Search Contact Site Map Download News Vicharan Home USa & Canada UK & Europe India Far East Africa Past News News

Pramukh Swami Maharaj's USA & Canada Visit 2007
 
Houston, TX: June 23 to 26, 2007

 

 
દિવ્ય સન્નિધિ
 
 

તા. ૨૩-૬-૨૦૦૭

આજની પ્રેરણા
સોળ દિવસનું દિવ્ય અને અલૌકિક સુખ આપીને સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કરીને ડૉ. પ્રવીણભાઈની રોલ્સરોયમાં બિરાજ્યા. ગાડીએ મંદિર છોડ્યું. જગદીશભાઈ પટેલ ગાડી ચલાવી રહ્યા હતા. 'પ્રમુખસ્વામી માર્ગ' ઉપર ગાડી ચાલી રહી હતી અને વરસાદ વરસી રહ્યો હતો. સ્વામીશ્રી પણ સૌ ઉપર અનરાધાર વરસ્યા હતા. કૃતજ્ઞતા ભાવે અહીંના ચૅરમેન જગદીશભાઈએ કહ્યું, 'બાપા ! અહીં આપ પધાર્યા, આપની ગાડી ચલાવવાનો લાભ મળ્યો. એ જ રીતે અક્ષરધામમાં પણ આવો ને આવો લાભ આપજો અને મહારાજ આગળ ને બધે અમને ફેરવજો.'
સ્વામીશ્રી કહે, 'અક્ષર-પુરુષોત્તમનું જ્ઞાન સમજાયું છે. ભગવાનનો આશરો દૃઢ થયો છે ને ભગવાન પરાયણ થયા છો, એના થયા છો, એટલે એ (મહારાજ) એવું જ કરશે. બધાને સુખ આપશે. એના થયા છીએ, એટલે હવે ચિતાં નહીં.' સ્વામીશ્રીએ અક્ષરધામની રાઇડ લેવા માટે શું શું હોવું જોઈએ, એનો મર્મ સમજાવ્યો. જેમાં અનન્ય આશરો, નિષ્ઠા અને જ્ઞાનની દૃઢતાનો જ સંદેશો હતો.
આજની અનુભૂતિ
આજની અનુભૂતિ દિવ્ય, ભવ્ય અને અલૌકિક હતી. સભામંડપમાં ચારે બાજુ અંધકાર હતો. કેવળ સમગ્ર મંડપમાં કેવળ યુ. વી. લાઇટનો ભૂરો પ્રકાશ રેલાયો હતો. ચારે બાજુએ અનંત તારલાઓ, નક્ષત્રો અને ગ્રહો ઘૂમી રહ્યાં હતાં અને યુ. વી. લાઇટને કારણે આ બધા જ તારલાઓ અને ગ્રહો પ્રકાશમાન હતા. સભામંડપનો હૉલ એ અત્યારે હૉલ રહ્યો ન હતો, પરંતુ અનંતકોટિ બ્રહ્માંડો રૂંવે રૂંવે ફરતા હોય એવી અલૌકિક અને દિવ્ય અનુભૂતિ સૌને થઈ રહી હતી. શીતળ, મંદ વાતાવરણની વચ્ચે મંચ ઉપર બિરાજીને સ્વામીશ્રી પૂજા કરી રહ્યા હતા. પાછળ દિલ્હી અક્ષરધામમાં વિરાજિત મૂર્તિઓના કટઆઉટ ઉપર સ્પોટ લાઇટ પડી રહી હતી. ગ્રહો, તારલાઓ, સૂરજ અને ચંદ્રની વચ્ચે અવકાશમાં જાણે કે પૂજા થઈ રહી હોય એવી દિવ્ય અને અલૌકિક આજની અનુભૂતિ હતી. સ્વામીશ્રી પણ પૂજામાં નિમગ્ન હતા. હરિકૃષ્ણ મહારાજ અને સ્વામીશ્રીની આ દિવ્ય ગોઠડીનાં દર્શનમાં સદ્‌ભાગી બનેલા સૌનાં અંતર કહી રહ્યાં હતાં કે 'આજનાં દર્શન એ કેવળ દર્શન જ નહીં, પરંતુ અંતરમાં કાયમી સ્થાન લઈ લે એવી અલૌકિક, દિવ્ય અનુભૂતિ હતી.'
આજની વાત
શિકાગોમાં સોળ દિવસના રોકાણ દરમ્યાન એકેએક ઉત્સવની ઉજવણી થઈ ચૂકી હતી. પૂજ્ય વિવેકમૂર્તિ સ્વામી અને સંતો તથા હરિભક્તોએ સોળ દિવસમાં વ્યવસ્થિત આયોજન કરીને ખૂબ લાભ અપાવ્યો હતો. આજે છેલ્લા દિવસે સભામંડપમાં અને ઠાકોરજી સમક્ષ અન્નકૂટ રચવામાં આવ્યો હતો. આ અન્નકૂટનાં દર્શન કરીને સ્વામીશ્રી બોલી ઊઠ્યા, 'અહીંનો અન્નકૂટ પણ ભવ્ય, અહીંના સાધુ પણ ભવ્ય, અહીંના હરિભક્તો પણ ભવ્ય, અહીંનું મંદિર પણ ભવ્ય. બધાનો ભક્તિભાવ એવો છે કે 'ભવ્ય, ભવ્ય ને ભવ્ય.' 'દિવ્ય, દિવ્ય અને દિવ્ય.'
આજે ડ્યુપેજ કાઉન્ટીના ઍરપોર્ટ ઉપરથી સ્વામીશ્રી ચાર્ટર્ડ ફ્લાઇટમાં બિરાજીને હ્યુસ્ટન પધાર્યા. વરસતા વરસાદમાં શિકાગોના હરિભક્તોએ વિદાય આપી. આ વિદાય ભાવભીની હતી અને હ્યુસ્ટનના સુગરલેન્ડ વિસ્તારના ઍરપોર્ટ ઉપર સ્વામીશ્રી પધાર્યા ત્યારે અહીંના અનિર્દેશ સ્વામી વગેરે સંતો તથા નીલકંઠભાઈ વગેરે હરિભક્તોએ હૂંફાળું સ્વાગત કર્યું. ઍરપોર્ટ ઉપર સુગરલેન્ડના કાર્યવાહક મેયરે સ્વામીશ્રીને પ્રોક્લેમેશન આપીને સન્માન કરીને ઈતિહાસ રચ્યો.
દિનેશભાઈ શાહની રોલ્સમાં બિરાજીને સ્વામીશ્રી મંદિરમાં પધાર્યા ત્યારે વાતાવરણ પ્રકાશમાન હતું અને ડલાસના બેન્ડે 'યજ્ઞપુરુષને દ્વાર' એ ગીતનું ગુંજન કરીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. સ્વામીશ્રી પણ મંદિરે દર્શન કરીને સંતો, હરિભક્તો અને તમામના સ્વાગતને ઝીલીને ઉતારે પધાર્યા. આજે સ્વામીશ્રી માટે આરામનો દિવસ હતો. સભા રાખવામાં આવી ન હતી. નવા સંત આશ્રમનું ઉદ્‌ઘાટન કરીને પહેલી વખત અહીં સંતનિવાસમાં ઉતર્યા હતા.

 
     
 

તા. ૨૪-૬-૨૦૦૭

આજની પ્રેરણા
સાંજે ભ્રમણ વખતે સ્વામીશ્રીએ વેઠેલા કષ્ટ અને અપમાનની વાત કરતાં પૂજ્ય યજ્ઞેશ્વર સ્વામીએ જૂનો પ્રસંગ કહેતાં જણાવ્યું કે '૧૯૭૭ની સાલમાં અમેરિકાના કેલીફોર્નિયા બાજુના એક નગરમાં વિચરણ હતું. એ વખતે સ્વામીશ્રીએ હજારો માઇલની મુસાફરી ગાડીમાં કરી હતી. સત્સંગીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. વળી, સંખ્યા પણ એટલી ન હતી. એટલે ડૉ. કે. સી. પટેલે બધાં સેન્ટરોમાં વિમાનની મુસાફરીનું ગોઠવ્યું હોવા છતાં સામેથી જ સ્વામીશ્રીએ એ રદ કરાવીને ગાડીમાં જવાનું પસંદ કર્યું હતું.
આ નગરમાં એક મોટલમાં સ્વામીશ્રીની પધરામણી હતી. પધરામણી કરાવનાર સત્સંગી ન હતા. છતાં શ્રદ્ધાપૂર્વક સામેથી સ્વામીશ્રી સંસ્કાર પાડવા માટે તેઓને ત્યાં મોટલમાં ગયા હતા. પધરામણીનું પૂજન વગેરે થયા પછી સ્વામીશ્રી ઊભા થયા. સાથે ફરતા એક હરિભક્તે પેલા ગુણભાવીને ફક્ત એટલું જ કહ્યું કે 'આવા પુરુષ પધાર્યા છે તો કંઈક ભેટ લખાવો.' આ સાંભળતાં જ પેલા ગુણભાવીનો પિત્તો ગયો અને પેલા હરિભક્તને કહેવાને બદલે સીધું જ સ્વામીશ્રીને કહેવા લાગ્યા કે 'મેં તમને ઓછા બોલાવેલા ? સામે ચાલીને તમે આવ્યા છો અને ભેટ માગતા શરમ નથી આવતી ?' તેઓના આવા હડહડતા અપમાનમાં પણ વિચલિત થયા વગર સ્વામીશ્રીએ બે હાથ જોડીને એટલું જ કહ્યું, 'માફ કરજો, અમારા હરિભક્તે ભેટ માગી એના બદલે હું તમારી માફી માગું છું. અમારા કોઈ હરિભક્તે તમારો રેફરન્સ આપ્યો હતો, એટલે અહીં આવ્યા છીએ. માટે રાજી રહેજો.' સ્વામીશ્રીએ સ્વયં આવાં અપમાન સહન કરીને પણ સત્સંગની ફૂલવાડીને ખીલવી છે, ત્યારે આજે અમેરિકામાં આટ-આટલાં શિખરબદ્ધ અને હરિમંદિરો થઈ શક્યાં છે.
આજની મુલાકાત
અમેરિકાનાં નવ રાજ્યોનો કારોબાર સંભાળી રહેલા ભારતના કોન્સલ જનરલ શંકર એમ. ગવાઈ આજે સ્વામીશ્રીને ખાસ સન્માનવા માટે જ અહીં આવ્યા હતા. તેઓ સ્વામીશ્રીને રૂમમાં મળ્યા. સ્વામીશ્રીને કહે, 'આપ અને આપની સંસ્થાને વિષે મને હું જ્યારે માલદીવમાં હતો, ત્યારે પ્રધાનમંત્રી અટલબિહારી બાજપેયીએ વાત કરી હતી. એ સિવાય વૉશિંગ્ટનના અહીં ખાતેના ભારતીય રાજદૂત રોનન સેને પણ આપના પ્રભાવની અને આપની સંસ્થાના પ્રભાવની ખૂબ વાતો કરી હતી. આજે પહેલી જ વખત મને આપનાં દર્શનનો સુયોગ પ્રાપ્ત થયો છે. આપના સ્વયંસેવકો જે નિષ્ઠાથી કાર્ય કરે છે અને પ્રત્યેક કાર્યમાં એકાગ્રતા અને સ્પષ્ટતા છે. એના પ્રેરણામૂર્તિ આપ છો અને આ પ્રેરણા જો સમગ્ર હિન્દુ સમાજ લે તો સૌ ખૂબ આગળ વધી શકે. હું લોકોને કહું છું કે 'અમેરિકા સાંસ્કૃતિક રીતે હજુ પારણામાં જ છે. પણ ભારતની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ તથા વિચારધારા અને સ્થાપત્ય બેમિસાલ છે. અહીં આપે આ સ્થાપત્યની રચના કરીને અમેરિકાની સંસ્કૃતિને વધારે સમૃદ્ધ કરી છે. વળી, આપ અમેરિકા અને ભારત વચ્ચેના સુમધુર સંબંધો બાંધવામાં સેતુરૂપ બન્યા છો.'
આજની વાત
આજે અહીં સ્વામીશ્રીની સ્વાગતસભા રાખવામાં આવી હતી. સત્સંગીઓ તથા ચાર હજાર જેટલા ભાવિકો તથા મુમુક્ષુઓએ આજની સ્વાગત સભામાં લાભ લીધો હતો. હ્યુસ્ટન અને આજુબાજુના વિસ્તારોની '૨૬' જેટલી ભારતીય સંસ્થાઓએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. જેમાં મુસ્લિમ જમાતના સભ્યો પણ હતા. જે સ્વામીશ્રીની સર્વજીવ હિતાવહની ભાવનાથી પ્રેરાઈને આવ્યા હતા. આજના મુખ્ય અતિથિ ભારતના કોન્સલ જનરલ શંકર એમ. ગવાઈ હતા. તેઓએ પણ સ્વામીશ્રીને વાક્‌પુષ્પાંજલિ અર્પણ કરી.
આજના આશીર્વાદ
સ્વામીશ્રીએ સ્વાગતસભામાં ઉપસ્થિત ભારતીયોને પ્રેરણાવચનો કહેતાં કહ્યું, 'આપણે અહીં પૈસા કમાવા આવ્યા છીએ, એનો વાંધો નથી, પરંતુ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ ગુમાવવા નહીં. આપણાં બાળકોમાં પણ ભારતીય સંસ્કારો ઊતરે તે માટે મંદિરોમાં જવું અને બાળકોને પણ સંસ્કાર આપવા.'
ભગવાનરૂપી સંપત્તિ રાખે એને શાંતિ અને સમૃદ્ધિ મળે છે. ભગવાને જે ગ્રંથો આપ્યા છે, તે ગ્રંથોનું વાંચન કરવું. ધર્મપરાયણ થઈશું એટલી આપણી બુદ્ધિ અને શક્તિ બીજાના ઉપયોગમાં આવશે.'

 
     
 

તા. ૨૫-૬-૨૦૦૭

આજનો પ્રભાવ
રાત્રે જમ્યા પછી સ્વામીશ્રી હરિભક્તોને મળી રહ્યા હતા. એ દરમ્યાન માઇકલ ઝકારો નામનો એક જિપ્સી સ્વામીશ્રી પાસે આવ્યો. કદાવર શરીર અને દરબારી મૂછો જોઈને સંતો અંદરો અંદર માઈકલને 'માઇકલસિંગ' કહેવા લાગ્યા. લિમોઝિનના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા માઇકલને મંદિર પ્રત્યે પ્રેમ છે. એટલે જ જે કોઈ મહેમાન એની લિમોઝિનમાં બેસે એ બધાને અહીં લઈ આવે છે અને મંદિરનાં દર્શન કરાવે છે. આજે પહેલી જ વખત સ્વામીશ્રીને મળવા માટે તે આવ્યા હતા. પ્રથમ દર્શને જ સ્વામીશ્રીએ તેને પૂછ્યું, 'માંસ ખાવ છો ?'
'આપની ઇચ્છા હોય તો આજે જ છોડી દઉં.' એમણે કહ્યું.
'તો તો છોડી જ દેજો !'
'હા, આજથી માંસ છોડ્યું.' તેઓએ નિયમ લઈ લીધો.
સ્વામીશ્રીની એવી તે કઈ કોમ્યુનિકેશનની ભાષા હશે કે પળવારમાં જ સદીઓના આવા દૂષણને અને ટેવને છોડાવવા માટે આ વ્યક્તિ તૈયાર થઈ ગઈ !! સ્વામીશ્રીની સાધુતાનો પ્રભાવ જ એવો છે કે ભલભલાનાં વ્યસન, દૂષણ અને વાસના છૂટી જાય.
આજની પ્રેરણા
મંદિરમાં સેવા આપતા ૭૭ વર્ષના વૃદ્ધ ગોરધન દાદાનું જીવન સત્સંગીને પ્રેરણારૂપ છે. સ્વામીશ્રીની કૃપાથી આ ઉંમરે પણ તેઓ સ્વસ્થતાથી નિયમિત સેવા કરે છે. વળી નાનામાં નાની સેવા ચીવટથી કરવાનું તેઓનું અંગ છે. પાંચ ટાઇમની આરતી નિયમિત ભરે છે. તપનું પણ સારું એવું અંગ છે. સાથે સાથે કથાવાર્તા અને ગ્રંથોના વાંચનની પણ દૃઢતા છે. રોજ નિયમિત વચનામૃત વાંચે છે. એકવાર વચનામૃત વાંચતાં વાંચતાં રાત્રે ઊંઘ આવી ગઈ. તો બીજે દિવસે ઉપવાસ કરી નાખ્યો. સ્વામીશ્રીને જ્યારે વાત કરી ત્યારે રાજીપો દર્શાવતાં સ્વામીશ્રીએ કહ્યું, 'બહુ સારું અંગ છે. પહેલેથી  જ એ તો એવા જ છે.'
આજનો આદેશ
રાત્રે ભોજન દરમ્યાન મહિલા સંયોજક અનુપભાઈ મહિલાઓની પ્રવૃત્તિનો પરિચય સ્વામીશ્રીને આપી રહ્યા હતા. સ્વામીશ્રીના સ્વાસ્થ્ય માટે અને શતાબ્દી નિમિત્તે મહિલામંડળે વિવિધ પ્રકારનાં વ્રત, ઉપવાસ અને નિયમો લીધાં હતાં. મહિલાઓ, યુવતીઓ, કિશોરીઓ અને બાલિકાઓએ કરેલાં વ્રત, તપ, ઉપવાસની સંખ્યા સાંભળતાં જ સ્વામીશ્રી બોલી ઊઠ્યા કે 'એ લોકોમાં શ્રદ્ધા બહુ.' આટલું કહ્યા પછી સ્વામીશ્રીએ ધીમે રહીને પૂછ્યું, 'પુરુષોનું કેમ છે ?'
'એ લોકોનો વારો આવશે ત્યારે આપને જણાવશે.' કો'કે કહ્યું.
સ્વામીશ્રી કહે, 'એ બધું તો બરાબર છે, પણ પુરુષો સત્સંગ શિક્ષણ પરીક્ષા કેટલા આપે છે ?' સ્વામીશ્રીના આ પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર કોઈની પાસે હતો નહીં. એટલે કોઈ બોલ્યું નહીં. પરંતુ સ્વામીશ્રીએ જ કહ્યું કે, 'પરીક્ષા તો બધાએ આપવી જ જોઈએ. સત્સંગનું જ્ઞાન દૃઢ થાય, સમજણ દૃઢ થાય, શાસ્ત્રીજી મહારાજનો મહિમા સમજાય એટલે પુરુષોએ પણ પરીક્ષા આપવી જોઈએ.'

 
     
 

તા. ૨૬-૬-૨૦૦૭

આજની પ્રેરણા
સવારે ઠાકોરજીનાં દર્શન કર્યા પછી સ્વામીશ્રી ગુરુશિખરોમાં વિરાજિત ગુરુવર્યોનાં દર્શન કરી રહ્યાં હતાં. આજે કિશોરદિન હતો. કિશોરોએ પ્રત્યેક ગુરુખંડમાં ઊભા રહીને સ્વામીશ્રીની પ્રેરણા ઝીલી. શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કરી રહેલા સ્વામીશ્રી સમક્ષ કિશોરોએ પ્રાર્થના કરતાં કહ્યું, 'બાપા ! શાસ્ત્રીજી મહારાજ આપની ઉપર જેવા રાજી હતા, એ રીતે કિશોરો ઉપર પણ આપ રાજી છો ને ?'
સ્વામીશ્રી કહે, 'આવો ને આવો સત્સંગ રાખજો. નિયમ-ધર્મ બરાબર દૃઢ રાખજો. બહારનું ખાવું નહિ. ખાવા-પીવામાં પણ સંયમ રાખવો. ટી.વી. વગેરે જોવું નહીં. એટલે રાજીપો છે જ.'
આ જ પ્રકારની દૃઢતાની વાત ભગતજી મહારાજનાં ખંડમાં પણ કરી. કિશોરોએ જ્યારે કહ્યું કે 'ગુણાતીતાનંદ સ્વામીના પ્રતાપે ભગતજી મહારાજને થોડાક જ દિવસમાં મહારાજનો સાક્ષાત્કાર થઈ ગયો. એમ અમને પણ આપ સાક્ષાત્કાર કરાવશો ને ?'
ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, 'અહીં સત્સંગમાં આવ્યા છો એટલે થશે. (સાક્ષાત્કાર) નિયમ-ધર્મ, આજ્ઞા-ઉપાસના દૃઢ થશે. એટલે સાક્ષાત્કાર થશે.' સ્વામીશ્રીએ એક વાક્યના સૂત્રમાં ભગતજી મહારાજ જેવી પાત્રતા સિદ્ધ કરવાનો જ ઇશારો કર્યો.
આજનો પ્રભાવ
આજે સાંજે કિશોરદિન નિમિત્તેની સભામાં હ્યુસ્ટન શહેરના મેયર બિલ વ્હાઈટ ઉપસ્થિત હતા. મુખ્ય અતિથિના રૂપે ઉપસ્થિત રહેલાં બિલ વ્હાઈટે પ્રવચનમાં સ્વામીશ્રી પ્રત્યેનો આદર વ્યક્ત કરતાં કહ્યું કે 'આપની સંસ્થા 'વૉકેથોન' જેવું કાર્ય કરીને સમાજમાં સારી સેવા થાય તેવા પ્રયત્ન કરે છે એ બદલ અભિનંદન. મેં જોયું છે કે પ્રમુખસ્વામી મહારાજ સત્તાના જોરે નહીં, પણ આધ્યાત્મિકતાથી સમગ્ર સંસ્થાનું સંચાલન કરે છે. આ બહુ જ પ્રેરણાદાયક રીત છે.'
આજની વાત
આજે કિશોરદિન હતો. સમગ્ર સાઉથ વેસ્ટ રિજનના કિશોરોએ દિવસ દરમ્યાન સ્વામીશ્રી સમક્ષ વિવિધ રજૂઆતો કરીને ખૂબ જ આશીર્વાદ મેળવ્યા. ખાસ કરીને વિદેશમાં વસતા કિશોરો ગુજરાતી શીખે એ વાત ઉપર સ્વામીશ્રીએ ખૂબ ભાર મૂક્યો. આજની સાંજની સભામાં કિશોરોએ 'વિઝડમ' અર્થાત 'વિવેક'ના મધ્યવર્તી વિચાર સાથે સુંદર કાર્યક્રમ રજૂ કર્યો. સ્વામીશ્રી કેવા વ્યવહારકુશળ અને સબગુણપૂરણ છે, એ વિષયક વિવિધ પ્રવચન અને રજૂઆતો પણ થઈ. 'સ્વામીશ્રી નાના બાળકથી માંડીને ભારતના રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામને પણ આત્મા-પરમાત્માના વિવેકની વાત શિખવાડે છે.' એ મુદ્દો પણ રજૂ થયો. આજે શ્રાઈનસ હૉસ્પિટલમાં બી.એ.પી.એસ. સંસ્થા તરફથી બાળકોના રોગ નાબૂદી માટેના હેતુથી દાન કરવામાં આવ્યું. સંસ્થાના આવા સમાજસેવાના કાર્યથી હૉસ્પિટલના હોદ્દેદારો અને હ્યુસ્ટનના મેયર પણ પ્રભાવિત થયા.
આજના આશીર્વાદ
સ્વામીશ્રીએ પ્રથમના સોળમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે ઉદ્‌બોધેલા વિવેક ઉપર વાત કરતાં કહ્યું,
(૧) આપણા જીવનની અંદર સત્સંગ કરવો એ સૌથી અગત્યનું છે. સત્સંગથી જ અધ્યાત્મિક માર્ગે ચલાય છે. દરેક ધર્મો અને સંપ્રદાયોએ આ વાત કરેલી છે.
(૨) સમજી રાખો કે અમેરિકામાં હશો કે જ્યાં રહેતાં હશો ત્યાં પણ એક વાત તો સમજવી જ પડશે કે આપણે અહીં મહેમાન જ છીએ. દેહરૂપી ઘરમાંથી ગમે ત્યારે નીકળવાનું છે. જો આ જ્ઞાન દૃઢ થાય તો દેશની કે દેહની કોઈ મમતા રહે નહીં અને અંતરમાં શાંતિ રહે.
(૩) શ્રીજી મહારાજે કુસંગનો ત્યાગ કરવાની વાત કરી. કુસંગ એટલે મનુષ્ય તરીકે જે વર્તવાનું છે એ રીતે ન વર્તાય. પશુ જેવું જીવન જીવાય એટલે કે પશુને જેમ આ ખવાય કે ન ખવાય, આ કરાય કે ન કરાય એનું ભાન નથી. એવું જીવન જીવાય એ કુસંગ છે.'
આજના પ્રસંગે સૌને ગૌરવ થાય એવી વાત એ હતી કે અમેરિકા સ્ટેટના હ્યુસ્ટન જેવા મોટા શહેરના દિવસને 'બી.એ.પી.એસ. ડે' તરીકે જાહેર કર્યો હતો.