Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ઉત્સવોની હારમાળા વચ્ચે ભગવાનનું સ્મરણ અને સ્વામીજીના દિવ્ય સાંનિધ્યનો આનંદ લૂંટતા સોરઠવાસીઓ

પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં સોરઠવાસીઓએ ગિરનારના પર્વતોની હારમાળાની સામે ઉત્સવોની હારમાળા સર્જી દીધી હતી. તા. ૧૧ જૂન, ૨૦૦૫ના રોજ આંગણે આવેલા સોનેરી અવસર સમા '૫૫મા પ્રમુખવરણી દિન' નિમિત્તે સ્વામીશ્રી પ્રત્યે અનન્ય ભાવ પ્રકટ કરતાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ને પ્રવચનોને ખૂબ જ ઉમંગ ને ભક્તિભાવપૂર્વક રજૂ કરીને, આબાલવૃદ્ધ સૌ હરિભક્તો અને સંતોએ, પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યનો અનેરો આનંદ લૂંટ્યો હતો. વળી, ઉત્સવોના આ સુવર્ણ મુકુટમાં મયૂરપિચ્છ સમાન ઉત્સવ 'હરિકૃષ્ણ મહારાજ તુલાદિન' તા. ૧૨ જૂનના રોજ ઊજવવામાં આવ્યો હતો. ઉત્સવોની આ વણઝાર વચ્ચે ભગવાન સ્વામિ-નારાયણનાં દિવ્ય સ્મરણ અને સ્વામીશ્રીજીનાં આશીર્વચનોથી સૌ સોરઠવાસીઓ ધન્ય બન્યાં હતાં.
તા. ૧૧ જૂન, ૨૦૦૫ના રોજ ઊજવાયેલા '૫૫મા પ્રમુખવરણી દિન'ની સાંજની સભામાં સુશોભિત કરાયેલા મંચ પર બિરાજમાન સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં સભાની શરૂઆત થઈ હતી. ૫૫ વર્ષ પહેલાં ચાદર ઓઢતી વખતે શાસ્ત્રીજી મહારાજ સમક્ષ સ્વામીશ્રીએ કરેલી ચાર પ્રતિજ્ઞાઓના મધ્યવર્તી વિચાર સાથેના કાર્યક્રમો રજૂ થયા હતા. પ્રારંભમાં સ્વામીશ્રીએ લીધેલી એ પ્રતિજ્ઞાનું વાંચન થયું હતું, ત્યારબાદ ઉત્સવનૃત્યો રજૂ થયાં ને સ્વામીશ્રીના જીવનનાં વિવિધ પાસાંઓને પ્રકટ કરતા વિવિધ પ્રવચનો બાળકો, યુવકો, હરિભક્તો અને સંતો દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે આશીર્વાદની અમીવર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે 'આ પૃથ્વી પર જે કોઈ અવતારો આવે છે, મહાપુરુષો આવે છે, તે હજારો-લાખો મનુષ્યના કલ્યાણ કરવા માટે આવે છે, દરેક મનુષ્ય સુખી થાય એ માટે આવે છે. માણસનાં પુણ્યો પ્રમાણે તેને યોગ થઈ જાય છે ને જીવન ધન્ય બની જાય છે. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ કે આ મનુષ્યનું કલ્યાણ થાય તો તેનું કલ્યાણ અવશ્ય થાય છે. આ જન્મે નહીં તો આવતા જન્મે પણ એમના શુભસંકલ્પોમાં ફેરફાર થતો નથી. માણસના વિચારોમાં ફેરફાર થઈ શકે, પરંતુ ભગવાન અને સંતોના વિચારોમાં કોઈ જ ફેરફાર થતો નથી. એમના માટે ભલે મનુષ્યો ગમે તેવું બોલે, કરે, પરંતુ તેઓ તો બધાનું કલ્યાણ કરતા હોય છે.'
ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય પ્રાગટ્ય અને આ પૃથ્વી પર તેમણે કરેલાં કલ્યાણકારી કાર્યોની વાત કરીને સ્વામીશ્રીએ આ પરંપરામાં અવતરેલા સંતોનાં દિવ્યજીવન અને તેમનાં કલ્યાણકારી કાર્યોની ગાથા હરિભક્તો સમક્ષ રજૂ કરી હતી. સ્વામીશ્રીએ કહ્યું હતું કે 'આવા સમર્થ પુરુષોએ કંઈપણ માન-અપમાન, દેહભાવ રાખ્યા સિવાય સેવા કરી છે. તેમના દ્વારા આપણને પ્રેરણા મળે છે કે આપણે પણ સેવા કરીશું તો ભગવાનનું સુખ ને અખંડ આનંદ મળશે. તો ભગવાનને પ્રાર્થના કે તમે બધા આ સેવાકાર્યમાં જોડાઓ અને એ કાર્ય કરવાનું બળ ભગવાન તમને સતત આપતા રહે ને સારાં કાર્યો થાય.'
આ પ્રસંગે સ્વામીશ્રીએ શ્રુતિપ્રકાશ સ્વામી દ્વારા લિખિત 'ભગવાન સ્વામિનારાયણ મુક્તિ મીમાંસા' હિન્દી પુસ્તકનું ઉદ્‌ઘાટન કર્યું હતું.
તા. ૧૨ જૂનની સાંજની સભામાં હરિકૃષ્ણ મહારાજનું શોડષોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સોરઠી ભક્તોએ આ પૂજન સાથે સમર્પણની ગંગા વહાવી હતી. નાના-મોટા, અબાલવૃદ્ધ સૌ કોઈએ વહાવેલી આ સમર્પણગંગાથી સ્વામીશ્રી ખૂબ પ્રસન્ન થયા હતા. આ અવસરે કુલ ૧૨૯૦ પુરુષોએ સુવર્ણતુલામાં ષોડશોપચાર પૂજન કર્યું હતું ને મહિલામંડળમાં ૧૨૫૦ મહિલાઓએ ષોડશોપચાર પૂજન કર્યું હતું. સાંજે ૭.૪૦ વાગે શરૂ થયેલો પૂજનનો કાર્યક્રમ સાંજના ૮.૩૦ વાગ્યા સુધી ચાલ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનગરપાલિકાના મેયર અને સાંસદ મહેન્દ્રભાઈ મશરુ તથા વિસાવદરના ધારાસભ્ય કનુભાઈ ભાલાલાએ હાર અર્પણ કરીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. સભાની શરૂઆતમાં સ્વાગત ગીત અને નૃત્યો રજૂ થયાં હતાં. આ પ્રસંગે ૧૦,૦૦૦ જેટલા હરિભક્તો ને ભાવિકોએ સ્વામીશ્રીની અમૃતવાણીનો લાભ મેળવ્યો હતો. છેલ્લે સૌ સ્વયંસેવકો અને વ્યવસ્થાપકો સાથે સ્વામીશ્રીએ તાલે તાલ દઈને ક્ષણભર માટે સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. આ સોનેરી સ્મૃતિ સૌના સ્મૃતિપટ પર ચિરંતન બની કંડારાઈ ગઈ હતી.
આજે પ્રાતઃકાળે મંદિરના શિરમોડરૂપ કળશ અને ધ્વજદંડનું પૂજન રાખવામાં આવ્યું હતું. સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા બાદ કળશ સમક્ષ પધારીને પૂજન કર્યું હતું અને ધ્વજદંડના એકેએક ગાળાનું પણ ચંદનના ચાંદલા કરીને પૂજન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ ભગવાનનો જયજયકાર કર્યો હતો અને વાતાવરણમાં આનંદ છવાઈ ગયો હતો.
તા. ૧૩-૬-૨૦૦૫ના રોજ વિદાય દિને સ્વામીશ્રીનો અમૃતલાભ લેવા માટે સારી એવી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા. પ્રાતઃપૂજા પછી શહેરના ડેપ્યુટી કમિશ્નર વિપુલભાઈ મહેતા તથા આસિસ્ટન્ટ કમિશ્નર યોગેન્દ્રભાઈ દેસાઈએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ સ્વામીશ્રીએ જૂનાગઢના ભક્તોની ભાવભીની વિદાય લઈ ગોંડલ તરફ પ્રયાણ કર્યું હતું. માર્ગમાં જેતપુર તીર્થનાં દર્શન કરીને સ્વામીશ્રીએ આનંદ અનુભવ્યો હતો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |