|  | વડોદરામાં સ્વામીશ્રીનો દિવ્ય સત્સંગલાભ  
         તા.  ૫-૨-૨૦૦૫ થી તા. ૨૨-૨-૨૦૦૫ સુધી વડોદરામાં અટલાદરા ખાતે બિરાજીને પ્રમુખસ્વામી મહારાજે  દિવ્ય સત્સંગલાભ આપ્યો હતો. સ્વામીશ્રીના આ નિવાસ દરમ્યાન સંસ્થા દ્વારા સ્થાપિત બી.એ.પી.એસ.  સ્વામિનારાયણ વિદ્યામંદિરના ઉદ્ઘાટનથી લઈને વસંતપંચમી મહોત્સવ સુધીના અનેકવિધ કાર્યક્રમોમાં  હજારો ભક્તોની મેદનીએ સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યને માણ્યું હતું. તા.  ૬-૨-૨૦૦૫ના રોજ સંસ્થા દ્વારા સ્થાપિત અદ્યતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરનું  સ્વામીશ્રીનાં કરકમળો દ્વારા મંગલ ઉદ્ઘાટન થયું હતું.
 આજે  સંધ્યા સત્સંગસભામાં સ્કૂલના ઉદ્ઘાટન નિમિત્તે બાળદિનનું આયોજન રાખવામાં આવ્યું હતું.  બાળકોએ કીર્તન, પ્રવચન, શાસ્ત્રીય ગાન વગેરે કાર્યક્રમો રજૂ કર્યા બાદ, પરમાનંદ સ્વામી  તથા પ્રકાશભાઈ ઓઝા લિખિત ને હાસ્ય પટેલ ને ભાનુપ્રસાદ ઉપાધ્યાય દિગ્દર્શિત, સંવાદ  'અણમોલ ભેટ' પ્રસ્તુત થયો. પ્રવર્તમાન શિક્ષણપદ્ધતિનાં દૂષણોની સામે સ્વામીશ્રીએ આપેલી  સંસ્કારસજ્જ સુવિધાસંપન્ન અને શિક્ષણની શાન સમી શાળાઓથી થતા લાભને કેન્દ્રમાં રાખીને  રચાયેલા આ સંવાદની રજૂઆત બાળકોએ કરી હતી.
 અટલાદરા  ખાતેના સંસ્થાના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા છ વિદ્યાર્થીઓએ ૮૪ કલાકના ઉપવાસ કર્યા  હતા. તા. ૭-૨-૨૦૦૫ના રોજ બપોરે સ્વામીશ્રીએ તેમને આશીર્વાદ આપી પ્રસન્નતા દર્શાવી હતી.
 આજથી  સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ પારાયણ આરંભીને ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વાવતારીપણાનાં  લક્ષણોની વિશદ છણાવટ શરૂ કરી હતી. કૃષ્ણપ્રિય સ્વામીના કીર્તનગાન બાદ સ્વામીશ્રીએ આશીર્વાદ  આપતાં જણાવ્યું કે 'જે જે માણસોનાં પરિવર્તન થયાં છે એ હેતથી થાય છે. એવું હેત આપણને  ભગવાન અને સંતમાં થઈ જાય તો આપણે ફાંફાં મારવાનાં રહેતાં નથી. બધે કલ્યાણ ગોતવાનું  ક્યાં છે ? એને વિષે હેત કરવું એટલે એમાં સર્વ પ્રકારે નિર્દોષભાવ. એ મનુષ્ય જેવા છે,  પણ એમાં કોઈ દોષ નથી, આપણે જેવી કરીએ છીએ એવી જ ક્રિયાઓ હોય, પણ અજ્ઞાન હોય તો મનુષ્યભાવ  આવે. માંદા થાય, કોઈને વઢે-ધખે પણ ખરા. મનુષ્યભાવ દેખાડે. પણ આપણે મનુષ્ય એટલે એવું  દેખાય. આપણી જેમ જ બધું કરે છે. શું નવું કરે છે ? પણ એમાં શક્તિ છે તો આજે લાખો કરોડો  લોકો રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. એમાં મારું, તારું, દોષ, પ્રપંચ,  માયા નથી. દરેક માટે એમને પ્રેમ છે. બધાનું શ્રેય થાય એ જ વિચાર છે. એમાં કોઈ પણ જાતનો  દોષ છે નહિ. એ દિવ્ય જ છે. એમાં મનુષ્યભાવ હોય નહિ એવા ભાવથી ભક્તિ કરીએ તો રાજી થઈ  જાય. ભગવાનમાં હેત એટલે જ્ઞાને સહિત. જ્ઞાને કરી ભક્તિ કરવાની છે. આત્મા-પરમાત્માનું  જ્ઞાન થાય ત્યારે હેત થયું એ પાકું હેત થયું. દેહભાવથી હેત કરો તો પછી માયિકભાવ આવશે.  એ દિવ્ય, દિવ્ય, દિવ્ય. કોઈ ત્યાગભાગ નથી.'
 તા.  ૮-૨-૨૦૦૫ના રોજ પ્રાતઃપૂજામાં વડોદરાના જ અગાધ ગોકાણીએ શાસ્ત્રીય સંગીતનું ગાન કર્યું.  સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીની પારાયણ બાદ સ્વામીશ્રીએ જીવનમાં આધ્યાત્મિકતાને  પ્રથમ ક્રમે મૂકવાની પ્રેરણા આપી.
 તા.  ૯-૨-૨૦૦૫ના રોજ પ્રાતઃપૂજામાં શહેરના જાણીતા વાદકો દત્તાત્રય ભોõîસલે, શ્યામકુમાર ભોંસલેએ  ભાલચંદ્ર જગતાપની તબલાસંગત સાથે શહનાઈ અને સંતુરની જુગલબંધી રજૂ કરી હતી.
 સંધ્યા  સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીની પારાયણ પછી ત્યાગવત્સલ સ્વામી લિખિત સંવાદ 'શિર સાટે'  પ્રસ્તુત કરવામાં આવ્યો.
 મંદિરના  ચાલી રહેલા વિકાસ કાર્યમાં અત્યારે ગુરુપરંપરાની દેરીઓ તૈયાર થઈ રહી છે. તા. ૧૦-૨-૨૦૦૫ના  રોજ શાસ્ત્રીજી મહારાજની દેરીના દ્વારશાખનું સ્વામીશ્રીએ વેદોક્તવિધિપૂર્વક પૂજન કર્યું.  દ્વારશાખના મુખ્ય યજમાન મનીષભાઈ ઠક્કરના હાથે શ્રીફળ વધેરવામાં આવ્યું. ત્યારબાદ યોગીજી  મહારાજની દેરીમાં બેઠેલા કારીગરોને પણ પુષ્પવૃષ્ટિથી અભિષિક્ત કરીને આશીર્વાદ આપ્યા.  પ્રાતઃપૂજા બાદ અમદાવાદના હીરાવાડી વિસ્તારના સંસ્કારધામ-મંદિરની મૂર્તિઓનું પૂજન-  પ્રતિષ્ઠા-આરતી કરીને સ્વામીશ્રીએ યજમાન હરિભક્તોને આશીર્વાદ આપ્યા.
 પ્રાતઃપૂજા  બાદ દ્વારશાખ પૂજન નિમિત્તે યોજાયેલી સભામાં વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક લાભ આપ્યો.  ત્યારબાદ કારેલીબાગ મહિલામંડળ તથા વાઘોડિયા મહિલામંડળે બનાવેલો હાર અશોકભાઈ પટેલ તથા  ત્યાગવલ્લભ સ્વામીએ સ્વામીશ્રીને અર્પણ કર્યો.
 અંતે  સૌને આશીર્વચનમાં સ્વામીશ્રીએ સૌની સેવાને બિરદાવી.
 સભા  બાદ સ્વામીશ્રી અટલાદરા ગામમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સંનિષ્ઠ ભક્તરાજ મથુરભાઈના  જૂના મકાન આગળ પધાર્યા. શાસ્ત્રીજી મહારાજ તેમના આ મકાનમાં વારંવાર પધરામણી કરતા. દાયકાઓ  પછી પણ એ મકાન અત્યારે પણ એ જ હાલતમાં ઊભું છે. સ્વામીશ્રીને જૂની સ્મૃતિઓને વાગોળતાં  અત્યંત ઉમળકાથી ઉબડખાબડ જમીન હોવા છતાં ઠેઠ ઘર સુધી ગયા અને જાળીએ બે હાથ મૂકીને અંદર  નીરખતા હોય એ રીતે સ્વામીશ્રી બોલવા લાગ્યાઃ 'શાસ્ત્રીજી મહારાજ જ્યારે જ્યારે અટલાદરા  આવે ત્યારે અહીં પધરામણી કરતા અને અહીં સુખ આપતા. યોગીજી મહારાજ પણ આવતા અને અમે પણ  ઘણી વખત આવ્યા છીએ.'
 સંધ્યા  સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ શ્રીહરિનાં અસાધારણ લક્ષણોનું નિરૂપણ કર્યા બાદ કૃષ્ણપ્રિય  સ્વામીએ કીર્તનગાન કર્યું. પ્રવક્તાએ વડોદરા શહેરની મહિલાઓએ કરેલા કેટલાક વિશેષ વ્રતોની  જાહેરાત કરી. ૧૪ બહેનોએ ૮૫ કલાકના નિર્જળ ઉપવાસ, ૨૪૬ બહેનોએ ૮૫ કલાક લીંબુના પાણી ઉપર  રહીને સજળ ઉપવાસ, ૩૪૩ બહેનોએ રોજ ૮૫ માળા, ૩૧૧ બહેનોએ ૮૫ જનમંગલ નામાવલિના પાઠ, ૮૫  બહેનોએ વાડીથી અટલાદરા સુધી પદયાત્રા, વાડી તથા સરદારનગરના ૮૫-૮૫ બહેનોએ એક સાથે નિર્જળ  ઉપવાસ કરીને સ્વામીશ્રીના સ્વાસ્થ્ય માટે શ્રીહરિનાં ચરણે ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું  હતું.
 આશીર્વાદ  આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'ભગવાનના ભજનમાં સુખ છે તેવું ચૌદ લોકના બ્રહ્માંડમાં  પણ નથી. અત્યારે લોકોને અહીં કરતાં અમેરિકાનું સુખ સારું મનાય છે, તો ગમે એમ કરી, ધમપછાડા  કરી, ભલે ૨૫ લાખ ખર્ચવા પડે અને ઈલિગલી, ત્યાં જઈ શું થશે એ ખબર નહિ, પણ ઝંપલાવે કે  જે થવાનું હોય એ થાય, જવું છે, જવું છે ને જવું છે. ત્યાં ગયા પછીય કાઢી મૂકે છે. નોકરી-ધંધા  ન હોય તો ઘરનું ગોપીચંદન જાય, જાણે છે, છતાં ૨૫ લાખ ઘરના કાઢીને જાય. પણ ૨૫ લાખ રૂપિયા  બૅંકમાં વ્યાજે મૂકે તો સુખેથી ઘરસંસાર ચાલે. માણસને એ સુખ મનાયું, એટલે એના માટે દોડાદોડ  કરે છે. પણ એ ઝાંઝવાનાં પાણી છે. ક્યારે શાંતિ થશે ? ચૌદ લોકના બ્રહ્માંડ કરતાં ભગવાનનાં  દર્શન, કથાવાર્તા, ભજનનું સુખ અધિક છે, એ જીવમાં દૃઢ થાય તો બધી દોટ મટી જાય. આપણે  દોડીએ છીએ, પણ જ્ઞાન થશે ત્યારે શાંતિ. ભગવાનમાં બધું સુખ આવી ગયું. ભગવાનની કથા સાંભળવી  એમાં સુખ છે એ જ્ઞાન સમજવાનું છે. મહિમા સમજાય તો ભેટંભેટા ને ન સમજાય તો છેટંછેટા,  જય સ્વામિનારાયણ...'
 રાત્રિભોજન  દરમ્યાન દક્ષિણ ભારતમાં સંસ્થા દ્વારા થયેલ સુનામી રાહતસેવામાંથી પરત આવેલા ધર્મસાગર  સ્વામી અને ધ્યાનનિષ્ઠ સ્વામીએ સુનામી રાહતની કેટલીક સ્લાઇડ અને વીડિયો દેખાડી માહિતી  આપી હતી.
 
 |  |