Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બોચાસણમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે દર્શનાર્થે ઊમટેલા ભક્તો પર અમૃત-આશિષ વરસાવતા સ્વામીશ્રી

તા. ૨૧ જુલાઈ, ૨૦૦૫ના રોજ તીર્થધામ બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ પ્રગટ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં દબદબાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ગુરુપૂર્ણિમા નિમિત્તે પોતાના પ્રાણપ્યારા ગુરુવર્ય સ્વામીશ્રીનાં ચરણોમાં હૃદયાંજલિ અર્પણ કરવા માટે ભક્ત-મહેરામણ ઊમટી પડ્યો હતો. બોચાસણ વિદ્યામંદિરના પ્રાંગણમાં તૈયાર કરાયેલા મંચની સામેના ૮૦,૦૦૦ ચો.ફૂટના સભામંડપમાં હરિભક્તો, ભાવિકો, મુમુક્ષુઓ સમાતા નહોતા. હજારો હરિભક્તો મંડપની બહાર ઊભા હતા તો કેટલાક રોડ પર. મંદિરનું પરિસર પણ હકડેઠઠ ભરાયેલું હતું.
નિત્ય ગુરુભક્તિમય રહેતા સ્વામીશ્રી પણ આજે સવિશેષ ગુરુસ્મૃતિમાં ગરકાવ હતા. સવારે સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કર્યાં બાદ શાસ્ત્રીજી મહારાજના ઓરડે પધાર્યા ત્યારે સંતો સાથે વાતો કરવા સ્વામીશ્રી ગુરુહરિની દિવ્ય સ્મૃતિમાં સરી પડ્યા હતા.
ગુરુભક્તિ અદા કરવા માટે કેટલાક હરિભક્તો દૂર દૂરથી પદયાત્રા અને સાઇકલયાત્રા કરીને આવ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજ કરુણા વરસાવતાં વરસાવતાં જ્યારે મંચ પર પધાર્યા, ત્યારે તેમનાં દર્શન કરતાં સૌ કોઈએ અનન્ય દિવ્યતાનો અનુભવ કર્યો હતો.
મંચ પર ઉપસ્થિત સંતોએ સ્વામીશ્રીની દિવ્યતાનો મહિમા વર્ણવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ભાદરણ મતક્ષેત્રના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં સેવાકાર્યોની વાત કરતાં જણાવ્યું હતું કે 'પંદર દિવસ પહેલાં આ વિસ્તારમાં અતિવૃષ્ટિનો આતંક મચ્યો હતો. એ વખતે આપે અમારી ચિંતા કરી હતી. આ અતિવૃષ્ટિમાં આપના સંતો તથા હરિભક્તોએ જે સેવા કરી છે એ સેવા કોઈ સરકાર ન કરી શકે. જ્યાં કોઈ ન પહોંચી શકે, ત્યાં સંતો અને હરિભક્તો પહોંચ્યા છે. સો વર્ષના ઇતિહાસમાં પહેલી જ વખત આવી પરિસ્થિતિ સર્જાઈ છે. બાકી આ વિસ્તાર સમગ્ર ગુજરાતને હંમેશાં મદદ કરતો આવ્યો છે. પૂરની પરિસ્થિતિમાં આપના સંતો ગામડે ગામડે પહોંચ્યા, નાવમાં બેસીને હજારોને બચાવ્યા અને ગરમ ભોજન પણ પીરસ્યું. મારી દૃષ્ટિએ આથી વિશેષ કાંઈ ન હોઈ શકે.'
આ પ્રસંગે કેટલાંક પ્રકાશનોનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રીના મહિમાગાનની કૅસેટ 'પ્રમુખવંદના'નું ઉદ્‌ઘાટન અક્ષરેશ સ્વામીએ મહંત સ્વામીના હસ્તે કરાવ્યું. 'શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અવતાર-અવતારી નિરૂપણ' એ પુસ્તકનું ઉદ્‌ઘાટન લેખક શ્રુતિપ્રકાશ સ્વામીએ સ્વામીશ્રીના હસ્તે કરાવ્યું. 'સ્વભાવવશ સંસાર' વિવેકસાગર સ્વામી લિખિત આ પુસ્તકનું ઉદ્‌ઘાટન આદર્શજીવન સ્વામીએ સ્વામીશ્રીના હસ્તે કરાવ્યું. એ જ રીતે મુકુંદચરણ સ્વામીએ અંગ્રેજી પુસ્તક ‘Rishis, Mystics and Heroes of India’નું ઉદ્‌ઘાટન સ્વામીશ્રીના હસ્તે કરાવ્યું. ‘Bhagwan Swaminarayan An Introduction' એ અંગ્રેજી પુસ્તિકાનું ઉદ્‌ઘાટન વિવેકજીવન સ્વામીએ કરાવ્યું હતું.
સભામાં ઉપસ્થિત ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ, ધારાસભ્ય અંબાલાલભાઈ રોહિત, કૉંગ્રેસના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા, પૂર્વમંત્રી શ્રી શક્તિસિંહ ગોહિલ, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહિડાએ સ્વામીશ્રીનાં ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સૌ હરિભક્તોએ મંત્રપુષ્પાંજલિ દ્વારા ગુરુહરિનું પૂજન કર્યા બાદ 'ચલો ચલેં હમ અક્ષરધામ' ગીતના આધારે યુવકો તથા કિશોરોએ નૃત્ય રજૂ કર્યું હતું.
સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, 'આજે ગુરુપૂર્ણિમા ઉત્સવે ભારતમાં ગુરુપૂજન ને ગુરુવંદના કરવામાં આવે છે. વેદકાળથી આ પ્રાર્થનાઓ ચાલે છે. જે જે કાર્ય કરવું છે તેમાં ભગવાનની કૃપા ને ગુરુના આશીર્વાદ જરૂરી છે. આપણને ભગવાનનું યથાર્થ સ્વરૂપ ગુણાતીત સંત સમજાવે છે. વચનામૃતમાં ભગવાને લખ્યું કે એવા સંતને પોતે અક્ષરધામમાંથી લઈને આવ્યા છે, સાથે અનેક મુક્તોને ને ઐશ્વર્ય લઈને આવ્યા છે. ભગવાનના જે બધા જ દિવ્યગુણો એ ગુણાતીતમાં રહેલા હોય ને બધાની પાસે આવે એને એ દિવ્ય ગુણો કેમ મળે ને આસુરીભાવ દૂર થાય એવું કરે.
બ્રહ્મનિષ્ઠ સંતનો સંગ કરીએ તો આસુરીભાવ ટળે છે ને ભગવાનના તત્ત્વને પમાય છે. એવા સદ્‌ગુરુ પાસે જઈને, મનનું મૂકીને, સ્વભાવ મૂકીને, એમની આજ્ઞામાં રહીને સાધના કરવાની છે. સત્પુરુષની જેટલી આજ્ઞા પાળો એટલા બ્રહ્મરૂપ. ભગવાન થકી જ બધું થાય છે, એમ દૃઢ સમજવું એ મોટામાં મોટી સાધના છે. ભગવાનનું સ્વરૂપ સમજ્યા પછી કાંઈ કરવાનું રહેતું નથી. સર્વે સુખી થાય એ જ પ્રાર્થના.'
ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ મંડળો અને હરિભક્તો દ્વારા અનન્ય ભક્તિભાવપૂર્વક તૈયાર કરવામાં આવેલા વિવિધ હારની અંજલિ વડીલ સંતોએ સ્વામીશ્રીનાં ચરણોમાં અર્પણ કરી હતી.
તા. ૨૦ જુ લાઈ, ૨૦૦૫ના રોજ સવારે સ્વામીશ્રીએ પ્રસાદીરૂપ જગરૂપ બારોટની ડેલીનાં દર્શન કર્યાં હતાં. ભગવાન સ્વામિનારાયણ જ્યાં વિચર્યા હતા એવા આ પ્રાસાદિક સ્થાનને દર્શન કરતાં સ્વામીશ્રીએ પરદેશના બાળકો-કિશોરોને શાસ્ત્રીજી મહારાજની પ્રાસાદિક વસ્તુઓનો મહિમા કહીને સૌને અનન્ય સ્મૃતિ આપી હતી.
તા. ૨૩ જુલાઈ, ૨૦૦૫ના રોજ, સ્વામીશ્રીના હસ્તે પૂર્વે પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓની વેસ્ટ વર્જિનીયા બીચ(યુ.એસ.એ.) ખાતે નૂતન હરિમંદિરમાં સ્થાપના સ્થાપના થવાની હતી. અ.નિ. નારાયણભાઈની મોટેલમાં તૈયાર થયેલા આ હરિમંદિરમાં મૂર્તિસ્થાપનાના પ્રસંગે ઉપસ્થિત હરિભક્તસમુદાયને સ્વામીશ્રીએ ફોન દ્વારા આશીર્વાદ આપ્યા હતા.
આજે ડાકોરથી કાઠિયાખાખ ચોકના મહંત કમલદાસજી તથા ડાકોરની જગ્યા સંસ્થાને અર્પણ કરનાર દ્વારકાદાસજી વગેરે સ્વામીશ્રીને મળ્યા હતા. સ્વામીશ્રીએ હાર પહેરાવીને, શાલ અર્પણ કરીને એ સૌનું યથાયોગ્ય સન્માન કર્યું અને દક્ષિણા અપાવી હતી. સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે રાજસ્થાનમાં તેઓના ગુરુ નારાયણદાસજી મહારાજ સંસ્કૃત યુનિવર્સિટી બાંધી રહ્યા છે. સ્વામીશ્રીએ તેઓની આ કાર્યવાહીથી રાજી થઈને કહ્યું કે 'આપણા જૂના વારસાની આટલી બધી ચિંતા છે અને ભગવાનમાં વિશ્વાસ છે કે આ યુનિવર્સિટીમાં ભણાવનારા પણ મળી રહેશે એ જાણીને બહુ જ આનંદ થયો. શ્રદ્ધા અને વિશ્વાસ છે એટલે ભગવાન કામ કરશે જ.'

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |