Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વાપીમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં સત્સંગસભાનો દિવ્ય લાભ

તા. ૨-૧-૨૦૦૫ના રોજ વાપી ખાતે વાપી ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના સભાગૃહમાં પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં એક જાહેર સત્સંગસભા યોજવામાં આવી હતી. સ્વામીશ્રીનાં દર્શન અને આશીર્વાદ માણવા માટે ભાવિક મુમુક્ષુઓથી સમગ્ર હોલ છલકાઈ ઊઠ્યો હતો. સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીના પ્રવચન બાદ સત્સંગ મંડળ તથા અગ્રણીઓએ સ્વામીશ્રીને હાર અર્પણ કર્યા હતા. સૌ વતી સ્થાનિક અગ્રણી ગફુરભાઈ બિલખિયાએ પ્રવચન કરતાં કહ્યું : 'પ્રમુખસ્વામી મહારાજ અહીં પધાર્યા એ અહોભાગ્યની વાત છે ! અમે લંડન ગયા હતા. ત્યાં પ્રમુખસ્વામી મહારાજે જે મંદિર બાંધ્યું છે, કેવી ભવ્યતા ! ત્યાં અમે ગયા તો ધોળિયા દંડવત્‌ કરતા હતા! આ ધોળિયામાંથી દંડવત્‌ કઈ રીતે કરવા એ અમે શીખ્યા. અહીં પણ આદિવાસી વિસ્તારમાં હું જ્યાં જાઉં છું ત્યાં પ્રમુખસ્વામીનું જ નામ સંભળાય છે. કોઈ આદિવાસીને પૂછું કે આ શું છે ? તો કંઠી બતાવીને કહે : 'સ્વામિનારાયણની કંઠી છે.' 'એમાં શું કરવાનું ?' 'દારૂ નહીં પીવાનું, માંસ નહીં ખાવાનું.' ક્યાં લંડનના ધોળિયા અને ક્યાં આદિવાસીઓ! દરેક પ્રમુખસ્વામીનું જ નામ લે છે. પ્રમુખસ્વામીની દૃષ્ટિ સૌ ઉપર પડી છે એટલે આપણે ભાગ્યશાળી છીએ.'

અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે, 'ધર્મ એટલે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ - એ ધર્મની વાત નથી, એ સંપ્રદાય છે. વૈષ્ણવ કહો, સ્વામિનારાયણ કહો, શૈવ કહો એ મત છે, સંપ્રદાય છે. ધર્મ એક જ છે - ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે, સદાચાર એ ધર્મ છે. એમાં નાતજાતના ભેદ નથી. સદાચારી એટલે સત્ય, નીતિ, દયા, અહિંસા, બ્રહ્મચર્ય એ ગુણો હોવા જોઈએ અને ધર્મ એક જ કહે છે કે ચોરી ન કરવી, દારૂ ન પીવો, અનીતિ ન કરવી, પણ આજે એવું વાતાવરણ છે કે આપણા સંસ્કારોને છિન્નભિન્ન કરે છે.

માણસ ગમે તે દેશનો, ગમે તે જ્ઞાતિનો, ગમે તે ધર્મનો હોય, પણ તે સદાચારી હોય તો માણસ કહેવાય. ધર્મ એક જ છે, ભગવાન એક જ છે, પણ જુદા સ્વરૂપે આવે. મારગ જુદા હોય પણ પહોંચવાની વસ્તુ એક જ છે, પણ માણસને થઈ ગયું કે મારો ધર્મ મોટો ને તમારો નાનો, અમારી વાત સાચી ને તમારી ખોટી - એના ઝઘડા છે. ધર્મ ખોટો નથી, ભગવાન ખોટા નથી. ખોટા આપણે છીએ. આપણે ભેદ પાડીએ છીએ. ભગવાન ભેદ પાડતા નથી. સૂર્ય કાંઈ ભેદ પાડે છે ? બધાને પ્રકાશ આપે જ છે. પવન, વરસાદ બધામાં કાંઈ ભેદ નથી, એમ સંત પણ બધા માટે પરોપકાર કરે છે.'
સભાના અંતે ચિન્મય સ્વામીએ આભારવિધિ કરી હતી. અહીંથી સૌની ભક્તિભાવભરી વિદાય લઈને સ્વામીશ્રી સેલવાસ પધાર્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |