Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બી.એ.પી.એસ.ની દિવ્ય પરંપરાનું પ્રત્યક્ષ દર્શન કરતા સોરઠવાસીઓ

જૂનાગઢના આંગણે પધારેલા પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં તા. ૬-૬-૨૦૦૫ થી ૧૦-૬-૨૦૦૫ સુધીની સભામાં સોરઠવાસીઓએ વિવિધ દિવસોની ઉમંગભેર ઉજવણી કરી હતી. ભગવાન સ્વામિનારાયણથી લઈને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સુધીનાં દિવ્યચરિત્રોની સ્મૃતિરૂપે ઉજવાયેલા 'દિન-વિશેષ'નો અનેરો લહાવો લઈ સૌ હરિભક્તો ધન્ય બન્યા હતા.
'શ્રીહરિ દિન'નો આનંદ અપાર
તા. ૬-૬-૨૦૦૫ના રોજ 'શ્રીહરિદિન' ઊજવવામાં આવ્યો હતો. સભામાં વિવેકસાગર સ્વામીના વચનામૃત પારાયણ બાદ હાર્દિક કોરડિયા નામના બાળકે 'સર્વોપરી શ્રીહરિ' વિષયક સુંદર પ્રવચન રજૂ કર્યું હતું. ત્યારબાદ સંદીપ ચૌહાણ લિખિત 'શ્રીજીમહારાજનો સોરઠ પ્રવેશ' નામનો સંવાદ ભજવવામાં આવ્યો હતો. સોરઠમાં ભગવાન સ્વામિનારાયણનો પ્રવેશ તેમજ તેમણે વાવેલાં સત્સંગબીજ અને પકવેલા હરિભક્તોની વાતોને વણી લેતા સંવાદે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સ્મરણ સાથે સૌને આશીર્વાદ પાઠવતાં સ્વામીશ્રીએ કહ્યું હતું કે 'ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર અનેક જીવોનું કલ્યાણ કરવા માટે પધાર્યા હતા. તેમણે જાત-કુજાત, ગરીબ-તવંગર, લુંટારા-ખૂનીના ભેદ જોયા વિના સૌનું કલ્યાણ કર્યું હતું. ભગવાન સ્વામિનારાયણને હૃદયમાં ધારણ કરવાથી ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું હતું ને તેઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનું છે.'
ભગવાન સ્વામિનારાયણનાં દિવ્ય સ્મરણ અને ગુણગાન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
'ગુણાતીત દિન' : 'કરોડમાં કો'ક...'
તા. ૭-૬-૨૦૦૫ના રોજ અનન્ય રીતે ઉજવાયેલા 'ગુણાતીત દિન' નિમિત્તે સૌને આશીર્વચન પાઠવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે 'જીવનમાં હૃદયનું પરિવર્તન કરે એવા સંત બહુ ઓછા જોવા મળે છે. 'લાખમાં લાધે નહીં ને કરોડમાં કો'ક' એવા ગુણાતીતાનંદ સ્વામી હતા. તેઓને આ દુનિયાની માન, પ્રતિષ્ઠા, કીર્તિની કોઈ અપેક્ષા નહોતી. ભગવાનની ઇચ્છાથી જ બધું થાય છે, એ ભાવના સાથે બધાને ઉપદેશ આપતા હતા. આવા સંતનાં વચનોથી શાંતિ થાય છે. શાંતિ પમાડે એને જ સંત કહેõવાય. સંતો આપણને ભગવાનરૂપી સંપત્તિ આપે છે. જેનાથી આપણું જીવન સુખમય બને છે.
'સંત બડા પરમારથી, જાકા મોટા મન,
તુલસી સબકુ દેત હૈ, રામ સરીખા ધન.'
ગુણાતીતાનંદ સ્વામીએ સોરઠમાં કઈ રીતે સત્સંગ જગાવ્યો, ભીડો વેઠ્યો ને પોતાની પ્રતિભા દ્વારા કેવું પરિવર્તન કર્યું!' એનું પ્રત્યક્ષ દર્શન કરાવતો સંવાદ સભામાં ભજવીને યુવકોએ ગુણાતીતાનંદ સ્વામીના દિવ્ય જીવનની ઝાંખી કરાવી હતી. આ પ્રસંગે વેદદર્શન સ્વામીએ 'ગુણાતીતાનંદ સ્વામીએ વેઠેલો ભીડો' વિષયક પ્રવચન કર્યું હતું. બ્રહ્મપ્રકાશ સ્વામી લિખિત 'વાલેરા વરુ' સંવાદ પણ ભજવવામાં આવ્યો હતો. હરિકીર્તન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત સાથેના આનંદમય વાતાવરણમાં સૌ હરિભક્તોએ 'ગુણાતીતદિન'નો અનેરો લાભ પ્રાપ્ત કર્યો હતો.
ભગતજી દિન
તા. ૮-૬-૨૦૦૫ના રોજ 'ભગતજી દિન' ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંજની સભામાં યુવકોએ, ભગતજી મહારાજના સોરઠ પ્રવેશ અને તેમનાં કાર્યનું દર્શન કરાવતો સંવાદ રજૂ કર્યો હતો. મુનિકીર્તન સ્વામી, અખંડદર્શન સ્વામી તથા પુણ્યકીર્તન સ્વામીએ ભગતજી મહારાજનાં જીવનનાં વિવિધ પાસાંઓ વિષયક પ્રવચનો કર્યાં હતાં.
સૌ પર આશીર્વાદ વરસાવતાં તેમજ ભગતજી મહારાજના દિવ્ય જીવનને પોતાની વાણી દ્વારા પ્રગટ કરતાં સ્વામીશ્રીએ કહ્યું હતું કે 'ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજીને મન, કર્મ, વચને નિર્દોષભાવે સેવા કરી હતી. કોઈપણ જાતની અપેક્ષા વગર સેવા કરી હતી. આપણે મંદિરમાં આવીએ છીએ, માળા ફેરવીએ છીએ એના બદલાની અપેક્ષા હોય. આપણે ગૃહસ્થ છીએ એટલે સ્વાભાવિક રીતે જ અપેક્ષાઓ રહે, પરંતુ ભગતજી મહારાજ ગૃહસ્થી હોવા છતાં સંપૂર્ણ ત્યાગી હતા. ઘરમાં, કુટુંબમાં આસક્તિ ન હતી. એમને એક જ તાન હતું કે આ બાવો (ગુણાતીતાનંદ સ્વામી) લૂંટવા જેવો છે. તેઓને માન મળે, અપમાન થાય, તિરસ્કાર થાય તો પણ કોઈના વિશે રાગદ્વેષ રાખતા નહીં. આવા પરમહિતકારી સંતોના સાંનિધ્યથી ભગવાન સુધી પહોંચી શકાય છે.' આ પ્રસંગે પ્રાતઃકાળે સંતોએ ભગતજી મહારાજ સંબંધી કીર્તનો રજૂ કર્યાં હતાં.
શાસ્ત્રીજી મહારાજ દિન
તા. ૯ જૂનનો દિવસ 'શાસ્ત્રીજી મહારાજ દિન' હતો. આ પ્રસંગ નિમિત્તે બાળકો-યુવાનો, હરિભક્તો અને સંતો દ્વારા 'શાસ્ત્રીજી મહારાજનાં જીવન અને કવન' અંગેનાં કાર્યક્રમો અને પ્રવચનો રજૂ કરવામાં આવ્યાં હતાં. શાસ્ત્રીજી મહારાજનાં દિવ્યજીવન અને કાર્યનો ઉલ્લેખ કરતાં સ્વામીશ્રીએ કહ્યું હતું કે 'શાસ્ત્રીજી મહારાજનું કાર્ય અદ્‌ભુત ને જ્ઞાન સચોટ. તેમણે તત્ત્વજ્ઞાન ને શાસ્ત્રોનો અભ્યાસ કરી આત્મા ને પરમાત્મા, સ્વામી ને નારાયણ, ભક્ત ને ભગવાન એ ઉભય સ્વરૂપની ઓળખાણ કરાવી હતી. કેટલાક મહાપુરુષો ભગવાનનું કામ કરવા સારુ આ પૃથ્વી પર કોઈપણ સ્વરૂપે આવે છે ને જ્ઞાન આપીને સૌનું કલ્યાણ કરે છે. શાસ્ત્રીજી મહારાજે અક્ષર અને પુરુષોત્તમ અંગેનું જ્ઞાન ગામગામ પ્રસરાવ્યું છે. જેવી રીતે શિવ-પાર્વતી, રાધાકૃષ્ણ છે; એમ સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ છે. આ સાચી વાત તેમણે પ્રવર્તાવી છે. આ માટે તેમણે ઘણું સહન કરવું પડ્યું છે. તેમનો ઘણો વિરોધ થતો, પરંતુ શાસ્ત્રીજી મહારાજ વિદ્વાન, નીડર પુરુષ હતા, નમ્ર હતા, દરેકની વાત સાંભળીને તેને સાચી વાત સમજાવતા હતા. આ જ્ઞાન તો શાસ્ત્રોક્ત છે, સંપ્રદાયના ગ્રંથોમાં છે, મોટા મોટા સંતો જાણે છે. શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંત પ્રવર્તાવ્યો છે અને એ દરેકના હિત માટે જ છે. એ જ્ઞાન સર્વને થાય એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના.'
યોગીદિન
તા. ૧૦ જૂનનો દિવસ 'યોગીદિન' તરીકે ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંજની સભામાં વિવેકસાગર સ્વામીના પારાયણ બાદ 'યોગીદર્શન' નામક નૃત્યનાટિકા-સંવાદ ભજવાયો હતો. ઉપરાંત ભાવ-ભક્તિસભર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવચનો રજૂ થયાં હતાં. સૌ પર આશીર્વાદની અમીવર્ષા સાથે સ્વામીશ્રીનું ઉદ્‌બોધનઃ 'પૂજ્ય યોગીજી મહારાજનું જીવન નાનપણથી જ શુદ્ધ અને પવિત્ર. ત્યાગ અને વૈરાગ્ય પણ એવાં ને ભક્તિ પણ એવી. પુત્રનાં લક્ષણ પારણામાંથી. એમનું જીવન જ એવું હતું કે સર્વને એમના માટે પ્રેમ થાય. એમનો પહેલેથી જ વિચાર હતો કે ભગવાન ભજવા છે, ભગવાનને રાજી કરવા છે માટે જૂનાગઢ આવી ગયા. સેવા ને ભજન કર્યા કરતા. નવરા રહેવાનું નહીં. દિવસે સૂવાનું નહીં. રાત્રે કોથળો પાથરીને સૂતા. એમને શરીરની કોઈ તમા હતી નહીં. સૂકલકડી શરીર હતું, પરંતુ ભગવાનની કૃપા અને નિષ્ઠા હતી એટલે આત્મબળ બહુ હતું. કોઈ સેવામાં પાછા પડતા નહીં. કોઈ પૂછતું કે 'બધા તમને જોગી કેમ કહે છે?' તો કહેતાઃ 'અમે ગુણાતીતાનંદ સ્વામીનો વારસો લીધો છે. બીજી કોઈ સાધના કરી નથી. અક્ષરરૂપ થઈએ ને ભગવાનની ભક્તિ કરીએ એ અમારી સાધના છે.' આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જોગી મહારાજ જેવા પુરુષ આપણને મળ્યા છે તો એમની દૃષ્ટિ આપણા પર થાય. એમના જેવા ગુણો આવે. એમના આદેશોને જીવનમાં ધારીને, ભક્તિ કરીને, સુખિયા થઈએ એવી જ પ્રાર્થના.'
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેશોદ મતવિસ્તારના ધારાસભ્ય માધાભાઈ બોરિચા, ડી.વાય.એસ.પી. શ્રી પાંડે તથા અન્ય મહાનુભાવોએ સ્વામીશ્રીને હાર અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |