Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામીશ્રીના સાંનિધ્યમાં અમદાવાદમાં 'બાળદિન'ની ઉજવણી

અમદાવાદ મુકામે સ્વામીશ્રીના સાંનિધ્યમાં તા. ૧ મે, ૨૦૦૫નો દિન 'બાળદિન' બની રહ્યો હતો. અમેરિકા, ઇંગ્લૅન્ડ અને નૈરોબીથી પધારેલા સંતો અને સ્થાનિક સત્સંગીઓની ઉપસ્થિતિમાં અદ્‌ભુત કાર્યક્રમ 'સફળતાનું ફળ' ભજવીને બાળકોએ પ્રેરક સંવાદોથી સૌની પ્રસન્નતા મેળવી હતી.
સફળતા પ્રત્યેક માણસની ઝંખના બની રહે છે. પરંતુ સફળતાનું ફળ પામવા કેવા સદ્‌ગુણો કેળવવા જોઈએ તેની દરકાર કરવાનું મોટાભાગના માણસોને સૂઝતું નથી. 'સફળતાનું ફળ' સંવાદ દ્વારા અમદાવાદ બી.એ.પી.એસ. બાળમંડળના ૧૧૫ બાળકોએ ચોટદાર રજૂઆત કરીને સફળતાનો રાજમાર્ગ સૂચવ્યો હતો. 'અમે નાની શી ખિસકોલી અને સ્વામી અમારા રામ' એ ગીત સાથે રજૂ થયેલું સંદેશસભર બાળનૃત્ય કાર્યક્રમને ચરમ સીમા પર લઈ ગયું હતું.
બાળકોની આ ભાવનાનો સુંદર પ્રતિસાદ આપતાં સ્વામીશ્રીએ તેમની સાથે વાર્તાલાપ આરંભ્યો. આદર્શ બાળક બનવા માટેનો બોધ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું: 'પહેલું ધ્યેય એ નક્કી કરવાનું છે કે મારે બરાબર ભણીને ડિગ્રી લેવી છે અને ખરેખર ભક્ત થવું છે. ધ્યેય નક્કી થયા પછી આયોજન કરવાનું. મા-બાપને પગે લાગવું, શાળામાં લેસન આપે તે કરવું, બાળમંડળમાં નિયમિત આવવું, સંતો-કાર્યકરો કહે એ ધ્યાનથી સાંભળવું, દંડવત્‌-પૂજા-પ્રદક્ષિણા કરવાં, માળા ફેરવવી, બાળમંડળમાં જે વાત થઈ હોય તે ઘરે જઈને યાદ કરવી, ટી.વી. અને વધુ રમતોનાં પ્રલોભનો છોડવાં, ચોરી ન કરવી, જૂઠું ન બોલવું.
તમે સહુએ અહીંયાં જે કરી બતાવ્યું છે તે કાયમને માટે રહેવું જોઈએ. ખરાબ વસ્તુ ખવાય-જોવાય નહીં, એવી દૃઢતા રહેવી જોઈએ. મા-બાપને રાજી રાખવાની સાથે જીવનમાં સત્સંગ દૃઢ થાય, ભગવાન અને સંતની મહત્તા સમજીએ, તો ભગવાન રાજી થાય.'
આગળ વધવામાં અવરોધરૂપ એવી આળસ વિશે સ્વામીશ્રીએ કહ્યું કે 'આજનું કામ આવતીકાલ પર રાખવું એ આળસ. વાંચવાનું છે તો આવતીકાલે; નિશાળે જવું છે તો આવતીકાલે; માળા ફેરવવી છે તો આવતીકાલે. પણ આવતીકાલનો અંત આવે ખરો? આળસ આપણા જીવનને ખુવાર કરે છે. આળસ હોય તો કોઈપણ ક્ષેત્રમાં આગળ વધી ન શકો.'
ભગવાનને રાજી કરવા એ જ મુખ્ય ધ્યેય છે. એ સમજાવતાં સ્વામીશ્રીએ બાળકોને કહ્યું કે 'અભ્યાસ કરીએ એમાંથી પૈસા મળે, બંગલો મળે, ગાડી મળે, પ્લૅનમાં ઊડવાનું મળે, એ જરૂર છે; પરંતુ એની સાથે આધ્યાત્મિક વિદ્યા એટલે કે આપણા આત્માનું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન પણ મળવું જોઈએ, એ બાળમંડળમાંથી મળે.'
આ કાર્યક્રમમાં તનતોડ મહેનત કરનારા બાળપ્રવૃત્તિ કાર્યકરો વતી પુરુષોત્તમપ્રિય સ્વામી તથા આનંદમુનિ સ્વામી, સંવાદના લેખક પારસભાઈ અને ગીતકાર પંકજભાઈએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા.
કાર્યક્રમના અંતમાં ઈશ્વરચરણ સ્વામીએ અમેરિકા, ઇંગ્લૅન્ડ અને નૈરોબીથી આવેલા સંતોને સન્માન્યા હતા.
આજે પ્રાતઃપૂજામાં સ્વામીશ્રીના વરદ હસ્તે વિરમગામ તથા રાયપુર(ગાંધીનગર)ના મંદિરોનો પણ ખાતવિધિ પણ કરવામાં આવ્યો હતો. જયદીપ સ્વાદિયા અને તેમના સાથી કલાકારોના સવાદ્ય કીર્તનભક્તિ રજૂ કરી હતી.
૨ મે, ૨૦૦૫ના રોજ બાપુનગરના આઠ વર્ષના સત્સંગી બાળકલાકાર •ષભ બલદાણિયાએ લોકશૈલીમાં કેટલાંક કીર્તનો ગાયાં. નાની ઉંમરે પણ આવી કુશળતા જોઈ સ્વામીશ્રી ખૂબ રાજી થયા હતા.
તા. ૩-૫-૨૦૦૫ના રોજ અમદાવાદમાં સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં જાણીતા સાહિત્યકાર રઘુવીરભાઈ ચૌધરી, રાજ્યના ડી.આઈ.જી. આૅફિસર સંજય શ્રીવાસ્તવ, રેલવેના ડી.આર.એમ. ખરે સાહેબ તથા ડેપ્યુટી કલેક્ટર સુપી સાહેબ દર્શને પધાર્યા હતા.
આજે સંધ્યા સત્સંગસભામાં યુવામંડળમાં રમત-ગમતની સ્પર્ધાઓમાં વિજેતા થનાર કિશોરો અને યુવાનોને સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા હતા.
સત્સંગસભાને સંબોધતાં સ્વામીશ્રીએ કહ્યું કે 'શાસ્ત્રોમાં કહ્યું છે કે દુનિયામાં બધી વસ્તુ મળી શકે છે, પણ ભગવાન અને સંત મળવા દુર્લભ છે. કૃષ્ણે અજુનને કહ્યું હતું કે તને એમ કે હું સહેજે મળી ગયો છુ _, પણ 'અનેક જન્મ સંસિદ્ધસ્તતો...' તેં અનંત જાતના દેહ ધર્યા છે, ત્યારે મારી કૃપાથી તને દર્શન થયાં છે. ભગવાન અને સંતની કૃપા દુર્લભ છે. એમને રાજી કરીએ તો આશીર્વાદ મળે.'
અક્ષરધામમાં પહોંચવાનો રસ્તો બતાવતાં તેમણે કહ્યું કે 'ધૂમમાર્ગ અને અર્ચિમાર્ગ- એ બે માર્ગે અક્ષરધામમાં જવાય. ધૂમમાર્ગ એટલે વાયા, વાયા થઈને જાય. તેમાં વચ્ચે કંઈક સારું લાગે તો રોકાઈ જઈએ. અનેક જાતનાં પ્રલોભનો જોઈને દેવતાના લોકમાં રોકાઈ જવાય. જ્યારે અર્ચિમાર્ગ નૉનસ્ટૉપ છે. એ સીધો જ ભગવાનના ધામમાં પહોંચાડી દે છે.'
દાનનો મહિમા સ્પષ્ટ કરતાં સ્વામીશ્રીએ કહ્યું કે 'ભગવાનને અર્થે જે કર્યું તે દાન. તે મોક્ષ આપે છે. દ્રૌપદીએ ચીંથરી બાંધી દીધી, તે દાન થઈ ગયું. દુઃશાસન વસ્ત્ર ખેંચતો હતો ત્યારે ભગવાને સાડીઓ મોકલ્યા જ કરી.
ખાર ભૂમિમાં વાવો તો બધું જાય અને ફળદ્રુપ ભૂમિમાં શેર વાવો તો ગાડું ભરીને લાવો. સુદામા નાનપણમાં કૃષ્ણનો ભાગ ખાઈ ગયો, તો ગરીબ પરિસ્થિતિ થઈ ગઈ. શેઠની ફઈએ રામાનંદ સ્વામીનું સોનું રાખી લીધું તો નરકમાં પડી. માટે ધર્માદાનું ખવાય નહીં. આપણું બધું ભગવાનનું છે, એમ માનીને ભગવાનને રાજી કરવાના છે. આપણે સાથે કંઈ લઈ જવાના નથી. માટે જેટલું ભગવાન માટે, સંત માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે થયું તેટલું આપણું છે; પણ ભગવાન માટે, સંત માટે કર્યું તે મોક્ષ માટે થયું.'
આજથી ભારતભરનાં યુવતીમંડળોમાંથી પસંદ કરાયેલી ૨૦૦૦થી વધારે યુવતીઓનું 'વાત્સલ્યદીપ' નામનું અધિવેશન બપોરના ગાળામાં શરૂ થઈ રહ્યું હતું. આ અંગે મહિલા પ્રવૃત્તિના સંયોજક બંધુઓએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા.
તા. ૪-૫-૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં ડૉક્ટર સ્વામીના પ્રવચન બાદ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ ભગવાન સ્વામિનારાયણના 'સર્વજીવહિતાવહ' વિશેષણ પર પ્રકાશ ફેંક્યો હતો. સ્વામીશ્રીએ કહ્યું કે શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે 'સર્વજીવહિતાવહ'. કેટલો મોટો સંકલ્પ કર્યો! એમને 'મારા કુટુંબનું, મારી જ્ઞાતિનું, મારા સમાજનું, મારા દેશનું સારું થાય' એવું નથી. મહારાજનો સંકલ્પ છે કે સર્વ જીવનું હિત થાય. ભગવાન અને સંતનો મોટો વિચાર છે, કારણ કે દયાનો ભાવ છે. સંતોનું વિચરણ શા માટે છે? કેટલું ભજન કરે છે! મહારાજનો સંકલ્પ કે સર્વના જીવનું હિત થાય. અનંત-જન્મનાં પાપ બળીને ભસ્મ કરી, કથાવાર્તા કરી, આત્મા-પરમાત્માનું જ્ઞાન આપી જીવનું કલ્યાણ કરે છે.
અંતે ભક્તિનો મહિમા ગાતાં સ્વામીશ્રીએ કહ્યું કે 'આટલી સગવડ-સુવિધા છતાં આપણે ભગવાનને ન ભજીએ અને મોજશોખમાં સમય પૂરો થઈ જાય તો કરવાનું છે, એ રહી જાય છે. દર્શન કર્યાં હોય, કથાવાર્તા સાંભળી હોય, તો એ કામમાં આવે. બાકી બધું અહીં રહેવાનું છે. તો સત્સંગ કરીને ભગવાન રાજી થાય એવું હંમેશને માટે કરવું.'
તા. ૫-૫-૨૦૦૫ના રોજ સ્વામીશ્રીનાં દર્શને પ્રસિદ્ધ સેવાભાવી તબીબ અને વિજ્ઞાની ડૉ. એચ. એલ. ત્રિવેદીએ અમદાવાદની કિડની હૉસ્પિટલ અંગે સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે જાણીતા કવિ અને સર્જક માધવ રામાનુજે પણ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આમ, સતત ૧૮ દિવસ સુધી અમદાવાદમાં બિરાજીને સ્વામીશ્રીએ સત્સંગની અમૃતહેલી વરસાવી દીધી. સ્વામીશ્રીના દર્શને ઊમટતા હરિભક્તોના મહેરામણથી નિત્ય સવાર-સાંજ અમદાવાદ મંદિરના વિશાળ સભાખંડો છલકાતા રહ્યા. વિવેકસાગર સ્વામીએ નિરૂપેલ 'સ્વભાવવશ સંસાર' પારાયણ, ભક્તિસંગીત અને વિવિધ રસપ્રદ કાર્યક્રમો વચ્ચે સ્વામીશ્રીની અમૃતવાણીએ સૌમાં ભક્તિનું મોજુ _ પ્રસરાવી દીધું હતું.
૧૮ દિવસના રોકાણ બાદ સૌની ભક્તિભાવભીની વિદાય લઈને પ્રમુખસ્વામી મહારાજ વલ્લભવિદ્યાનગર ખાતે પધાર્યા હતા. અહીં ૬ મેથી ૨૨ મે સુધી વિરાજીને બે તબક્કામાં યોજાયેલી સંતશિબિર તેમજ દિવ્યસંનિધિ પર્વમાં સૌને કૃતાર્થ કર્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |