Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સુરતમાં જીવનપરિવર્તનની અનુપમ ઝાંખી : ગ્રામ્યદિનની વિશિષ્ટ ઉજવણી

જીવનપરિવર્તનના કસબી પ્રમુખસ્વામી મહારાજના પગલે પગલે કંઈક ચમત્કાર સર્જાય છે. સ્વામીશ્રીના દિવ્ય સ્પર્શે અનેક લોકોનાં હૈયેથી અધમતાનાં અંધારાં આથમ્યાં છે અને દિવ્યતાનાં અજવાળાં પ્રસર્યાં છે.
તા. ૨૭-૧-૨૦૦૫ના રોજ સવારે ગ્રામ્યદિન નિમિત્તે યોજાયેલી વિશિષ્ટ સભામાં સ્વામીશ્રીએ કરેલાં એવાં જીવનપરિવર્તનોની એક વિશિષ્ટ આભા માણવા મળી હતી.
કાંઠા ગાળાના સાવ સામાન્ય હરિભક્તોએ સ્વામીશ્રીને રાજી કરવા માટે આજે ચમત્કાર સર્જ્યો હતો. સત્સંગ થયા પહેલાં સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં દારૂ, જુગારની ભયંકર બદીને કારણે નિષ્ક્રિયતા, નિરક્ષરતા અને નિષ્કિંચનતાનો રોગ લાગુ પડેલો હતો, પરંતુ સ્વામીશ્રીના વિચરણથી અને તેઓની આજ્ઞાથી વિચરણ કરતા શ્રીજીનંદન સ્વામી, ભક્તિપ્રકાશ સ્વામી વગેરે સંતોના પ્રયત્નથી અહીં સત્સંગનો પારસ અડ્યો અને સામાજિક ક્ષેત્રે પણ આ સૌએ પ્રગતિ સાધી. સત્સંગ થયા પછી અહીં સાક્ષારતાનું પ્રમાણ પણ વધ્યું છે. શિક્ષણક્ષેત્રે બાળસંસ્કાર કેન્દ્રો દ્વારા પ્રેરણા મેળવીને અહીં કોળી કે માછી સમાજમાંથી ડૉક્ટરો, એન્જિનિયરો, ગ્રૅજ્યુએટ અને પોસ્ટ ગ્રૅજ્યુએટ થયા છે. પંદર જેટલા બાળકો એવા છે કે જેઓએ શૈક્ષણિક ક્ષેત્રે કે સંગીતના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવી છે.
ઉપસ્થિત ૮૦૦૦ ભક્તોમાંથી મોટા ભાગના હરિભક્તો એવા હતા કે જેઓ સત્સંગ થયા પહેલા દારૂ પીને આખો દિવસ પડી રહેતા, પરંતુ સંતોના વિચરણથી વ્યસનમુક્ત થયા પછી તેઓના પગમાં આધ્યાત્મિકતાનું જોમ આવ્યું અને અત્યારે એ જ નિષ્ક્રિય વ્યક્તિઓ ગામમાં વ્યસનમુક્તિની આહ્‌લેક જગાવી રહ્યા છે.
કાંઠા વિસ્તારમાં દરિયાકિનારે આવેલા ટૂંકા ફળિયા ગામની આ વાત છે. જ્યાં દારૂ, દરિયો અને દૂધનો ત્રિવેણી સંગમ હતો. પીવાના પાણીની જગ્યાએ જ્યાં દારૂ પીવાતો. આ ગામના સોમાકાકા પોતાના પડછાયા કરતાં પણ નજીક દારૂની બૉટલ અને દેશી બીડીની ઝૂડી રાખતા. રોજનો પાંચ લિટર દારૂ અને પચાસ બીડી તેઓ પીતા. નશાની હાલતમાં ગમે ત્યાં પડ્યા રહેતા છતાં ગામમાં કોઈને કાંઈ જ ફરક પડતો ન હતો, કારણ કે આ ગામમાં મોટા ભાગના લોકો આ જ રીતે કઢંગી હાલતમાં દારૂ પીને ગમે ત્યાં પડી રહેતા હતા. સોમાકાકાની તબિયત કથળવા માંડી. ડૉક્ટરોએ સાફ કહી દીધું કે હવે સોમાકાકા થોડાક જ દિવસના મહેમાન છે. છતાં સોમાકાકાને ડૉક્ટરની આ ચેતવણીની કાંઈ જ અસર ન થઈ. પરંતુ સ્વામીશ્રીના સંગે સત્સંગી બનેલા મહાદેવભાઈએ સોમાકાકાનો કેસ હાથમાં લીધો. બાળસંયોજક મહાદેવભાઈએ તેઓને સ્વામીશ્રીના આશીર્વાદ અપાવ્યા અને એ જ દિવસથી દૂષણો ક્યાં દૂર થઈ ગયાં એની પણ ખબર ન પડી. આ જ સોમાકાકા અત્યારે ગામમાં વ્યસન મુકાવવાનું કાર્ય કરી રહ્યા છે.
કેશવભાઈ રણછોડભાઈ પટેલ સાંધિયેર ક્ષેત્રના ઉમરા ગામના હરિભક્ત છે. સત્સંગ થયા પછી તેઓમાં સમજણ અને આત્મનિષ્ઠા દૃઢ થઈ છે. તેઓનો ૨૫,૦૦૦નો પગારધારી પુત્ર અક્ષરનિવાસી થયો. નજીકના સગાઓ અને ગામના લોકો કેશવભાઈને આ આઘાતજનક સમાચાર આપતા અચકાતા હતા, પરંતુ ગમે ત્યાંથી કેશવભાઈને જાણ થઈ ત્યારે તેઓ સૌથી પહેલા એવું બોલ્યા કે 'જેવી મહારાજની ઇચ્છા. મારો દીકરો અક્ષરધામમાં જ બેસી ગયો છે.' તેઓએ પોતાના ઘરના સભ્યો અને સગાસ્નેહીઓને પણ આવી જ બળની વાતો કરી.
શાયણ ગામના સુભાષભાઈ હંસરાજ પાટીલ પોતે પોલીસ કોન્સ્ટેબલ છે. કઠોરની ગલિયારા હાઈસ્કૂલમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા વખતે તેઓને ફરજ તરીકે ત્યાં જવાનું થયું. યોગાનુયોગ તેઓની દીકરી પણ આ જ સ્કૂલમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા આપી રહી હતી. તેઓની સાથેના કર્મચારીઓએ આગ્રહ કરીને કહ્યું કે 'તારી દીકરીને તું ચોરી કરાવ તો એનું ભવિષ્ય સુધરી જશે.' ત્યારે પોતાના હાથમાં હોવા છતાં આ પોલીસ કોન્સ્ટેબલે કહી દીધું કે 'મારી દીકરી ભલે નપાસ થાય. હું એને ચોરી કરવાની પરવાનગી આપીશ જ નહીં. હું પ્રમુખસ્વામી મહારાજનો ભક્ત છું. મારાથી ચિઠ્ઠી કે કાપલી ન જ અપાય. ભલે મારી દીકરી નપાસ થાય.' મહારાજ અને સ્વામીના આશીર્વાદ ઉપર પોતાની દીકરીનું ભવિષ્ય છોડીને, ગુરુવચનોનું યથાર્થ પાલન કરીને પ્રામાણિકતા દર્શાવનાર હરિભક્ત પણ આ જ સભામાં બેઠા હતા.
ઓલપાડ તાલુકાના સેગવાછામા ગામ હજી પણ રાજુભાઈને યાદ કરે છે. જ્યારે જ્યારે આ ગામમાં ઝઘડો થતો ત્યારે ત્યારે ગામના આબાલવૃદ્ધ પાસેથી એક જ નામ ચર્ચાતું. એ નામ હતું રાજુભાઈનું. દુર્વાસાને પણ પાછા પાડે એવો એમનો ગુસ્સો. અઠવાડિયામાં ગામની અંદર આઠ-દશ ઝઘડા અનાયાસે તેઓ કરી બેસતા. તેઓ ગામમાંથી પસાર થાય ત્યારે કોઈ એમની સામે ઊંચી આંખ કરીને પણ જોઈ શકે એમ હતું નહીં, પરંતુ સત્સંગનો પારસ અડ્યો, સંતોનો સમાગમ થયો, સ્વામીશ્રીનો યોગ થતાં તેઓમાં એવું પરિવર્તન આવ્યું કે ગુસ્સાની એ ઊર્જા સત્સંગના પ્રચારમાં લાગી ગઈ. આજે આર્થિક રીતે તેઓ ખૂબ જ પાતળા છે. રીક્ષા ચલાવીને રોજેરોજનું ગુજરાન ચલાવે છે. જો રીક્ષા બંધ હોય તો ઘરે જમી પણ ન શકાય એવી પરિસ્થિતિ આજે પણ હોવા છતાં દરઅઠવાડિયે તેઓ એક કલાક સૌનો સંપર્ક કરીને સભામાં લાવે છે અને ત્યારપછી જ પોતાના વ્યવહારની ચિંતા કરે છે. આવી જ વાત માંગરોળ તાલુકાના નાની નરોલી ગામના મોરારભાઈની છે. આ ગામમાં ૮૦„ મુસલમાનો અને ૨૦„ હિન્દુઓ રહે છે. મોરારભાઈ વ્યસને પૂરા અને સ્વભાવે ખુંખાર. ઘોડા ઉપર નીકળ્યા હોય તો તેઓનું નામ લેવાની કોઈ હિંમત ન કરે, પરંતુ સ્વામીશ્રીની દૃષ્ટિ પડતાં જ તેઓના જીવનમાં પરિવર્તન આવી ગયું. વ્યસનો-દૂષણો છોડી દીધાં. એક વખત તેઓને ગંભીર બીમારી આવી. આંખ એકદમ ખરાબ થઈ ગઈ. સુરત હૉસ્પિટલમાં આૅપરેશન કર્યું. જલદી સાજા થવા માટે ડૉક્ટરોએ કબૂતરનું સૂપ લેવાનો આગ્રહ કર્યો, પરંતુ શૂરવીર મોરારભાઈએ કહ્યું કે 'ભલે મારી આંખ જતી રહે, પણ પ્રમુખસ્વામીની આજ્ઞા હું ક્યારેય નહીં પડવા દઉં. મારે એ કશું જ કરવું નથી.' તેઓ પોતાની ટેકને વળગી રહ્યા. સ્વામીશ્રીએ તેઓની આંખ ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા ને ભગવત્કૃપાથી તેઓની આંખ આબાદ બચી ગઈ. એમના સુપુત્રના લગ્નપ્રસંગે સમાજના રીતરિવાજ મુજબ પશુહિંસા થાય જ, પરંતુ તેઓએ સામા પક્ષને જણાવી દીધું કે તમારે જો આ રીતે પશુહિંસા કરીને લગ્નમાં માંસ પીરસવું હોય તો તમારી દીકરી તમારા ઘેર ભલે રહી. હું આ કશું જ કરવાનો નથી. સગાંવહાલાંઓને સામેના પક્ષે કહ્યું કે 'ભલે માંસ ન પીરસીએ પણ જ્ઞાતિના રિવાજ મુજબ બકરું વધેરીને સૌને પ્રસાદ આપીએ તો શું વાંધો છે ?' પરંતુ તેઓએ દૃઢતાથી ના પાડી દીધી. તેમની ટેક જોઈને સૌ નમી પડ્યા.
માંગરોળ તાલુકાના વાંકલ ગામના મોદી પરિવારને સત્સંગનો રંગ લાગ્યો. તેઓને અનાજ કરિયાણાનો જામેલો ધંધો હતો. સત્સંગના યોગમાં આવ્યા ત્યારપછી તેઓએ વ્યસનો મૂક્યાં. ઘરમાંથી ખાણીપીણી અને પાર્ટી બધું જ બંધ થયું. સગા-સંબંધીઓને આ ન ગમ્યું. તેઓએ વિરોધ દર્શાવ્યો. દીકરા-દીકરી માટેનાં સગપણ માટે પણ અડચણ પડવા માંડી. કોઈ જ તૈયાર થાય નહીં, છતાં આ કુટુંબે દૃઢ નિર્ધાર કર્યો કે ગમે તે થાય ભલે સગપણ ન થાય અને કુંવારા રહે, પણ સત્સંગ તો મૂકવો જ નથી. અને તેઓની આ દૃઢતા જોઈને સૌમાં પરિવર્તન આવ્યું. સ્વામીશ્રીની દૃષ્ટિથી બધો જ વ્યવહાર સંપન્ન થઈ ગયો. તેઓની ઘટેલી ઘરાકી પણ પહેલાં કરતાં વધારે ચાલવા લાગી.
આ સૌ હરિભક્તોએ ગુરુૠણ ચૂકવવાના ભાગરૂપે આજે હરિકૃષ્ણ મહારાજના ષોડશોપચાર પૂજનનો વિશિષ્ટ કાર્યક્રમ યોજ્યો હતો. ઘનશ્યામચરણ સ્વામીના પ્રવચન બાદ ષોડશોપચાર પૂજનનો કાર્યક્રમ શરૂ થયો. સુંદર માફામાં હરિકૃષ્ણ મહારાજને પધરાવીને લેઝિમના તાલ સાથે ગ્રામ્યક્ષેત્રના યુવકોએ સભાની મધ્યમાંથી પ્રવેશ કર્યો. માફામાં કમળ-આસનમાં હરિકૃષ્ણ મહારાજ વિરાજમાન થયા હતા. સૌ નાચતાં નાચતાં મંચ સુધી આવ્યા. ત્યારપછી 'આનંદનો અવસરિયો રે...' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. સ્વામીશ્રીને વધાવવા માટે આ ક્ષેત્રના હરિભક્તોએ એક વિશિષ્ટ નિયમનું વૃક્ષ તૈયાર કર્યું હતું. મંચ ઉપર અત્યારે આંબાનું વૃક્ષ દૃષ્ટિગોચર થઈ રહ્યું હતું. આ વૃક્ષની પ્રતિકૃતિ સમા નિયમના વૃક્ષમાં તપની માળા, દંડવત્‌, ટી.વી.નો ત્યાગ, શયનમાનસી, સ્વામીશ્રીના પ્રસંગની રોજ સ્મૃતિ, વ્યસનમુક્તિ, ચોર્યાસી કલાકના નિર્જળ ઉપવાસ, ચોર્યાસી સભાઓની ડાળખીઓ સાથેના ઘટાદાર વૃક્ષને ગ્રામ્ય વિસાના ઓલપાડ, ભાંડુત, સાંધિયેર અને કીમ ક્ષેત્રના ક્ષેત્રિય સંચાલકોએ સ્વામીશ્રીને અર્પણ કર્યું. સાંધિયેર ક્ષેત્રનાં મહિલા વિભાગે જનમંગલનામાવલિ અંકિત શાલ બનાવી હતી. આ શાલ સૌ બાળસહનિર્દેશકો દ્વારા સ્વામીશ્રીને અર્પણ કરવામાં આવી. મહિલામંડળે અને બાલિકાઓએ બનાવેલ ઇલાયચીનો હાર, અંજીર તથા કાળી દ્રાક્ષનો હાર, જનમંગલ નામાવલિ અંકિત શાલ અને હાર, ક્ષેત્રના સંયોજકો ને સંતોએ અર્પણ કરી. આ ક્ષેત્રના અગ્રણી હરિભક્તો ભૂપેન્દ્રભાઈ પટેલ(સુરત), યોગેશભાઈ કંથારિયા(સુરત), ધનસુખભાઈ પટેલ (ધારાસભ્ય, ઓલપાડ), કિરીટભાઈ(કરંજ), હરિભાઈ પટેલ(ઈસનપોર), છીતુકાકા(કોદસડ), કરસનકાકા(એરથાણ) આ સૌએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું.
આ પ્રસંગે સ્વામીશ્રીનાં દર્શન કરવા માટે જાદુગર કે.લાલ અને તેઓના સુપુત્રે સ્વામીશ્રીને હાર પહેરાવીને સન્માન્યા. પ્રવચન કરતાં તેઓએ જણાવ્યું કે 'કળિયુગમાં જ્યારે બહુ હ્રાસ થાય ત્યારે આપણને ઉગારવા માટે મહાન શક્તિ આવે છે. હું ધર્મે કરીને જૈન છું. પણ બાપાએ મને સ્વામિનારાયણ બનાવી દીધો છે. ભગવાન મહાવીર જ્યારે વિચરતા ત્યારે લાખો ભક્તો ભેગા થતા. આજે ૨૫૦૦ વર્ષ પછી પ્રમુખસ્વામી જ્યાં જાય છે ત્યાં કીડિયારાની જેમ માણસો ઊભરાય છે એનો અનુભવ હું કરી રહ્યો છું. મહાશક્તિઓ ક્યારેય ચમત્કાર બતાવતી નથી હોતી. તેઓની આંખમાંથી કરુણા વહેતી હોય છે. હું નસીબદાર છું કે આજે મને પ્રમુખસ્વામી મહારાજના ચરણસ્પર્શ થયા.' આટલું કહીને તેઓએ કેટલાક જાદુના પ્રયોગો કર્યા અને સૌને આનંદ કરાવ્યો.
બાદ સૌના પ્રતિનિધિરૂપે ૧૦૦ જેટલા હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજનું ષોડશોપચાર પૂજન કર્યું. ભક્તિપ્રકાશ સ્વામીએ ગ્રામ્ય ક્ષેત્રના હરિભક્તો વતી પ્રાર્થનાનું વાંચન કર્યું. ત્યારબાદ આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે 'આપ બધા સામાન્ય છો, ગામડામાંથી આવ્યા છો, પણ ખ˜ષદ્ઘ, ખુણૂખદ્ઘ, છદ્ભમદ્ઘ, ર્ઠંદદ્ઘ... અંતરનાં પ્રેમથી કેવળ રાજી કરવા ભક્તિ કરો છો તો ભગવાન રાજી થાય છે. વ્રત-તપ-દાન-તીર્થો કરીએ એનાથી સંસ્કાર મળવાના છે, પણ એ બધાના ફળરૂપે મનુષ્યશરીર મળ્યું અને એ મનુષ્યશરીર મળ્યા પછી એવાં પુણ્ય હશે તો ભગવાન ને સંતનો યોગ થાય છે અને એ યોગે કરીને આપણે આત્મસમર્પણ કરી શકીએ. આત્મસમર્પણ એટલે આપણું તન-મન-ધન બધું ભગવાનનું કરી રાખીએ. વાપરવાનું આપણે છે પણ સમજણ કે બધું જ ભગવાનનું છે તો પછી ભક્તિ અંગીકાર કરી રાજી થાય છે.'
સાંજની સભામાં વિવેકસાગર સ્વામીની પારાયણની સમાપ્તિ પછી સુરતવાસી મહિલા હરિભક્તો વતી ષોડશોપચાર પૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો. ૮૪ વાર જનમંગલ નામાવલીનો પાઠ કરીને મહિલામંડળ દ્વારા બનાવવામાં આવેલો ટગરનો હાર, અડાજણ તથા રાંદેરનાં બહેનોએ બનાવેલ ઊનનાં વસ્ત્રો, ૧,૪૫,૦૦૦ સ્વામિનારાયણ મંત્ર ટાંકેલો ટીકીનો હાર, ૮૫ વાર જનમંગલ નામાવલી લખેલી શાલ, ૧૦૮ જનમંગલ નામાવલી લિખિત રિબિનનો હાર, એક એક ફૂલમાં તિલક દોરેલો ૮૪ ફૂટ લાંબો હાર, અક્ષરદેરીની છાપ અંકિત કરેલો વેલવેટનો હાર વગેરે સુરતના તમામ સંતો-હરિભક્તોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા. આજે ષોડશોપચાર પૂજન કાર્યક્રમ નિમિત્તે ૧૨૩૧ મહિલાઓએ નિર્જળ ઉપવાસ કર્યા હતા.
આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ સૌની ભક્તિને ખૂબ ખૂબ બિરદાવી.
૭-૩૦ વાગે આશીર્વાદની સમાપ્તિ પછી હરિકૃષ્ણ મહારાજની ધામધૂમથી પધરામણી કરવામાં આવી. યુવકો સભાની મધ્યમાંથી પાલખી ઉપર વિરાજમાન હરિકૃષ્ણ મહારાજને નગરયાત્રારૂપે મંચ ઉપર લાવ્યા. સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું. ત્યારબાદ ઘનશ્યામચરણ સ્વામી, ઉત્તમપ્રકાશ સ્વામી, શ્રીનિવાસ સ્વામી, પ્રભુચરણ સ્વામી વગેરે સંતોએ તથા સત્સંગના ટ્રસ્ટી મંડળના સભ્યોએ મીઠાઈની માટલીઓ અર્પણ કરી અને મહિલામંડળ વતી અગ્રણી હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજનું ષોડશોપચાર પૂજન કર્યું. સ્વામીશ્રીની વિદાય પછી સૌ આબાલ-વૃદ્ધ સ્ત્રી-પુરુષોએ હરિકૃષ્ણ મહારાજનાં દર્શનનો લાભ લીધો હતો.
તા. ૨૮-૧-૨૦૦૫ના રોજ સવારે સુરત ખાતે સંસ્થા દ્વારા નવનિર્મિત બી.એ.પી.એસ. પ્રમુખસ્વામી હૉસ્પિટલમાં શ્રીહરિકૃષ્ણ મહારાજની વિધિવત્‌ પધરામણી કરી હતી. સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે હૉસ્પિટલ પર પધાર્યા ત્યારે મુખ્ય પ્રવેશદ્વાર પર વેદોક્ત મંત્રોથી સંકલ્પવિધિ કરીને સ્વામીશ્રીએ ઠાકોરજી સહિત હૉસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. સમગ્ર હૉસ્પિટલનું નિરીક્ષણ કરીને સ્વામીશ્રીએ હૉસ્પિટલના કાર્યવાહકોને આશીર્વાદ આપ્યા હતા.
તા. ૨૯-૧-૨૦૦૫ના રોજ ગુજરાત રાજ્યના સંનિષ્ઠ સનદી અધિકારી સચિવ કિરીટભાઈ શેલત પોતે લખેલું 'યુગપુરુષ પ્રમુખસ્વામી મહારાજ' અંગ્રેજી પુસ્તક લઈને સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. સાથે આ પુસ્તકના પ્રકાશક ભગવતી ટ્રસ્ટના શ્રેયસભાઈ પંડ્યા પણ હતા. કિરીટભાઈએ કહ્યું : 'આપે ધર્મની વ્યાખ્યા જ બદલી નાખી છે. સ્વયંસેવક પહેલા ધર્મનું કાર્ય કરતો, પણ આપે ધર્મના કાર્યની સાથે સમાજના કાર્યને જોડીને વિશિષ્ટ રીતે ધર્મને વળાંક આપ્યો અને આપ ઘણી વખત કહો છો કે મુસ્લિમ સાચો મુસ્લિમ બને અને હિન્દુ સાચો હિન્દુ બને. આવી વાતો આપ સિવાય હજી સુધી વિશ્વકક્ષાએ કોઈએ કરી નથી.'
તા. ૩૦-૧-૨૦૦૫ના રોજ સવારે બી.એ.પી.એસ. પ્રમુખસ્વામી હૉસ્પિટલનો વેદોક્તવિધિપૂર્વક ઉદ્‌ઘાટનવિધિ થયો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, સાંસદ શ્રી કાશીરામ રાણા, મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ અને નરોત્તમભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં ઉદ્‌ઘાટન સમારોહ યોજાઈ ગયો.
સાંજે રવિ સત્સંગસભામાં હારતોરા પછી હૉસ્પિટલના નિર્માણમાં વિવિધ રીતે સહયોગ આપનાર સહયોગીઓને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. સ્વાગતવિધિ અને નૃત્ય પછી આશીર્વચન આપતાં સ્વામીશ્રીએ પ્રાર્થનાનો મહિમા સમજાવ્યો હતો. આજની સભામાં ૨૫,૦૦૦થી વધારે હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.
તા. ૩૧-૧-૨૦૦૫ના રોજ 'છાત્રાલય દિન' યોજવામાં આવ્યો હતો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયના યુવકોએ પ્રાતઃપૂજામાં કીર્તનો ગાયાં. પ્રાતઃપૂજા પછી સ્વામીશ્રીએ ડુંગરી અને ખાંજણ ફળિયા ગામનાં મંદિરોની મૂર્તિઓનું પૂજન કર્યું. ત્યારબાદ નીલકંઠ હૉલમાં વર્તમાન ધરાવવા આવેલા ૩૫૦ જેટલા નાના શિશુઓ પર ગુલાબની પાંખડીઓનો અભિષેક કર્યો.
મુલાકાતીઓને મળ્યા પછી, તપોવન આશ્રમના પ્રણેતા અને જાણીતા ક્રાંતિકારી જૈન ધર્મગુરુ શ્રીચંદ્રશેખર વિજયજી સ્વામીશ્રીને મળવા માટે પધાર્યા હતા, તેઓનું સ્વામીશ્રીએ અભિવાદન કર્યું. ચંદ્રશેખર વિજયજીએ કહ્યું : 'આપ તો ખૂબ જ કામ કરો છો. આપનું નામ વિશ્વમાં જબરજસ્ત છે. આપ વર્તમાનકાળમાં વિવેકાનંદ છો. આપના એક એક શબ્દની ધારી અસર થાય છે.'
સાંજની સભામાં સુરતના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયમાં ભણતા વિદ્યાર્થીઓએ વિશિષ્ટ કાર્યક્રમો પ્રસ્તુત કર્યા. અહીં ભણતા જયેશભાઈ મોરડિયા લિખિત 'સંસ્કાર સૌરભ' સંવાદ રજૂ થયો. પ્રલોભનોને ઠુકરાવીને પ્રામાણિક રહેતા સત્સંગી યુવાનની કથા આ સંવાદમાં સુંદર રીતે વર્ણવાઈ હતી. ત્યારબાદ છાત્રાલયના છાત્રો તરફથી હરિકૃષ્ણ મહારાજનો રજતતુલા થયો. ત્યારપછી સ્વામીશ્રીના સન્માનનો ઉપક્રમ રહ્યો.
અંતે પ્રેરક આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે 'જીવનમાં ગમે તેવાં આકર્ષણો, પ્રલોભનો હોય તો પણ એમાં સંસ્કારની દૃઢતા રાખવી. જેને ચારિત્ર્યરૂપી ધન પ્રાપ્ત થયું છે એ માણસ કાયમ માટે સુખી જ રહેવાનો છે. આપણી અપેક્ષાઓ જેટલી વધારે એટલું ખોટું કામ થવાનું. પૈસા ને સત્તા આ બે જ અનર્થ કરાવે છે. ખોટી રીતે આગળ વધ્યો હોય એ ગમે એવો કરોડપતિ હોય તોય એમાં પ્રેમ નહીં થાય, મહત્તા તો ચારિત્ર્યની, સંસ્કારની છે. શિક્ષણ સાથે ચારિત્ર્યનું ઘડતર હોવું જોઈએ. લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. લક્ષણ માને આપણું ચારિત્ર્ય, આધ્યાત્મિકતા.
ભગવાન રામના જીવનમાં એક બાણ, એક વચન, એક પત્ની. અત્યારે એનો તો વિચાર જ નથી કરતા. પોતાની પત્નીને મૂકીને બીજે રખડતા હોય છે. પત્નીઓ પણ પતિને મૂકીને ક્યાંય રખડતાં હોય છે - આ પશ્ચિમનો વાયરો છે, ત્યાં કોઈ મર્યાદાઓ નથી, નગ્ન સમાજ છે. પણ એમાં શાંતિ નથી. એને સ્વીકારવાની જરૂર નથી. ટી.વી.માં કેટલું અશ્લીલ આવે છે ? એમાં સંસ્કાર બધા ભૂંસાઈ જાય, એમાંથી બરબાદી થવાની છે.
બધાએ ગરબાના નિયમ લીધા છે એમાં ખૂબ હું રાજી છું કે સારધાર, જીવનના અંત સુધી આને મૂકશો નહીં, તો તમારું જીવન સાચું છે. તમારા પર ભગવાનની કૃપા થશે. ભગવાન રામ સીતાની સાથે રહ્યા. સીતા પણ એવાં કે રામ સિવાય બીજો વિચાર નહીં. આ તો છાશવારે છૂટાછેડા. લગ્ન થયાં નહીં ને ફરવા ગયાં નથી અને વચ્ચે આવતાં છૂટાં થઈ જાય. હનીમુન આપણા બાપદાદાએ કરી નથી. મંદિરમાં જાવ, ભગવાનનાં દર્શન કરો એમાંથી પ્રેરણા મળશે. એટલે લગ્નથી જોડાયાં પછી બીજે ફાંફાં મારવાનાં નહીં. એટલે લગ્નનું બંધન કાયમ રહે એ પ્રાર્થના કરવાની. એટલે છોકરાઓએ, છોકરીઓએ અને માબાપે પણ વિચાર કરવાનો છે કે ઘરની પરિસ્થિતિ શું થઈ રહી છે ? ઘરમાં રામાયણ, ગીતા, વચનામૃત રાખો. વાંચીને ચિંતન કરો. 'વાંચે પણ કરે નહીં વિચાર, તે સમજે નહીં સઘળો સાર.' છાપાં વાંચો, અશ્લીલ વાંચો એમાંથી શું મળવાનું છે ? એનાથી દૂર રહેવાનું હોય. જો સારા સંસ્કારો સાચવવા હોય તો ગ્રંથોનું સારી રીતે વાંચન કરો. અભ્યાસમાં પણ જે ચોપડી છે એનું વાંચન મનન કરો, પણ બીજા ઘણી જાતનાં ટીખળમાં પડી જઈએ છીએ પછી ટેન્શનમાં પડે, ડીપ્રેશનમાં આવે.
વિદ્યાર્થીઓએ ખૂબ સારી રજૂઆત કરી છે. ફરીથી ધન્યવાદ છે. આ મારગ મળ્યો છે તો સારધાર પાળજો. જે નિયમો લીધા છે તે દુઃખ પડે તોય પાળવા જ છે. તમને સારી સફળતા મળે, ભગવાનની ભક્તિ કરતાં કરતાં ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એ જ પ્રાર્થના.''
આજે છાત્રદિન નિમિત્તે વિદ્યાર્થીઓએ સ્વામીશ્રીને રાજી કરવા માટે કેટલાક નિયમો લીધા હતા. ૧૭ વિદ્યાર્થીઓએ ૮૪ કલાકના નિર્જળ ઉપવાસ કર્યા હતા. ૮૧ વિદ્યાર્થીઓએ ૮૪ કલાકના સજળ ઉપવાસ કર્યા હતા. ૩૨ વિદ્યાર્થીઓએ વારાફરતી ૮૪ દિવસ સુધી નિર્જળ ઉપવાસ કર્યા હતા. ૩૪ વિદ્યાર્થીઓ ૮૪ દિવસ પત્તરમાં જમ્યા હતા. ૬૨ વિદ્યાર્થીઓએ મળીને ૮૪,૦૦૦ માળા કરી હતી. ૪૪ વિદ્યાર્થીઓએ મળીને ૮૪૦૦ તપની માળા કરી હતી. ૫૩ વિદ્યાર્થીઓએ મળીને ૮૪,૦૦૦ દંડવત્‌ કર્યા હતા. ૬૧ વિદ્યાર્થીઓ મળીને ૮૪,૦૦૦ પ્રદક્ષિણા કરી હતી. ૫૮ વિદ્યાર્થીઓએ મળીને ૮૪૦૦ જનમંગલ નામાવલિના પાઠ કર્યા હતા. ૮ વિદ્યાર્થીઓએ વ્યક્તિગત રીતે ૮૪૦૦ મંત્રલેખન કર્યું હતું. ૨૫ વિદ્યાર્થીઓએ એક એક વચનામૃત મુખપાઠ કર્યો હતો. ૯૫ વિદ્યાર્થીઓએ નવરાત્રીમાં ગરબાનો ત્યાગ કર્યો હતો. ૪૦ વિદ્યાર્થીઓએ ટી.વી., સિનેમાનો ત્યાગ કર્યો છે. ૭૭ વિદ્યાર્થીઓએ તિલક-ચાંદલો નિયમિત કરવાનો નિયમ લીધો હતો. ૭૦ વિદ્યાર્થીઓએ બજારની ખાણીપીણીનો ત્યાગ કર્યો હતો. ૩૫ વિદ્યાર્થીઓએ નિત્ય એક 'વચનામૃત' અને પાંચ 'સ્વામીની વાતો'ના વાચનનો નિયમ લીધો છે.
સૌ પર સ્વામીશ્રીની પ્રસન્નતા વરસી રહી.
તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં જયેન્દ્ર વીંછી, જયકૃષ્ણ મેવાવાલા, અમૃતપ્રકાશ સ્વામી, નિત્યપ્રકાશ સ્વામી વગેરેના પુરુષાર્થથી આજે બાળકોએ વિશિષ્ટ રીતે કાર્યક્રમ રજૂ કર્યો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ બાળપ્રવૃત્તિની આગવી પ્રતિભાને બાળકોએ પ્રસ્તુત કરીને 'સંસ્કારી એવા થઈએ...' એ નૃત્યગીતના આધારે બાળસંસ્કારને દ્વારા રજૂ કર્યા.
તા. ૨-૨-૨૦૦૫ના રોજ વિવેકસાગર સ્વામીએ આજે પારાયણની પૂર્ણાહુતિ કરી. ઘનશ્યામચરણ સ્વામી તથા રામકૃષ્ણ એક્સપોર્ટના અરજણભાઈએ પણ સ્વામીશ્રીને હાર પહેરાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ડેકોરેશન વિભાગની ટીમે ૧,૦૮,૦૦૦ મંત્ર લખેલો ૮૫ સેરનો મમરાનો હાર સ્વામીશ્રીનાં ચરણોમાં અર્પણ કર્યો હતો.
તા. ૩-૨-૨૦૦૫ના રોજ સુરતવાસી હરિભક્તોની ભાવભીની વિદાય લઈને સ્વામીશ્રી ઉધના મંદિરે પધાર્યા. ઉધના મંદિર એ મનોજભાઈ જગદીશભાઈ પટેલ તથા દામોદરભાઈ પટેલની સંયુક્ત દેણગી છે. જમીનથી માંડીને મંદિરનિર્માણ સુધીની સેવા તેઓએ જ કરી છે. સ્વામીશ્રી અહીં પધાર્યા ત્યારે ઉધના સત્સંગમંડળના હરિભક્તો વડે હૉલ ભરાઈ ચૂક્યો હતો. સ્વામીશ્રીએ ઠાકોરજીનાં દર્શન કરીને આરતી ઉતારી. મનોજભાઈ, દયારામભાઈ, ગિરીશભાઈ, ચંદુભાઈ(પૂજારી), મૂકેશભાઈ કંસારા, પર્વતભાઈ અને વિસરામભાઈએ હાર પહેરાવીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. ઉધના ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં ગુજરાતીઓ સિવાય ઉત્તર પ્રદેશ તથા બિહારના પણ માણસો આવીને વસ્યા છે. આ લોકો પણ અહીં નિયમિત દર્શને આવતા હોય છે. એ સૌને મૂકેશભાઈ અને સાથી કાર્યકરો વ્યસન મુકાવવાનું કાર્ય કરે છે. સૌને આશીર્વાદ આપીને સ્વામીશ્રી ભીમપોર પધાર્યા.
આ વિસ્તારમાં સ્વામીશ્રીએ કરાવેલા સત્સંગ પછી અહીંની જીવનશૈલીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આ બાજુના વિસ્તારમાં દારૂ અને દરિયો એ સામાન્ય છે. દરેક કુટુંબ સત્સંગ થયા પહેલાં દારૂ અને દરિયામાં જ જીવન વીતાવતું હતું, પરંતુ સત્સંગનો યોગ થતાં દારૂનો સદંતર ત્યાગ કરી દીધો અને માછલીનો આહાર પણ મૂકી દીધો. દારૂ ને માંસ મૂકવાં એટલે જાણે તેઓના સમાજની વિરુદ્ધમાં પડવું ! પરંતુ સ્વામીશ્રીના સત્સંગથી એની પરવા કર્યા સિવાય શ્રીજીમહારાજની આજ્ઞાનું શિરસાટે પાલન કરનાર ભક્તો અહીં ઘરેઘરે છે. સત્સંગના પ્રતાપે વ્યસનના કાદવમાંથી તેઓ બહાર આવી ગયા છે ને બીજાને વ્યસન છોડાવે છે.
સ્વામીશ્રી અહીં પધાર્યા ત્યારે બાળમંડળના સભ્યોએ દેવદૂત જેવા પરિવેશમાં સજ્જ થઈને સ્વામીશ્રીને વધાવ્યા. સૌને આશીર્વાદ આપીને સ્વામીશ્રી શ્રી સી. કે. પીઠાવાલાના નિવાસસ્થાને ઉતારે પધાર્યા.
સંધ્યા સત્સંગસભામાં બાળકોએ 'શાસ્ત્રચર્ચા' નામનો સંવાદ ભજવ્યો. શાસ્ત્રના ગહન તત્ત્વજ્ઞાનને સરળ અર્થમાં સંવાદરૂપે ગૂંથીને અહીંના પછાત ગણાતા બાળકોએ રૂષિતુલ્ય અભિવ્યક્તિ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા. છેલ્લે બાળકોએ 'ભારત કી હમ શાન હૈ' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. સ્વાગતવિધિ બાદ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ સૌને બાળસંસ્કાર માટે જાગ્રત કર્યા.
ભોજન દરમ્યાન આ વિસ્તારના નિર્દેશક નવીનભાઈ પટેલે(દાસજ) ભીમપોર સત્સંગમંડળનો અહેવાલ આપ્યો હતો.
તા. ૪-૨-૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીના પ્રવચન પછી 'યુðવાદિન' નિમિત્તે 'યુવકોએ મંદિરમાં પ્રભુ વિરાજે છે' એ નામનો સંવાદ રજૂ કર્યો હતો. ત્યારબાદ સૌ વતી સી.કે. પીઠાવાલા તથા તેઓના પુત્રોએ હાર પહેરાવીને સ્વામીશ્રીને સત્કાર્યા હતા.
તા. ૫-૨-૨૦૦૫ના રોજ સાંજે અહીંથી વિદાય લઈ સ્વામીશ્રી અટલાદરા મંદિરે પધાર્યા. વડોદરા શહેર વતી સ્ટેન્ડિંગ કમિટિના ચૅરમૅન અજિતભાઈ પટેલ તથા શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટે સ્વામીશ્રીનું હાર પહેરાવીને સ્વાગત કર્યું. ઠાકોરજીનાં દર્શન કરીને ઉપસ્થિત સૌ હરિભક્તોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા.