Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

કોલકાતામાં આનંદભેર ઉજવાયો 'સ્વામીશ્રીનો ૮૫મો જન્મજયંતી મહોત્સવ'

તા. ૮મી ડિસેમ્બરનો દિવસ કોલકાતા નગરજનો માટે અનેરો આનંદનો અવસર હતો. પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં હરિભક્તોએ ખૂબ જ ભક્તિભાવ સાથે ૮૫મો જન્મજયંતી મહોત્સવ ઊજવ્યો હતો. વળી, આજ રોજ બપોરે સ્વામીશ્રીના હસ્તે શિખરબદ્ધ મંદિરના પ્રથમ સ્તંભ આરોપણની વિધિ સંપન્ન થઈ હતી.
જન્મજયંતી મહોત્સવ નિમિત્તે સ્વામીશ્રીનું અભિવાદન કરી, તેઓશ્રીના આશીર્વચનનો લાભ પ્રાપ્ત કરવા માટે સવારની સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સવારે સ્વામીશ્રી જ્યારે સભામાં પધાર્યા ત્યારે અહીંના પ્રમુખધ્વનિ બેન્ડ દ્વારા યુવકોએ સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. સભામાં વિવેકસાગર સ્વામી, સિદ્ધેશ્વર સ્વામી તથા ભગવત્‌પ્રિય સ્વામીએ સ્વામીશ્રીની ગુણગાથાઓ ગાઈ.
આજની સભામાં અતિથિવિશેષ તરીકે પ્રસિદ્ધ બિરલા ઉદ્યોગના શ્રી સુદર્શન કે. બીરલા તથા મૈસુર સિમેન્ટના માલિક નંદલાલ હમીરવાસિયા પણ પધાર્યા હતા.
કોલકાતા બાળકિશોર યુવકના પ્રતિનિધિઓએ 'ચાલો ચાલો ને મંદિર બનાવીએ...' એ ગીતના આધારે સુંદર નૃત્ય રજૂ કર્યું હતું. એક બાજુ નૃત્ય થતું હતું અને નૃત્યમાં આવતા શબ્દ પ્રમાણે બનાવેલા મંદિરના વાંસ કે નેતરના ભાગ પણ સ્ટેજની જમણી બાજુ એ ગોઠવાતા જતા હતા. છેલ્લે પી.જે. સ્વામીએ એ મંદિર ઉપર કળશનું સ્થાપન કર્યું હતું. આ પ્રક્રિયાનું ઝીણવટથી નિરીક્ષણ કરતા સ્વામીશ્રી કળશ ચઢાવતી વખતે ખૂબ પ્રસન્ન થતાં કહેઃ 'મંદિર પૂરું થઈ ગયું.'
ડૉક્ટર સ્વામીએ પ્રાસંગિક ઉદ્‌બોધનનો લાભ આપ્યા બાદ સ્વામીશ્રીએ સૌ પર આશીર્વાદની અમીવૃષ્ટિ વરસાવી હતીઃ 'આજે કોલકાતાને આંગણે મંદિરનું કામ શરૂ થયું છે. જોગી મહારાજે અહીં પણ સંકલ્પ કરેલો છે. બધા ભાવિક ભક્તો આ કાર્યમાં ખૂબ ભક્તિભાવ પ્રગટ કરે છે. આ તો આપણી ભક્તિ છે અને ભગવાનને રાજી કરવા માટે છે. જે જે કાર્યો કરીએ એ ભગવાન રાજી થાય એ માટે કરીએ તો એનાથી સુખ પ્રાપ્ત થાય, પણ હું કરું છુ _, મારા માટે કરું છુ _ તો આપણને દુઃખ થાય. ભગવાન સ્વામિનારાયણ પણ વાત કરે છે કે જે જે કાર્ય કરવું, વ્યવહાર, સંસારનાં, ધર્મનાં, સમાજનાં, રાજકીય બીજાં ત્રીજાં- આ કાર્યો કરવાં એ પોતાનાં સુખ માટે નહીં, પોતાના ઉત્કર્ષ માટે નહીં, પોતાની પ્રતિષ્ઠા વધે એના માટે નહીં, પણ ભગવાનને રાજી કરવા માટે. બસ, ભગવાન રાજી થાય એમાં અનંત કોટિ બ્રહ્માંડના જીવો બધા રાજી થઈ જાય છે, કારણ કે એક રાજી તો અનેક રાજી અને અનેકને રાજી કરો, પણ એક (ભગવાન) રાજી ન હોય તો કાંઈ ન થાય.
ભગવાન એક ઉદાર દિલના છે અને દરેકનું કલ્યાણ જ ઇચ્છે છે. ભગવાન અને સંતનું કાર્ય જગતમાં શાંતિ થાય તે માટે જ છે. જે કાર્ય હોય ધર્મનું, રાષ્ટ્રનું, મંદિરો કરવાનું, સમાજનું, સંસ્કૃતિનું કાર્ય હોય પણ એમનો વિચાર એક જ હોય છે- બીજા સુખી થાય. આપણો એક વિચાર હોય છે કે પોતાને લાભ થાય એટલે એમાં અશાંતિ થાય છે. આજે વિજ્ઞાનથી બહુ મોટો લાભ થયો છે. ચંદ્ર પર પહોંચી ગયા. પૃથ્વી પર રસ્તા, મોટા ઉદ્યોગો કર્યા. અહીં બેઠાં અમેરિકાની વાત સંભળાય. બધું નજીક થઈ ગયું છે. જગત નાનું થઈ ગયું છે, પણ એમાં શાંતિ નથી. કાલે શું થશે? એના વિચાર આવે. ગમે એટલા એરકન્ડીશનમાં બેઠા હોય તો પણ હૈયે ગરમી થઈ જાય છે, કારણ કે મુખ્ય વસ્તુને મૂકીને કરીએ છીએ.
જેના થકી શાંતિ છે, જેના થકી વિકાસ છે એ મૂળ વસ્તુને આપણે ભૂલતા જઈએ છીએ કે આજે ભગવાનની શી જરૂર છે? મંદિરોની શી જરૂર છે ? ધર્મની શી જરૂર છે? એવી જાતનું શિક્ષણ છે. એવી જાતનાં ભૌતિક સુખો મૂકી દીધાં છે કે એમાં આપણે રચ્યાંપચ્યાં છીએ, પણ સર્વ સુખના ધામ ભગવાન છે. એમાંથી સુખ બધું આવે છે. શરીરનું સુખ, જગતનું સુખ, વિકાસનું સુખ આવે છે. મૂળ કારણ સમજીશું તો સુખ સરખું આવશે, પણ ભગવાન ભૂલીને કામ થાય છે, એટલે અશાંતિ ને દુઃખ થાય છે. પ્રધાન વસ્તુ ધર્મ છે, ભગવાન છે, આધ્યાત્મિકતા છે. એનું પ્રાધાન્ય રાખીને જેટલું કરશો એટલું તમને સુખ ને શાંતિ પ્રાપ્ત થશે.
બ્રહ્મની દૃષ્ટિથી સુખ-શાંતિ થાય છે. એ વારસો આપણી પાસે છે. કરો બધું પણ એને ભૂલવાનું નહીં. ગમે ત્યાં જાવ, ગમે તેટલી સમૃદ્ધિ મળે એ અનિવાર્ય છે. આજે મંદિરો જરૂરનાં જ છે. આની નીચે માનવસેવા, સમાજસેવાની બધી પ્રવૃત્તિઓ થાય છે. બધી પ્રવૃત્તિઓ ભગવાનને લઈને થાય છે, પણ સમજ્યા નથી એટલે ભણેલાય બોલે છે. એટલે સંસારમાં રહો, બધું જ કરો પણ ભગવાનની દૃષ્ટિ રાખીને.
કોઈનું અહિત ન થાય એ ભાવના રાખશો તો એ પણ મોટી વાત છે. કોઈને તમે કાંઈ ન આપો તો કંઈ નહીં, પણ એને દુઃખી તો ન કરો. બીજાને સુખી કરો તો સુખી થવાશે તો એ ભાવના પણ ભગવાનની દૃષ્ટિથી મળે છે, એવા સંત મળે તો થાય. તો દરેક દૃષ્ટિથી સમાજમાં મંદિરની, ધર્મની જરૂર છે.'
સ્વામીશ્રીના આશીર્વચનો બાદ, સંતો દેશ-વિદેશના હરિભક્તો વતી ભક્તિભાવપૂર્વક બનાવેલા વિવિધ હાર સંતો તથા અગ્રેસરોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા હતા.
આ પ્રાસંગિક સમારોહ બાદ શિખરબદ્ધ મંદિરના પ્રથમ સ્તંભની આરોપણવિધિ યોજાઈ હતી.
આત્મકીર્તિ સ્વામી, દિવ્યમૂર્તિ સ્વામી તથા સંજયભાઈ પરીખે સ્તંભ-આરોપણ માટેની બધી જ વ્યવસ્થા કરાવી દીધી હતી. ક્રેઈન ઉપર સ્તંભ મૂકવામાં આવ્યો હતો. સ્તંભની નીચેના કુંભીના ભાગ ઉપર હરિકૃષ્ણ મહારાજને પધરાવવામાં આવ્યા હતા. સ્વામીશ્રીએ વિધિપૂર્વક સ્તંભનું પૂજન કર્યું. સ્વામીશ્રીની સાથે ડૉક્ટર સ્વામી, વિવેકસાગર સ્વામી, ભગવત્‌પ્રિય સ્વામી પણ પૂજનમાં જોડાયા હતા. એ જ રીતે ગોરધનદાસ જેરામ શેઠ તથા અગ્રણી હરિભક્તો પણ પૂજનવિધિમાં જોડાયા. આરતી પછી કુંભો અને સ્તંભ વચ્ચે સ્વામીશ્રીએ લેલા વડે સિમેન્ટ પૂર્યો ને કાંતિભાઈ અજમેરા, ગોરધનદાસ વગેરે હરિભક્તોને પણ આ વિધિમાં જોડ્યા હતા. છેલ્લે કંપી વડે સ્તંભને નીચે લાવીને જયનાદો સાથે સ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું. આ રીતે અભૂતપૂર્વ જન્મજયંતી મહોત્સવ અને સ્તંભ-આરોપણ વિધિ સમાપ્ત થયો. ભાગ્યશાળી કોલકાતામાં સ્વામીશ્રીની આ પાંચમી જન્મજયંતી હતી.
કોલકાતામાં સ્થાનિક સ્તર પર ઊજવાયેલી આ જન્મજયંતી ઉપરાંત દેશવિદેશમાં હજારો કેન્દ્રોમાં હરિભક્તોએ ઉત્સાહપૂર્વક ગુરુજયંતી ઊજવીને હૃદયપૂર્વક ગુરુ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. ગુજરાતમાં સ્વામીશ્રીના જન્મસ્થાન ચાણસદમાં ૨૦,૦૦૦ હરિભક્તો આજના દિવસે ભેગા થયા હતા. મહંત સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી સહિત ભરુચ તેમજ ખેડા જિલ્લાના ૬૦થી ૭૦ જેટલા સંતોની ઉપસ્થિતિ હતી.
તા. ૯ અને ૧૦ ડિસેમ્બરના રોજ કોલકાતામાં શહેરીજનોએ સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં કથાવાર્તા અને સત્સંગ-કીર્તનનો અનન્ય લાભ પ્રાપ્ત કર્યો હતો. સ્વામીશ્રીએ આશીર્વાદની અમૃતવર્ષા સાથે સૌને આત્મકલ્યાણનો માર્ગ ચીંધ્યો.
તા. ૧૧ ડિસેમ્બરને રવિવારની સાંજે હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં યોજાયેલી જાહેરસભામાં વિવેકસાગર સ્વામીએ હિન્દી પ્રવચન કર્યા પછી જ્ઞાનપુરુષ સ્વામીએ અંગ્રેજીમાં પ્રવચન કર્યું હતું. ત્યારપછી અક્ષય આશિષભાઈ દોશીએ રામેશ્વર વૈષ્ણવ રચિત કાવ્યનું પઠન કર્યું. યોગીચરણ સ્વામીએ 'સંતપરમ હિતકારી....' અને 'રામરસ ઐસો હૈ મેરે ભાઈ....' કીર્તનો ગાયા બાદ સ્વામીશ્રીએ સૌની સુખાકારી માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |