Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રાજધાની દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામના ગગનચુંબી ઘુમ્મટો પર વેદોક્તવિધિપૂર્વર્ક સ્વર્ણમંડિત કળશ-ધજાનું આરોહણ...

...અને આખરે એ ધન્ય ઘડી આવી પહોંચી. અષાઢ સુદ ૧૦ ને રવિવારના પ્રાતઃકાળે સૂર્યનાં કિરણોની સાથે, યમુના નદીના કાંઠે દિવ્ય આનંદ રેલાઈ રહ્યો હતો. સ્વામીશ્રીના મુખ પર ઉમંગ વર્તાઈ રહ્યો હતો, હૈયું થનગનાટ કરી રહ્યું હતું. 'અક્ષરધામને દ્વાર નોબત વાગે રે લોલ...' કીર્તનના તાલે સૌ કોઈ નૃત્ય કરી રહ્યા હતા. ગુરુવર્યની પ્રતિમા સમક્ષ કૃતજ્ઞભાવે દર્શન કરતાં કરતાં સ્વામીશ્રીના હૃદયનો ઉમંગ નૃત્ય દ્વારા પ્રગટ થવા લાગ્યો, ત્યારે વાતાવરણ સ્વયં ધન્યતા અનુભવી રહ્યું હતું.
૧૭ જુલાઈ, ૨૦૦૫નો એ દિવસ એટલે આજે અક્ષરધામના કલામંડિત ચાર ઘુમ્મટો પર સુવર્ણકળશનું સ્થાપન થવાનું હતું. સવારે જ્યારે અક્ષરધામ સ્મારક આગળ પધાર્યા, ત્યારે પુષ્પોના શણગારથી સુશોભિત અક્ષરધામ વિશેષ રીતે દીપી રહ્યું હતું. અક્ષરધામની વિશાળ ઉપપીઠ ઉપર ગોઠવાયેલા સુવર્ણકળશ તરફ દૃષ્ટિ કરતાં કરતાં સ્વામીશ્રીએ મુખ્ય રૂપચોકીમાંથી પ્રવેશ કર્યો. સ્તંભપંક્તિઓ પુષ્પ વડે સજાવવામાં આવી હતી. આજે એક સાથે બે માંગલિક અવસરો સમાંતર યોજાઈ ગયા હતા. અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણની ૧૧ ફૂટ ઊંચી પંચધાતુની મનમોહક મૂર્તિ આજે અક્ષરધામના મધ્યમાં આસનસ્થ થવાની હતી. આ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણની આ અદ્‌ભુત મૂર્તિ જ્યાં બિરાજમાન થવાની હતી તે પીંડિકાપીઠનો વેદોક્ત પૂજનવિધિ યોજાયો હતો.
અક્ષરધામની મુખ્યપીઠ પર મંગલમય વિધિ ચાલી રહ્યો હતો. શ્રુતિપ્રકાશ સ્વામી વિધિ કરાવી રહ્યા હતા. ૮.૩૦ વાગ્યાથી વિધિનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. સ્વામીશ્રીએ પુણ્યાહવાચન કર્યા બાદ પીંડિકાધિવાસનનો વિધિ શરૂ થયો, પંચાંગન્યાસ થયો. દિશાઓનાં નામ સાથે દિગ્‌રક્ષણમ્‌ના મંત્રો બોલાયા અને પીંડિકાધિવાસનના મંત્રોનું ઉચ્ચ સ્વરે ગાન થયું. મુખ્ય ગર્તમાં મુકાનારા સુવર્ણના સ્વામિનારાયણ યંત્ર, કૂર્મ તથા અનંતનું આવાહન તથા પ્રતિષ્ઠા-પૂજન સ્વામીશ્રીના હસ્તે કરવામાં આવ્યું.
વેદોક્તવિધિપૂર્વક સંપન્ન થયેલા પીંડિકાધિવાસનના આ વિધિ બાદ સ્વામીશ્રીએ વારાફરતી મુખ્ય મુખ્ય હરિભક્તોને બોલાવ્યા અને મુખ્ય ગર્તમાં અક્ષતનો અભિષેક કરાવ્યો.
પીંડિકાપીઠના પૂજનની સાથે આ અદ્‌ભુત મૂર્તિના વેદોક્ત અભિષેકનો વિધિ પણ યોજવામાં આવ્યો હતો. અભિષેકની તૈયારી થાયએ દરમ્યાન, અક્ષરધામના ગગનચુંબી ઘુમ્મટો પર સ્થાપિત થનારા મહાકાય સ્વર્ણમંડિત કળશ પર અભિષેકવિધિ સ્મારકની બહાર રાખવામાં આવ્યો હતો. મુખ્ય રૂપચોકીમાં ગોઠવાયેલા દ્વાદશ કળશની બરાબર સામે સ્વામીશ્રીનું આસન રાખવામાં આવ્યું હતું. વિધિપૂર્વક કળશપૂજનનો પ્રારંભ થયો. દ્વાદશ કળશમાં જુદા જુદા સંસ્કારોવાળાં ઔષધજળ ભરવામાં આવ્યાં હતાં. વારાફરતી દેવતાઓના સ્થાપન પછી દેવતાઓની પ્રતિષ્ઠા તથા વરુણાવાહન મંત્ર અને કળશાભિમંત્રણમ્‌નો વિધિ પણ થયો. કલશાધિવાસના વિધિ પછી સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરીને આ પ્રત્યેક જળ વડે સ્નાન કરાવ્યું. અધિવાસિત જળ વડે પહેલી જ વખત હરિકૃષ્ણ મહારાજ સ્નાન કરી રહ્યા હતા. આ અધિવાસિત પવિત્ર જળને અન્ય પાત્રમાં ભરી દેવામાં આવ્યું.
એક બાજુ કલશાધિવાસનનો પૂર્વવિધિ ચાલી રહ્યો હતો, ત્યારે બીજી બાજુ સ્મારકમાં ભગવાનની ૧૧.૧ ફૂટ ઊંચી લગભગ અઢી ટનની મૂર્તિ મુખ્ય પીઠ ઉપર ગોઠવાઈ રહી હતી. બરાબર ૧૦-૧૦ વાગે મુખ્ય પીઠ ઉપર ભગવાન વિરાજમાન થયા. સ્વામીશ્રીએ દૃષ્ટિ કરી અને ધૂન કરી.
ત્યારબાદ ઉપપીઠ ઉપર ગોઠવાયેલા કળશ આગળ પધાર્યા. અને સુવર્ણકળશ અભિષેકનો પ્રારંભ થયો.
દૂધનો અભિષેકવિધિ તથા દ્વાદશકળશ વડે સ્નાન કરાવાયેલા હરિકૃષ્ણ મહારાજના પવિત્ર જળ વડે અભિષેકનો વિધિ કરવામાં આવ્યો. સ્વામીશ્રીએ સુવર્ણરસિત કળશનું વારાફરતી પૂજન કર્યું અને ત્યારબાદ કેસર મિશ્રિત દૂધ વડે કળશનો અભિષેક કર્યો. વારાફરતી હરિભક્તો અને વડીલ સંતોએ પણ બધા જ કળશો ઉપર અભિષેક કર્યો. આરતી ચાલુ થઈ એ દરમ્યાન આકાશમાંથી ઇન્દ્રે પણ અમી છાંટણાં કરીને કળશનો અભિષેક કરી દીધો. ત્યારબાદ સ્વામીશ્રી વતી ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી વગેરે સંતો તથા મુખ્ય મુખ્ય હરિભક્તોએ શ્રીફળ વધેર્યું ને એ શ્રીફળજળનો કળશ પર અભિષેક કર્યો. ૧૦-૩૦ વાગે કળશપૂજનવિધિ પૂરો થયા પછી સ્વામીશ્રી સ્મારકની અંદર પુનઃ મુખ્ય મૂર્તિ સમક્ષ પધાર્યા અને મુખ્ય મૂર્તિનાં ચરણનું પૂજન કર્યું.
અહીં મૂર્તિનો અભિષેકવિધિ રાખવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ પણ નીચે ઊભા રહીને ખોળા સુધીના ભાગનો અભિષેક કર્યો. ઈશ્વરચરણ સ્વામી અને વિવેકસાગર સ્વામીએ મૂર્તિની પાછળ બાંધેલા મંચ પર ચઢીને વારાફરતી મંત્રોચ્ચારણ સાથે પંચામૃત વડે મૂર્તિનો અભિષેકવિધિ શરૂ કર્યો. મંત્રોચ્ચાર સાથે મહારાજનો સ્નપનવિધિ પૂરો થયા પછી મૂર્તિને હાર પહેરાવવામાં આવ્યો, મોતી ગૂંથેલી નાડાછડી જમણા હાથમાં બાંધવામાં આવી અને હરિકૃષ્ણ મહારાજને મૂર્તિના ખોળામાં પધરાવવામાં આવી. આ વિધિ પછી આજના આ શુભ દિવસ નિમિત્તે વિવિધ સંકલ્પો સાથે ધૂન કરવામાં આવી. ત્યારબાદ હરિભક્તોએ વારાફરતી આવીને મૂર્તિનું પૂજન કર્યું.
પૂજનવિધિ પછી ૧૧-૧૫ વાગે સ્વામીશ્રીએ મૂર્તિની આરતી ઉતારી. આ પ્રસંગે વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું. એ દરમ્યાન આ મૂર્તિકામની સેવામાં જોડાયેલા ભક્તિનંદન સ્વામી તથા શ્રીજીસ્વરૂપ સ્વામીને સ્વામીશ્રીએ નાડાછડી બાંધીને રાજીપો વ્યક્ત કર્યો હતો. છેલ્લે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ અક્ષરધામની જય ચાર વખત બોલાવી અને કહ્યું : 'આજે આપણને બહુ આનંદ થાય છે. ભગવાન સ્વામિનારાયણ છપૈયાથી નીકળ્યા એ તિથિ પણ આજે છે. એમણે સંકલ્પ કરેલો કે વિચરણ કરીને લોકોનું કલ્યાણ કરવું. માટે સંપ્રદાયમાં સંતો કર્યા, મંદિરો કર્યાં, સમૈયા-ઉત્સવ કર્યા, સત્સંગનો વિસ્તાર કર્યો. ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજનું સર્વોપરી સ્વરૂપ સમજાવ્યું. ભગતજી મહારાજે 'મહારાજ પોતાનું રહેવાનું ધામ ગુણાતીત સાથે લાવ્યા છે' એ વાત કરી ને શાસ્ત્રીજી મહારાજે મોટા આચાર્ય, સંતો થકી આ જ્ઞાનની દૃઢતા કરી, મહારાજ પોતાનું ધામ લઈને આવ્યા છે, માટે અક્ષર ને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી બોચાસણમાં પહેલું મંદિર કર્યું, પછી સારંગપુર, ગોંડલ, અટલાદરા ને ગઢપુðરમાં મંદિરો કર્યાં ને અમદાવાદમાં મોટી જગ્યા લીધી હતી. મંદિરો કરીને આ વાત બધાને સમજાવી. પછી જોગી મહારાજે આ વાતનો વિસ્તાર કર્યો. આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવવો છે, દેશ-પરદેશમાં સત્સંગ કરાવવો છે, એવા એમના બહુ મોટા સંકલ્પો હતા. એટલે અક્ષરપુરુષોત્તમ જ્ઞાનનું દરિયાપાર પણ પ્રવર્તન થયું છે. બાળમંડળ, યુવકમંડળ, સત્સંગમંડળ થયાં એમાં આપણો દેશ-પરદેશમાં ખૂબ સત્સંગ તથા પ્રચાર વધ્યો'
ગુરુહરિ યોગીજી મહારાજનું સ્મરણ કરતાં સ્વામીશ્રીએ, દિલ્હીમાં અક્ષરધામ નિર્માણ માટે જમીન મેળવવાથી માંડીને નિર્માણકાર્ય સુધીમાં યોગદાન આપનાર સૌ કોઈને યાદ કરીને, નિર્માણકાર્યના યશના ભાગીદાર બનાવીને આશીર્વચન આપતાં કહ્યું હતું કે 'મહારાજ-સ્વામીના પ્રતાપે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજના સંકલ્પે અને સંતો હરિભક્તોની મહેનતથી આવું સુંદર અને સરસ કામ થઈ ગયું છે. લાભપાંચમનું મુહૂર્ત છે. તમને લાભ, મંદિરને લાભ, કામ કરનારને લાભ, બધાને લાભમ્‌ લાભ થઈ ગયું. જેણે તને-મને-ધને સેવા કરી છે એ બધાને લાભ થશે, એવું મુહૂર્ત કાઢ્યું છે. તો કોઈપણ વિઘ્ન સિવાય ઓપનીંગ સારામાં સારું થાય, લાખો માણસોને પ્રેરણા મળે. 'આ મંદિર ને અક્ષરધામ સારું છે' એટલો ગુણ લેશે, એની વાત કરશે એ બધાનું ભગવાન કલ્યાણ કરશે. મહારાજ-સ્વામીના પ્રતાપે, શાસ્ત્રીજી મહારાજ ને જોગી મહારાજના સંકલ્પે આવી સેવા મળી છે, એ મોટાં ભાગ્ય છે. મહારાજ દરેકને આર્થિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે, શારીરિક રીતે સુખી કરે એ જ પ્રાર્થના.'
સ્વામીશ્રીના આશીર્વાદ બાદ ઈશ્વરચરણ સ્વામી અને આ પ્રસંગે દેશવિદેશથી ઉપસ્થિત રહેલા મુખ્ય મુખ્ય હરિભક્તોએ પીઠિકા ઉપર શ્રીફળ વધેર્યું. આ રીતે મૂર્તિસ્થાપન અને કળશસ્થાપનનો વિધિ સંપન્ન થયો.
આજે મધ્યાહ્ને અભિજિત નક્ષત્રમાં અક્ષરધામના ગગનચુંબી ઘુમ્મટો ઉપર સુવર્ણરસિત કળશ વિરાજમાન થઈ જાય એ સ્વામીશ્રીનો સંકલ્પ હતો. સ્વામીશ્રી વિધિ કરીને જ્યારે બહાર પધાર્યા, ત્યારે મુખ્ય શિખર ઉપર સુવર્ણકળશ સ્થાપિત થઈ ગયા હતા. ગાડીમાં વિરાજીને દૂરથી સ્વામીશ્રીએ કળશના દર્શન કર્યા. સ્મારક ઉપર સુવર્ણકળશ શોભી રહ્યા હતા. કેટલીય વાર સુધી સુવર્ણકળશ તથા ધજાદંડ ઉપર દૃષ્ટિ કરતા સ્વામીશ્રી પ્રસન્ન થતાં બોલી ઊઠ્યાઃ 'જય મહારાજ! વાવટો ફરકી ગયો. જબરજસ્ત કામ થયું! આખી દુનિયામાં ડંકો વાગી ગયો.' સ્વામીશ્રીનાં આ વાક્યોમાં કાર્યની પૂર્ણતાનો સંતોષ લહેરાઈ રહ્યો હતો.
તા. ૧૮ જુ લાઈ, ૨૦૦૫ના રોજ સ્વામીશ્રીએ સંતો સાથે સત્સંગ કર્યો હતો. સાંજે હરિભક્તોને મળી, તેમની સાથે ગોષ્ઠિ કરતાં સ્વામીશ્રીએ સેવાધર્મનું મહત્ત્વ સમજાવી સૌને સેવાકાર્ય કરવાની પ્રેરણા આપી હતી.
તા. ૧૯-૭-૨૦૦૫ના દિવસે સ્વામીશ્રીએ અક્ષરધામ પરિસરમાં નીલકંઠ થિયેટરના આગળના ભાગમાં પ્રસ્થાપિત થનાર ૨૭ ફૂટ ઊંચા નીલકંઠવણીની પંચધાતુની દિવ્ય પ્રતિમાનું પૂજન કર્યું હતું. વણીનાં ચરણારવિંદ પર કંકુના ચાંદલા કરી, પુષ્પો ચઢાવીને સ્વામીશ્રીએ એ દિવ્ય પ્રતિમાના તેજભર્યા મુખારવિંદનાં કેટલીયવાર સુધી ધારી ધારીને દર્શન કર્યાં હતાં.
આમ, ૧૧ દિવસના દિલ્હી રોકાણ દરમ્યાન સ્વામીશ્રીએ અનેક મુમુક્ષુઓના હૃદયોમાં ભક્તિનું સિંચન કયું. રોજ જુદી જુદી સ્કુલોના બાળકો સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં પધારતા, પ્રાર્થનાગાન કરતા. સંત-પ્રવચન સાંભળતા ને સ્વામીશ્રીનો પ્રસાદ પામતા. નિત્ય સાયંકાળે સભા થતી જેમાં પ્રથમ યોગીપ્રેમ સ્વામી 'શ્રીસ્વામિનારાયણ ચરિતમાનસ' પર પારાયણનો લાભ આપતા. ત્યાર પછી વિવેકસાગર સ્વામી જ્ઞાનલાભ આપતા. સ્વામીશ્રીએ જુદા જુદા વિભાગોમાં પધારી સૌને અપાર બળ આપ્યું. પ્રદર્શનોના ખંડોમાં પધારી જરૂરી માર્ગદર્શન આપ્યું. સંતો તથા સર્વ કર્મચારીઓને પ્રેરણા પીયૂષ પાઈ દિલ્હીથી બોચાસણ તરફ પ્રયાણ કર્યું.
દિલ્હીથી અમદાવાદ ઍરપોર્ટ પર ઉતરાણ કરી, સૌને દર્શનલાભ આપીને સ્વામીશ્રી બોચાસણ પધાર્યા હતા. સ્વામીશ્રીના આગમન સાથે ફટાકડાઓના ધૂમ ધડાકાઓથી દિવાળી જેવું વાતાવરણ સર્જાયું હતું. અહીંથી દિલ્હી અક્ષરધામ સુધી જ્યોત લઈ દોડતા જનારા યુવકોએ ગામના પાદરેથી જ્યોત સાથે હરોળ રચી હતી. સ્વામીશ્રીએ સૌ સંતો, બાળકો, યુવકો અને હરિભક્તોને દિવ્ય દર્શનનો લાભ આપ્યો હતો. ગુરુહરિના આગમન નિમિત્તે કેટલાક સંતો અને યુવકોએ વિવિધ વ્રત, તપ કર્યાં હતાં. સ્વામીશ્રીએ સૌને પારણાં કરાવીને અનંત રાજીપો વરસાવ્યો હતો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |