Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગોંડલમાં સ્વામીશ્રી સમક્ષ બાળવિદ્યાર્થીઓએ ચલાવી બાળ-સંસદ

ગોંડલ ખાતે અક્ષરતીર્થમાં પ્રમુખસ્વામી મહારાજે તા. ૧૩-૬-૨૦૦૫ થી તા. ૨૦-૬-૨૦૦૫ સુધી બિરાજીને અમૃતલાભ આપ્યો હતો. આ દરમ્યાન તેઓના સાંનિધ્યમાં અનેકવિધ કાર્યક્રમોની હારમાળા સર્જાઈ હતી. હજારો હરિભક્તોએ સ્વામીશ્રીના આશીર્વાદ સાથે આ કાર્યક્રમોનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
સ્વામીશ્રીએ ભવ્ય અક્ષરદ્વારમાંથી મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે મંદિરનાં નવાં રૂપરંગ નિહાળતાં આનંદિત થઈ ગયા હતા. જૂના ઉતારા અને આૅફિસોને બદલે નવા ઉતારા અને આૅફિસો દૂર થઈ હોવાથી મંદિરનું પ્રાંગણ ખૂબ જ વિશાળ લાગતું હતું. જોતાંવેંત સ્વામીશ્રી બોલી ઊઠ્યા હતાઃ 'વાહ! બધું ખુલ્લું થઈ ગયું. સરસ લાગે છે !'
આજે સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ શ્રીહરિલીલામૃત પારાયણનો પ્રારંભ કર્યો હતો. તા. ૧૩ અને ૧૪ના રોજ સંધ્યા સત્સંગસભામાં પારાયણ બાદ સ્વામીશ્રીએ આશીર્વચનોનો લાભ આપ્યો હતો.
તા. ૧૫ જૂન, ૨૦૦૫ના રોજ સભામાં સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં ગોંડલના બાળ-વિદ્યાર્થીઓની એક વિશિષ્ટ બાળ-સંસદ ભરાઈ હતી. 'વિદ્યામંદિર દિન' નિમિત્તે ભરાયેલી આ બાળ-સંસદની ચર્ચાનો મુખ્ય વિષય હતોઃ દેશભરમાં ચાલી રહેલા શ્રી સ્વામિનારાયણ વિદ્યામંદિર પર પ્રતિબંધ કેમ ન મૂકવો? કારણ કે આ વિદ્યામંદિરમાં શિક્ષણ કરતાં સંસ્કાર વધુ પ્રમાણમાં અપાય છે. સંસદમાં થયેલી ચર્ચાના અંતે એવું તારણ નીકળ્યું કે આ વિદ્યામંદિરમાં સંસ્કાર ભલે મુખ્ય હોય, પરંતુ શિક્ષણ પણ એટલું ઉત્તમ અપાય છે કે બીજી બધી શાળાઓ કરતાં એનું પરિણામ સૌથી વધારે આવે છે. એટલે સંસ્કારયુક્ત શિક્ષણ આ સંસ્થા દ્વારા અપાય છે અને આવી શાળાઓ દેશના ખૂણે ખૂણે કરવી જોઈએ.
દેશના ભવિષ્ય સમા આ બાળ-વિદ્યાર્થીઓની સંસદની ચર્ચા ને નિષ્કર્ષથી સ્વામીશ્રી ખૂબ પ્રસન્ન થયા હતા ને ઉપસ્થિત સૌ હરિભક્તો અભિભૂત થઈ ગયા હતા. આ સુંદર કાર્યક્રમની સ્ક્રીપ્ટ શૈલેષ સગપરિયા (મોવિયા) તથા જાણીતા લેખક જય વસાવડાએ લખી હતી. સભાની શરૂઆતમાં રોહન ત્રિવેદીએ પ્રાર્થનાગાન કર્યું હતું. ૧૨મા ધોરણમાં ૯૧„ સાથે ઉત્તીર્ણ થયેલા આદિવાસી યુવક મિતેષ રાઠવાના પિતાશ્રીએ વિદ્યામંદિરના શિક્ષણ વિશે પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ભેંસદળિયા સાહેબે પ્રવચન કરતાં કહ્યું હતું કે 'રાજકોટ જિલ્લામાં આજે ૬૩૩ હાઈસ્કૂલ અને ૨૧૮ હાયર સેકન્ડરી સ્કૂલ છે. એમાં સ્વામીશ્રીના આશીર્વાદથી વિજ્ઞાન પ્રવાહમાં આ વિદ્યામંદિરના પહેલાં જ વરસે ૯૧„ પરિણામ પ્રાપ્ત થયું છે, એ બદલ હું તેમને અભિનંદન આપું છુ _. આ વિદ્યામંદિરમાં શિક્ષણની સાથે સાથે ધર્મપરાયણતાને પણ મહત્ત્વ અપાય છે. એના પરિણામે નિષ્ઠા અને પ્રામાણિકતાથી ધબકતા નાગરિક દેશને મળી રહે છે. અહીં વિદ્યા અને જીવનવિકાસ માટે સૌ પ્રયત્નશીલ છે. આ રાષ્ટ્રમાં પ્રમુખસ્વામી એવા પુરુષ છે, જે પ્રભુપરાયણ રહીને રાહ ભૂલેલાઓને ભગવાનના સમીપે જોડે છે અને આપણી આંગળી પકડીને ભગવાન સુધી લઈ જાય છે. ગમે એટલું આગળ વધીએ પણ જીવનમાં ભગવાનનું સ્થાન વિશેષ છે. આ વાત તેઓ આપણને શીખવે છે.'
દેશના ઉજ્જ્વળ ભવિષ્ય અને સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું હતું કે 'પૂજ્ય યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે અહીં સ્કૂલ થાય, છાત્રાલય થાય ને એમાં છોકરાઓ સારામાં સારો અભ્યાસ કરે. સાથે સાથે સારા સંસ્કાર મળે એવા વિચારથી સ્કૂલ અને છાત્રાલયની સ્થાપના કરવામાં આવી છે, કારણ કે (અક્ષર)દેરી પ્રતાપી છે, આ દેરીમાં ધર્મને માટે, સંસ્કારને માટે, દેશમાં શાંતિ થાય, લોકો સુખી રહે એવા અનેક સંકલ્પો કર્યા છે. વિદ્યાક્ષેત્રમાં પણ વિદ્યાર્થી સારામાં સારું ભણી, ભગવાનની ભક્તિ કરી, દેશની, સમાજની સેવા કરી આત્મકલ્યાણ કરે એવા એમના સંકલ્પો હતા ને આજે એમના સંકલ્પો પૂર્ણ થઈ રહ્યા છે.'
ધોરણ-૧૨માના વિજ્ઞાન તથા વાણિજ્ય પ્રવાહમાં ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ તેમજ ધોરણ-૧૦માના ગોંડલ, સારંગપુર તથા ભાદરા વિદ્યામંદિરના ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓનું સન્માન સ્વામીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વિશેષ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરી સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે નિવૃત્ત થતા શિક્ષક અને કાર્યવાહક આચાર્ય ડાહ્યાભાઈ પટેલને સ્વામીશ્રીએ આશીર્વાદ પાઠવ્યા હતા અને નવા નિમાયેલ આચાર્ય ઉકાણી સાહેબનું સન્માન કરીને આશીર્વાદ આપ્યા હતા.
સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ગોંડલવાસીઓએ તા. ૧૭-૬-૨૦૦૫ના રોજ 'શ્રીજીમહારાજ અંતર્ધાન દિન' ઊજવ્યો હતો. ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઊજવાયેલા આ પ્રસંગે સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપતાં કહ્યું હતું કે 'ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા એ આજનો દિવસ. ભગવાન પોતાનું કાર્ય કરવા આવ્યા હતા એ પૂરું થયું એટલે સ્વધામમાં પધારી ગયા. કેટલીક વખત આપણને થાય કે મહારાજ જતા રહ્યા, પણ મહારાજે કહ્યું, 'હું અહીં એ ધર્મ સ્થાપન કરવા આવ્યો છુ _.' ને એવા ગુણાતીત સંત, એકાંતિક સંત દ્વારા પૃથ્વી પર કાયમ માટે પ્રગટપણું રહે એ માટેનું પણ કાર્ય હતું. ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ આ ચાર જેની અંદર દૃઢ હોય એ એકાંતિક. એવા એકાંતિક સંત દ્વારા મહારાજે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું છે. આજના દિવસે મહારાજ ગઢડા ધામમાં ગયા , પણ આપણા માટે ગયા નથી. આપણા માટે મહારાજ છે છે ને છે જ. ઉપાસનાની વાતમાં આ વાત સમજવાની છે.
ભગવાન પ્રગટ છે છે ને છે જ.
ભગવાન સત્પુરુષ દ્વારા દર્શન આપે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એને પુષ્ટ કરનાર સત્પુરુષ છે. એ સત્પુરુષે એ એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો છે. શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજને એ ધર્મ સિદ્ધ હતો તો આવું મોટું કાર્ય થયું છે. એટલે ભગવાન એવા એકાંતિક સંત દ્વારા છે જ. ભાગવત ધર્મનું પોષણ અને મોક્ષનું દ્વાર એમના થકી થાય છે. એવા સત્પુરુષને વિષે આત્મબુદ્ધિ એ જ આત્મક્લ્યાણનું સાધન. દૃઢ પ્રીતિ, પોલંપોલી નહીં. ગમે તે વાત કરે, ગમે તે ચરિત્ર કરે પણ એ ગુણાતીત સંત છે, એમાં કોઈ દોષ નથી, એવી આત્મબુદ્ધિ. સત્પુરુષમાં આત્મબુદ્ધિથી સાક્ષાત્‌ ભગવાનનાં દર્શનની વાત શ્રીજીમહારાજે કરી છે.
આવા પુરુષ મળ્યા છે એમાં ભગવાન રહ્યા છે. એમ માનીને ભગવાનના આનંદમાં રહેવું. એ આનંદ દૃઢ થાય, ભગવાનનો નિશ્ચય દૃઢ થાય એ જ પ્રાર્થના.'
તા. ૧૮-૬-૨૦૦૫ના રોજ બપોરે ૨૬૬ જેટલી મુલાકાત દરમ્યાન રામોદમાં બંધાનારા મંદિરની ખાતવિધિ કરીને સ્વામીશ્રીએ એક વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
તા. ૧૯ જૂનના રોજ રાજકોટથી કાંતિભાઈ (એડીકો), ગોવિંદભાઈ ખૂંટ તથા ૫૫ જેટલા ઉદ્યોગપતિઓ ને યુવકો સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પદયાત્રા કરીને અહીંયાં આવી પહોંચ્યા હતા. સૌનો ભક્તિભાવ જોઈ રાજી થયેલા સ્વામીશ્રીએ હેતભર્યાં આશીર્વચનો પાઠવતાં કહ્યું હતું કે 'તીર્થયાત્રા ચાલીને કરીએ તો ડગલે ડગલે આશ્વમેધ યજ્ઞનું ફળ કહ્યું છે. તમારે તો અનેક અશ્વમેધ થઈ ગયા.'
આ દિવસની સાંજની સભામાં વિવેકસાગર સ્વામીની પારાયણના નિરૂપણ બાદ સ્વામીશ્રી સમક્ષ ગોંડલમાં વસતા સીદીભાઈઓએ આફ્રિકન શૈલીનું નૃત્ય રજૂ કર્યું હતું.
સ્વામીશ્રી તા. ૧૩ જૂનના રોજ ગોંડલના આંગણે પધાર્યા હતા ને તા. ૨૦ જૂનના દિવસે રાજકોટ તરફ પ્રયાણ કર્યું હતું. આ સપ્તાહ દરમ્યાન ગોંડલવાસીઓ સ્વામીશ્રીનાં દિવ્ય સાંનિધ્ય, તેઓશ્રીની દિવ્યવાણી ને પ્રેમભર્યાં આશીર્વચનોથી ધન્ય ધન્ય થઈ ગયા હતા.