Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરતા ભાવનગરના શિશુઓ અને બાળકો

તા. ૩૦-૫-૨૦૦૫ના રોજ શિશુદિન હોઈ સ્વામીશ્રી મંદિરે પધાર્યા ત્યારે વિવિધ મુદ્રાઓ સાથે શિશુઓ મંદિરની પ્રદક્ષિણામાં પૂજા કરી રહ્યા હતા. કો'ક દર્શન તો કો'ક માળા, કો'ક પ્રદક્ષિણા તો કો'ક દંડવત્‌ કરતા હતા. સૌ પર સ્વામીશ્રીએ આશીર્વાદની અમીદૃષ્ટિ કરી. ઠાકોરજીનાં દર્શન કર્યાં પછી અહીં મંદિરનિર્માણમાં રોકાયેલા રાજસ્થાની કારીગરો ઉપર પુષ્પવૃષ્ટિ કરીને સ્વામીશ્રી સભાગૃહમાં પૂજા કરવા પધાર્યા.
પૂજા દરમ્યાન શિશુઓએ કીર્તનગાન કર્યું ને પ્રવચન તથા મુખપાઠ પણ રજૂ કર્યા. ધ્રુવ રાઠોડ તથા હરિકૃષ્ણ ગજ્જરે કીર્તનો ગાયાં, શરદ યોગેનભાઈ શાહે 'મુમુક્ષુઓ કઈ દિશામાં છે ?' એ પ્રવચન રજૂ કર્યું. મનન પલાણે યોગીજી મહારાજે મહેળાવમાં કરેલી પ્રાર્થના રજૂ કરી. કીર્તન સોનેજી, કાર્તિક ભટ્ટ, ધ્રુવ ભટ્ટ, દેવર્ષિ પંડ્યા તથા મોહિત મકવાણાએ ઉપવસ્ત્ર તથા ધોતિયું પહેરીને મંચ ઉપરથી જનમંગલનામાવલિનો પાઠ કરાવ્યો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશ તાવેથિયા કરી રહ્યો હતો. પૂજા પછી સ્વામીશ્રીએ ચાર બાળકોને વ્યક્તિગત રીતે બોલાવીને આશીર્વાદ આપ્યા. શરદ ગોહેલ તથા જયદીપ ગોહેલે વેકેશન દરમ્યાન લગભગ ૧૨૫૦ કિલો પસ્તી ઉઘરાવી હતી. નાના શિશુની આવી ભક્તિ જોઈને સ્વામીશ્રી પ્રસન્ન થયા હતા. એ જ રીતે મનન પલાણે પણ વેકેશન દરમ્યાન ૫૦૦ કિલો પસ્તી ભેગી કરી હતી. નાનકડા શિશુનું પસ્તી ઊંચકવાનું ગજુ _ કેટલું ? પરંતુ ઘરે ઘરે જઈને એ મંદિરનિર્માણ નિમિત્તે પસ્તી આપવાની વાત કરતો હતો. જે ઘરમાં વ્યક્તિઓએ પસ્તી આપવાની હા પાડી હોય, એ ઘરનું સરનામું લઈને એ એના માતુશ્રીને આપતો હતો. ફુરસદે એના માતુશ્રી આ પસ્તી લઈ આવતા હતા. આ જ રીતે પરમ કાકડિયાએ પોતાના અંગત ખર્ચમાંથી બચાવેલા ૨૦૦૦ રૂપિયા પણ મંદિરનિર્માણમાં અર્પણ કર્યા હતા. આ ચાર બાળકોને સ્વામીશ્રીની આશીર્વર્ષાનો લાભ મળ્યો.
સાયંસભામાં શિશુમંડળના નાના નાના ભુલકાઓએ 'મંદિર તારે ગમે આવવું...' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. લવ ધામેલિયા નામના નાનકડા શિશુએ મન જીત્યાનો ચીભડાવાળો પ્રસંગ બાળસહજ શૈલીમાં રજૂ કર્યો. લવ સાથે ચીભડું લઈને આવ્યો હતો. એ ચીભડું એણે સ્વામીશ્રીના ચરણોમાં મૂક્યું હતું. પ્રવચન પછી આશીર્વાદ લેવા માટે એ સ્વામીશ્રી પાસે ગયો. સ્વામીશ્રીએ માથે હાથ મૂકીને કહ્યું, 'મારી પાસે સાકર તો નથી, પણ આ ચીભડું આપીએ છીએ.' એમ કહીને બાળકને ચીભડું આપ્યું ને સ્મૃતિ આપી. આજે સ્વામીશ્રીનાં દર્શન માટે નગરના ઘણા મહાનુભાવો ઉપસ્થિત હતા.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે, 'નાનપણથી સંસ્કાર સારા હોય તો આગળ જતાં ખૂબ લાભ થાય, કારણ કે મન જીતવું એ બહુ મોટી વસ્તુ છે. અહીં બેઠા છીએ તો પણ જે જે કામ કરતાં હોઈએ એના સંકલ્પ ચાલતા જ હોય, પણ આવી રીતની કથા ચાલે છે તેમાં આવતાં પહેલાં ઘરની, વ્યવહારની વાત બહાર મૂકીને આવીએ તો શાંતિ થાય, કારણ કે દો દો બાત બને નહીં, કાં સેંથો કાં ટાલ. બે વાત ના બને. જ્યાં રામ ત્યાં કામ નહીં ને જ્યાં કામ ત્યાં રામ નહીં. કામ એટલે આપણો સંસાર.
કામ કરવાની ના નથી. દરેક પોતાનો વ્યવસાય ખૂબ સારી રીતે કરે પણ સાથે ભગવાનનું પ્રાધાન્ય રાખે કે હું જે કંઈ કરી રહ્યો છુ _, મને જે કંઈ પ્રાપ્ત થાય છે એ ભગવાનને પ્રતાપે છે. ભગવાને કર્યું છે, એમની દયાથી થાય છે. એકાગ્રચિત્તે કરીને જે કાર્ય કરીએ એમાં સફળતા મળે. એક ચિત્ત એટલે ભજન કરતી વખતે ભગવાન સામું જ ચિત્ત. બીજી વાત, વિચાર આવવો ન જોઈએ.
આપણું મન સંકલ્પ-વિકલ્પ કર્યા જ કરે છે, પણ એને ભગવાનનાં ભજનમાં એવું લગાડી દેવું કે બીજા જગતના માયાના વિચાર કરે જ નહીં. આપણે શરીર નથી, આત્મા સત્ય છે. આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવાની છે. આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય તે સર્વ પ્રકારે સુખિયો રહે છે. તો આપણે પણ આવું જ્ઞાન મેળવી, ભક્તિ કરી, સુખિયા થઈએ એવી ભગવાનને પ્રાર્થના.'
તા. ૩૧-૫-૨૦૦૫ના રોજ બાળદિન હતો. યોગી જયંતીનું પર્વ પણ શરૂ થઈ ચૂક્યું હતું. પૂજા દરમ્યાન શૈલેષ ઈયાવા, હરિકૃષ્ણ ગજ્જર, મિતુલ જેઠવા તથા બાળકોએ સમૂહમાં યોગીજી મહારાજનાં કીર્તનો ગાયાં. પૂજા પછી સ્વામીશ્રીએ કેટલાક વિશિષ્ટ બાળકોને આશીર્વાદ આપ્યા. આ ઉપરાંત ૧૨૩ જેટલા યજમાનોને વારાફરતી આશીર્વાદ આપ્યા પછી સ્વામીશ્રીએ અક્ષરદીપ સોસાયટીમાં આજથી નવ વર્ષ પહેલા તૈયાર થયેલા હરિમંદિરના જીર્ણોદ્વાર નિમિત્તે આરસના અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા ગુરુપરંપરાઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી.
સાયંસભામાં પારાયણ પછી આજના મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા.
બાળદિન નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિમલ પટેલ તથા હર્ષ સુતરિયા નામના બે બાળકો સ્વામીશ્રી પાસે આવ્યા અને અક્ષરપુરુષોત્તમનો સંદેશો ફુગ્ગાઓને વહેતા કરીને ગગનગામી કર્યો. બાળકોએ 'હે પરમેશ્વર તુજ રચના કા...' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. ત્યારબાદ મંચની બંને બાજુએ ગોઠવાયેલા બે બાળકો યોગેન્દ્ર જાડેજા તથા ધર્મેશ પાલડીયાએ સ્વામીશ્રીના બાળતારલાઓના પ્રેરક પ્રસંગો રજૂ કર્યા. કપરા સમયે પણ નિયમ રાખનાર આ બાળકો એક પછી એક સ્વામીશ્રી પાસે આવીને આશીર્વાદ લેવા લાગ્યા.
સ્વામીશ્રીએ છેલ્લે સૌ ઉપર આશીર્વાદ વર્ષાવતાં જણાવ્યું કે, 'આજના બાળકોને રમવું, ટી.વી., જમવું વગેરેમાં રસ હોય, પણ એ રંગરાગ મૂકીને સત્સંગમાં આવે છે ને નિર્વ્યસની રહીને વ્યસનો પણ મુકાવે છે. બાળકો પોતાના પિતાને પણ વ્યસન મુકાવી સત્સંગી બનાવે છે. નાની ઉંમરે પડેલી છાપ મોટી ઉંમરે પણ ન જાય. નાનપણથી કુસંગીના સંસ્કાર પડ્યા હોય તો કુસંગી બની જાય. માટે નાના બાળકોને સાચવવા પડે. યોગીજી મહારાજની ઇચ્છા હતી કે સમાજ આખો સુસંસ્કારી બને તે માટે બાળમંડળો સ્થાપ્યાં છે. યોગીજી મહારાજની આવી શુભ ભાવના હતી. વચનામૃત-વાતો-કીર્તનો મુખપાઠ બાળકો કરે છે. બીજાને સત્સંગ કરાવે છે. પ્રોગ્રામ આપીને સુંદર પ્રેરણાઓ આપે છે.
ભગવાનના અનંત ઉપકાર છે. 'જગત રચ્યું જેણે, જૂજવી જાતનું રે...' ભગવાને અનંત બ્રહ્માંડોની રચના કરી છે. માણસ બહુ બહુ તો કુટુંબ-સમાજ કે રાષ્ટ્ર કે દુનિયાનો વિચાર કરે, પણ પછી ક્યાં જાય ? જ્યારે ભગવાન અનંત જીવોનું પોષણ કરે છે.
ઘણાં કહેઃ 'ભગવાનની જરૂર શી છે? પણ આપણને તો ભગવાન ખાડામાંથી બહાર કાઢવા આવ્યા છે. આપણને પ્રારબ્ધનાં દુઃખ, કર્મનાં દુઃખ આવે છે તે ભગવાનનો આશરો હોય તો એનું નિવારણ થાય છે. જીવનમાં પરિવર્તન આવે છે. આવા ઉપકારો ભગવાનના છે તેનાથી જીવન ચાલે છે પણ આપણને તેની ખબર નથી. ખેતીમાં શેર દાણા વાવીને ગાડું ભરીને ઘેર લાવીએ છીએ. ભગવાને પૃથ્વીમાં ખનીજ નાખ્યાં છે. મીઠાં પાણીની વ્યવસ્થા કરી છે. ભગવાનનું કાર્ય પરોપકારનું છે. દરેક માટે છે. ભગવાનને સંભારે કે ન સંભારે પણ ભગવાન દરેકને બધું જ આપે છે. ભગવાન કર્તા હર્તા છે એમ મહિમા સમજવો. દરેકનું સારું થાય એવી ભાવના રાખીને કાર્ય કરવું. એવું બળ ભગવાન સર્વને આપે તે પ્રાર્થના.'

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |