીએ તરત જ પ્રતિસાદ આપતાં કહ્યું 'આ લોકમાં ગમે તેટલા પરમેનન્ટ હોઈએ પણ હંગામી છીએ એટલું સમજી રાખીએ તો પછી બંધન નહીં થાય. આપણે આ લોકમાં કાયમી નથી. હંગામી છીએ એ અનુસંધાન રાખવું. સ્વામીશ્રીએ બે જ વાક્યમાં અંતદૃષ્ટિની ઘણી મોટી વાત કરી દીધી અને અક્ષરધામમાં કાયમી થવાની ચાવી બતાવી દીધી.
આજની આર્ષદૃષ્ટિ
સ્વામીશ્રી એ વર્તમાનકાળમાં શિખરબદ્ધ મંદિરો કર્યા અને અહીં વસતા પ્રત્યેક ભારતીયોનાં મસ્તક ઉન્નત કરી દીધાં. અહીં વસતી ભારતીય યુવાન પેઢીમાં ટીવી અને સમાચારપત્રોને કારણે પોતાના વતન ભારત માટે નો માનસિક પૂર્વગ્રહ જડાઈ ગયેલો જોવા મળે છે, પરંતુ આ મંદિરના નિર્માણથી સ્વામીશ્રીએ ભારતીયતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો આદર યુવાપેઢીમાં પણ વધારી દીધો છે. સૌ પોતાના વતન પોતાના મૂળ તરફ આદર ધરાવતા થયા છે. આજે જ એક પ્રસંગ કાર્યકરોએ કહ્યો. અહીંથી થોડે દૂરના એક સેન્ટરમાં હિન્દુ મંદિર છે. એના પ્રમુખની બે દીકરીઓ કોઈ પણ રીતે ભારત જવા તૈયાર જ ન હતી. હજી સુધી ક્યારેય ગઈ નથી. ભારતની વાત આવે ને મોઢું ચઢાવા માંડે પરંતુ એકવાર અહીં શિકાગો મંદિરમાં આવી. મંદિરનું પરિસર નિહાળ્યું, મંદિરનું કોતરકામ જોયું અને મંદિરનું પ્રદર્શન જોયું, આટલું જોતાં તો એ ગદ્‌ગદ્‌ થઈ ઊઠી આ બંને દીકરીઓ એટલી પ્રભાવિત થઈ ગઈ કે એનો અભિપ્રાય જ બદલાઈ ગયો અને બોલી ઊઠી 'Now I feel Proud to be Indian' અને હવે મારી સૌથી પહેલી ઇચ્છા એ છે કે 'ભારત જઈને મારી માતૃભૂમિનાં દર્શન કરવાં છે' સ્વામીશ્રીએ એક મંદિર સર્જીને કેટલી મહાન સેવા કરી છે !

 
     
 

તા. ૨૦-૬-૨૦૦૭

આજની પ્રેરણા
ઉમરેઠના ખુશવદનભાઈના ઘેર ૧૯૮૮માં સ્વામીશ્રીનો ઉતારો હતો. એક દિવસ સવારે ખુશવદનભાઈ સ્વામીશ્રીની સેવા કરવા માટે રૂમ આગળ પધાર્યા. સ્વામીશ્રી જાગી ગયા હતા. પલંગ ઉપર બેઠા હતા. સ્વામીશ્રીના પીઠના ભાગનાં દર્શન થઈ રહ્યાં હતાં. તેઓ નજીક ગયા અને અચાનક તેઓને સ્વામીશ્રીમાંથી તેજનું આભા વર્તુળ રેલાતું હોય તેવાં દર્શન થયાં અને થોડીવારમાં આ આભાવર્તુળ શમી ગયાં. સ્વામીશ્રીની આ દિવ્ય અલૌકિક સંનિધિ તેઓ માટે કાયમી સંભારણું બની ગઈ. આ દિવ્ય દર્શન પછી તેઓની નિષ્ઠા પાકી થઈ ગઈ.
આપણા કેવાં ભાગ્ય કે આવા દિવ્ય પુરુષ આપણને સહેજે જ મળ્યા છે !!
ડેટન ગામના વિરલભાઈ ચોકસી સ્વામીશ્રી પાસે આવ્યા અને નજીક આવતાં જ આંખમાં આંસુ વહી ગયાં. તેઓ ગદ્‌ગદ ભાવે અને પાછળ થયેલી ભૂલની કબૂલાત કરતાં કહે, '૧૯૯૨માં હું આપની પાસે કેવળ દર્શને આવ્યો હતો. એ વખતે મને સત્સંગ ન હતો. આપે કૃપા કરીને મને જાતે જ કંઠી પહેરાવી હતી. પરંતુ મહિમા નહિ, તેથી અણસમજણથી કંઠી કાઢી નાખી હતી. આજે આ વાત સંભારતા મને ખૂબ પસ્તાવો થાય છે. આજે ફરીથી આપ મને આપના હસ્તે જ કંઠી પહેરાવો.'
આપણાં કેવાં ભાગ્ય કે સહેજે જ આવા પુરુષનાં દર્શન અને સમાગમ થતાં રહે છે.
આજનો પ્રભાવ
ગુજરાતના માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. શિકાગોનું મંદિર નિહાળ્યા પછી તેઓ બોલી ઊઠ્યા કે, 'ક્રાંતિ, સંક્રાંતિ અને ઉત્ક્રાંતિ આ ત્રણ શબ્દો છે. ક્રાંતિ એટલે મારઝૂડ કરીને, લોહીને વહેવડાવીને જે પરિવર્તન થયું હોય છે તે. સંક્રાંતિ એટલે પ્રેમ, સદ્‌ભાવ અને જોડાણથી જે પરિવર્તન થાય તે અને ઉત્કાંતિ એટલે ખબર ન પડે ને કાર્ય થઈ જાય તે. વાડ ઉપર વેલો કઈ રીતે વધે છે તે ખબર પડતી નથી. બાળક જન્મે પછી મોટો કઈ રીતે થઈ જાય છે એ ખબર પડતી નથી. સાહજિક રીતે જે બને તે ઉત્ક્રાંતિ કહેવાય. એમ '૫૦' કે '૧૦૦' વર્ષના સમાજનો વિચાર કરીએ છીએ, ત્યારે આપે વિશ્વમાં જે ઉત્ક્રાંતિ સર્જી છે એનો મહિમા સમજાય છે. ઉત્કાંતિની દિશામાં આપે જબરજસ્ત કાર્ય કર્યું છે. ધર્મ પરિવર્તન નહીં પણ વિશ્વમાં ધર્મની સ્થાપનાનું અદ્‌ભુત કાર્ય આપે કર્યું છે. આપના કાર્ય માટે અદ્‌ભુત, અદ્‌ભુત એ પછી કોઈ શબ્દ જ નથી.'
આજની વાત
આજે શિકાગો મંદિરનો પ્રતીક પાટોત્સવવિધિ થયો. ત્રણેય ખંડમાં મહાપૂજાની વિધિ પછી સ્વામીશ્રીએ સ્વયં કળશમાં જળ રેડીને મૂર્તિઓને કેસર જળ વડે સ્નાન કરાવ્યું. સૌના માટે આ અદ્‌ભુત સ્મૃતિ હતી. આ ઉપરાંત આજે અહીં નીલકંઠવણીની મૂર્તિનું પુનઃ સ્થાપન થયું. સ્વામીશ્રીએ સુવર્ણરસિત મૂર્તિ પધરાવી અને જૂની મૂર્તિના ઐશ્વર્ય-પ્રતાપ અને તે જ પુનઃ નવી મૂર્તિમાં પ્રતિષ્ઠિત કર્યાં અને આશીર્વાદ આપતાં કહ્યું, 'આ મૂર્તિ પણ સૌના સંકલ્પ પૂરા કરશે.'
આજે દિવ્ય સંનિધિ પર્વની સમાપ્તી હતી. એની પૂર્ણાહુતિ વિશિષ્ટ રીતે થઈ હતી. પ્રવચનોની જગ્યાએ જુદાં જુદાં સ્થળોમાંથી આવેલા હરિભક્તોને એકત્રિત કરીને અહીં જુદી જુદી રમતો રમાડવામાં આવી. આ રમતો એવી હતી કે પ્રત્યેક રમતમાંથી સંપ, સુહૃદભાવ, એકતા અને સત્પુરુષના જોડાણનો સંદેશ મળે, એ રીતે આજે સ્વામીશ્રીના સાંનિધ્યમાં વિશિષ્ટ સભા થઈ.
આજના આશીર્વાદ
દિવ્ય સંનિધિ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે આશીર્વાદ આપતાં સ્વામીશ્રી કહે, 'મન વાંદરા જેવું ચંચળ છે. એ જ બંધનનું કારણ છે, પણ એ જ મન સત્સંગ માટે, ભક્તિ માટે, કામ લાગે તો પવિત્ર થાય અને આત્માનો ઉદ્ધાર થાય છે. મન પવિત્ર હોય તો સારો અને સાચો વિકાસ થાય. દરેકને શાંતિ થાય. જો મન આડું થાય તો સમાજને, દેશને અને બધાને નુકસાન થાય.

 
     
 

તા. ૨૧-૬-૨૦૦૭

આજની પ્રેરણા
સ્વામીશ્રી ભોજન અંગીકાર કરી રહ્યા હતા. એ દરમ્યાન સલામતી વિભાગના સ્વયંસેવકો સામે બેસીને દર્શન કરી રહ્યા હતા. પ્રત્યેક સ્વયંસેવકનો પરિચય આપવામાં આવતો હતો. સ્વામીશ્રીની કાર્યપદ્ધતિની એ વિશેષતા છે કે ડૉક્ટર હોય કે ફાર્માસિસ્ટ કે પછી એન્જિનિયર કે અભણ. જેને જે વિભાગ સોંપવામાં આવ્યો હોય એ વિભાગમાં સૌ પોતપોતાના સ્ટેટસને ભૂલીને એક રાગ અને એક સંપથી કાર્ય કરતા રહે છે. એમાં પણ સલામતી વિભાગમાં તો આવનારા લોકોને શિસ્તમાં રાખવા માટે ઘણી વખત પુણ્યપ્રકોપ પણ ઠાલવવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે. આવા સંજોગોમાં સ્વામીશ્રીના આદેશ પ્રમાણે માથા ઉપર બરફની પાટ મૂકીને કાર્ય કરવું એ બહુ જ મોટી વાત કહેવાય.
વિજયભાઈ ફાર્માસિસ્ટ થયેલા છે. ઊંચી આવક છતાં સવારે વહેલા આવીને મોડી રાત સુધી સલામતીની સેવા આપી રહ્યા છે. તેઓની વાત કરતાં એક કાર્યકરે કહ્યું છે, 'વિજયભાઈ પોતે ફાર્માસિસ્ટ હોવા છતાં બધા સાથે હાથ જોડીને જ વાત કરે છે. ક્યારેય ગુસ્સે થતા નથી.'
સ્વામીશ્રી કહે, 'બહુ જ સારું કહેવાય. આપણે તો જોગીબાપાની રીત જ છે. હાથ જોડીને જ વાત કરવી. પૈસાવાળા હોય અને વળી ઊંચા ગામના હોય એમને તો તરત જ સામે કહી દેવાનું મન થઈ જાય, પણ સત્સંગ છે, એટલે આવી શાંતિ રહે છે.'
સ્વામીશ્રીના સ્વયંસેવકોની આ જ વિશેષતા છે.
આજના આશીર્વાદ
આજે સ્વામીશ્રી સભામાં પધાર્યા ન હતા. મિટિંગોમાં વ્યસ્ત હતા. આયોજકોએ આયોજન પણ એવું જ કર્યું હતું કે રોજ સભામાં ન જવું પડે, પરંતુ આજે જુદા પ્રકારે સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદને સાંભળવાનો લાભ મળ્યો. કાવિઠાના ભરતભાઈ એન્જિનિયરના બનેવીએ ભોજન દરમ્યાન ઊભા થઈને એક પત્ર ધર્યો. આ પત્ર સ્વામીશ્રીએ લખેલા આશીર્વાદનો પત્ર હતો. આ પત્ર બતાવીને તેઓ કહે, '૨૦૦૫ની સાલમાં મારું આૅપરેશન કરવાનું હતું. બચાય એવી કોઈ શક્યતા ન હતી. ડૉક્ટરોએ પણ હાથ ધોઈ નાખ્યાં હતા. મેં આપને પત્ર લખ્યો અને આપે આશીર્વાદ પત્રમાં લખ્યું કે 'મહારાજ બધું સારું કરશે.' અને ખરેખર આપના આશીર્વાદથી આજે હું આપની સમક્ષ ઊભો છું.'
સ્વામીશ્રી કહે, 'વાહ ! તેં તો પુરાવા સાથે વાત કરી. ભગવાનની દયાથી શરીર સારું થયું છે. તો સેવા પણ સારામાં સારી થાય એવા આશીર્વાદ છે.

 
     
 

તા. ૨૨-૬-૨૦૦૭

આજની પ્રેરણા
ડૉ. યશવંતભાઈ અમીનનો ભાણો 'નિરલ', અત્યંત નિષ્ઠાવાન યુવક છે. '૨૪' વર્ષની ઉંમરમાં એના શરીર ઉપર '૨૫'(પચ્ચીસ)થી વધારે આૅપરેશનો થયાં છે. કિડની ફેલ થવાથી ત્રણવાર ટ્રાન્સપ્લાન્ટ કરી છે. શરીરમાં ઘણી તકલીફ છે, છતાં નિષ્ઠા ડગી નથી. રાત-દિવસ મંદિરમાં આવીને સેવા કરે છે. સવારે સાતથી રાત્રે મોડે સુધી સેવા કરતો રહે છે.
આ વખતે પણ અહીં ઓડિયો-વીડિયો વિભાગમાં સેવા કરતાં કરતાં પગમાં અને આંખમાં ખૂબ ઈન્ફેક્શન થઈ ગયું. પગ સૂજી ગયો. હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આઈ.સી.યુ.માં એને દાખલ કર્યો, ત્યારે સ્વામીશ્રીએ સામેથી ફોન કરીને એને આશીર્વાદ આપ્યા. બે દિવસમાં એના સોજા ઊતરી ગયા. હૉસ્પિટલમાંથી જેવી રજા મળી કે સીધો જ મંદિરમાં આવીને સેવા કરવા માંડ્યો. અત્યારે કિડની પણ કામ કરતી બંધ થઈ ગઈ છે. પણ એનો સેવાનો ઉત્સાહ એવો ને એવો જ છે.
દેવવંદન સ્વામી કહે, 'એકવાર અમે એના ઘરે ગયા હતા. ત્યારે ખબર પડી કે કિડની ફેલ હોવાથી શરીરે બહુ જ ખંજવાળ આવે છે. રાત્રે ઊંઘ જ આવતી નથી, પરંતુ રાતોની રાત ઊભાં ઊભાં એ મંત્રલેખન કરતો રહે છે.
આવા છે સ્વામીશ્રીના નિષ્ઠાવાન કાર્યકરો. સ્વામીશ્રીનાં માનસ સંતાનો.
આજની મુલાકાત
આજે આસન કર્યા પછી સ્વામીશ્રી રૂમમાં વિરાજમાન હતા. અમેરિકાની મોટી કાઉન્ટીમાંની એક ડ્યુપેજ કાઉન્ટીના બોર્ડના ચૅરમેન 'જ્યોર્જ બોંબ' આજે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. આપણું મંદિર પણ આ જ કાઉન્ટીમાં આવેલું છે અને મંદિરનિર્માણ વખતે તેઓનો સહકાર પણ બહુ જ મળ્યો હતો. ભવિષ્યના ઈલીનોય સ્ટેટના ગવર્નરના ઉમેદવાર તરીકે પણ તેઓનું નામ બોલાય છે. સ્વામીશ્રીને તેઓ કહે, 'અમારી કાઉન્ટીમાં તમારું સ્વાગત છે. આપે ડ્યુપેજ કાઉન્ટીને જ સારી જગ્યા બનાવી છે એવું નથી, આખી દુનિયાને સારી બનાવવા માટે માનવતાનો સંદેશો આપ ફેલાવીને સૌને માનવતા તરફ પ્રેરિત કરો છો, એનો અમને આનંદ છે. અમારા રાજ્ય તરફથી 'રાઉટ ૫૯'ને 'પ્રમુખસ્વામી રોડ' નામ આપવામાં આવ્યું છે, એ મારી દૃષ્ટિએ અત્યંત યોગ્ય જ છે. અમે પણ તમને સહકાર અને મદદ કરવા માટે તૈયાર જ છીએ. ભવિષ્યમાં ફરીથી  પણ મળતા રહીશું અને ખાસ તો આપની '૧૦૦'મી જયંતી ઊજવાય એ વખતે પણ મળીશું.' સ્વામીશ્રીએ પણ તેઓને આશીર્વાદ આપ્યા.
આજની વાત
આજનો દિવસ યજ્ઞનો હતો. કેન્સાસમાં નિર્માણ પામેલા મંદિરની મૂર્તિઓનું પૂજન નિમિત્ત હતું. માર્કિમાં ૮૦ કૂંડમાં ૮૦૦ યજમાનોએ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં ભાગ લીધો. સ્વામીશ્રી પણ મંદિરની આૅફિસોનું નિરીક્ષણ કરીને ત્યાં પધાર્યા ત્યારે મહાયજ્ઞની '૮૦' યજ્ઞવેદીમાં અગ્નિ પ્રજ્જ્વલિત હતો. મંચ ઉપરની મુખ્ય વેદિકામાં સ્વામીશ્રીએ યજ્ઞવિધિમાં વિશ્વશાંતિનો સંકલ્પ કર્યો. યજ્ઞવેદીની ધૂમ્રસેરો વડે સમગ્ર મંડપ ભરાઈ ગયો હતો. સામે બેઠેલી વ્યક્તિ પણ ન દેખાય એ રીતે યજ્ઞની ધૂમ્રસેરો સૌના સમગ્ર શરીરને વ્યાપી ગઈ હતી. આવો યજ્ઞ જવલ્લે જ જોવા મળે. સ્વામીશ્રીએ પણ યજ્ઞમાં હોમ હવન કરીને કેન્સાસમાં નિર્માણ પામેલા મંદિરની મૂર્તિઓનું પૂજન કરીને આશીર્વાદના બે શબ્દ કહ્યા.