Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વિદ્યાનગરમાં વિદ્યાર્થીઓ પર સ્વામીશ્રીની અમીવૃષ્ટિ

વિવિધ ક્ષેત્રે વિદ્યાર્થીઓનો ઉત્કર્ષ થાય એ શુભાશય સાથે તા. ૧૧-૧૨ મે, ૨૦૦૫ દરમ્યાન વલ્લભવિદ્યાનગર મુકામે અક્ષરફાર્મમાં એક વિશિષ્ટ વિદ્યાર્થી શિબિર યોજવામાં આવી હતી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્થાપિત તમામ છાત્રાલયોના પસંદ થયેલા ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓની આ શિબિરમાં પધારીને સ્વામીશ્રીએ સૌને જીવનનાં ઉચ્ચ મૂલ્યોની પ્રેરણા આપી હતી.
વિદ્યાર્થી શિબિર દરમ્યાન સવાર-બપોર-સાંજ વિવિધ છાત્રાલયના છાત્રોએ સ્વામીશ્રી સમક્ષ સ્વાનુભવના કેટલાક પ્રેરક પ્રસંગો રજૂ કર્યા હતા. વાત્સલ્યમૂર્તિ સ્વામીશ્રીએ સૌને બિરદાવીને કે તેમની મુંઝવણમાં માર્ગદર્શન આપીને કૃતાર્થ કર્યા હતા. વિદ્યાર્થી શિબિરમાં વિદ્યાર્થીઓની રજૂઆતો, અનુભવી અને મોટેરા સંતોનાં પ્રેરક જ્ઞાનસભર વ્યાખ્યાનો, વિવિધ પ્રેરક કાર્યક્રમો અને સ્વામીશ્રીના આશીર્વાદથી શિબિરાર્થીઓ ચેતનવંતા બની ગયા હતા.
શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે શિબિરાર્થીઓ પર અમીવૃષ્ટિ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું કે 'છાત્રાલયમાં અભ્યાસ કરતા બધા વિદ્યાર્થીઓ આ પ્રસંગે અહીં પધાર્યા છો, એ અહોભાગ્ય છે. બીજે અભ્યાસ કરો અને આ છાત્રાલયોમાં અભ્યાસ કરો એમાં ફેર એટલો જ છે કે અહીં યોગીજી મહારાજના આશીર્વાદ છે કે જે જે વિદ્યાર્થીઓ અહીં ભણશે તેને સારો અભ્યાસ થશે, સારું જ્ઞાન પણ થશે, અને એમનું ચારિત્ર્યનું ઘડતર પણ થશે. છાત્રાલયમાં ભણવાથી આપણું જીવન સુંદર અને સુવાસવાળું બને છે. ચારિત્ર્યની દૃઢતા સાથે અભ્યાસ થાય તો આગળ જતાં બહુ લાભ થાય છે.'
હાલના સમયમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા અને આર્થિક લાભ લેવા વિદેશમાં જાય છે, ત્યારે આપણી સંસ્કૃતિ પ્રત્યે સજાગ રહેવાનો સૂર વ્યક્ત કરતાં સ્વામીશ્રીએ કહ્યું કે 'જો પાયામાંથી સંસ્કાર ન શીખ્યા હોય તો આર્થિક લાભ લેવા જતાં આપણું ચારિત્ર્ય-સંસ્કાર બગડે, જીવનમાંથી આપણી સંસ્કૃતિ જતી રહે. બંગલા-વૈભવ થાય, પણ સંસ્કાર ન હોય તો બધી વસ્તુ ફેલફતૂરમાં જાય.' એક વિદ્યાર્થીએ પોતાનો પ્રસંગ સ્વામીશ્રીને જણાવ્યો હતો. તે ટાંકતાં સ્વામીશ્રીએ કહ્યું કે તેને પાર્ટીઓમાં લઈ જાય, ત્યાં રંગ રાગ, જુગાર, વ્યભિચાર થાય પણ તે છોકરો એમાં ન પડ્યો. મક્કમ રહ્યો. મને બહુ આનંદ થયો. આ જોગી મહારાજના આશીર્વાદ અને સત્સંગનું બળ છે. અજુ ýન પાસે બીજુ _ કશું નહોતું, પણ શ્રીકૃષ્ણનું બળ હતું, તો દુર્યોધનની અગિયાર અક્ષૌહિણી સેના અને સો ભાઈઓ ક્યાં ગયા એ ખબર ન પડી. અર્જુને કૃષ્ણએ કહ્યું તેમ કર્યું. તો અંતે પાંડવોનો જય થયો.
લોકો કહે કે તમે સમાજસેવા શું કરો છો? ભજન-ભક્તિ કરી ચાલ્યા જાવ છો, પણ આ મોટામાં મોટી સમાજસેવા છે. આવો સત્સંગ મળે છે ત્યારે તેને અંતર્દૃષ્ટિ થાય છે. એટલે સારા વિચાર, સારું જીવન બને છે. આ જ છાત્રાલયમાં ભણીને ઘણા વિદ્યાર્થીઓ લંડન-અમેરિકા ગયા છે, પણ ત્યાં જઈને સારી પ્રવૃત્તિ કરે છે, કેમ કે એમને દૃઢ થયું છે કે ખરું કરવાનું શું છે? પાયામાંથી શિક્ષણની સાથે સંસ્કાર મળ્યા છે.'
માતા-પિતા અને પરિવાર પ્રત્યેની ફરજો પ્રત્યે સજાગ રહેવાનાં પ્રેરકવચનો વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું કે 'અત્યારે અભ્યાસ કરવો એ મુખ્ય કામ છે, અને બીજુ _સંસ્કાર મળે એ કરવાનું છે. મા-બાપ નાણાં ખર્ચે, એને સાર્થક કરીએ. આવા સ્થાનમાં રહીએ છીએ તો એવા _સંસ્કાર મેળવીએ કે જીવન સાર્થક બની જાય. ગમે ત્યાં જઈએ તો પણ આ સંસ્કાર રહે અને બીજાને પણ આ સંસ્કાર આપીએ.'
શિબિરની પૂર્ણાહુતિએ ધ્યેયગીતનું ગાન શરૂ થયું. 'નવયુવાનો શ્રીજીનો સંદેશ લઈ ફરીએ...' યુવાનોને સંબોધતાં આ ગીતમાં ૮૪ વર્ષની વયે પણ સ્વામીશ્રી ગીતના તાલે તાલ દઈને, સૌને પ્રેરણા આપી રહ્યા હતા. ધ્યેયગીતની સમાપ્તિ પછી સૌને સમીપદર્શનનો લાભ મળ્યો હતો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |