Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

એઈડ્સ જાગૃતિ રેલીને સ્વામીશ્રીના આશીર્વાદ

તા. ૨૯-૫-૨૦૦૫ના રોજ સવારે ભાવનગર શહેરની સિલ્વર જેસીઝ નામની સંસ્થાએ એઈડ્‌સની જાગૃતિ માટે મોટરસાઇકલની રેલીનું આયોજન કર્યું હતું. ૧૪ જેટલા યુવાનો મોટરસાઇકલ ઉપર ભારતભરમાં ઘૂમીને છેક લદાખ જવાના હતા. આજથી આ રેલીનો પ્રારંભ થઈ રહ્યો હતો. આ રેલીના સાહસવીરોએ સ્વામીશ્રીના આશીર્વાદ લઈને તેનો મંગલ પ્રારંભ કર્યો હતો. ભાવનગર સ્વામિનારાયણ મંદિરની બહાર ભૂરા પરિવેષમાં સજ્જ થયેલા સાહસિક યુવાનો પોતપોતાની મોટરબાઇક આગળ ઊભા હતા. સ્વામીશ્રીએ આ દરેક સાહસિકની શુભ ભાવનાઓને બિરદાવી, રેલીની સફળતા માટે આશીર્વાદ આપ્યા અને ત્યારપછી ઝંડી ઊંચી કરીને સૌને પ્રસ્થાન કરવાનો આદેશ આપ્યો હતો. જેસીઝ સંસ્થાના પ્રમુખ રૂપેશભાઈ બારડને પણ આશીર્વાદ આપ્યા હતા.
આજે પ્રાતઃપૂજા દરમ્યાન યુવકોએ 'ચલો ચલે હમ અક્ષરધામ' એ નૃત્ય રજૂ કર્યું હતું. તળાજાથી ત્રણ પદયાત્રીઓ અને ૨૪ સાઇકલયાત્રીઓએ પણ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.
સંધ્યા સત્સંગસભામાં શિશુઓએ 'મંદિર શા માટે?' એ ડિબેટ રજૂ કરી. ઘરડા ભાભાઓના પરિવેશમાં ડાયરામાં બેસીને ચર્ચા કરતા હોય એ રીતે સ્વાભાવિકપણે દલીલો દ્વારા અને કોઈપણ પ્રકારના રેકોર્ડીંગ વગર મોઢે બોલાયેલી આ સંવાદધારાથી સ્વામીશ્રી ખૂબ જ રાજી થયા. યોગવિજય સ્વામી, ભગવત્‌સિંહ તથા ઉદય ચાવડાએ લખેલી સ્ક્રીપ્ટ બાળકોએ સુંદર રીતે પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ ત્યાગરાજ સ્વામીએ 'મંદિરનિર્માણ નિમિત્તે મન, કર્મ અને વચને કયા કયા નિયમો લઈ શકાય ?' એની જાહેરાત કરી. અંતે બાળકોની અદ્‌ભુત રજૂઆતને બિરદાવતાં સ્વામીશ્રીએ મંદિરોની વિભાવના આપતાં મંદિરોની અનિવાર્યતા વર્ણવી હતી.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |