Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પૂનામાં સ્વામીશ્રીએ કરેલી દિવ્ય સત્સંગ-લહાણ

તા. ૨૧-૧-૨૦૦૫ થી ૨૩-૧-૨૦૦૫ દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજે મહારાષ્ટ્રમાં પૂના ખાતે બિરાજીને દિવ્ય સત્સંગલાભ આપ્યો હતો.
ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ સ્વરૂપે પાવન કરેલા આ શહેરમાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે કોરેગાંવપાર્ક વિસ્તારમાં યોગીપાર્કમાં છોટુભાઈ અજમેરાના નિવાસસ્થાને સત્કારસભા યોજીને સ્થાનિક સત્સંગમંડળે સ્વામીશ્રીને વધાવ્યા હતા. સત્કારસભામાં શોભિતસ્વરૂપ સ્વામી, મધુરવદન સ્વામી, પ્રણવતીર્થ સ્વામી તથા દિવ્યમુનિ સ્વામીએ કીર્તનભક્તિ અને આદર્શજીવન સ્વામીએ હિન્દીમાં પ્રવચનનો લાભ આપ્યો હતો. ૧૫૦૦થી વધારે આમંત્રિતો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવેકસાગર સ્વામીના પ્રવચન પછી અજમેરા પરિવાર વતી છોટુભાઈ અજમેરા તથા સત્સંગમંડળ વતી મૂળજીભાઈ, મહિલામંડળ વતી જશભાઈ પટેલે પુષ્પહારથી સ્વામીશ્રીને વધાવ્યા. પૂના સત્સંગમંડળે બનાવેલો 'સર્વમંગલ નામાવલી'થી અંકિત હાર કોઠારી સ્વામીએ સૌ વતી સ્વામીશ્રીને અર્પણ કર્યો. ભક્તસમુદાયને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું : 'જેવો સંગ તેવો રંગ. જેવું ખાવ તેવો ઓડકાર આવે. એટલે જ શાસ્ત્રમાં લખ્યું છે કે સંગ સારા પુરુષોનો કરવો. ભગવાને મોક્ષ માટે આ દેહ આપ્યો છે, તો મોક્ષ માટે પ્રવૃત્તિ કરવી જોઈએ. એના માટે રામાયણ, મહાભારત, વચનામૃત જેવા ગ્રંથો પણ આપ્યા છે, પરંતુ એ વાંચવાને બદલે માણસ બીજું જ વાંચે છે, જેને લીધે અશાંતિ વધે છે અને ખરાબ સંસ્કાર આવી જાય છે. શાસ્ત્રોમાં કઈ રીતે ભક્તિ કરવી, કલ્યાણ કરવું એ લખ્યું જ છે, પરંતુ એ થતું નથી ને ખાધું-પીધું ને રાજ કર્યું એવું થાય છે. એ રીતે તો પશુઓ પણ જીવન જીવે છે. આપણે સારા બંગલામાં સૂઈએ છીએ અને એ રસ્તા ઉપર સૂવે છે. એમાં ને આપણામાં ફરક શું ? માણસની વિશેષતા તો ભગવાન ભજવામાં છે. ભગવાનનું ભજન કરીને જે ધામમાંથી પાછું આવવાનું નથી અને જ્યાં સુખ, સુખ અને સુખ છે, એને પામવાનું છે. એ કાર્ય મનુષ્યદેહે કરીને કરવાનું છે.'
અહીંના હરિભક્તોના કહેવા પ્રમાણે બે જ દિવસ પહેલા અહીં ઊભા પણ ન રહેવાય એવી સખત ઠંડી હતી, પરંતુ સ્વામીશ્રીની પધરામણીના પગલે અચાનક જ આ ઠંડીનો મિજાજ ગુલાબી બની ગયો. વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. એટલે જ તા. ૨૨-૧-૨૦૦૫ના રોજ વહેલી સવારે સ્વામીશ્રીના પધારતાં પહેલાં ખુલ્લા મેદાનમાં બંધાયેલા મંડપમાં પૂજા માટેના દર્શનાર્થીઓ ઊમટવા લાગ્યા હતા. નજીકમાં જ આવેલા સાંગલી ગામનાં નાનાં-મોટાં ૫૧ હરિભક્તો પદયાત્રા કરીને આવ્યાં હતાં.
પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ આજે અજમેરા પરિવારના 'શ્રી પ્રીકોટેડ સ્ટીલ લિમિટેડ'માં પધારીને નૂતન પ્લાન્ટને પ્રસાદીભૂત કર્યો હતો. અહીં યોજાયેલી કારીગરોની સભામાં આદર્શજીવન સ્વામી અને વિવેકસાગર સ્વામીનાં પ્રવચન બાદ સ્વામીશ્રીએ તમામ કારીગરબંધુઓને પ્રામાણિક અને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી.
આજે સંધ્યા સત્સંગસભામાં પ્રારંભે, મુંબઈ યુવકમંડળે નૃત્ય રજૂ કર્યા બાદ સાંગલીના બાળમંડળ તરફથી 'આહાર-વિવેક' નામનો સંવાદ રજૂ થયો હતો. ત્યારબાદ સાંગલી મહિલામંડળે બનાવેલો હાર વડીલ સંતો તેમજ અગ્રેસર હરિભક્તો - અશ્વિનભાઈ અજમેરા, કાંતિભાઈ રણછોડભાઈ પટેલ, વિશાલભાઈ (બાળમંડળ), શૈલેષભાઈ (યુવકમંડળ), આનંદભાઈ (બાલિકામંડળ), ચંદુભાઈ સુરતવાળા, રાજકમલભાઈ, પ્રેમજીભાઈ પટેલ તથા સાંગલી સંયુક્તમંડળ વતી ગુણવંતભાઈ ચોટલિયા, મહિલામંડળ વતી પંકજભાઈ પરમાર, યુવકમંડળ વતી બેચરભાઈ દેવલિયા, બાળમંડળ વતી ભવાનભાઈ તથા મંદિર માટેની જમીનની સેવા આપનાર બાળા સાહેબ અળગડે, ભાજપ શહેરના અધ્યક્ષ અનિલકુમાર, ખેરવા (રાજસ્થાન) સંસ્કારધામ તરફથી દેવારામ ધર્માવત, 'શ્રી ગૌર બ્રાહ્મણ (મારવાડી) સમાજ' વતી ભરતભાઈ ધર્માવત, જલારામ સંસ્થા, પૂના મૅડિકલ ઍસોસિયેશન, પૂના લાયન્સ ક્લબ વગેરેના અધ્યક્ષ તરફથી સ્વામીશ્રીને સત્કારવામાં આવ્યા. અંતે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ સંત મહિમા સમજાવ્યો હતો : 'સદ્‌ગુણો આપણી શોભા છે. ધર્મવાળું જીવન એ આપણી શોભા છે. આ શરીર ગમે એટલું રૂપાળું હોય પણ એ શોભા નથી. ૠષિઓએ સમજાવ્યું છે કે શરીર ભલે ગમે એવું હોય પણ એનું જ્ઞાન જોવું જોઈએ. જેમ કોઈને તરસ લાગી હોય તો નદી વાંકીચૂંકી હોય તો પણ જો પાણી સ્વચ્છ હોય તો પીવે છે એવી રીતે આપણે પણ દૃષ્ટિ કેળવવાની છે. આ દૃષ્ટિ ક્યારે કેળવાય ? ભગવાન કે ભગવાનના સંત મળે ત્યારે, આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય ત્યારે. આ દૃષ્ટિ સંત આપણને આપે છે. એટલે જ કહ્યું છે 'સંત પરમ હિતકારી.'
તા. ૨૩-૧-૨૦૦૫ના રોજ પ્રાતઃપૂજામાં મયૂર, મુમુક્ષુ તથા આદર્શ અજમેરાએ સ્વામીશ્રી સમક્ષ પ્રાર્થનાનૃત્ય રજૂ કર્યું. અજમેરા પરિવારે સ્વામીશ્રીની વિદાય વેળાએ 'તમારી મૂર્તિ વિના' તથા 'મહાબળવંત માયા તમારી...' પ્રાર્થનાનું સમૂહમાં ગાન કર્યું.
સ્વામીશ્રીએ પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં સૌને સ્નેહશીખ આપતાં કહ્યું : 'આખી પ્રાર્થનામાં ભક્તોએ એવું જ માગ્યું છે કે જગતની મોટાઈ ન આપશો. પ્રધાન થવું એ બધું ન આપશો. પ્રધાનમાં ક્યાં સુખ છે ? ભગવાન સાંભરે એ જ મોટું સુખ. ગમે એ ક્ષેત્રમાં હોઈએ, પણ ભગવાન સાંભરે એ વાત મોટી. આપણે તો હંમેશાં ભગવાનને સંભારીને ખાઈ લેવાનું, પી લેવાનું અને હંમેશાં ભગવાનનું ભજન કરવાનું. એના જેવું કોઈ જ સુખ નથી.'
સ્વામીશ્રી ૧૦-૪૫ વાગે પૂનાથી હવાઈમાર્ગે વિદાય લઈને ૧૧-૪૫ વાગ્યે સુરત ઍરપોર્ટ ઉપર પધાર્યા. ઘનશ્યામચરણ સ્વામી, ઉત્તમપ્રકાશ સ્વામી, નિરન્નમુક્ત સ્વામી તથા સંતો અને અગ્રણી હરિભક્તોનું અભિવાદન ઝીલીને સ્વામીશ્રી એસ્કોર્ટ સાથે સુરત મંદિરે પધાર્યા ત્યારે અહીં પણ ભરબપોરે સ્વામીશ્રીનાં પ્રથમ દર્શન કરવા માટે હરિભક્તોનો મહેરામણ ઊમટ્યો હતો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |