Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સુરતમાં સ્વામીશ્રીનો ભવ્ય સત્કાર

ગુજરાતની સોનાની મૂરત સમી સુરત નગરીમાં લગભગ સવા વર્ષ પછી પગલાં કરી રહેલા પ્રમુખસ્વામી મહારાજને વધાવવા માટે તા. ૨૩-૧-૨૦૦૫ના રોજ ભવ્ય સત્કાર-સમારંભમાં ૩૦,૦૦૦ હરિભક્તોની વિશાળ ભક્તમેદની ઊમટી હતી.
સુરતમાં સ્વામીશ્રીના આ વખતના નિવાસ દરમ્યાન કેટલીક ચિરંતન સ્મૃતિઓ સુરત શહેરને સમર્પિત થવાની હતી. આથી હરિભક્તોનો ઉત્સાહ અપૂર્વ હતો.
તાપી નદીના તટ પર, મંદિરની નવી સંપાદિત થયેલી વિશાળ ભૂમિ પર યોજાયેલી આ સ્વાગતસભામાં વિવેકસાગર સ્વામીએ નીલકંઠ વનવિચરણ આખ્યાન નિરૂપ્યા બાદ વિશિષ્ટ સ્વાગતવિધિનો પ્રારંભ થયો. બાળકોએ 'આજ અમારે ઘેર થાય લીલા લહેર...'ના તાલે નાચતાં નાચતાં નૃત્યમંચ ઉપર નીલકંઠ વણીની નગરયાત્રાનો માહોલ ખડો કરી દીધો. બિડાયેલા કમળને લઈને બાળકો મંચ ઉપર નગરયાત્રારૂપે આવ્યા. કમળને બરાબર વચ્ચે પધરાવવામાં આવ્યું અને અચાનક કમળ ખીલવા લાગ્યું. ખીલેલા કમળમાંથી નીલકંઠ વણી બહાર આવ્યા. નીલકંઠ વણીના આ પ્રાગટ્યને સૌએ જયનાદથી વધાવી લીધું. બે બાળકોએ સ્વામીશ્રી સમક્ષ આવીને પુષ્પો આપ્યાં ને એ પુષ્પોની અંજલિથી સ્વામીશ્રીએ નીલકંઠ વણીને ભાવ-અર્ઘ્ય અર્પ્યું.
સુરતમાં સ્વામીશ્રી નીલકંઠવણીની અભિષેક મૂર્તિની પ્રતિષ્ઠા કરવાના છે તેના આનંદ રૂપે રચાયેલા આ માહોલને વધાવવા ગીત ગુંજી ઊઠ્યું, 'આનંદનો અવસરિયો મહેકી રહ્યો...' નૃત્ય દરમ્યાન ગગનમાં આતશબાજી છવાઈ રહી. અડાજણ મહિલામંડળે બનાવેલો ૮૪,૦૦૦ તલનો હાર સ્વામીશ્રીને અર્પણ કરીને ઘનશ્યામચરણ સ્વામીએ સત્સંગમંડળ વતી સત્કાર કર્યો. આ હાર ગૂંથતી વખતે ૮૫ વખત જનમંગલ નામાવલીનો પાઠ કરવામાં આવ્યો હતો. એ જ રીતે કોઠારી ઉત્તમપ્રકાશ સ્વામી, શહેરના ડેપ્યુટી મેયર ધીરુભાઈ સવાણી તથા ડાયમંડ ઍસોસિયેશન વતી ગોધાણી જેમ્સના મનોજભાઈ ગોધાણી, સત્સંગમંડળના પ્રમુખ જગદીશભાઈ પટેલ તથા રાજ મનજીભાઈ ધોળકિયા (ભવાની જેમ્સ), રવજીભાઈ ભગત, વીરજીભાઈ (પાટી), નરશીભાઈ રાભડાવાળા, હિંમતભાઈ મોરડિયા, રમેશભાઈ સાઠરિયા, ઘનશ્યામભાઈ નારોલાએ સ્વામીશ્રીને હાર પહેરાવીને, પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કર્યું.
અંતે આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે ''સુરતની બલિહારી કહી છે. સુરત શહેરમાં સત્સંગનો વિકાસ હંમેશાં થતો રહ્યો છે. ભગવાનમાં શ્રદ્ધા છે અને સંતો તરફ આદરભાવ છે એ આપણા ભારતના સંસ્કાર છે અને એ સંસ્કાર વધુ સાચવી શકીએ, જીવનમાં દૃઢ કરી શકીએ, એ માટે પ્રેરણા આવી સત્સંગસભાઓમાં જવાથી મળે છે. સુરત ખૂબ વિકાસ પામ્યું છે. બાહ્ય વિકાસની સાથે સાથે ધર્મનો વિકાસ થવો જોઈએ. જે ભગવાનમાં માનો તેમાં દૃઢ શ્રદ્ધા રાખો. શાસ્ત્રોએ, ૠષિઓએ જે સદ્‌ગુણ બતાવ્યા છે તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ભક્તિ, દયા, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય એ આદિક ગુણ આપણા જીવમાં દૃઢ કરવાના છે. એ ગુણ ન હોય તો 'ધર્મેકા હીના પશુભિઃ સમાનાઃ' - ધર્મ વિનાનો માણસ પશુ જેવો કહેવાય. આપણને પશુ કરતાં જુદી બુદ્ધિ શક્તિ આપી છે અને બુદ્ધિથી શું કરવું, શું ન કરવું ? સારું શું, નરસું શું ? ધર્મ શું, અધર્મ શું ? સત્ય શું, અસત્ય શું ? સંત શું, અસંત શું છે - એવી વિવેકબુદ્ધિ આપી છે. એ વિવેકબુદ્ધિના વિકાસ માટે આપણાં શાસ્ત્રોનું વાચન, ભગવાનનાં મંદિરો અને સંત સમાગમ. આ જો હોય તો સારો વિકાસ થાય અને જે ક્ષેત્રમાં હો એમાં શાંતિ રહે. જેટલો ધર્મનો પ્રચાર થશે, આધ્યાત્મિક પ્રચાર થશે એટલી શાંતિ છે.'
૩૦,૦૦૦ની ભક્તમેદનીએ આજે સ્વામીશ્રીનાં પ્રથમ દર્શનનો લાભ લીધો અને જીવનની વિશિષ્ટ સ્મૃતિ અંતરમાં સંગ્રહી લીધી.
તા. ૨૪-૧-૨૦૦૫ના રોજ મંદિરના સભાગૃહ 'નારાયણ કથાકુંજ'માં સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા કરી. ગામડે જઈને કીર્તન-આરાધના કરી રહેલા સુરતના યુવકોએ ભક્તિપદો ગાયાં.
આજે સંધ્યા સત્સંગસભામાં, નીલકંઠ વણી પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ, નીલકંઠ વણીના જીવન ઉપર આધારિત સંવાદ પ્રસ્તુત થયો. જયેન્દ્ર વીંછી લિખિત 'નીલકંઠ કલ્યાણયાત્રા' સંવાદ દ્વારા વણીનાં વિચરણ, દયાળુ સ્વભાવ, પ્રતિભા તથા કલ્યાણભાવના વગેરે પાસાંઓને ઉજાગર કરતાં દૃશ્યો એક પછી એક પ્રસ્તુત થતાં રહ્યાં. યોગવીર સ્વામી લિખિત નૃત્યગીત દ્વારા સંવાદની સમાપ્તિ થઈ.
સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં કહ્યું : 'મહારાજ છપૈયામાં પ્રગટ્યા, બાળલીલા કરી. માતાપિતાને દિવ્ય ગતિ આપી ૧૧ વર્ષે કલ્યાણયાત્રા માટે નીકળ્યા. હિમાલયની યાત્રા કરી, મુક્તિનાથ ગયા. તપ કરી બતાવ્યું કે તપ કેવી રીતે થાય ? વર્ત્યા પછી વર્તાવ્યા. નકશા ન હતા, પણ બધે ચાલીને ગયા. સૂર્યનો પ્રકાશ પણ ન પડે એવાં જંગલોમાં ગયા. હિંસક પશુઓનું પરિવર્તન કર્યું. પિબેકનું અભિમાન ઉતાર્યું. માણસમાં થોડી શક્તિ આવે ને ઊંચા કૂદે. ભગવાન આગળ પોતાની શક્તિ બતાવવા જાય, પણ એ શક્તિ ભગવાનની છે એટલું ભાન આપણને નથી. આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એ ભગવાનને લઈને થઈ શકે છે. આ બોલવાની શક્તિ પણ એ અંદરથી આપે છે, નહીંતર આપણે બોલી પણ ન શકીએ.
ભગવાનની લીલામાં દિવ્યતા જ હોય. એમાં ભગવાનને કોઈ હિંસા કરવી, નાશ કરવો એ ન હોય, પણ માણસ એના કર્મે કરી નાશ પામે છે. ભગવાનનાં કાર્યોમાં દિવ્યતા માનવાની છે. અનેકનું કલ્યાણ કરવા આવ્યા છે. દ્વેષભાવે યોગ થયો તો તેõનું પણ કલ્યાણ કરે. ભક્તિભાવે કરે તેનું પણ કલ્યાણ કરે. તો સારો સંવાદ રજૂ કર્યો છે અને બધાને ખૂબ ખૂબ બળ મળે અને મહારાજનાં ચરિત્રોમાંથી સારું જ્ઞાન થાય એવું બળ મળે એ પ્રાર્થના.'

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |